સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

શ્રી થાવરચંદ ગેહલોતે ‘ટ્રાંસજેન્ડર વ્યક્તિઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ’ અને ગુજરાતમાં ટ્રાંસજેન્ડર વ્યક્તિઓ માટેનું આશ્રયસ્થાન ગરિમા ગૃહનું ઇ-ઉદ્ઘાટન કર્યું

Posted On: 25 NOV 2020 4:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે આજે ગુજરાતમાં વડોદરા ખાતે ‘નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર’ નો ઈ-પ્રારંભ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના આશ્રયસ્થાન: ગરીમા- ગૃહનું ઈ-ઉદ્દઘાટન કર્યુ. આ પ્રસંગે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી રામદાસ આઠવલે, શ્રી રતન લાલ કટારીયા, નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર્સના સભ્ય શ્રી લક્ષ્મી નારાયણ ત્રિપાઠી તથા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સચિવ શ્રી આર. સુબ્રમણ્યમ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું આ નેશનલ પોર્ટલ, 29 સપ્ટેમ્બર, 2020ના રોજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) નિયમ 2020 અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યાના બે માસમાં જ વિકસાવવામાં આવ્યુ છે. આ ખૂબ જ ઉપયોગી પોર્ટલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને દેશના કોઈ પણ સ્થળેથી, કોઈ પણ જાતના વ્યક્તિગત (ભૌતિક) સંપર્ક વગર તથા કોઈ પણ ઓફિસની મુલાકાત લીધા વગર સર્ટિફિકેટ અને આઈ-કાર્ડ મેળવવામાં ઉપયોગી નીવડશે. મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે પ્રક્રિયામાં પારદર્શકતા ધરાવતા આ પોર્ટલ મારફતે તે પોતાની અરજીની સ્થિતિ મોનિટર કરી શકશે. ઈસ્યુ કરનાર ઓથોરિટીએ કોઈ પણ પ્રકારના બિનજરૂરી વિલંબ વગર પ્રક્રિયામાં આકરી ટાઈમલાઈનનું પાલન કરીને સર્ટિફિકેટ ઈસ્યુ કરવાનાં રહેશે. એક વાર સર્ટિફિકેટ અથવા આઈ-કાર્ડ ઈસ્યુ થઈ જાય એટલે અરજી કરનાર તેને પોર્ટલમાંથી જ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ કિસ્સામાં વિલંબ કરવામાં આવે અથવા તો અરજી નકારી કાઢવામાં આવે તો અરજી કરનાર પોર્ટલ મારફતે જ ફરિયાદ કરવાનો વિકલ્પ મળશે અને તે અરજી સંબંધિત વ્યક્તિને મોકલી આપવામાં આવશે અને તેનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે. ઈસ્યુ કરનાર ઓથોરિટી, તેમને પૂરા પાડવામાં આવેલા ડેશબોર્ડ મારફતે મળેલી અરજીઓની સંખ્યા, મંજૂર કરવામાં આવેલી અરજીઓની સંખ્યા અથવા તો પડતર અરજીઓ કે જેનો નિર્ણય લેવાનો બાકી રખાયો હોય તેવી અરજીઓની સંખ્યા જોઈ શકશે, જેથી તે પોતાની તરફથી જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પોર્ટલ સમુદાયના લોકોને તેમણે જાતે નક્કી કરેલી ઓળખ મુજબ આગળ ધપવા માટે અને ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને આઈ-કાર્ડ મેળવવામાં ઉપયોગી નીવડશે તથા ખૂબ જ મદદરૂપ નીવડશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) ધારા-2019 હેઠળ આ એક મહત્વની જોગવાઈ છે.

શ્રી ગેહલોતે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં વડોદરા ખાતે જેનું ઈ-ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે તે ‘ગરીમા- ગૃહ: ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના આશ્રયસ્થાન’ નું સંચાલન ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા સંપૂર્ણપણે સંચાલિત લક્ષ્ય ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે. આ આશ્રયસ્થાનનો ઉદ્દેશ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આશ્રય સ્થાન, આહાર, તબીબી સંભાળ અને મનોરંજનની સુવિધા પૂરી પાડવાનો છે. આ ઉપરાંત તેના મારફતે સમુદાયની વ્યક્તિઓને ક્ષમતા નિર્માણ/ કૌશલ્ય વિકાસ માટે સહયોગ પૂરો પાડવાનો છે, જેનાથી તેમના માટે ગૌરવ અને સન્માનપૂર્વક જીવવાનું શક્ય બનશે.

આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું કે નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સની પ્રક્રિયા એન્ડ ટુ એન્ડ ઓનલાઈન છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ કોઈપણ સ્થળેથી પોર્ટલ મારફતે ઓફર કરવામાં આવેલી સર્વિસીસ મેળવી શકશે.

શ્રી કૃષ્ણપાલ ગજ્જરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું આ નેશનલ પોર્ટલ સમુદાયના લોકોને તેમણે જાતે નક્કી કરેલી ઓળખ મુજબ આગળ ધપવામાં અને ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને ઓળખ પત્ર મેળવવામાં સહાયરૂપ બનશે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) ધારા- 2019ની મહત્વની જોગવાઈ છે.

શ્રી રામદાસ આઠવલેએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) ધારા- 2019 એ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણની ખાત્રી આપતું નક્કર પગલું છે. આગામી દિવસોમાં તેને વધુ મજબૂત બનાવીને સમુદાય માટેના વિવિધ કલ્યાણકારી પગલાં તથા ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સરકારે આયોજન કરેલા યોગ્ય લાભ મેળવવા માટેનું સિંગલ પોઈન્ટ સ્થાન બની રહેશે.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) ધારો- 2019, 10 જાન્યુઆરી, 2020ના રોજ અમલમાં આવ્યો છે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણની ખાત્રી આપતું નક્કર પગલું છે. આ કાયદાની જોગવાઈઓના અમલ માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોની સુરક્ષા) નિયમ- 2020 બહાર પાડ્યા છે, જે ભારત સરકારના ગેઝેટમાં નોટિફાય કરવામાં આવ્યા છે. આ નિયમોથી ટ્રાન્સજેન્ડર સમુદાય સુધી કલ્યાણના ઘનિષ્ટ પગલાં પહોંચે અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં સહાય થાય તેવો ઉદ્દેશ છે. આ નિયમોમાં પોતાની જાતે જાતિય ઓળખ નક્કી કરવાના હક્ક અને ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને ઓળખ પત્ર મેળવવાની પ્રક્રિયા નિયમોમાં દર્શાવવામાં આવી છે. આ પ્રક્રિયાને સરળ અને અવરોધમુક્ત બનાવીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તેમણે જાતે નક્કી કરેલી ઓળખ મુજબનું કાર્ડ કોઈપણ પ્રકારની અગવડ વગર મેળવી શકે તેની ખાત્રી રાખવાનો છે.

‘ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના શેલ્ટર હોમ’ ની યોજનામાં આશ્રય ગૃહની સુવિધા, ભોજન, કપડાં, મનોરંજનની પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસની તકો, યોગ, ધ્યાન/ પ્રાર્થના, શારીરિક ફીટનેસની સુવિધા, લાયબ્રેરીની સુવિધા, કાનૂની સહાય, જાતિય પરિવર્તન અન શસ્ત્રક્રિયા માટેનું ટેકનિકલ માર્ગદર્શન, ટ્રાન્સ-ફ્રેન્ડલી સંસ્થાઓનું ક્ષમતા નિર્માણ, રોજગારી અને કૌશલ્ય નિર્માણમાં સહયોગ વગેરેનો સમાવેશ થાય છે. નોડલ મંત્રાલયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની સ્થિતિ સુધારવા માટેનું પ્રથમ કદમ ઉઠાવ્યું છે અને 10 શહેરો પસંદ કરીને 13 શેલ્ટર હોમ સ્થાપ્યા છે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પસંદગીના 13 સીબીઓ મારફતે પાયલોટ ધોરણે સુવિધાઓ પૂરી પાડી છે. આ શહેરોમાં વડોદરા, નવી દિલ્હી, પટના, ભૂવનેશ્વર, જયપુર, કોલકતા, મણિપુર, ચેન્નાઈ, રાયપુર, મુંબઈ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ દરેક આશ્રય ગૃહમાં ઓછામાં ઓછી 25 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું પુનઃવસન કરવામાં આવશે. આ એક પાયલોટ પ્રોજેકટ છે, જે સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી દેશના અન્ય ભાગોમાં પણ સમાન પ્રકારની યોજનાઓ વિસ્તારવામાં આવશે.

SD/GP/BT



(Release ID: 1675777) Visitor Counter : 351