પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 31 DEC 2020 3:09PM by PIB Ahmedabad

નમસ્કાર!

કેમ છે, ગુજરાતમાં ઠંડી વંડી છે કે નહીં, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનજી, નાયબ મુખ્યમંત્રી ભાઇ નીતિન પટેલજી, મંત્રીમંડળમાં મારા સાથી શ્રીમાન અશ્વિની ચૌબેજી, મનસુખભાઇ માંડવિયાજી, પરસોત્તમ રૂપાલાજી, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી કિશોર કાનાણીજી અન્ય તમામ મંત્રીગણ, સાંસદગણ, ધારાસભ્યગણ, અન્ય તમામ મહાનુભવો.

 

ભાઇઓ અને બહેનો,

નવું વર્ષ ઉંબરે આવીને ઉભું છે. આજે દેશના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં વધુ એક કડી જોડાઇ ગઇ છે. રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સનો શિલાન્યાસ થવાથી ગુજરાતની સાથે સાથે આખા દેશમાં આરોગ્ય અને તબીબી શિક્ષણના નેટવર્કને તેના કારણે બળ પ્રાપ્ત થશે. ભાઇઓ અને બહેનો, વર્ષ 2020ને એક નવી નેશનલ હેલ્થ ફેસેલિટી સાથે વિદાય આપવી , વર્ષના પડકારોને પણ દર્શાવે છે અને નવા વર્ષની પ્રાથમિકતાઓને પણ સ્પષ્ટ કરે છે. આખુ વર્ષ દુનિયા માટે આરોગ્યના મામલે અભૂતપૂર્વ પડકારોનું વર્ષ રહ્યું. વર્ષે બતાવી દીધું છે કે, આરોગ્ય સંપત્તિ છે, વાત આપણને શા માટે પૂર્વજોએ શીખવાડી હતી, તેનું આપણને વારંવાર શું કામ રટણ કરાવવામાં આવતું હતું તે 2020નું વર્ષ આપણને શીખવાડી ગયું. આરોગ્યને જ્યારે હાનિ પહોંચે તો જીવનના દરેક પરિબળ પર ખરાબ અસર પડે છે અને પછી માત્ર પરિવાર નહીં પરંતુ સામાજિક પરિઘ પણ તેની ઝપેટમાં આવી જાય છે અને તેથી વર્ષનો છેલ્લો દિવસ ભારતના લાખો ડૉક્ટરો, હેલ્થ વોરિયર્સ, સફાઇ કર્મચારીઓ, દવાની દુકાનોમાં કામ કરનારા લોકો અને બીજા ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓને યાદ કરવાનો છે જે માનવજાતના રક્ષણ માટે સતત પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યાં છે. કર્તવ્યના પથ પર જે સાથીઓએ પોતાનું જીવન આપી દીધું છે તે સૌને આજે હું આદરપૂર્વક વંદન કરું છું. આજે દેશ સાથીઓને, વૈજ્ઞાનિકોને, કર્મચારીઓને પણ વારંવાર યાદ કરી રહ્યો છે જેઓ કોરોના સામે જંગ લડવા માટે જરૂરી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં દિવસ રાત મહેનત કરી રહ્યાં છે. આજનો દિવસ તમામ સાથીઓની પ્રશંસા કરવાનો છે જેમણે મુશ્કેલીના તબક્કામાં ગરીબો સુધી ભોજન અને અન્ય આવશ્યક સુવિધાઓ પહોંચાડવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું છે. આટલો લાંબા સમય, આટલી મોટી આપત્તિ વચ્ચે પણ સમાજની સગંઠિત સામુહિક તાકાત, સમાજના સેવાભાવ, સમાજની સંવેદનશીલતાના પરિણામે દેશવાસીઓ કોઇપણ ગરીબને પણ મુશ્કેલી ભર્યા દિવસોમાં રાત્રે ભુખ્યા સુવા દીધા નથી. બધા વંદનને પાત્ર છે, આદરને પાત્ર છે.

