પ્રધાનમંત્રીનું કાર્યાલય
મન કી બાત 2.0ના 16મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.09.2020)
Posted On:
27 SEP 2020 11:50AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના આ કપરા સમયમાં આખી દુનિયા અનેક પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે, તો આ જ સંકટની ઘડીએ પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડવા અને નજીક લાવવાનું કામ પણ કર્યું છે. પરંતુ આટલા લાંબા સમય સુધી એક સાથે રહેવું, કેવી રીતે રહેવું, સમય કેવી રીતે પસાર કરવો, દરેક પળ ખુશીઓથી ભરેલી કેવી રીતે હોય? તો કેટલાક પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેનું કારણ તે હતું કે, આપણી પરંપરાઓ, જે પરિવારમાં એક પ્રકારનાં સંસ્કાર સરિતા તરીકે ચાલતી હતી, તેની અછતનો અનુભવ થવા લાગ્યો છે, એવું લાગે છે, ઘણા પરિવારો છે કે જ્યાં આ બધું સમાપ્ત થઈ ચૂક્યું છે, અને તેને કારણે, તે અછત હોવા છતાં, પરિવારો માટે આ કટોકટીનો સમય ગાળવો થોડો મુશ્કેલ બની ગયો હતો, અને તેમાં એક મહત્વની વાત કઇ હતી? દરેક કુટુંબમાં, પરિવારના કોઈને કોઈ વૃદ્ધ લોકો, વડીલો વાર્તાઓ કહેતા હતા અને ઘરને નવી પ્રેરણા, નવી ઉર્જાથી ભરી દે છે. આપણે ચોક્કસ અનુભવ્યું હશે કે આપણા પૂર્વજોએ જે શૈલીઓ ઘડી હતી, તે આજે પણ કેટલી મહત્ત્વની છે અને જ્યારે તે નથી હોતા, ત્યારે આપણને તેનો કેટલો અભાવ લાગે છે. આવી જ એક શૈલી, જેમ મેં કહ્યું, વાર્તા કહેવાની કળા story telling છે. સાથીઓ, વાર્તાઓનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી માનવ સભ્યતા.
‘where there is a soul there is a story’
વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.
સાથીઓ ભારતમાં વાર્તા કહેવાની, કિસ્સાઓ કહેવાની કળાની એક સમૃદ્ધ પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે તે દેશના રહેવાસી છીએ જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે, જ્યાં વાર્તાઓમાં પશુ-પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી, જેથી વિવેક અને બુદ્ધિમતાની વાતોને સરળતાથી સમજાવી શકાય. આપણે ત્યાં કથાની પરંપરા રહી છે. આ ધાર્મિક વાર્તાઓ કહેવાની પ્રાચિન પદ્ધતિ છે. તેમાં કતાકાલક્ષેવમ પણ સામેલ રહ્યું છે. આપણે ત્યાં વિવિધ પ્રકારની લોક કથાઓ પ્રચલિત છે. તામિલનાડુ અને કેરળમાં વાર્તા સંભળાવવાની બહુ જ રોચક પદ્ધતિ છે. તેને વિલ્લૂ પાટ કહેવામાં આવે છે. તેમાં વાર્તા અને સંગીતનું બહુ જ આકર્ષક સામંજસ્ય હોય છે. ભારતમાં કઠપૂતળીની જીવંત પરંપરા પણ રહી છે. હમણાં science અને science fiction સાથે જોડાયેલી વાર્તાઓ તેમજ વાર્તા કહેવાની શૈલી પણ લોકપ્રિય થઈ રહી છે. હું જોઈ રહ્યો છું કે કેટલાય લોકો કિસ્સાઓ કહેવાની કળાને આગળ વધારવા માટે ઘણી જ પ્રશંસનિય પહેલ કરી રહ્યા છે. મને gaathastory.in જેવી વેબસાઈટ વિશે જાણકારી મળી, જેને અમર વ્યાસ બીજા લોકો સાથે મળીને ચલાવે છે. અમર વ્યાસ IIM અમદાવાદથી MBA કર્યા બાદ વિદેશ ચાલ્યા ગયા, પછી પરત ફર્યા. હમણાં બેંગલુરુમાં રહે છે અને સમય કાઢીને વાર્તાઓ સાથે જોડાયેલું આ પ્રકારનું રસપ્રદ કાર્ય કરી રહ્યા છે. આવા કેટલાય પ્રયત્નો છે જે ગ્રામિણ ભારતની વાર્તાઓને ઘણી પ્રચલિત કરી રહ્યા છે. વૈશાલી વ્યવહારે દેશપાંડે જેવા કેટલાય લોકો છે જે તેને મરાઠીમાં પણ લોકપ્રિય બનાવી રહ્યા છે.
