કાપડ મંત્રાલય

વર્ષાંત સમીક્ષા 2020: કાપડ મંત્રાલય


પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) બનાવતા 1100 ઉત્પાદકોએ દૈનિક 4.5 લાખ યુનિટ્સનું સૌથી વધુ ઉત્પાદન કરીને રૂા. 7000 કરોડનો નવો ઉદ્યોગ વિકસાવ્યો અને વિશ્વભરમાં ભારત, બીજો સૌથી મોટો પીપીઈ ઉત્પાદક દેશ બન્યો

રૂા. 1480 કરોડના કુલ ખર્ચ સાથે નેશનલ ટેકનિકલ ટેક્સ્ટાઈલ્સ મિશનને મંજૂરી મળી

પીટીએ અને એક્રિલિક ફાઈબર ઉપરની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી હટાવી લેવાઈ

ભારતીય કપાસ માટે બ્રાન્ડ નેઇમ અને લોગો લૉન્ચ કરાયાં, બ્રાન્ડ નેઇમ રખાયું “કસ્તુરી કોટન ઈન્ડિયા”

હેન્ડલૂમ વણકરો / કારીગરો / ઉત્પાદકોને વધુ મોટું બજાર ઉપલબ્ધ બનાવવા ગવર્નમેન્ટ ઇ માર્કેટ પ્લેસ (GeM) શરૂ કરાયું

હસ્તકલા અને હાથબનાવટનાં રમકડાંનાં ઉત્પાદનો સહિતના ભારતીય રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો; 27મી ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ, 2021 દરમિયાન નેશનલ ટોય ફેર (રાષ્ટ્રીય રમકડાં મેળો) યોજવાનું આયોજન

Posted On: 30 DEC 2020 6:08PM by PIB Ahmedabad

આપણા દેશમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગ, વિશ્વમાં ટેક્સ્ટાઈલ્સ અને એપરલ્સનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર છે. દેશની વેપાર સંબંધી નિકાસમાં તેનો હિસ્સો 12 ટકા છે તેમજ કૃષિ બાદ તે બીજો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે. ટેક્સ્ટાઈલ્સ મંત્રાલયે વર્ષ 2020માં ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં ભારતનો વિકાસ વેગ પકડે તે માટે વિવિધ મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં હતાં, જે નીચે મુજબ છે:

 

હેન્ડલૂમ્સ ક્ષેત્ર:

 

હેન્ડલૂમ વણકરો / કારીગરો / ઉત્પાદકોને વધુ મોટું બજાર ઉપલબ્ધ બને તે માટે ગવર્નમેન્ટ -માર્કેટ પ્લેસ (GeM) સાથે વણકરો / કારીગરોને જોડવા માટે પગલાં લેવામાં આવ્યાં, જેથી તેઓ પોતાનાં ઉત્પાદનો સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓને બારોબાર વેચી શકે. અત્યાર સુધીમાં GeM વેબ પોર્ટલ ઉપર 1.75 વણકરો અને કારીગરો જોડાયા છે.

  1. સરકાર દ્વારા સાતમી ઑગસ્ટ, 2020ના રોજ છઠ્ઠા નેશનલ હેન્ડલૂમ ડેના દિવસે ભારતની હેન્ડલૂમ ક્ષેત્રની વિરાસતને પ્રોત્સાહન આપવા તેમજ વણકર સમુદાયને લોકોનો ટેકો સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકોની ભાગીદારીમાં #Vocal 4 handmade (હેશટેગ વોકલ ફોર હેન્ડમેડ) નામે સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કરાયું.
  2. કોવિડ-19 મહામારીને પગલે આવેલા અવરોધો દૂર કરવા માટે હેન્ડલૂમ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે 7,10 અને 11 ઑગસ્ટ, 2020ના રોજ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ સોર્સિંગ ફેરનું આયોજન કર્યું હતું, જેમાં દેશના વિવિધ પ્રદેશોમાંથી 200 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિશિષ્ટ ડિઝાઈન્સ અને કૌશલ્ય ધરાવતાં પોતાનાં ઉત્પાદનો રજૂ કર્યાં હતાં. તેમાં દેશભરના વિવિધ ખૂણેથી હેન્ડલૂમ વણકરો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે વર્ચ્યુઅલી જોડવામાં આવ્યા હતા.

હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર :

 

સોશિયલ મીડિયા કેમ્પેઇન: 9મી નવેમ્બર, 2020ના રોજ  માનનીય ટેક્સ્ટાઈલ્સ મંત્રી દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કરાયું અને દિવાળીના તહેવારોની સિઝનમાં સ્થાનિક હસ્તકળા તેમજ હાથબનાવટનાં ઉત્પાદનો ખરીદવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રિય મંત્રીઓ, મંત્રાલયો, ભારત સરકારના વિવિધ વિભાગો, મુખ્ય પ્રધાનો, સાંસદો તેમજ અન્ય અગ્રણીઓ કેન્પેઇન સાથે જોડાયા. હસ્તકળા ઉત્પાદનોનાં વેચાણ ઉપર કેમ્પેઇનની અત્યંત સકારાત્મક અસર જોવા મળી અને કારીગરોને તેનો સીધો લાભ મળ્યો.

ભારતીય રમકડાંને પ્રોત્સાહન: મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને દરેક વ્યક્તિએ રમકડાં માટે ભેગાં મળીને કામ કરવું જોઈએ, જેથી હસ્તકળા અને હાથબનાવટનાં રમકડાંનાં ઉત્પાદનો સહિતના ભારતીય રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકાય. ભારતીય રમકડાં કથા (ઈન્ડિયન ટોય સ્ટોરી) માટે ભારત સરકારનાં 14 મંત્રાલયો અને વિભાગોના સહયોગ સાથે નેશનલ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો. નક્કી કરાયેલાં 13 જેટલાં હેન્ડીક્રાફ્ટ્સ ટોય ક્લસ્ટર્સમાં રમકડાં ઉદ્યોગના એકંદર વિકાસ માટે જરૂરિયાત-આધારિત દરમિયાનગીરીને મંજૂરી અપાઈ અને 27મી ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ, 2021 દરમિયાન નેશનલ ટોય ફેર યોજવાનું પ્રસ્તાવિત છે.

 

રેશમ :

 

રેશમ ઉદ્યોગના વિકાસ માટેની સંકલિત યોજનાસિલ્કસમાગ્રાહેઠળ વર્ષ 2019-20 દરમિયાન એક ટેકનોલોજી માટે પેટન્ટ મેળવવામાં આવી, 58 રિસર્ચ પ્રોજેક્ટો સંપન્ન થયાં, 51 ટેકનોલોજી પેકેજો વિસ્તારવામાં આવ્યા અને 13,498 લોકોને રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ ઓફ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (સીએસબી) દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો હેઠળ તાલીમ અપાઈ હતી.

 

શણ :

  1. જ્યુટ કમિશ્નરની કચેરી નેશનલ ફૂડ સેફ્ટી મિશન હેઠળ સપ્લાય કરવા માટેનું અનાજ ખરીદવા માટે વિવિધ રાજ્ય સરકારો તેમજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ને બી- ટ્વીલ જ્યુટ બેગ્સ તરીકે ઓળખાતા શણના ચોકડીદાર થેલાની સપ્લાય સુનિશ્ચિત કરવામાં કાર્યરત છે.
  2. જાન્યુઆરી, 2020થી 24 ડિસેમ્બર, 2020ના રોજ સુધીમાં વિવિધ રાજ્ય હસ્તકની એજન્સીઓ તેમજ એફસીઆઈએ વેબ આધારિત જ્યુટ સ્માર્ટ પ્લેટફોર્મ દ્વારા આશરે રૂા. 8,303 કરોડની કિંમતના 28.88 લાખ જેટલા શણના ગુણી થેલાનો કુલ ઓર્ડર નોંધાયો હતો.

કપાસ (રૂ) :