 

સાથીઓ,

મુશ્કેલી ભર્યા વર્ષે આપણને બતાવી દીધું છે કે, ભારત જ્યારે એકજૂથ થઇ જાય ત્યારે મુશ્કેલમાં મુશ્કેલ સંકટનો પણ સામનો કેટલો અસરકારક રીતે કરી શકે છે. ભારતે એકજૂથતાની સાથે જે પ્રકારે સમય પર અસરકારક પગલાં લીધા છે તેના પરિણામે આજે આપણે ઘણી બહેતર સ્થિતિમાં આવી શક્યા છીએ. જે દેશમાં 130 કરોડથી વધારે લોકો વસતા હોય, ગીચ વસ્તી હોય, ત્યાં લગભગ એક કરોડ લોકો બીમારી સામે લડીને જીતી ચુક્યા છે. કોરોનાથી પીડિત સાથીઓને બચાવવાનો ભારતનો રેકોર્ડ દુનિયામાં ખૂબ બહેતર રહ્યો છે. ઉપરાંત, હવે સંક્રમણના કેસો પણ ભારતમાં સતત ઘટી રહ્યાં છે.

 

ભાઇઓ અને બહેનો,

વર્ષ 2020માં સંક્રમણની નિરાશા હતી, ચિંતાઓ હતી, ચારેબાજુ સવાલોથી ઘેરાયેલા હતા. બધા 2020ની ઓળખ બની ગયા પરંતુ 2021 ઇલાજની આશા લઇને આવ્યું છે. વેક્સિન મામલે ભારતમાં જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી વેક્સિન ઝડપથી દરેક જરૂરી વર્ગ સુધી પહોંચે, તે દિશામાં ચાલી રહેલા પ્રયાસો અંતિમ ચરણમાં છે. દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવા માટે ભારત પૂરજોશમાં તૈયારીઓમાં છે. મને વિશ્વાસ છે કે, જે પ્રકારે ગયું વર્ષ સંક્રમણને રોકવા માટે આપણે સૌએ એકજૂથ થઇને પ્રયાસો કર્યા તેવી રીતે રસીકરણને સફળ બનાવવા માટે આખું ભારત એકજૂથ થઇને આગળ વધશે.

 

સાથીઓ.

ગુજરાતમાં પણ સંક્રમણને રોકાવા માટે અને હવે રસીકરણ માટે તૈયારીઓ અંગે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વિતેલા બે દાયકામાં જે પ્રકારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં તૈયાર થયું છે, તે પણ એક મોટું કારણ છે કે ગુજરાત કોરોનાના પડકાર સામે બહેતર રીતે સામનો કરી રહ્યું છે. એઇમ્સ રાજકોટ ગુજરાતના હેલ્થ નેટવર્કને વધુ સશક્ત બનાવશે, મજબૂત બનાવશે. હવે ગંભીરમાં ગંભીર બીમારીઓ માટે રાજકોટમાં આધુનિક સુવિધા ઉપબલ્ધ થઇ રહી છે. સારવાર અને અને શિક્ષણ ઉપરાંત તેનાથી રોજગારી માટેની પણ અનેક નવી તકોનું સર્જન થશે. નવી હોસ્પિટલમાં કામ કરનારા લગભગ 5 હજાર લોકોને આનાથી પ્રત્યક્ષરૂપે રોજગારી મળશે. ઉપરાંત રહેણીકરણી, ખાવા-પીવા, ટ્રાન્સપોર્ટ, બીજી મેડિકલ સુવિધાઓ સાથે સંકળાયેલી પરોક્ષ રોજગારીનું પણ અહીં સર્જન થશે અને આપણે જોયું છે કે, જ્યાં મોટી હોસ્પિટલ હોય તેની બહાર એક નાનું શહેર પણ વસી જતું હોય છે.

 

ભાઇઓ અને બહેનો,

મેડિકલ સેક્ટરમાં ગુજરાતની સફળતા પાછળ બે દાયકાનો અવિરત પ્રયાસ, સમર્પણ અને સંકલ્પ છે. પાછલા 6 વર્ષમાં આખા દેશમાં જે ઇલાજ અને મેડિકલ એજ્યુકેશન અંગે જે સ્કેલ પર કામ થયું છે, તેનો લાભ નિશ્ચિતરૂપે ગુજરાતને મળી રહ્યો છે.