ચેન્નઈના શ્રીવિદ્યા વીર રાઘવન પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તાઓના પ્રચાર-પ્રસાર કરવામાં લાગેલા છે, તો કથાલય અને The Indian story telling network નામની બે વેબસાઈટ પણ આ ક્ષેત્રમાં જબરદસ્ત કાર્ય કરી રહી છે. ગીતા રામાનુજમે kathalaya.org માં વાર્તાઓને કેન્દ્રિત કરી છે, તો The Indian story telling network ના માધ્યમથી અલગ-અલગ શહેરોના story tellersનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. બેંગલુરુમાં એક વિક્રમ શ્રીધર છે, જે બાપુ સાથે જોડાયેલી વાર્તાઓને લઈને ઘણાં ઉત્સાહિત છે. હજુ પણ ઘણાં લોકો, આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હશે – આપ જરૂર તેમના વિશે સોશિયલ મીડિયા પર શેર કરો.
આજે આપણી સાથે બેંગલુરુ Story telling societyની બહેન અપર્ણા અત્રેય અને અન્ય સભ્યો જોડાયા છે. આવો તેમની સાથે વાત કરીએ અને જાણીએ તેમના અનુભવો.
પ્રધાનમંત્રી – હેલો
અપર્ણા – નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી જી. કેમ છો આપ ?
પ્રધાનમંત્રી – હું ઠીક છું. આપ કેમ છો અપર્ણાજી?
અપર્ણા – એકદમ સારી સરજી. સૌથી પહેલાં હું બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટીની તરફથી ઘન્યવાદ આપવા માંગુ છું કે આપે અમારા જેવા કલાકારોને આ મંચ પર બોલાવ્યા છે અને વાત કરી રહ્યા છો.
પ્રધાનમંત્રી – અને મેં સાંભળ્યું છે કે આજે તો કદાચ તમારી આખી ટીમ પણ તમારી સાથે બેઠી છે.
અપર્ણા – જી...જી. બિલકુલ. બિલકુલ સર.
પ્રધાનમંત્રી – તો સારું રહેશે કે આપની ટીમનો પરિચય કરાવી દો. જેથી મન કી બાતના જે શ્રોતાઓ છે તેમને પરિચય થઈ જાય કે તમે લોકો કેવું મોટું અભિયાન ચલાવી રહ્યા છો.
અપર્ણા – સર, હું અપર્ણા અત્રેય છું, બે બાળકોની માં છું, એક ભારતીય વાયુસેનાના અધિકારીની પત્ની છું અને એક passionate storyteller છું સર. સ્ટોરીટેલીંગની શરૂઆત 15 વર્ષ પહેલાં થઈ હતી જ્યારે હું સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. ત્યારે હું CSR projectsમાં voluntary કામ કરવા માટે જ્યારે ગઈ હતી ત્યારે હજારો બાળકોને વાર્તાઓના માધ્યમથી શિક્ષણ આપવાનો મોકો મળ્યો અને આ વાર્તા જે હું કહી રહી હતી તે મારી દાદીમાં પાસેથી સાંભળી હતી. પરંતુ જ્યારે વાર્તા સાંભળતી વખતે મેં જે ખુશી તે બાળકોમાં જોઈ, હું શું કહું આપને, કેટલું સ્મિત હતું, કેટલી ખુશી હતી, તે તે જ સમયે મેં નક્કી કર્યું કે સ્ટોરીટેલીંગ મારા જીવનનું એક લક્ષ્ય હશે, સર.
