પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિડ-19 નીપરિસ્થિતિ અને રસીકરણ રોલઆઉટ અંગે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીના સમાપન સંબોધનનો મૂળપાઠ
Posted On:
11 JAN 2021 8:02PM by PIB Ahmedabad
કોરોનાની મેઇડ ઇન ઈન્ડિયા રસી અને દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન આ વિષય પર હમણાં આપણી વિસ્તૃત ચર્ચા થઈ છે. પ્રેઝેન્ટેશનમાં પણ ઘણી બધી વસ્તુઓ વિસ્તૃત રીતે જણાવવામાં આવી છે અને આપણાં રાજ્યોના જિલ્લા સ્તરના અધિકારીઓ સુધી ખૂબ વિસ્તાર પૂર્વક તેની ચર્ચા થઈ છે અને આ દરમિયાન કેટલાક રાજ્યો પાસેથી સારા સૂચનો પણ મળ્યા છે. કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે આ સંવાદ અને સહયોગે કોરોના સામે લડાઈમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. એક રીતે સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ, આ આખી લડાઈમાં આપણે લોકોએ રજૂ કર્યું છે.
સાથીઓ,
આજે આપણાં દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ પણ છે. હું તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વર્ષ 1965માં શાસ્ત્રીજીએ વહીવટી સેવાની એક કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ વાત કરી હતી જેનો ઉલ્લેખ હું આજે અહિયાં તમારી સામે કરવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે – “શાસનનો મુખ્ય વિચાર કે જે હું જોઉ છું, તે સમાજને એકસૂત્રે બાંધી રાખવાનો છે કે જેથી કરીને તે વિકાસ પામી શકે અને અમુક ચોક્કસ લક્ષ્ય તરફ આગળ વધી શકે. સરકારનું કાર્ય આ ઉત્ક્રાંતિને, આ પ્રક્રિયાને સુવિધા પૂરી પાડવાનું છે.” મને સંતોષ છે કે કોરોનાના આ સંકટ કાળમાં આપણે સૌએ એકસાથે મળીને કામ કર્યું, જે શિક્ષા લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપી હતી, તેની જ ઉપર ચાલવાનો આપણે સૌએ પ્રયાસ કર્યો અને આ દરમિયાન સંવેદનશીલતા સાથે ત્વરિત નિર્ણયો પણ લેવામાં આવ્યા, જરૂરી સંસાધનો પણ એકઠા કરવામાં આવ્યા, અને દેશની જનતાને સતત આપણે નિરંતર જાગૃત પણ કરતાં રહ્યા અને આજે તેનું જ પરિણામ છે કે ભારતમાં કોરોના ચેપ એટલો નથી અને ના તો એટલો ફેલાયો છે કે જેટલો દુનિયાના અન્ય દેશોમાં આપણે જોયો છે. જેટલી ગભરામણ અને ચિંતા 7-8 મહિના પહેલા દેશવાસીઓમાં હતી, હવે લોકો તેમાંથી બહાર નીકળી ગયા છે. આ સારી સ્થિતિ છે પરંતુ બેદરકાર ના થઈ જઈએ તેની પણ આપણે ચિંતા કરવાની છે. દેશવાસીઓમાં વધતાં વિશ્વાસની અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પણ હકારાત્મક રીતે જોવા મળી રહી છે. હું તમારા રાજ્ય વહીવટી તંત્રની પણ દિવસ રાત લાગેલા રહેવા બદલ પ્રશંસા કરું છું.
સાથીઓ,
હવે આપણો દેશ કોરોના વિરુદ્ધની લડાઈમાં એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. આ તબક્કો છે – રસીકરણનો. જેમ કે અહિયાં ઉલ્લેખ કરવામાં આવ્યો, 16 જાન્યુઆરીથી આપણે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ આપણાં સૌની માટે ગર્વની વાત છે કે જે બે રસીઓને ઇમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવામાં આવ્યું છે તે બંને મેઇડ ઇન ઈન્ડિયા છે. એટલું જ નહિ, 4 અન્ય રસીઓ ઉપર કામ હાલ ચાલી રહ્યું છે. અને આ જે હું લગભગ 60-70 ટકા કામ પહેલા રાઉન્ડમાં થઈ ગયા બાદ બેસવાની ચર્ચા એટલા માટે કરું છું કે તે પછીથી હજી વધારે રસી પણ આવી જશે અને જ્યારે રસી આવી જશે તો આપણને ભવિષ્યનું આયોજન કરવામાં પણ ઘણી મોટી સુવિધા મળી રહેશે અને એટલા માટે બીજો ભાગ જે છે તેમાં આપણે 50થી ઉપરના લોકો માટે જવાના છીએ, ત્યાં સુધી આપણી પાસે કદાચ બીજી વધારે રસીઓ પણ આવવાની સંભાવનાઓ છે.