 

સાથીઓ,

મોટી હોસ્પિટલોની સ્થિતિ, તેમના પર રહેતા દબાણથી તમે પણ બહુ સારી રીતે પરિચિત છો. સ્થિતિ એવી હતી કે, આઝાદીના આટલા દાયકાઓ પછી પણ દેશમાં માત્ર 6 એઇમ્સ બની શકી હતી. 2003માં અટલજીની સરકારે વધુ 6 એઇમ્સ બનાવવા માટે પગલું ભર્યું હતું. તેનું નિર્માણ થતા સુધીમાં 2012નું વર્ષ આવી ગયું એટલે કે, 9 વર્ષ લાગી ગયા. છેલ્લા 6 વર્ષમાં 10 નવી એઇમ્સ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાંથી ઘણીએ તો અત્યારે સંપૂર્ણપણે કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. એઇમ્સની સાથે સાથે દેશમાં એઇમ્સ જેવી 20 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 

સાથીઓ,

વર્ષ 2014 પહેલાં આપણું હેલ્થ સેક્ટર અલગ અલગ દિશામાં હતું, અલગ અલગ અભિગમ સાથે કામ કરી રહ્યું હતું. પ્રાઇમરી હેલ્થકૅરની પોતાની અલગ સિસ્ટમ હતી. ગામડાંઓમાં સુવિધાઓ નહીવત પ્રમાણમાં હતી. અમે હેલ્થ સેક્ટરમાં સર્વાંગી રીતે કામ કરવાનું શરૂ કર્યું. અમે જ્યાં એક તરફ નિવારાત્મક ઉપચાર પર ભાર મૂક્યો તો બીજી તરફ ઇલાજની આધુનિક સુવિધાઓને પણ પ્રાથમિકતા આપી. અમે જ્યાં ગરીબોના ઇલાજ પર થતા ખર્ચને ઘટાડ્યો તો બીજી તરફ વાત પર પણ ભાર મૂક્યો કે, ડૉક્ટરોની સંખ્યામાં ઝડપથી વધારો થાય.

 

સાથીઓ,

આયુષમાન ભારત યોજના અંતર્ગત દેશભરમાં છેવાડાના વિસ્તારોમાં લગભગ દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં તેમાંથી 50 હજાર કેન્દ્રોએ સેવા આપવાનું શરૂ પણ કરી દીધું છે જેમાં લગભગ 5 હજાર કેન્દ્રો ગુજરાતમાં છે. યોજના હેઠળ આજદિન સુધીમાં દેશના લગભગ દોઢ કરોડ ગરીબોને રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. યોજનાએ ગરીબ ભાઇઓ અને બહેનોને એટલી મોટી મદદ કરી છે તેના માટે હું એક આંકડો દેશને જણાવવા માંગુ છુ.

 

સાથીઓ,

આયુષમાન ભારત યોજનાથી ગરીબોના લગભગ 30 હજાર કરોડ રૂપિયાથી વધારે બચી શક્યા છે. 30 હજાર કરોડ રૂપિયા ઘણી મોટી રકમ છે. તમે વિચારો, યોજનાએ ગરીબોને કેટલી મોટી આર્થિક ચિંતામાંથી મુક્તિ અપાવી દીધી છે. કેન્સર હોય, હાર્ટની સમસ્યા હોય, કિડનીની પરેશાની હોય, અનેક બીમારીઓનો ઇલાજ, મારા દેશના ગરીબોને વિનામૂલ્યે અને પણ સારી હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યો છે.

 

સાથીઓ,

બિમારી દરમિયાન, ગરીબોનો અન્ય એક સાથી છે - જન ઔષધી કેન્દ્ર. દેશમાં લગભગ 7 હજાર જન ઔષધી કેન્દ્રો છે જે ગરીબોને ખૂબ ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જન ઔષધી કેન્દ્રો પર દવાઓ લગભગ 90 ટકા સુધી સસ્તા ભાવે આપવામાં આવે છે. મતલબ કે સો રૂપિયાની દવા માત્ર દસ રૂપિયામાં મળે છે. સાડા 3 લાખથી વધારે ગરીબ દર્દીઓ, દરરોજ જન ઔષધી કેન્દ્રોનો લાભ લઇ રહ્યાં છે અને કેન્દ્રોની સસ્તી દવાઓના કારણે દર વર્ષે ગરીબોનો સરેરાશ 3600 કરોડ રૂપિયાનો ખર્ચ બચી જાય છે. તમે અંદાજ લગાવી શકો છો કે, આનાથી કેટલી મોટી મદદ મળી રહી છે. આમ તો કેટલાક લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, આખરે સરકાર ઇલાજનો ખર્ચ ઓછો કરવા, દવાઓ પર થતા ખર્ચમાં ઘટાડો કરવા પર આટલો ભાર કેમ મૂકી રહી છે?

