પ્રધાનમંત્રીનું કાર્યાલય

17 નવેમ્બર 2020ના રોજ 3જી વાર્ષિક બ્લૂમ્બર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 NOV 2020 7:31PM by PIB Ahmedabad

શ્રી માઇકલ બ્લૂમ્બર્ગ, વિચારક અગ્રણીઓ, ઉદ્યોગજગતના સુકાનીઓ, બ્લૂમ્બર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમના સહભાગીઓ.

હું, માઇકલ અને તેમની ટીમ દ્વારા બ્લૂમ્બર્ગ પરોપકારીઓ ખાતે કરવામાં આવેલા કામની પ્રસંશા સાથે મારી વાતનો પ્રારંભ કરું છું. ભારતના સ્માર્ટ સિટી મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આ ટીમે આપેલો સહકાર ખૂબ જ સારો છે.

મિત્રો,

આપણે આપણા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છીએ. દુનિયાના અડધાથી વધારે લોકો શહેરી વિસ્તારોમાં વસે છે. આગામી બે દાયકામાં, ભારત અને કેટલાક આફ્રિકન દેશો સૌથી મોટા શહેરીકરણના સાક્ષી બનવા જઇ રહ્યાં છે. પરંતુ કોવિડ-19 મહામારીએ દુનિયા સમક્ષ એક વિરાટ પડકાર લાવીને મૂકી દીધો છે. તેણે આપણને બતાવી દીધું છે કે શહેરો આપણા વિકાસના એન્જિન હતા તે આપણા માટે સંવેદનશીલ વિસ્તારો પણ છે. દુનિયાભરમાં સંખ્યાબંધ શહેરોએ મહામંદીના કારણે સૌથી ખરાબ આર્થિક પડતીના આરે હોવાનું તેમણે જાહેર કરી દીધું છે. શહેરોની જીવનશૈલી રજૂ કરતી સંખ્યાબંધ બાબતો સામે અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. સામુદાયિક મેળાવડા, રમતગમતની પ્રવૃત્તિઓ, શિક્ષણ અને મનોરંજન હવે પહેલાં જેવી સ્થિતિમાં નથી રહ્યાં. સમગ્ર દુનિયા સામે સૌથી મોટો સવાલ એ છે કે, હવે ફરી શરૂઆત કેવી રીતે થશે? રીસેટ (ફરી ગોઠવણ) કર્યા વગર રીસ્ટાર્ટ (ફરી શરૂઆત) થઇ શકશે નહીં. લોકોની માનસિકતાની ફરી ગોઠવણ. અને આચરણોની ફરી ગોઠવણ.

મિત્રો,

હું માનુ છુ કે, બે વિશ્વ યુદ્ધો પછી ઐતિહાસિક પુનઃસર્જનના પ્રયાસોએ આપણને સંખ્યાબંધ બોધપાઠ શીખવ્યા છે. વિશ્વ યુદ્ધો પછી, આખા વિશ્વએ નવી દુનિયાને સ્થાપિત કરવાની દિશામાં કામ કર્યું છે. નવા પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યા હતા અને દુનિયા પોતાની રીતે બદલાઇ હતી. કોવિડ-19 મહામારીએ પણ પ્રત્યેક ક્ષેત્રમાં નવા પ્રોટોકોલ વિકસાવવા માટે આવી જ તક આપણને પૂરી પાડી છે. જો આપણે ભવિષ્ય માટે સ્થિતિસ્થાપક વ્યવસ્થાતંત્ર વિકસાવવા માંગતા હોઇએ તો આખી દુનિયાએ આ તક ઝડપી લેવી જોઇએ. આપણે કોવિડ પછીના સમયમાં દુનિયાની જરૂરિયાતો પર વિચાર કરવો જોઇએ. જો શરૂઆતનું બિંદુ સારું હશે તો તેનાથી આપણા શહેરી કેન્દ્રોનું પુનરુત્થાન શક્ય બનશે.