સાથીઓ,
દેશવાસીઓને એક અસરકારક રસી આપવા માટે આપણાં નિષ્ણાતોએ દરેક પ્રકારની સાવધાની રાખી છે. અને હમણાં વૈજ્ઞાનિક સમુદાય દ્વારા આપણને વિસ્તૃત રીતે જણાવવામાં પણ આવ્યું છે. અને તમને જાણ હશે જ કે હું આ વિષયમાં મારી જ્યારે પણ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઈ, મેં હંમેશા એક જ જવાબ આપ્યો હતો કે આ વિષયમાં આપણે જે પણ નિર્ણય કરવાનો હશે તે વૈજ્ઞાનિક સમુદાય જે કહેશે તે જ આપણે કરીશું. વૈજ્ઞાનિક સમુદાયને જ આપણે અંતિમ સત્તા માનીશું અને આપણે તે રીતે જ ચાલતા રહ્યા છીએ. કેટલાય લોકો કહેતા હતા કે જુઓ, દુનિયામાં રસી આવી ગઈ છે. ભારત શું કરી રહ્યું છે, ભારત સૂઈ રહ્યું છે, આટલા લાખ થઈ ગયા, આટલા થઈ ગયા, આવી પણ બૂમરાણ મચેલી હતી. પરંતુ તેમ છતાં અમારું માનવું હતું કે વૈજ્ઞાનિક સમુદાય એ દેશની માટે જવાબદાર લોકો છે. તેમની તરફથી જ્યારે આવશે ત્યારે જ આપણી માટે પણ સારું રહેશે અને આપણે તે જ દિશામાં ચાલ્યા છીએ. મોટી વાત કે જે હું કહેવા માંગુ છું કે આપણી બંને રસીઓ દુનિયાની અન્ય રસીઓ કરતાં વધુ પોષણક્ષમ છે. આપણે કલ્પના કરી શકીએ છીએ જો ભારતને કોરોના રસીકરણ માટે વિદેશી રસીઓ પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવાનું આવત તો આપણી શું હાલત થવાની હતી, કેટલી મોટી મુસીબત આવી પડત, આપણે તેનો અંદાજો લગાવી શકીએ છીએ. આ રસી ભારતની સ્થિતિઓ અને પરિસ્થિતિઓને જોઈને નિર્માણ કરવામાં આવી છે. ભારતને રસીકરણનો જે અનુભવ છે, જે દૂર-સુદૂરના ક્ષેત્રો સુધી પહોંચવાની વ્યવસ્થાઓ છે, તે કોરોના રસીકરણ કાર્યક્રમમાં ખૂબ ઉપયોગી સિદ્ધ થવાની છે.