  1. વૈશ્વિક મહામારી અને લોકડાઉનના સમયગાળા - એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન જ્યારે બજારની નિરાશાજનક સ્થિતિને કારણએ ખાનગી ગ્રાહકોનો ઉદાસીન પ્રતિસાદ હતો, ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) કપાસના ખેડૂતોને મજબૂત ટેકો આપ્યો. ઉપરોક્ત સમયગાળા દરમિયાન સીસીઆઈએ આશરે કપાસનું ઉત્પાદન કરતા આશરે ચાર લાખ ખેડૂતો પાસેથી રૂા. 5,615 કરોડના મૂલ્યે 20.72 લાખ ગાંસડી રૂ ખરીદ્યું હતું.
  2. સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમો ધરાવતી સ્પિનિંગ મિલો, ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઈસી) હેઠળનાં એકમો તેમજ સહકારી ક્ષેત્રની સ્પિનિંગ મિલો તેમની સ્પર્ધાત્મકતા ટકાવી શકે તે માટે સીસીઆઈ -ઑક્શન માટે પોતાના દૈનિક તળિયાના ભાવમાં તેમને પ્રતિ ખાંડી રૂા. 300નું ડિસ્કાઉન્ટ આપે છે.
  3. ટેક્સ્ટાઈલ્સ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા અંગે જાગૃતિ લાવવા તેમજ ભારતીય કપાસની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટે સૌપ્રથમવાર ભારતીય કપાસનું બ્રાન્ડિંગ શરૂ કરાયું. પ્રયાસના ભાગરૂપે સાતમી ઑક્ટોબર, 2020ના રોજ વર્લ્ડ કોટન ડેના દિવસે ભારતીય કોટનનું બ્રાન્ડ નેઇમ તેમજ લોગો લૉન્ચ કરાયાં. કપાસના ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના તેમજ વોકલ ફોર લોકલનાં લક્ષ્યાંકો સાધવાના ઉદ્દેશથી બ્રાન્ડ નેઇમ કસ્તુરી કોટન ઈન્ડિયા રાખવામાં આવ્યું.

ઊન :

ઊનના પ્રોસેસિંગ માટે કર્ણાટકમાં રાનેબેન્નુર ખાતે એક સીએફસી સ્થાપવાના નવા પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. પ્રોજેક્ટને પગલે બરછટ ઊનનો ઉપયોગ ઊનનાં નવીનીકૃત ઉત્પાદનો બનાવવા માટે કરાશે તેવું અનુમાન છે. આમ, બરછટ ઊન (ડેક્કની) અને તેના મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની માંગ સર્જવા માટેનો પ્રયાસ કરાયો છે,

 

 

પાવરટેક્સ ઈન્ડિયા


પાવરટેક્સ ઈન્ડિયા હેઠળ સાદી પાવરલૂમને મૂળસ્થાનેથી અદ્યતન બનાવવાની યોજના (અપગ્રેડેશન સ્કીમ ફોર પ્લેઇન પાવરલૂમ) હેઠળ 3,497 લૂમ્સને અપગ્રેડ કરાઈ અને રૂા. 3.35 કરોડ ભંડોળ અપાયું. ગ્રુપ વર્કશેડ યોજનામાં 51 પ્રોજેક્ટોને રૂા. 24.18 કરોડનું ભંડોળ અપાયું. કોમન ફેસિલિટી સેન્ટર સ્કીમ હેઠળ ત્રણ પ્રોજેક્ટોને રૂા. 5.39 કરોડ અપાયાં. પ્રધાનમંત્રી ક્રેડિટ સ્કીમ ફોર પાવરલૂમ વિવર્સ હેઠળ 49 એકમોને રૂા. 5.96 કરોડનું ભંડોળ અપાયું. ટીઆરએ અને સ્ટેટ ગવર્નમેન્ટ પાવરલૂમ સર્વિસ સેન્ટર્સ (પીએસસી)ને અનુદાય સહાય પેટે 32 જેટલાં પાવરલૂમ સર્વિસ સેન્ટર્સને રૂા. 4.71 કરોડની મદદ કરવામાં આવી.

 

ટેક્સ્ટાઇલ ટ્રેડ પ્રમોશન (ટીટીપી):

  1. સ્કીમ રિબેટ ફોર સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીઝ એન્ડ લેવીઝ (આરઓએસસીટીએલ - RoSCTL)નું અમલીકરણ: 7મી માર્ચ, 2019ના રોજ કેન્દ્રિય મંત્રીમંડળે RoSCTL ની યોજનાને મંજૂરી આપી હતી, જેમાં સામેલ તમામ રાજ્ય અને કેન્દ્રિય વેરામાં છૂટ આપવાની જોગવાઈ હતી. યોજના એપરલ અને મેઇડ-અપ્સની નિકાસો માટે સ્પર્ધાત્મકતા વધારશે તેવું અનુમાન છે. આઈટી સંચાલિત સ્ક્રિપ સિસ્ટમ દ્વારા 31.03.2020ના રોજ સુધીમાં નિર્ધારિત દરે વેરામાં છૂટને મંજૂરી અપાઈ હતી.