 

સાથીઓ,

અમારામાંથી મોટાભાગના, પૃષ્ઠભૂમિમાંથી નીકળેલા લોકો છે. ગરીબો અને મધ્યમ વર્ગમાં ઇલાજનો ખર્ચ હંમેશા બહુ મોટી ચિંતા રહે છે. જ્યારે કોઇ ગરીબને ગંભીર બિમારી થાય તો, વાતની સંભાવના ઘણી વધી જાય છે કે, તે પોતાનો ઇલાજ કરાવે કે નહીં. ઇલાજ માટે પૈસા ના હોય, ઘરના અન્ય ખર્ચા, પોતાની જવાબદારીઓની ચિંતા, વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન લાવી દે છે અને અમે જોયું છે કે જ્યારે ગરીબ બિમાર થાય ત્યારે તેમની પાસે પૈસા ના હોય તો, તેઓ શું કરે છે કે, દોરા ધાગાની દુનિયામાં જતા રહે છે, પૂજા પાઠની દુનિયામાં જતા રહે છે. તેમને લાગે છે કે, કદાચ ત્યાં બચી જાય પરંતુ તેઓ આવું કરે છે તેની પાછળનું મૂળ કારણ હોય છે કે, તેમની પાસે યોગ્ય જગ્યાએ જવા માટે પૈસા નથી હોતા, ગરીબી તેમને પરેશાન કરી રહી હોય છે.

 

સાથીઓ,

અમે પણ જોયું છે કે, જે વ્યવહાર પૈસાના અભાવે બદલાઇ જાય છે, તે વ્યવહાર જ્યારે ગરીબ પાસે એક સુરક્ષા કવચ હોય તો, એક આત્મવિશ્વાસમાં બદલાઇ જાય છે. આયુષમાન ભારત યોજના અંતર્ગત ગરીબોનો ઇલાજ લોકોની ચિંતા, એક વ્યવહારને બદલવામાં સફળ રહ્યો છે. તેમાં તેઓ પૈસાના અભાવે પોતાનો ઇલાજ કરાવવા માટે હોસ્પિટલોમાં નહોતા જતા, અને ક્યારેય ક્યારેક તો મેં જોયું છે કે, ઘરના જે વડીલ હોય, વધારે વડીલ નહીં પણ 45-50 વર્ષની ઉંમરના, મોટી વ્યક્તિઓ કારણે દવા નથી કરાવતા કારણ કે, તેઓ કહે છે કે, દેવું થઇ જશે તો દેવું બાળકોએ ચુકવવું પડશે. અને બાળકો બરબાદ થઇ જશે. બાળકોની જીંદગી બરબાદ ના થાય તે માટે ઘણા માતા પિતા જીવનભર પીડા સહન કરે છે અને દર્દના કારણે મૃત્યુ પામે છે. દેવું ના થઇ જાય એટલે, પીડા સહન કરે પરંતુ બાળકોના નસીબમાં દેવું આવે એટલે ટ્રીટમેન્ટ નથી કરાવતા. ખાસ કરીને પણ સાચું છે કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું તો ગરીબો પહેલાં ક્યારેય વિચારી પણ નહોતા શકતા. આયુષમાન ભારત પછી સ્થિતિ પણ બદલાઇ ગઇ છે.

 