સાથીઓ,
આપ સૌ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા કરીને જ એ નક્કી કરવામાં આવ્યું છે કે રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોને પ્રાથમિકતા આપવામાં આવશે. અમારો પ્રયાસ સૌથી પહેલા એવા લોકો સુધી કોરોના રસી પહોંચાડવાનો છે કે જેઓ દેશવાસીઓની સ્વાસ્થ્ય સુરક્ષામાં દિવસ રાત લાગેલા છે. જે આપણાં આરોગ્ય કર્મચારીઓ છે, સરકારી હોય કે પછી ખાનગી, પહેલા તેમને રસી આપવામાં આવશે. તેની સાથે સાથે આપણાં જે સફાઇ કર્મચારીઓ છે, અન્ય આગળની હરોળના કાર્યકરો છે, સૈન્ય દળ છે, પોલીસ અને કેન્દ્રીય દળ છે, હોમ ગાર્ડ્સ છે, આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો સહિત તમામ નાગરિક સુરક્ષા જવાનો છે, કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ સાથે જોડાયેલા રેવન્યુ કર્મચારીઓ છે, એવા સાથીઓને પણ પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવી રહી છે. દેશના જુદા-જુદા રાજ્યોના આરોગ્ય કર્મચારીઓ, આગળની હરોળના કાર્યકરોની સંખ્યા જોઈએ તો તે લગભગ 3 કરોડ થાય છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં આ 3 કરોડ લોકોને રસી આપવા માટે જે ખર્ચ થશે તે રાજ્ય સરકારોએ વહન નથી કરવાનો, પરંતુ ભારત સરકાર તે ખર્ચ વહોરશે.
સાથીઓ,
રસીકરણના બીજા તબક્કામાં આમ તો એક રીતે તે ત્રીજો તબક્કો થઈ જશે પરંતુ જો આપણે આ ત્રણ કરોડને એક માનીએ તો બીજો તબક્કો. 50 વર્ષથી ઉપરના તમામ લોકોને અને 50 વર્ષથી નીચેના તે બીમાર લોકોને કે જેમને ચેપ લગવાનું સૌથી વધુ જોખમ રહેલું છે, તેમને રસી આપવામાં આવશે. આપ સૌ પરિચિત છો કે વિતેલા કેટલાક અઠવાડિયાઓમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને લોજિસ્ટિક સુધીની તમામ તૈયારીઓ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વિચાર વિમર્શ કરીને સતત બેઠકો કરીને મોડ્યુલ બનાવીને તેને પૂરી કરવામાં આવી છે. દેશના લગભગ દરેક જિલ્લામાં ડ્રાય રન પણ પૂરા થઈ ચૂક્યા છે. આટલા મોટા દેશમાં તમામ જિલ્લાઓમાં ડ્રાય રન્સ થઈ જવા એ પણ પોતાનામાં જ આપણી બહુ મોટી ક્ષમતા દર્શાવે છે. આપણી જે નવી તૈયારીઓ છે, જે કોવિડની એસઓપી છે તેમને હવે આપણે આપણાં જૂના અનુભવો સાથે જોડવાની છે. ભારતમાં પહેલેથી જ અનેક વૈશ્વિક રસીકરણ કાર્યક્રમો પહેલેથી ચાલી જ રહ્યા છે, આપણાં લોકો ખૂબ સફળતાપૂર્વક તે કરી પણ રહ્યા છે. મિસલ્સ – રૂબેલા જેવી બીમારીઓ વિરુદ્ધ પણ વ્યાપક કેમ્પેઇન આપણે લોકો ચલાવી ચૂક્યા છીએ. દુનિયાની સૌથી મોટી ચૂંટણી અને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચીને મતદાનની સુવિધા આપવાનો પણ આપણી પાસે ખૂબ જ સરસ અનુભવ રહ્યો છે. તેની માટે જે બુથ સ્તર ઉપરની રણનીતિ આપણે બનાવીએ છીએ, તેને જ આપણે અહિયાં પણ પ્રયોગમાં લાવવાની છે.