પ્રધાનમંત્રી – આપની ટીમમાં અન્ય કોણ કોણ છે ત્યાં?
અપર્ણા – મારી સાથે શૈલજા સંપત.
શૈલજા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્કાર જી.
શૈલજા – હું શૈલજા સંપત વાત કરી રહી છું. હું તો પહેલાં ટીચર હતી, ત્યાર પછી જ્યારે મારા બાળકો મોટા થયા ત્યારે મેં થીયેટરમાં કામ શરૂ કર્યું અને finally વાર્તાઓને સંભળાવવામાં સૌથી વધુ સંતોષ મળ્યો. પ્રધાનમંત્રી – ધન્યવાદ
શૈલજા – મારી સાથે સૌમ્યા છે.
સૌમ્યા – નમસ્કાર સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
સૌમ્યા – હું છું સૌમ્યા શ્રીનિવાસન. હું એક સાયકોલોજીસ્ટ છું. હું જ્યારે કામ કરું છું, બાળકો અને મોટા લોકો સાથે તેમાં વાર્તાઓ દ્વારા મનુષ્યોના નવરસોને જગાડવાની કોશિષ કરું છું અને તેમની સાથે ચર્ચાઓ પણ કરું છું. આ મારું લક્ષ્ય છે. ‘Healing and transformative storytelling’ |
અપર્ણા – નમસ્તે સર.
પ્રધાનમંત્રી – નમસ્તે જી.
અપર્ણા – મારું નામ અપર્ણા જયશંકર છે. આમ તો મારું સૌભાગ્ય છે કે હું મારા નાના-નાની અને દાદા-દાદી સાથે આ દેશના વિવિધ ભાગોમાં મારું પાલન થયું છે તેથી રામાયણ, પુરાણો અને ગીતાની વાર્તાઓ મને વારસામાં રોજ રાતે મળતી હતી અને બેંગલુરુ સ્ટોરી ટેલીંગ સોસાયટી જેવી સંસ્થા છે તો મારે સ્ટોરીટેલર બનવાનું જ હતું. મારી સાથે મારી સાથી લાવણ્યા પ્રસાદ છે.
પ્રધાનમંત્રી – લાવણ્યાજી નમસ્તે.
લાવણ્યા – નમસ્તે સર. હું એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પરંતુ હવે એક પ્રોફેશનલ સ્ટોરીટેલર છું. સર હું મારા દાદા પાસેથી વાર્તાઓ સાંભળીને મોટી થઈ છું. હું વરિષ્ઠ નાગરિકો સાથે કામ કરું છું. રૂટ નામના મારા એક સ્પેશિયલ પ્રોજેક્ટ કે જેમાં હું તેમને તેમના પરિવાર માટે તેમની જીવન વાર્તાના દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરું છું.
પ્રધાનમંત્રી – લાવણ્યા જી આપને ઘણી શુભેચ્છાઓ. અને જેમ આપે કહ્યું મેં પણ એક વખત મન કી બાતમાં બધાને કહ્યું હતું કે આપ પરિવારમાં દાદા-દાદી, નાના-નાની હોય, તો તેમની પાસેથી તેમના બાળપણની વાર્તાઓ પૂછો અને તેને ટેપ કરી લ્યો, રેકોર્ડ કરી લ્યો, ઘણું જ કામ આવશે એ મેં કહ્યું હતું. પરંતુ મને ઘણું જ સારું લાગ્યું કે એક તો આપ બધાએ આપનો જે પરિચય આપ્યો તેમાં પણ તમારી કળા, તમારી કોમ્યુનિકેશન સ્કિલ અને ઘણાં જ ઓછા શબ્દોમાં ઘણી જ સારી રીતે આપે આપનો પરિચય કરાવ્યો તેથી હું પણ આપને અભિનંદન પાઠવું છું.
લાવણ્યા – આભાર સર... આભાર..