મિત્રો,

અહીં, હું ભારતીય શહેરોની સકારાત્મક બાજુ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છુ. ભારતીય શહેરોએ આવા મુશ્કેલ સમયમાં અસમાન્ય દૃષ્ટાંતો પૂરા પાડ્યાં છે. દુનિયાભરમાં લૉકડાઉનના પગલાં સામે વિરોધની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવી હતી. જોકે, ભારતીય શહેરોએ ખૂબ જ સાવચેતીપૂર્વક આ નિવારાત્મક પગલાંઓનું પાલન કર્યું. આ શક્ય થવાનું કારણ એ છે કે, અમારા શહેરોમાં સૌથી મોટો ઇમારતી બ્લૉક કોંક્રિટ નથી પરંતુ સમુદાય છે. મહામારીએ ફરી એ બાબત પર ભાર મૂક્યો છે કે, સમાજો તરીકે અને વ્યવસાયો તરીકે આપણા સૌથી મોટા સંસાધનો, આપણા લોકો જ છે. કોવિડ પછીની દુનિયાનું નિર્માણ આ મુખ્ય અને મૂળભૂત સંસાધનોના પાલનપોષણથી કરવું પડશે. શહેરો વિકાસના જીવંત એન્જિન છે. તે આ ખૂબ જ જરૂરી પરિવર્તનને ચલાવવાની શક્તિ ધરાવે છે.

લોકો મોટાભાગે શહેરોમાં સ્થળાંતર કરે છે કારણ કે શહેરો તેમને કામ આપે છે. પરંતુ, શું હવે એ સમય નથી આવી ગયો કે, આપણે શહેરોને પણ લોકો માટે કાર્યરત કરીએ? કોવિડ-19 મહામારીએ આપણને આપણા શહેરો લોકો માટે વધુ રહેવા યોગ્ય બનાવવાની પ્રક્રિયાને વધુ પ્રવેગ આપવા માટેની તક પૂરી પાડી છે. આમાં બહેતર આવાસ સુવિધાઓ, કામ માટે બહેતર માહોલ, ટૂંકા અને કાર્યદક્ષ પ્રવાસો વગેરે સામેલ છે. લૉકડાઉન દરમિયાન, સંખ્યાબંધ શહેરોમાં સ્વચ્છ તળાવો અને નદીઓ તેમજ શુદ્ધ હવા મળતા થયા હતા. આપણામાંથી સંખ્યાબંધ લોકોએ અગાઉ ક્યારેય ના જોયા હોય તેવી રીતે પક્ષીઓનો કલરવ કરતા જોયા હતા. શું આપણે એવા ટકાઉક્ષમ શહેરોનું નિર્માણ ના કરી શકીએ જ્યાં આ સુવિધાઓ સામાન્ય હોય અને તે અપવાદરૂપ ના હોય? ભારતમાં શહેરી કેન્દ્રોનું નિર્માણ કરવાનો અમારો પ્રયાસ છે જેમાં શહેરો જેવી સુવિધાઓ હોય પરંતુ ભાવના ગામડાં જેવી હોય.

મિત્રો,

મહામારી દરમિયાન, ટેકનોલોજીએ આપણને આપણું કામ યથાવત ચાલુ રાખવામાં મદદ કરી છે. વીડિયો કોન્ફરન્સિંગ જેવા સરળ સાધનોના કારણે, હું સંખ્યાબંધ વધુ બેઠકો કરી શકું છું. તેણે દૂરના સ્થળોએ જોડાવા માટે અને તમારી સૌની સાથે વાત કરવા માટે મને સેતૂ પૂરો પાડ્યો છે. પરંતુ આપણે પણ આપણી સમક્ષ કોવિડ પછીની દુનિયા માટે એક રસપ્રદ પ્રશ્ન ઉભો કર્યો છે. કોવિડના સમયમાં આપણે જે વીડિયો કોન્ફરન્સિંગ જેવી બાબતો શીખ્યા તે સાથે ભવિષ્યમાં પણ આગળ વધવાનું ચાલું રાખીશું? કે પછી, પરિષદોમાં ભાગ લેવા માટે આપણે એકબીજા ખંડોમાં જવા માટે લાંબી મુસાફરી ખેડીશું? શહેરી પ્રણાલીઓ પર ભારણ ઘટાડવું એ આપણી પસંદગીઓ પર નિર્ભર છે.