ટેકનિકલ ટેક્સ્ટાઈલ અને નવીનીકરણ (ટીટીઆઈ)

. નેશનલ ટેકનિકલ ટેક્સ્ટાઈલ્સ મિશન: દેશને ટેકનિકલ ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્ર વૈશ્વિક નેતૃત્ત્વ અપાવવા માટે કુલ રૂા. 1480 કરોડના ખર્ચે અને નાણાંકીય વર્ષ 2020-21થી 2023-24 સુધીના ચાર વર્ષના ગાળામાં અમલીકરણ માટે નેશનલ ટેકનિકલ ટેક્સ્ટાઈલ્સ મિશનની રચનાને મંજૂરી આપવામાં આવી.

. પીપીઈ (શરીરને ઢાંકતાં આવરણ) અને એન-95 માસ્ક્સનું ઉત્પાદન: માર્ચ, 2020 પહેલાં સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યાવસાયિકો દ્વારા ઉપયોગમાં લેવાતાં અને કોવિડ-19 મહામારી સામે રક્ષણ માટે અનુકૂળ એવાં પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) બોડી કવરઑલ્સ (શરીરને સંપૂર્ણ ઢાંકે તેવાં રક્ષણાત્મક આવરણ)નું ઉત્પાદન ભારતમાં થતું હતું અને તેની આયાત કરવામાં આવતી હતી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સરકારી હોસ્પિટલોમાં કાર્યરત સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યાવસાયિકોને પીપીઈ કિટ્સ પૂરી પાડવા માટે મદદ માંગતો હાથ લંબાવ્યો અને ટેક્સ્ટાઈલ્સ મંત્રાલયે પહેલ કરીને તબક્કાવાર રીતે દેશમાં નવા ઉદ્યોગને વિકસાવ્યો.

 

એમેન્ડેડ (સુધારેલી) ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (એટીયુએફએસ) :

  1. એટીયુએફએસ હેઠળ સબસિડી દાવાની પતાવટ ઝડપી બનાવવા માટે દેખરેખનું વ્યવસ્થાતંત્ર વધુ મજબૂત બનાવવા તેમજ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા પગલાં લેવાયાં: એટીયુએફએસના અમલીકરણને સુવ્યવસ્થિત બનાવવા માટેની પ્રક્રિયા 2019માં શરૂ થઈ હતી, જે 2020માં પણ ચાલુ રહી અને પ્રક્રિયાને સુગમ બનાવવા અને વિસંગતિઓ દૂર કરવા માટે વિવિધ નીતિવિષયક સ્પષ્ટતાઓ કરવામાં આવી. પરિણામે, 2020માં યોજના હેઠળ દાવાની પતાવટમાં સુધારો જોવા મળ્યો હતો.
  2. કોવિડ-19 મહામારીને કારણે લેવાયેલાં પગલાં: કોવિડ-19 ફાટી નીકળવાથી પડેલી સામાજિક આર્થિક અસર તેમજ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના સંગઠનો, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ વગેરે દ્વારા કરાયેલી રજૂઆતો અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને જસ્ટ ઇન-ટાઈમ મેન્યુફેક્ચરિંગ (JIT) ભલામણ કરેલ સબસિડી, ચકાસણી માટેનો JIT રિપોર્ટ અપાય તે પહેલાં ભલામણ કરાયેલી સબસિડીના મૂલ્ય જેટલી બેન્ક ગેરંટી સબમિટ કરાવીને મેળવવાનો વિકલ્પ અપનાવવા એકમોને જોગવાઈ કરી આપવામાં આવી. સવલત એટીયુએફએસ અને અગાઉના માળખા ટીયુએફએસ, બંનેને મહિના માટે ઉપલબ્ધ કરાઈ. ઉપરાંત, માર્ચથી સપ્ટેમ્બર, 2020 દરમિયાન દાવાની અરજીની નોંધણી અને મશીનરીની ભૌતિક તપાસ માટેની વિનંતીનો સમયગાળા ઉદ્યોગ દ્વારા કરાયેલી માગણી મુજબ લંબાવવામાં આવ્યો હતો.

(Release ID: 1686732) Visitor Counter : 292