હવે જે આપણા મન કી બાતના શ્રોતાઓ છે તેમનું પણ મન કરતું હશે વાર્તા સાંભળવાનું. શું હું આપને રિક્વેસ્ટ કરી શકું કે એક-બે વાર્તાઓ આપ લોકો સંભળાવો.?
સમૂહ સ્વર – જી બિલકુલ, તે અમારું સૌભાગ્ય છે જી.
ચાલો ચાલો સાંભળીએ , વાર્તા એક રાજાની. રાજાનું નામ હતું કૃષ્ણ દેવ રાય અને રાજ્યનું નામ હતું વિજયનગર. હવે રાજા અમારા હતા તો ઘણાં ગુણવાન. જો તેમનામાં કોઈ ખોટ દેખાડવી જ હોય તો તે હતી, સૌથી વધારે પ્રેમ પોતાના મંત્રી તેનાલી રામા તરફ અને બીજો ભોજન તરફ. રાજા જી રોજ બપોરના ભોજન માટે બહુ આશા સાથે બેસતા હતા – કે આજે કંઈક સારુ બન્યું હશે અને રોજ તેમના રસોઈયા તેમને એ જ શાકભાજી ખવડાવતા હતા – તૂરિયા, દૂધી, કોળું, ટિંડોરા, ઉફફ્. એમ જ એક દિવસ રાજાએ ખાતા ખાતા ગુસ્સામાં થાળી ફેંકી દીધી અને તેમના રસોઈયાને આદેશ આપ્યો કે કાલે અન્ય કોઈ સ્વાદિસ્ટ શાક બનાવજો અથવા તો કાલે હું તને ફાંસી પર ચડાવી દઈશ. રસોઈયો બિચારો ડરી ગયો. હવે નવા શાક માટે તે ક્યાં જાય. રસોઈયો દોડતો દોડતો ગયો સીધો તેનાલી રામા પાસે અને તેને આખી વાત સંભળાવી. સાંભળીને તેનાલી રામાએ રસોઈયાને એક ઉપાય આપ્યો. બીજા દિવસે રાજા બપોરના ભોજન માટે આવ્યા અને રસોઈયાને બોલાવ્યો. આજે કંઈક નવું સ્વાદિષ્ટ બન્યું છે કે હું ફાંસીનો માંચડો તૈયાર કરું. ડરેલા રસોઈયાએ ઝડપથી થાળી સજાવી અને રાજા માટે ગરમાગરમ ખાવાનું પીરસ્યું. થાળીમાં નવું શાક હતું. રાજા ઉત્સાહિત થઈ ગયા અને થોડું શાક ચાખ્યું. વાહ..... શું શાક હતું. ન તૂરિયાની જેમ ફિક્કું કે ન કોળાની જેમ મીઠું હતું. રસોઈયાએ જે પણ મસાલા શેકીને, વાટીને નાખ્યા હતા, બધા બહુ સારી રીતે ચડી ગયા હતા. આંગળીઓ ચાટતા ચાટતા સંતુષ્ટ રાજાએ રસોઈયાને બોલાવ્યો અને પૂછ્યું કે આ કયું શાક હતું. આનું નામ શું છે.?
જેમ શિખવાડવામાં આવ્યું હતું તેવી જ રીતે રસોઈયાએ જવાબ આપ્યો. મહારાજ આ મુગટધારી રિંગણું છે. પ્રભુ, તમારી જેમ જ આ પણ શાકનો રાજા છે અને તેથી અન્ય શાક દ્વારા રિંગણાને મુગટ પહેરાવવામાં આવ્યો. રાજા ખુશ થયા અને ઘોષિત કર્યું કે આજથી અમે આ જ મુગટધારી રિંગણાં ખાશું. અને માત્ર અમે જ નહીં, અમારા રાજ્યમાં પણ, માત્ર રિંગણ જ બનશે અને કોઈ અન્ય શાક નહીં બને.
