સંસદીય બાબતોનું મંત્રાલય
રાષ્ટ્રપતિ 25 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયા ખાતે 80મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' નું ઉદ્ઘાટન કરશે
આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ સમાપન સમારોહમાં સંબોધન કરશે
Posted On:
24 NOV 2020 3:24PM by PIB Ahmedabad
બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષને અનુલક્ષીને ચાલુ વર્ષે 80મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ”નું આયોજન તા. 25-26 નવેમ્બર, 2020 દરમિયાન કેવડિયા નર્મદા ખાતે થઇ રહ્યું છે, આજે ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આ માહિતી આપી હતી.
શ્રી ઓમ બિરલાએ જણાવ્યું હતું કે 80મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'નું ઉદઘાટન માનનીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી તા.25 નવેમ્બર 2020ના રોજ સવારે 11:00 કલાકે કરશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ તથા ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. વિવિધ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ આ બે દિવસીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લગભગ 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. આ સંમેલનમાં તમામ રાજ્યોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થાય તેવી શક્યતા છે.
ગુજરાતની ધરતી એ પુણ્ય પાવન ભૂમિ છે, જેણે દેશને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરાવનારા ભારતમાતાના સપૂત મહાત્મા ગાંધીને જન્મ આપ્યો છે. સાડા પાંચસોથી વધુ દેશી રજવાડાઓમાં વહેંચાયેલા દેશને 'એક' કરીને એક રાષ્ટ્ર બનાવનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ પણ અહીં થયો હતો. ગુજરાતમાં 130 કરોડ ભારતીયોના દેશની એકતા-અખંડિતતાને પ્રતિ સમર્પિત એને એકતાનાં પ્રતીક સમી દુનિયાની સૌથી ઊંચી- વિશાળકાય સરદારની પ્રતિમા છે. 26 નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને 'બંધારણ દિવસ'/ 'સંવિધાન દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
તેમણે માહિતી આપતા કહ્યું કે આ વર્ષને 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ'ના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. 'અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન' (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ)ની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1921થી કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલીકાના અનુભવોનું આદાન પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.
શ્રી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે આ સંમેલનનો વિષય છે 'સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય' કરવો. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ-અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો - સંસદ/વિધાનસભા - વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે.
આ સંમેલનમાં સંસદ/વિધાનસભા અને વહીવટીતંત્રને પ્રજા પરત્વેની બંધારણીય જવાબદારીને વધુ અસરકારક ઢબે સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે. બે દિવસીય સંમેલનનો સમાપન સમારોહ તા.26 નવેમ્બરના રોજ 'સંવિધાન દિવસ'ના દિને હશે. આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુલ માધ્યમથી સંબોધન કરશે.
તેમણે માહિતી આપતા કહ્યું કે આ પ્રસંગે તમામ ઉપસ્થિતો પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના/આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશક્ત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે.
આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિશ્રી સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે. આ સંમેલન અંતર્ગત કેવડિયામાં "બંધારણ અને મૂળભૂત ફરજો"ના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.
***
(Release ID: 1675292)
Visitor Counter : 286