આ પસંદગીઓ આપણને કામ અને જીવન વચ્ચે બહેતર સંતુલન સાધવામાં મદદ કરશે. આજના યુગમાં, લોકોને ગમે ત્યાંથી કામ કરવા માટે, ગમે ત્યાં રહેવા માટે, ગમે તે સ્થળેથી વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં સામેલ થવા માટે સશક્ત કરવા તે પૂર્ણ જરૂરિયાત છે. આથી જ, અમે ટેકનોલોજી અને જ્ઞાન સક્ષમ સેવા ક્ષેત્રો માટે સરળીકૃત માર્ગદર્શિકાઓની જાહેરાત કરી છે. આનાથી ઘરે બેઠા કામ અને ગમે તે સ્થળેથી કામની સુવિધા ઉપલબ્ધ થશે.

મિત્રો,

પરવડે તેવા આવાસો વગર આપણા શહેરો સમૃદ્ધ થઇ શકે નહીં. આ વાત સમજાતા, અમે 2015માં તમામ લોકો માટે ઘર કાર્યક્રમની જાહેરાત કરી હતી. મને એ ટાંકતા ઘણી ખુશી થાય છે કે, અમે અમારા આ માર્ગ પર ખૂબ સારી રીતે આગળ વધી રહ્યાં છીએ. અમે 2022માં નિર્ધારિત કરવામાં આવેલી લક્ષિત સમયસીમા પહેલાં જ શહેરી વિસ્તારોમાં મહત્વાકાંક્ષી પરિવારોને એક કરોડ એટલે કે 10 મિલિયનથી વધારે ઘર પૂરાં પાડી શકીશુ. આ મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, અમે પરવડે તેવા ભાડાંના ઘરની પહેલનો પણ પ્રારંભ કર્યો છે. અમે રીઅલ એસ્ટેટ નિયમન કાયદો પણ બનાવ્યો છે. આનાથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રની ગતિવિધિઓમાં પરિવર્તન આવ્યું છે. આનાથી, તે ક્ષેત્ર વધુ ગ્રાહકલક્ષી અને પારદર્શક બન્યું છે.

મિત્રો,

ટકાઉક્ષમ શહેરોનું નિર્માણ કરવા માટે ટકાઉક્ષમ પરિવહન મુખ્ય જરૂરિયાત છે. 27 શહેરોમાં મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. અમે 2022 સુધીમાં દેશમાં લગભગ 1000 કિમીની મેટ્રો રેલ સિસ્ટમ પૂરી પાડવા માટે યોગ્ય રીતે આગળ વધી રહ્યાં છીએ. અમારા મેક ઇન ઇન્ડિયા આગ્રહના કારણે પરિવહન પ્રણાલીઓના ઉત્પાદનમાં સ્વદેશી ક્ષમતામાં પ્રચંડ વિકાસ થયો છે. આનાથી અમારા ટકાઉક્ષમ પરિવહન લક્ષ્યોને મોટાપાયે વેગ આપવામાં મદદ મળી રહેશે.