રાજા અને પ્રજા બંને ખુશ હતા. એટલે કે પહેલા-પહેલાં તો બધા ખુશ હતા કે તેમને નવું શાક મળ્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો વધતા ગયા, સૂર વિસરાતો ગયો. એક ઘરમાં રિંગણ ભડથું તો બીજા ઘરમાં રિંગણભાજા. એકને ત્યાં કટ્ટાનો સંભાર તો બીજાને ત્યાં વાંગી ભાત. એક જ રિંગણું બિચારું કેટલા રૂપ ધારણ કરે. ધીરે ધીરે રાજા પણ કંટાળી ગયા. રોજ એ જ રિંગણું. અને એક દિવસ એવો આવ્યો કે રાજાએ રસોઈયાને બોલાવ્યો અને ખૂબ વઢ્યા. તને કોણે કહ્યું હતું કે રિંગણાના માથે મુગટ હોય છે. આ રાજ્યમાં હવેથી કોઈ રિંગણાં નહીં ખાય. કાલથી બાકી કોઈપણ શાક બનાવજે, પરંતુ રિંગણાં ન બનાવતો. જેવી આપની આજ્ઞા, મહારાજ કહીને રસોઈયો સીધો ગયો તેનાલી રામા પાસે. તેનાલી રામાના પગ પકડીને કહ્યું કે મંત્રી જી...ધન્યવાદ, આપે મારા પ્રાણ બચાવી લીધા. તમારા ઉપાયને કારણે હવે હું કોઈપણ શાક રાજાને ખવડાવી શકું છું. તેનાલી રામાએ હસતા હસતાં કહ્યું, એ મંત્રી જ શું કે જે રાજાને ખુશ ન રાખી શકે. અને આવી રીતે રાજા કૃષ્ણ દેવ રાય અને મંત્રી તેનાલી રામાની વાર્તાઓ બનતી રહી અને લોકો સાંભળતા રહ્યા. ધન્યવાદ.
પ્રધાનમંત્રી – આપે વાતમાં એટલી, exactness હતી, એટલી બારિકીઓને પકડી હતી, હું સમજું છું કે બાળકો, મોટાઓ કોઈપણ સાંભળશે, કેટલીયે વસ્તુનું સ્મરણ રાખશે. ઘણી જ સારી રીતે આપે કહ્યું અને વિશેષ coincidence એવો છે કે દેશમાં પોષણ મહિનો ચાલી રહ્યો છે અને તમારી વાર્તા ભોજન સાથે જોડાયેલી હતી.
… અને હું જરૂર આ જે સ્ટોરી ટેલર્સ આપ લોકો છો, તેમજ અન્ય લોકો પણ છે. આપણે કેવી રીતે આપણા દેશની નવી પેઢીને આપણા મહાપુરુષ, મહાન માતાઓ-બહેનો જે થઈ ગઈ છે. કથાઓના માધ્યમથી તેમની સાથે કેવી રીતે જોડાઈ શકાય. આપણે કથા-શાસ્ત્રનો વધુને વધુ પ્રચાર કરીએ, પોપ્યુલર કરીએ, અને દરેક ઘરમાં સારી કથા કહેવી, સારી વાર્તાઓ બાળકોને સંભળાવવી, તે જન-જીવનની બહુ મોટી ક્રેડિટ હોય. આ વાતાવરણ કેવી રીતે બનાવીએ, તે દિશામાં આપણે બધાએ મળીને કામ કરવું જોઈએ, પરંતુ મને ઘણું જ સારું લાગ્યું આપ લોકો સાથે વાત કરીને અને હું આપ બધાને શુભકામનો આપું છું. ધન્યવાદ.
સમૂહ સ્વર – ધન્યવાદ સર...
વાર્તા દ્વારા સંસ્કાર સરિતાને આગળ વધારનારી આ બહેનોને આપણે સાંભળી. હું જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, આટલી લાંબી વાત હતી, તો મને લાગ્યું કે મન કી બાત ની સમયની સીમા છે, તો મારી તેમનાથી જે વાત થઈ છે, તે બધી વાતો, હું મારી NarendraModiApp પર અપલોડ કરીશ. આખી વાર્તાઓ ત્યાં જરૂરથી સાંભળજો. અત્યારે મન કી બાતમાં મેં તેનો બહુ જ નાનો અંશ જ આપની સામે પ્રસ્તુત કર્યો છે. હું જરૂર આપને આગ્રહ કરીશ, પરિવારમાં, દર અઠવાડિયે આપ વાર્તાઓ માટે કેટલોક સમય ફાળવો, અને એ પણ કરી શકીએ કે પરિવારના દરેક સભ્યને દરેક સપ્તાહ માટે એક વિષય નક્કી કરો, જેમ કે માની લ્યો કરૂણા છે, સંવેદનશીલતા છે, પરાક્રમ છે, ત્યાગ છે, શૌર્ય છે – કોઈ એક ભાવ અને પરિવારના બધા સભ્યો, તે અઠવાડિયે એક જ વિષય પર દરેકે દરેક લોકો વાર્તાઓ શોધે અને પરિવારના બધા મળીને એક-એક વાર્તાઓ કહેશે.
તમે જુઓ કે પરિવારમાં કેટલો મોટો ખજાનો થઈ જશે. રિસર્ચનું કેટલું મોટું કામ થઈ જશે, દરેકને કેટલો આનંદ આવશે અને પરિવારમાં એક નવો પ્રાણ, નવી ઉર્જા આવશે – તેવી જ રીતે આપણે એક કામ એ પણ કરી શકીએ છીએ. હું કથા સંભળાવનાર બધાને આગ્રહ કરીશ કે આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ, શું આપણે આપણી કથાઓમાં આખા ગુલામીના કપરા સમયની જેટલી પણ પ્રેરક ઘટનાઓ છે તેને કથામાં પ્રચારિત કરી શકીએ છીએ. ખાસ કરીને 1857 થી 1947 સુધી, દરેક નાની-મોટી ઘટનાથી હવે અમારી નવી પેઢીને કથાઓ દ્વારા પરિચિત કરાવી શકો છો. મને વિશ્વાસ છે કે આપ જરૂર આ કામને કરશો. વાર્તા કહેવાની આ કળા દેશમાં વધુ મજબૂત બને અને તેનો વધુ પ્રચાર થાય અને સહજ બને તેથી આવો આપણે બધા પ્રયત્ન કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આવો, વાર્તાઓની દુનિયાથી હવે આપણે સાત સમુદ્ર પાર જઈએ, આ અવાજ સાંભળો.
નમસ્તે ભાઈઓ અને બહેનો, મારું નામ સેદૂ દામબેલે છે. હું વેસ્ટ આફ્રિકાના એક દેશ માલીથી છું. મને ફેબ્રુઆરીમાં ભારતની વિઝીટ પર સૌથી મોટા ધાર્મિક તહેવાર કુંભ મેળામાં સામેલ થવાનો મોકો મળ્યો. મારા માટે બહુ જ ગર્વની વાત છે. મને કુંભ મેળામાં સામેલ થઈને ઘણું જ સારું લાગ્યું અને ભારતના કલ્ચરને જોઈને ઘણું બધું શિખવા મળ્યું. હું વિનંતી કરવા ઈચ્છું છું કે અમને લોકોએ એકવાર ફરી ભારત વિઝીટ કરવાનો મોકો આપવામા આવે જેથી અમે ભારત વિશે વધુ શીખી શકીએ. નમસ્કાર.