સાથીઓ,
આ રસીકરણ અભિયાનમાં સૌથી વધુ મહત્વ તેમની ઓળખ અને મોનીટરીંગનું છે કે જેમને રસી આપવાની છે. તેની માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કો-વિન (Co-WIN) નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. આધારની મદદથી લાભાર્થીઓની ઓળખ પણ કરવામાં આવશે અને તેમને બીજો ડોઝ સમય પર મળી રહે તેની પણ ખાતરી કરવામાં આવશે. મારો આપ સૌને વિશેષ આગ્રહ રહેશે કે રસીકરણ સાથે જોડાયેલ રિયલ ટાઈમ ડેટા કો-વિન (Co-WIN) પર અપલોડ થાય, તે બાબતની આપણે ખાતરી કરવાની છે. તેમાં જરા અમથી પણ ચૂક આ મિશનને નુકસાન પહોંચાડી શકે તેમ છે. કો-વિન (Co-WIN) પહેલી રસી પછી એક ડિજિટલ વેકસીનેશન સર્ટિફિકેટ જનરેટ કરશે. લાભાર્થીને આ પ્રમાણપત્ર રસી આપ્યા પછી ડિજિટલી તાત્કાલિક આપવું જરૂરી છે, કે જેથી તેને પ્રમાણપત્ર લેવા ફરીથી ના આવવું પડે. કોને રસી આપી દેવામાં આવી છે, એ તો આ પ્રમાણપત્ર દ્વારા ખબર પડી જ જશે, સાથે સાથે બીજો ડોઝ તને ક્યારે આપવામાં આવશે તેના રિમાઈન્ડરના રૂપમાં પણ આ કામ કરશે. બીજા ડોઝ પછી ફાઇનલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
સાથીઓ,
ભારત જે કરવા જઈ રહ્યું છે તેને દુનિયાના અનેક દેશો ફરી અનુસરશે, એટલા માટે આપણી જવાબદારી ઘણી વધારે છે. એક બીજું મહત્વનું તથ્ય પણ છે કે જેનું આપણે ધ્યાન રાખવાનું છે. દુનિયાના 50 દેશોમાં 3-4 અઠવાડિયાથી રસીકરણનું કામ ચાલી રહ્યું છે, લગભગ એક મહિનો થયો પરંતુ હજી પણ લગભગ લગભગ અઢી કરોડ લોકોને જ રસી મળી ચૂકી છે આખી દુનિયામાં. તેમની પોતાની તૈયારીઓ છે, તેમનો પોતાનો અનુભવ છે, પોતાનું સામર્થ્ય છે, તેઓ પોતાની રીતે કરી રહ્યા છે. પરંતુ હવે ભારતમાં આવતા કેટલાક મહિનાઓમાં જ લગભગ 30 કરોડ વસ્તીને રસીકરણનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવાનું છે. આ પડકારનું પૂર્વ અનુમાન લગાવતા વિતેલા મહિનાઓમાં ભારતે ઘણી બધી વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. કોરોનાની રસીના લીધે જો કોઈને કઈં અસહજતા થાય છે, તો તેની માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યૂનિવર્સલ ઇમ્યુનીઝેશન પ્રોગ્રામમાં પહેલેથી જ તેની માટે એક વ્યવસ્થા તંત્ર આપણી પાસે રહે છે. કોરોના રસીકરણ માટે તેને હજી વધારે મજબૂત કરવામાં આવ્યું છે.
સાથીઓ,
રસી અને રસીકરણની આ વાતો વચ્ચે આપણે એ પણ યાદ રાખવાનું છે કે કોવિડ સાથે જોડાયેલા જે પણ શિસ્તના પગલાઓ આપણે ભરતા આવ્યા છીએ તેમને આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન પણ એ જ રીતે જાળવી રાખવાના છે. થોડી પણ બેદરકારી નુકસાન કરી શકે તેમ છે અને એટલું જ નહિ જેમને રસી આપવામાં આવે છે તે લોકો પણ ચેપને ફેલાતો અટકાવવા માટે જે સાવધાનીઓ આપણે રાખતા આવ્યા છીએ તેનું બરાબર પાલન કરતાં રહે એ બાબતની પણ ખાતરી કરવી જ પડશે. એક બીજી વાત છે કે જેની ઉપર આપણે ખૂબ ગંભીરતા સાથે કામ કરવાનું છે. દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશને એ બાબતની ખાતરી કરવાની રહેશે કે અફવાઓ પર, રસી સાથે જોડાયેલ દૂષ્પ્રચારને કોઈપણ પ્રકારની હવા ના મળે. જો અને તો ઉપર વાત ના થવી જોઈએ. દેશ અને દુનિયાના અનેક સ્વાર્થી તત્વો આપણાં આ અભિયાનમાં અડચણ નાખવાનો પ્રયાસ કરી શકે તેમ છે. કોર્પોરેટ સ્પર્ધા પણ આમાં આવી શકે તેમ છે, રાષ્ટ્રના ગૌરવના નામે પણ આવી શકે તેમ છે. ઘણી બધી વસ્તુઓ થઈ શકે તેમ છે. આવા દરેક પ્રયાસને દેશના પ્રત્યેક નાગરિક સુધી સાચી જાણકારી પહોંચાડીને આપણે નિષ્ફળ કરવાનો છે. તેની માટે આપણે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, એનવાયકે, એનએસએસ, સ્વ સહાય જૂથો, વ્યાવસાયિક એકમો, રોટરી લાયન્સ ક્લબસ અને રેડ ક્રોસ જેવી સંસ્થાઓ આમને આપણે આપણી સાથે જોડવાની છે. જે આપણી રોજબરોજની સ્વાસ્થ્ય સેવાઓ છે, જે બીજા રસીકરણ અભિયાનો છે તે પણ યોગ્ય રીતે ચાલતા રહે, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે અમને ખબર છે કે આપણે 16 તારીખે શરૂ કરી રહ્યા છીએ પરંતુ આપણે 17ના રોજ પણ રૂટિન વેક્સિનની પણ તારીખ છે તો એટલા માટે આપણી જે રૂટિન વેક્સિનનું કામ ચાલી રહ્યું છે તેને પણ કઈં નુકસાન ના થવું જોઈએ.