સાથીઓ,

પોતાના આરોગ્યની સુરક્ષાનો અહેસાસ, ઇલાજ માટે પૈસાની એટલી ચિંતા હોવી, તેના કારણે સમાજની વિચારધારામાં પરિવર્તન આવ્યું છે અને આપણે તેના પરિણામો પણ જોઇ રહ્યાં છીએ. આજે હેલ્થ અને વેલનેસ અંગે એક સતર્કતા આવી છે, ગંભીરતા આવી છે. અને માત્ર શહેરોમાં થઇ રહ્યું છે એવું નથી બલ્કે આપણા દેશના અંતરિયાળ ગામડાંઓમાં પણ જાગૃતિ આપણે જોઇ રહ્યાં છીએ. વ્યવહારમાં પરિવર્તનના આવા ઉદાહરણો અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહ્યાં છે. જેમ કે શૌચાલયોની ઉપલબ્ધ હોવાથી, લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિમાં વધારો થયો છે. હર ઘર જલ અભિયાનથી લોકોમાં સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ રહી છે, પાણીથી થતી બિમારીઓમાં ઘટાડો આવી રહ્યો છે. રસોડા સુધી ગેસ પહોંચ્યા પછી આપણી બહેન-દીકરીઓના સ્વાસ્થ્યમાં સુધારો આવવાની સાથે સાથે આખા પરિવારમાં સકારાત્મક વિચારધાર પણ કેળવાઇ છે. એવી રીતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનમાં ગર્ભવતી મહિલાઓને નિયમિત ચેકઅપ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. અને ચેકઅપના કારણે તેમને પહેલાંથી ગંભીરતાથી અવગત કરવામાં આવે છે જેનો લાભ થઇ રહ્યો છે કે, ગર્ભાવસ્થા દરમિયાન જે કોમ્પિલિકેટેડ કેસ હોય તેઓ ઝડપથી પકડાઇ જાય છે અને તેમનો સમયસર ઇલાજ પણ થઇ જાય છે. ઉપરાંત, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓને પૂરતા પ્રમાણમાં પોષણ મળે, સંભાળ મળે. પોષણ અભિયાનમાં પણ તેમનામાં જાગૃતિ વધારવામાં આવી છે. તમામ પ્રયાસોનો એક ઘણો મોટો લાભ થયો છે કે, દેશમાં માતા મૃત્યુદરમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.

 

સાથીઓ,

માત્ર આઉટકમ- એટલે કે પરિણામો પર ધ્યાન આપવું પૂરતું નથી. ઇમ્પેક્ટપણ મહત્વપૂર્ણ છે પરંતુ સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશનનું પણ એટલું મહત્વ છે અને તેથી , હું માનું છુ કે, વ્યવહારમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે આપણે સૌથી પહેલા તો પ્રક્રિયામાં સુધારો લાવવો આવશ્યક છે. વિતેલા વર્ષોમાં દેશે વાત પર ઘણો ભાર મૂક્યો છે. તેનું પરિણામ આવ્યું છે કે, આપણે જોઇ રહ્યાં છીએ કે, દેશમાં હેલ્થ સેક્ટરમાં જ્યાં પાયાના સ્તરેથી પરિવર્તન આવી રહ્યું છે અને લોકોને જે સૌથી મોટી ચીજ મળી રહી તે ઍક્સેસ, એટલે કે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી તેમની પહોંચ છે. અને હું આરોગ્ય અને શિક્ષણના એક્સપર્ટ્સને આજે પણ આગ્રહ કરું છું કે તેઓ સરકારની યોજનાઓનો, દીકરીઓના શિક્ષણ પર જે પ્રભાવ પડી રહ્યો છે, તેની જરૂરિયાતનો અભ્યાસ કરે. યોજનાઓ, જાગૃતિ, શાળામાં દીકરીઓના ડ્રોપ આઉટ રેટમાં થયેલા ઘટાડા પાછળનું એક મોટું કારણ છે.

 

સાથીઓ,

દેશમાં મેડિકલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે પણ મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. મેડિકલ એજ્યુકેશનના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. પારંપરિક ભારતીય ચિકિત્સા સાથે સંકળાયેલા શિક્ષણમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશન બનાવ્યા પછી હેલ્થ એજ્યુકેશનની ગુણવત્તા પણ બહેતર થશે અને સંખ્યા અંગે પણ પ્રગતિ થશે. સ્નાતકો માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ તેની સાથે સાથે 2 વર્ષનો પોસ્ટ MBBS ડિપ્લોમા હોય, કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો માટે ડાયરેક્ટ રેસિડેન્સી સ્કીમ હોય, આવા નવા પગલાંથી જરૂરિયાત અને ગુણવત્તા બંને સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે.

 

સાથીઓ,

લક્ષ્ય એવું છે કે, દરેક રાજ્ય સુધી એઇમ્સ પહોંચે અને દરેક 3 લોકસભા ક્ષેત્ર વચ્ચે એક મેડિકલ કોલેજ જરૂર હોય. પ્રયાસોના પરિણામે , છેલ્લા 6 વર્ષમાં MBBSમાં 31 હજાર નવી બેઠકો અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં 24 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવી છે. સાથીઓ, હેલ્થ સેક્ટરમાં ભારત પાયાના સ્તરે મોટા પરિવર્તનો પર વધુ ભાર મૂકી રહ્યું છે. જો 2020 હેલ્થ ચેલેન્જનું વર્ષ રહ્યું હતું તો, 2021 હેલ્થ સોલ્યૂશનનું વર્ષ રહેવાનું છે. 2021માં દુનિયા, આરોગ્ય અંગે વધુ જાગૃત થઇને ઉકેલો તરફ આગળ વધશે. ભારતે જે પ્રકારે 2020માં હેલ્થ ચેલેન્જોનો સામનો કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે, તે દુનિયાએ જોઇ લીધું છે. મેં શરૂઆતમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે.