પ્રધાનમંત્રી – છે ને મજેદાર... તો આ હતા માલીના સેદૂ દામબેલે. માલી, ભારતથી દૂર પશ્ચિમ આફ્રિકાનો એક મોટો અને લેન્ડ લોક્ડ દેશ છે. સેદૂ દેમબેલે માલી એક શહેર કીટાની એક પબ્લિક સ્કૂલમાં શિક્ષક છે. તેઓ બાળકોને ઈંગ્લિશ, સંગીત અને ચિત્ર ભણાવે છે, શિખવાડે છે. પરંતુ તેમની વધુ એક ઓળખાણ પણ છે. લોકો તેમને માલીના હિન્દુસ્તાનના બાબૂ કહે છે, અને તેમને આવું કહેવડાવવામાં બહુ ગર્વની અનુભૂતિ થાય છે. પ્રત્યેક રવિવારે બપોર પછી માલીમાં એક કલાકનો રેડિયો કાર્યક્રમ પ્રસ્તુત કરે છે, તે કાર્યક્રમનું નામ છે ઈન્ડિયન ફ્રિક્વન્સી ઓન બોલિવુડ સોંગ્સ. તેને તેઓ છેલ્લા 23 વર્ષોથી પ્રસ્તુત કરતા આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ફ્રેન્ચની સાથે માલીની લોકભાષા બમ્બારામાં પોતાની કોમેન્ટ્રી કરે છે અને બહુ જ નાટકિય ઢબે કરે છે. ભારત પ્રત્યે તેમના મનમાં ઘણો જ પ્રેમ છે. ભારત સાથેના તેમના ઉંડા જોડાણનું કારણ એ પણ છે કે તેમનો જન્મ પણ 15 ઓગસ્ટે થયો છે. સેદૂ જીએ બે કલાકનો વધુ એક કાર્યક્રમ હવે પ્રત્યેક રવિવારે રાત્રે 9 વાગ્યે શરૂ કર્યો છે, તેમાં બોલિવુડની એક આખી ફિલ્મની વાર્તા ફ્રેન્ચ અને બમ્બારામાં સંભળાવે છે. ક્યારેક ક્યારેક કોઈ ઈમોશનલ સીન વિશે વાત કરતા સમયે તેઓ પોતે પણ, તેમના શ્રોતા પણ એકસાથે રડી પડે છે. સેદૂ જીના પિતાએ જ ભારતીય સંસ્કૃતિ સાથે તેમની ઓળખાણ કરાવી હતી. તેમના પિતા, સિનેમા, થિયેટરમાં કામ કરતા હતા અને ત્યાં ભારતીય ફિલ્મો પણ દેખાડવામાં આવે છે. આ 15 ઓગસ્ટે તેમણે હિંદીમાં એક વીડિયોના માધ્યમથી ભારતના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. આજે તેમના બાળકો ભારતનું રાષ્ટ્રગીત સરળતાથી ગાય છે. આપ આ બંને વીડિયો જરૂર જુઓ અને તેમના ભારત પ્રેમને અનુભવો. સેદૂ જીએ જ્યારે કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને તે સમયે તેઓ તે ડેલિગેશનનો ભાગ હતા, જેમાં હું મળ્યો હતો, ભારત માટે તેમનું આ પ્રકારનું ઝનૂન, સ્નેહ અને પ્રેમ ખરેખર આપણા બધા માટે ગર્વની વાત છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે કે જે જમીન સાથે જેટલો જોડાયેલો હોય છે, તે મોટામાં મોટા તોફાનોમાં પણ એટલો જ અડગ રહે છે. કોરોનાના આ કપરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવંત ઉદાહરણ છે. સંકટના આ કાળમાં પણ આપણા દેશના કૃષિ ક્ષેત્રએ પોતાની તાકાત દેખાડી છે. સાથીઓ, દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણાં ગામડાં, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તે મજબૂત હશે તો આત્મનિર્ભર ભારતનો આધાર મજબૂત હશે. વિતેલા કેટલાક સમયમાં આ ક્ષેત્રોએ પોતાને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે, અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. મને કેટલાય એવા ખેડૂતોના પત્રો મળે છે, ખેડૂત સંગઠનો સાથે મારી વાત થાય છે, જેઓ કહે છે કે કેવી રીતે ખેતીમાં નવા નવા આયામો જોડાઈ રહ્યા છે, કેવી રીતે ખેતીમાં બદલાવ આવી રહ્યો છે. જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે, જે મેં અન્ય લોકો પાસેથી સાંભળ્યું છે, મારું મન કરે છે, આજે મન કી બાતમાં તે ખેડૂતોની કેટલીક વાતો જરૂર આપને જણાવું.