મિત્રો,

સ્માર્ટ, સમૃદ્ધ અને ટકાઉક્ષમ શહેરોના નિર્માણની સફરમાં ટેકનોલોજી ખૂબ જ મહત્વની બળ પ્રદાતા છે. ટેકનોલોજી શહેરોનું કાર્યદક્ષ રીતે વ્યવસ્થાપન કરવામાં અને એકબીજા સાથે સમુદાયોને જોડેલા રાખવામાં મદદ કરે છે. અમે એવા ભવિષ્ય પર નજર કરી રહ્યાં છીએ જ્યાં શિક્ષણ, આરોગ્ય સંભાળ, શોપિંગ, ભોજનના અનુભવોનો મોટો હિસ્સો ઑનલાઇન થઇ શકે તેમ હોય. આપણા શહેરોએ ભૌતિક અને ડિજિટલ દુનિયાના સંમેલન માટે તૈયાર રહેવાની જરૂર છે. અમારા કાર્યક્રમો – ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા મિશન આ દિશામાં ક્ષમતા સર્જન કરવા માટે મદદ કરી રહ્યાં છે. અમે બે તબક્કાના પ્રક્રિયા દ્વારા 100 સ્માર્ટ શહેરો પસંદ કર્યાં છે. સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદની ફિલસુફીને સમર્થન આપતી રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ શહેરોએ લગભગ બે લાખ કરોડ રૂપિયા એટલે કે 30 બિલિયન ડૉલરની કિંમતની પરિયોજનાઓ તૈયાર કરી છે. અને લગભગ એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા એટલે કે 20 બિલિયન ડૉલરની કિંમતની પરિયોજનાઓ પૂર્ણ થઇ ગઇ છે અથવા પૂર્ણતાના આરે છે. ટેકનોલોજીની સંપૂર્ણ સંભાવ્યતાને બહાર લાવવા માટે, એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રો સંખ્યાબંધ શહેરોમાં ઉભા કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો હાલમાં વિવિધ શહેરોમાં કોવિડની પરિસ્થિતિના વ્યવસ્થાપન માટે વૉર-રૂમ તરીકે પણ સેવા આપી રહ્યાં છે.

અંતે, હું આપ સૌને એક વાત યાદ અપાવવા માંગું છું. જો તમે શહેરીકરણમાં રોકાણ કરવા પર વિચારી રહ્યાં હોવ તો, ભારતમાં આપના માટે ખૂબ જ ઉત્સાહજનક તકો ઉપલબ્ધ છે. જો તમે પરિવહનમાં રોકાણ કરવાનો  વિચાર કરી રહ્યાં હોવ તો, ભારતમાં આપના માટે ખૂબ જ ઉત્સાહજનક તકો ઉપલબ્ધ છે. જો તમે આવિષ્કારમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં હોવ તો, ભારતમાં આપના માટે ખૂબ જ ઉત્સાહજનક તકો ઉપલબ્ધ છે. જો તમે દીર્ઘકાલિન ઉકેલોમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં હોવ તો, ભારતમાં આપના માટે ખૂબ જ ઉત્સાહજનક તકો ઉપલબ્ધ છે. આ તકો આપને એક જીવંત વસતિસમુદાય સાથે ઉપલબ્ધ થાય છે. વ્યવસાયો માટે અનુકૂળ માહોલ સાથે ઉપલબ્ધ થાય છે. અહીં એક વિરાટ બજાર છે. અને એક એવી સરકાર સાથે આ તકો ઉપલબ્ધ થાય છે જે ભારતને વૈશ્વિક રોકાણનું મુકામ બનાવવા માટે કોઇ જ કસર બાકી રાખશે નહીં.

મિત્રો,

ભારત શહેરી પરિવર્તનના માર્ગે યોગ્ય રીતે આગેકૂચ કરી રહ્યું છે. મને એ બાબતે કોઇ જ શંકા નથી કે આપ સૌ હિતધારકો, નાગરિક સમાજ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને સૌથી મહત્વપૂર્ણ એવા નાગરિકો અને સમુદાયોની મદદથી, આપણે ટકાઉક્ષમ અને સમૃદ્ધ વૈશ્વિક શહેરોનું સપનું સાકાર કરી શકીશું.

આપ સૌનો આભાર.

 

SD/GP


(Release ID: 1673588) Visitor Counter : 279