 

સાથીઓ,

ભારતનું યોગદાન 2021માં હેલ્થ સોલ્યૂશન માટે, સોલ્યૂશનના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ રહેવાનું છે. ભારત, ફ્યૂચર ઓફ હેલ્થ અને હેલ્થ ઓફ ફ્યૂચર, બંનેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઇ રહ્યું છે. અહીં દુનિયાને યોગ્યતા ધરાવતા મેડિકલ પ્રોફેશનલો પણ મળશે અને સેવાભાવ પણ પ્રાપ્ત થશે. તેમજ, દુનિયાને માસ ઇમ્યુનાઇઝેશનનો અનુભવ પણ થશે અને એક્સપર્ટાઇઝ પણ મળશે. અહીં દુનિયાને હેલ્થ સોલ્યૂશન અને ટેકનોલોજીને એકીકૃત કરનારા સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ મળશે. સ્ટાર્ટઅપ હેલ્થકૅરને એક્સેસિબલ બનાવી રહ્યાં છે અને હેલ્થના પરિણામોમાં સુધારો લાવી રહ્યાં છે.

 

સાથીઓ,

આજે આપણે સૌ જોઇ રહ્યાં છીએ કે, બિમારીઓ હવે કેવી રીતે વૈશ્વિક થઇ રહી છે. આથી, સમય એવો છે કે, હેલ્થ સોલ્યૂશન પણ વૈશ્વિક હોય, દુનિયા એક સાથે મળીને પ્રયાસ કરે, પ્રતિભાવ આપે. આજે અલગ અલગ પ્રયાસો, ભાગલાઓમાં રહીને કામ કરવું, રસ્તો કામ લાગે એવો નથી. રસ્તો એવો હોવો જોઇએ જેમાં સૌને સાથે રાખીને ચાલવાનું હોય, સૌના માટે વિચારવાનું હોય અને ભારત આજે એક એવું ગ્લોબલ પ્લેયર છે જેણે કરીને બતાવ્યું છે. ભારતે ડિમાન્ડ અનુસાર 'એડપ્ટ, ઇવોલ્વ એન્ડ એક્સપાન્ડ' કરવાની પોતાની ક્ષમતાને પૂરવાર કરી બતાવી છે. આપણે દુનિયાની સાથે આગળ વધ્યા, સહિયારા પ્રયાસોમાં મૂલ્યવર્ધન કર્યું અને આજે દરેક ચીજ પરથી ઉપર આવીને આપણે માત્ર માનવજાતને કેન્દ્રમાં રાખી, માનવજાતની સેવા કરી. આજે ભારત પાસે ક્ષમતા પણ છે અને સેવાની ભાવના પણ છે. આથી, ભારત ગ્લોબલ હેલ્થનું નર્વ સેન્ટર બનીને ઉદયમાન થઇ રહ્યું છે. 2021માં આપણે ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરવાની છે.

 