અંતમાં એક બીજા ગંભીર વિષય બાબતે હું તમારી સાથે જરૂરથી વાત કરવા માંગુ છું. દેશના 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. આ રાજ્યો છે – કેરળ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર. બર્ડ ફ્લૂ સામે લડવા માટે પશુ પાલન મંત્રાલય દ્વારા કાર્ય યોજના બનાવવામાં આવી છે જેનું તત્પરતા સાથે પાલન કરવું અતિ આવશ્યક છે. તેમાં જિલ્લા મેજિસ્ટ્રેટની પણ મોટી ભૂમિકા છે. મારો આગ્રહ છે કે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથીઓ પણ મુખ્ય સચિવોના માધ્યમથી તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું માર્ગદર્શન કરે. જે રાજ્યોમાં હજુ બર્ડ ફ્લૂ નથી પહોંચ્યો, ત્યાંની રાજ્ય સરકારોએ પણ સંપૂર્ણ રૂપે સતર્ક રહેવું પડશે. આપણે, તમામ રાજ્યો-સ્થાનિક વહીવટી તંત્રોએ જળ સ્થાનોની આસપાસ, પક્ષી બજારોમાં, પ્રાણી સંગ્રહાલયોમાં, મરઘાં ઉછેર કેન્દ્રોમાં વગેરે પર સતત નજર રાખવાની છે કે જેથી પક્ષીઓના બીમાર થવાની જાણકારી પ્રાથમિકતાના સ્તરે મળતી રહે. બર્ડ ફ્લૂની તપાસ માટે જે લેબોરેટરીઓ છે, ત્યાં સમયસર નમૂના મોકલી આપવાથી યોગ્ય સ્થિતિની ટૂંક સમયમાં જાણકારી મળી જશે અને સ્થાનિક વહીવટી વ્યવસ્થા પણ એટલી જ ઝડપથી કાર્યવાહી કરી શકશે. વન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, પશુ પાલન વિભાગની વચ્ચે જેટલું વધારે સંકલન હશે, તેટલી ઝડપથી આપણે બર્ડ ફ્લૂના નિયંત્રણ કરવામાં સફળ બની શકીશું. બર્ડ ફ્લૂને લઈને લોકોમાં અફવાઓ ના ફેલાય, તેને પણ આપણે જોવાનું છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણાં સાથે મળીને કરેલ પ્રયાસો, દરેક પડકારમાંથી દેશને બહાર કાઢશે.
હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને 60 ટકા કામ થયા પછી આપણે ફરી એકવાર બેસીને સમીક્ષા કરીશું. તે વખતે જરા વિસ્તૃત રીતે પણ વાત કરીશું અને ત્યાં સુધી જો અમુક નવી રસીઓ આવી જાય તો તેને પણ આપણે ધ્યાનમાં લઈને આગળની આપણી વ્યૂહરચના તૈયાર કરીશું.
ખૂબ ખૂબ આભાર આપ સૌનો.
SD/GP/BT
(Release ID: 1687888)
Visitor Counter : 2918
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam