પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના તમામ રહેવાસીઓને આવરી લેવા માટે આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કર્યો


DDC ચૂંટણીઓએ આપણી લોકશાહીની તાકાત બતાવી દીધી છે: પ્રધાનમંત્રી

જમ્મુ અને કાશ્મીરમાં વિકાસના કાર્યો અમારી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા પૈકીના એક છે: પ્રધાનમંત્રી

Posted On: 26 DEC 2020 2:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના તમામ રહેવાસીઓને આવરી લેવા માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ હર્ષવર્ધન, ડૉ. જીતેન્દ્રસિંહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રીએ આ પ્રદેશના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીર સાથે શ્રી અટલ બિહારી વાજપેયીના સંબંધને પણ યાદ કર્યો હતો અને કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની ઉક્તિ 'ઇન્સાનિયત, જમ્હુરિયત અને કશ્મીરિયત' હંમેશા આપણને માર્ગદર્શન આપશે.

જમ્મુ અને કાશ્મીર આયુષમાન ભારત PM-JAY સેહત યોજના અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવવાથી અહીંના લોકોનું જીવન વધુ સરળ બની જશે. હાલમાં રાજ્યમાં વસતા લગભગ 6 લાખ પરિવારોને આયુષમાન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે, સેહત યોજના અમલમાં આવ્યા પછી, તમામ 21 લાખ પરિવારોને આ લાભ મળી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાનો અન્ય એક લાભ એ રહેશે કે, આ સારવાર માત્ર જમ્મુ અને કાશ્મીરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો પૂરતી જ પરંતુ તેનાથી વિશેષ, સમગ્ર દેશમાં આ યોજના સાથે પેનલમાં સંકળાયેલી હજારો અન્ય હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે સારવાર મેળવી શકાશે.

પ્રધાનમંત્રીએ આયુષમાન યોજનાના કવરેજના વિસ્તરણને તમામ રહેવાસીઓ માટે એક ઐતિહાસિક ગણાવ્યું હતું અને જમ્મુ અને કાશ્મીર પોતાના લોકો માટે વિકાસના માર્ગે આગળ વધવા માટે આ પગલાં લઇ રહ્યું હોવાથી તે જોઇને ખુશી થઇ રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના લોકો માટે વિકાસના કાર્યો સરકારની સૌથી મોટી પ્રાથમિકતાઓ પૈકી એક છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મહિલા સશક્તિકરણની વાત હોય, યુવાનો માટે તકોની વાત હોય, દલીતો, શોષિત અને વંચિત લોકોના ઉત્કર્ષની વાત હોય કે પછી લોકોને બંધારણીય અને મૂળભૂત અધિકારીઓ આપવાનો પ્રશ્ન હોય, દરેક સ્થિતિમાં અમારી સરકાર લોકોના કલ્યાણ માટે નિર્ણયો લઇ રહી છે.”

પ્રધાનમંત્રી લોકશાહીને વધુ મજબૂત બનાવવા બદલ જમ્મુ અને કાશ્મીરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓએ એક નવા પ્રકરણને આલેખ્યું છે. તેમણે ઠંડી અને કોરોના જેવા પડકારો વચ્ચે પણ લોકો મતદાન મથક સુધી ઉત્સાહભેર પહોંચ્યા તે બદલ તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં દરેક મતદારના ચહેરા પર વિકાસની અપેક્ષાઓ સ્પષ્ટ દેખાઇ આવતી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમને જમ્મુ અને કાશ્મીરના પ્રત્યેક મતદારોની આંખમાં બહેતર ભવિષ્યનો વિશ્વાસ જોવા મળ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી આ ચૂંટણીએ આપણા દેશમાં લોકશાહીની તાકાત બતાવી દીધી છે. સાથે સાથે પ્રધાનમંત્રીએ એ પણ ટાંક્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હોવા છતાં, પુડુચેરીમાં પંચાયત અને મ્યુનિસિપલની ચૂંટણીઓ યોજવામાં આવી નથી. વર્ષ 2011માં જ ચૂંટાયેલા લોકોની મુદત પૂરી થઇ ગઇ હોવા છતાં આ ચૂંટણીને ટાળવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના સમય દરમિયાન 18 લાખ LPG સિલિન્ડરો જમ્મુ અને કાશ્મીરમાં રિફિલ કરી આપવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 10 લાખથી વધારે શૌચાલયોનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ માત્ર શૌચાલયોનું નિર્માણ કરવા પૂરતો સિમિત નથી પરંતુ લોકોના આરોગ્યમાં સુધારો લાવવાનો પણ આ એક પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ માર્ગોની કનેક્ટિવિટી ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં આગામી 2-3 વર્ષમાં દરેક ઘર સુધી પાઇપના માધ્યમથી પાણી પહોંડવાના પણ પ્રયાસો ચાલી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં IIT અને IIMની સ્થાપના કરવાથી અહીંના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવામાં મદદ મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, બે એઇમ્સ અને બે કેન્સર સંસ્થાઓ પણ જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવી રહી છે. પેરામેડિકલ વિદ્યાર્થીઓને આ સંસ્થાઓમાં તાલીમ પૂરી પાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના યુવાનોને સરળતાથી ધિરાણ મળી રહ્યું છે અને તેઓ શાંતિના માર્ગે આગળ વધી રહ્યાં છે. જે લોકો વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં વસી રહ્યાં છે તેમને હવે નિવાસી પ્રમાણપત્ર મળી રહ્યું છે. સામાન્ય શ્રેણીમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હવે અનામતનો લાભ મળી રહ્યો છે જેથી પહાડી વિસ્તારોમાં અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તેનો લાભ મળી રહ્યો છે.

 

SD/GP/BT



(Release ID: 1683844) Visitor Counter : 221