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે કે - ''सर्वम् अन्य परित्यज्य शरीरम् पालयेदतः'' અર્થાત્ સૌથી મોટી પ્રાથમિકતા શરીરના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની છે. બાકી બધુ છોડીને સૌથી પહેલા સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઇએ. નવા વર્ષમાં આપણે મંત્રને પોતાના જીવનમાં પ્રાથમિકતા સાથે ઉતારવો જોઇએ. આપણે તંદુરસ્ત રહીશું તો દેશ સ્વસ્થ રહેશે અને આપણે પણ જાણીએ છીએ કે, જે ફિટ ઇન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે તે માત્ર નવયુવાનો માટે છે એવું નથી પરંતુ દરેક ઉંમરના લોકોએ ફિટ ઇન્ડિયા ચળવળમાં જોડાવું જોઇએ અને ઋતુ પણ ફિટ ઇન્ડિયાના આપણા અભિયાનને વેગ આપવા માટે ખૂબ સારી છે. કોઇ પરિવાર એવો ના હોય, ભલે યોગની વાત હોય, ભલે ફિટ ઇન્ડિયાની વાત હોય, આપણે પોતાની જાતને સ્વસ્થ રાખવી પડશે. બિમાર થયા પછી જે પરેશાનીઓ આવે છે, તેની સરખામણીએ સ્વસ્થ રહેવા માટે બહુ વધારે પ્રયાસો નથી કરવા પડતા. આથી ફિટ ઇન્ડિયા વાતને હંમેશા યાદ રાખે કે, પોતાની જાતને ફિટ રાખવી, દેશને ફિટ રાખવો, પણ આપણા સૌનું કર્તવ્ય છે. રાજકોટના મારા પ્રિય ભાઇઓ બહેનો, ગુજરાતમાં મારા પ્રિય ભાઇઓ બહેનો વાત ના ભૂલતા કે, કોરોનાનું સંક્રમણ ચોક્કસ ઓછું થયું પરંતુ એવો વાયરસ છે જે ઝડપથી સકંજામાં લઇ લે છે. આથી બે ગજનું અંતર, માસ્ક અને સેનિટાઇઝેશનના મામલે જરાય ઢીલાશ રાખતા નહીં. નવું વર્ષ આપણા સૌના માટે ખુશીઓ લઇને આવે. આપના માટે ને દેશ માટે નવું વર્ષ મંગલમય રહે. પરંતુ હું પણ કહીશ કે, હું પહેલાં કહેતો હતો કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં, વારંવાર કહેતો તો. હવે દવા સામે દેખાઇ રહી છે. થોડા સમયનો સવાલ છે, તો પણ હું કહીશ, પહેલાં હું કહેતો હતો કે દવા નહીં તો ઢીલાશ નહીં, પરંતુ હવે હું ફરીથી કહી રહ્યો છું, કે દવા પણ અને સખતાઇ પણ. સખતાઇ રાખવાની છે અને દવા પણ લેવાની છે. દવા આવી ગઇ છે તો બધી છુટ મળી ગઇ, એવા ભ્રમમાં રહેવું નહીં. દુનિયા કહે છે, વૈજ્ઞાનિકો પણ આવું કહે છે માટે હવે 2021નો આપણો મંત્ર રહેશે, દવા પણ અને સખતાઇ પણ. બીજી એક વાત કે, આપણા દેશમાં અફવાઓનું બજાર બહુ ગરમ રહે છે. જાત જાતના લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારે બિનજવાબદારી ભર્યા વ્યવહાર માટે વિવિધ જાતની અફવાઓ ફેલાવે છે. શક્ય છે કે, જ્યારે વેક્સિનનું કામ શરૂ થઇ ગયું છે તો, અફવાઓનું બજાર પણ એટલું તેજ ચાલશે. કોઇને ખરાબ દેખાડવા માટે સામાન્ય માણસોનું કેટલું નુકસાન થઇ રહ્યું છે તેની પરવા કરવા કર્યા વગર જાણે અનેક કાલ્પનિક જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવશે. અમુક સંખ્યામાં તો શરૂ થઇ પણ ગયા છે અને ભોળા ગરીબ લોકો અથવા કેટલાક ખોટા ઇરાદાથી કામ કરનારા લોકો મોટા કન્વિક્શન સાથે તેને ફેલાવે છે. હું દેશવાસીઓને આગ્રહપૂર્વક કહું છું કે, કોરોના વિરુદ્ધ એક અજાણ્યા દુશ્મન સામેની લડાઇ છે. અફવાનું બજાર ગરમ ના થવા દેશો, આપણે સોશિયલ મીડિયા પર કંઈપણ દેખાય તો તેને સીધું ફોરવર્ડ ના કરવું જોઇએ. આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે, આવનારા દિવસોમાં દેશની અંદર સ્વાસ્થ્યનું જે અભિયાન ચાલશે, તેમાં આપણે સૌ પોતાની રીતે યોગદાન આપીશું. બધા પોતાના તરફથી જવાબદારી ઉપાડે અને જે લોકો માટે પહેલા વાત પહોંચાડવાની છે તેમનામાં આપણે સંપૂર્ણ મદદ કરીએ. જેવો વેક્સિનનો મામલો આગળ વધશે તેમ દેશવાસીઓને સમયસર તેની માહિતી મળશે. હું ફરી એકવાર 2021 માટે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

 

આભાર!

 

SD/GP



(Release ID: 1685168) Visitor Counter : 367