માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેવડિયામાં બંધારણ દિવસ પર વિશેષ મલ્ટિ-મીડિયા પ્રદર્શને સાંસદો અને ધારાસભ્યોનું ધ્યાન આકર્ષિત કર્યું

Posted On: 27 NOV 2020 2:17PM by PIB Ahmedabad

ભારતે જ્યારે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આગેવાનીમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે બંધારણના આમુખનું વાંચન કરવાની સાથે ઉત્સાહભેર 71મા બંધારણ દિવસની ઉજવણી કરી હતી, ત્યારે ગુજરાતના કેવડિયામાં બંધારણ દિવસના ઉપક્રમે આયોજિત એક વિશેષ પ્રદર્શને સાંસદો અને ધારાસભ્યોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 

આ પ્રદર્શનનું આયોજન ગુજરાતમાં કેવડિયામાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજિત 80મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ પ્રિસાઇડીંગ ઓફિસર્સના ભાગરૂપે પાર્લામેન્ટરી મ્યુઝિયમ એન્ડ આર્કાઇવ્સ સાથે જોડાણમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના બ્યૂરો ઓફ આઉટરિચ કમ્યુનિકેશન દ્વારા સંયુક્તપણે થયું હતું. એનું ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે કર્યું હતું. પ્રદર્શનમાં દેશમાં લોકતાંત્રિક પરંપરાની સફરના મૂળિયા સુધીની જાણકારી આપવામાં આવી હતી, જેમાં વેદિક યુગથી શરૂ કરીને લિચ્છવી પ્રજાસત્તાકથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં બંધારણના સ્વીકાર સુધીની સફરના દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

Image Image

1,600 ચોરસ ફીટમાં પથરાયેલાં આ મલ્ટિ મીડિયા પ્રદર્શનમાં સ્ટીલની 50 પેનલ, એક પ્લાઝમા  ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ ડિજિટલ ફ્લિપ બુક, આરએફઆઇડી કાર્ડ રીડર, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન, ડિજિટલ ટચ વોલ વગેરેનો ઉપયોગ થયો હતો.

અધ્યક્ષે મલ્ટિ-મીડિયાના ઉપયોગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનથી માહિતીને વધારે રસપ્રદ બનાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં બંધારણની રચનાનો ઘટનાક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રકારનું પ્રદર્શન દેશના વિવિધ રાજ્યોમાં આપણી લોકતાંત્રિક પરંપરા વિશે જાગૃતિ લાવવા માટે યોજવું જોઈએ.

ભારતના બંધારણની રચનામાં આર્કાઇવલ સામગ્રીનો વિગતવાર ઉપયોગ થયો હતો. દુર્લભ ફિલ્મ ફૂટેજ થકી બંધારણની રચના સાથે સંલગ્ન ઘટનાઓ દર્શાવવામાં આવી હતી, ડો. બી આર આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામાપ્રસાદ મુખર્જી જેવા બંધારણ સભાના મહત્ત્વપૂર્ણ સભ્યોએ આપેલા પ્રવચનો મુંબઈ સ્થિત ફિલ્મ ડિવિઝન ઓફ ઇન્ડિયાની આર્કાઇવ્સમાંથી મેળવવામાં આવ્યાં હતાં.

એક પ્લાઝમા ડિસ્પ્લે પર કોઈ પણ મુલાકાતી બંધારણનું આમુખ વાંચવા વિવિધ ભારતીય ભાષામાંથી કોઈ પણ ભારતીય ભાષા પસંદ કરી શકે એવી સુવિધા પ્રદાન કરવામાં આવી હતી. ડિજિટલ ફ્લિપ બુક દ્વારા બંધારણમાંથી ચિત્રોની ઝાંખી આપવામાં આવી હતી. જ્યારે ડિજિટલ ટચ વોલ આપણા વિવિધ રાષ્ટ્રીય ચિહ્નો વિશે જાણકારી આપતી હતી, ત્યારે અન્ય ડિજિટલ સ્ક્રીન બંધારણની રચનાનો ઘટનાક્રમ દર્શાવતી હતી. અન્ય ડિસ્પ્લે વોલ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં દુનિયાના અન્ય બંધારણોનાં પ્રભાવ વિશે જાણકારી આપતી હતી.

આરએફઆઇડી કાર્ડ રીડર એક ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે છે, જેમાં બંધારણસભાના સભ્યનું નામ ધરાવતું કાર્ડ મૂકીને એમની પ્રોફાઇલ અને પ્રદાનને સ્ક્રીન પર વાંચી શકાય છે. આ રીડર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્ડની ત્રણ કેટેગરી ડિસ્પ્લે પર મૂકવામાં આવી હતી મુસદ્દા સમિતિના સભ્યો, બંધારણસભાની મહિલા સભ્યો અને હંસા મહેતા અને કનૈયાલાલ મુનશી જેવી જાણીતી હસ્તીઓ સાથે બંધારણ સભામાં ગુજરાતના સભ્યો.

Image Image

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કેઆ ગેલેરી સેંકડો દીર્ઘદ્રષ્ટા નેતાઓના ભગીરથ પ્રયાસને વ્યક્ત કરે છે. કલેક્શન સુંદર રીતે ભૂતકાળના નમૂના ધરાવે છે અને એને પ્રોજેક્ટ કરવા શક્ય તમામ ડિજિટલ સંસાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ પ્રદર્શનની મુલાકાત કેન્દ્રીય સંસદીય મંત્રી, કોલસા અને ખનીજ મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને રાજ્ય કક્ષાના સંસદીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ તથા વિવિધ રાજ્યોની ધારાસભાઓના અધ્યક્ષોએ લીધી હતી.

અન્ય પેનલ્સમાં આર્કાઇવલમાં બંધારણની રચના સમિતિના સભ્યોના હસ્તાક્ષરો, સરકાર અને સંસદના મુખ્ય પદાધિકારીઓ, અગાઉ અને વર્તમાન અધ્યક્ષના પોર્ટ્રેટ વગેરે સામેલ હતા. પ્રદર્શનની અન્ય એક ઊડીને આંખે વળગે એવી બાબત રાજ્યની ધારાસભાઓનો વિભાગ હતો, જ્યાં મુલાકાતી વિવિધ રાજ્યોની ધારાસભાની ઇમારતોના સ્થાપત્યની સુંદરતા અને વિવિધતા જોઈ શકતા હતા.

અહીં સ્વચ્છતા જાળવવા, ખાસ કરીને ટચ સ્ક્રીન ડિસ્પ્લેની સ્વચ્છતા જાળવવા કોવિડને અનુરૂપ અભિગમની આચારસંહિતાનું પાલન કરવામાં આવ્યું હતું અને વિશેષ કાળજી રાખવામાં આવી હતી.

કેવડિયામાં બે દિવસીય ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ પ્રિસાઇડીંગ ઓફિસર્સ લોકશાહીની સંસ્થાઓને મજબૂત કરવાના નિર્ધાર સાથે તથા ભારતમાં બંધારણ અને લોકતાંત્રિક પરંપરાઓ વિશે જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવવાના સંકલ્પ સાથે સંપન્ન થઈ હતી.

 

PIB MUM/MD/DK/AR



(Release ID: 1676462) Visitor Counter : 210