હરિયાણાના સોનિપત જિલ્લામાં આપણા એક ખેડૂત ભાઈ રહે છે, તેમનું નામ છે શ્રી કંવર ચૌહાણ. તેમણે જણાવ્યું છે કે કેવો એક સમય હતો જ્યારે તેમણે બજારની બહાર પોતાના ફળ અને શાકભાજી વેચવામાં ઘણી મુશ્કેલી આવતી હતી. જો તે બજારથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચતા હતા તો કેટલીયે વખત તેમના ફળ, શાકભાજી અને ગાડીઓ સુદ્ધા જપ્ત થઈ જતાં હતાં. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા, તેનો તેમને અને આસપાસના સાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થયો. ચાર વર્ષ પહેલાં તેમણે પોતાના ગામના સાથી ખેડૂતો સાથે મળીને એક ખેડૂત સમૂહની સ્થાપના કરી હતી. આજે ગામના ખેડૂત સ્વિટ કોર્ન, અને બેબી કોર્નની ખેતી કરે છે. તેમના ઉત્પાદનો આજે દિલ્હીની આઝાદપુર બજાર, મોટી રિટેલ ચેઈન તથા ફાઈવસ્ટાર હોટલ્સમાં સીધા સપ્લાય થાય છે. આજે ગામના ખેડૂતો સ્વિટ કોર્ન અને બેબી કોર્નની ખેતીથી અઢી થી ત્રણ લાખ પ્રતિ એકર, પ્રતિ વર્ષ કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં આ જ ગામના 60થી વધુ ખેડૂતો, નેટ હાઉસ બનાવીને, પોલી હાઉસ બનાવીને, ટમેટા, કાકડી, કેપ્સિકમ મરચાં(શિમલા મરચું) તેની અલગ-અલગ વેરાઈટીનું ઉત્પાદન કરીને દર વર્ષે પ્રતિ એકર 10 થી 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જાણો છો, આ ખેડૂતો પાસે શું અલગ છે. પોતાના ફળ-શાકભાજીને ક્યાંય પણ, કોઈને પણ વેચવાની તાકાત છે, અને આ તાકાત જ તેમની આ પ્રગતિનો આધાર છે. હવે આ જ તાકાત દેશના બીજા ખેડૂતોને પણ મળી છે. ફળ-શાકભાજી માટે જ નહીં, પોતાના ખેતરમાં તેઓ જે અનાદ પકાવે છે – ધાન્ય, ઘઉં, સરસોં, શેરડી જે ઉગાડી રહ્યા છે, તેને તેમની ઈચ્છા અનુસાર જ્યાં વધુ ભાવ મળે, ત્યાં જ વેચવાની હવે તેમને આઝાદી મળી ગઈ છે.
સાથીઓ, ત્રણ-ચાર વર્ષ પહેલાં જ મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીને એપીએમસીના કાર્યક્ષેત્રની બહાર કરવામાં આવ્યા હતા. આ બદલાવે કેવી રીતે મહારાષ્ટ્રના ફળ અને શાકભાજી ઉગાડનારા ખેડૂતોની સ્થિતી બદલી, તેનું ઉદાહરણ છે, Sri Swami Samarth Farmer’s producer company limited – આ ખેડૂતોનો સમૂહ છે. પૂણે અને મુંબઈમાં ખેડૂત અઠવાડિક બજાર પોતે ચલાવી રહ્યા છે. આ બજારોમાં લગભગ 70 ગામોના, સાડા ચાર હજાર ખેડૂતોનું ઉત્પાદન સીધું જ વેચવામાં આવે છે – કોઈ વચેટિયા નહીં. ગ્રામીણ-યુવા, સીધા બજારમાં ખેતી અને વેચાણની પ્રક્રિયામાં સામેલ થાય છે. તેનો સીધો લાભા ખેડૂતોને થાય છે, ગામનાં નવયુવાનોને રોજગારમાં થાય છે.
વધુ એક ઉદાહરણ, તામિલનાડુના થેનિ જિલ્લાનું છે, અહીં છે તામિલનાડુ કેલા ફાર્મર પ્રોડ્યુસ કંપની, આ ફાર્મર પ્રોડ્યુસ કંપની કહેવા માટે તો કંપની છે, પરંતુ હકીકતમાં આ ખેડૂતોએ મળીને પોતાનો એક સમૂહ બનાવ્યો છે. ખૂબ જ સરળ વ્યવસ્થા છે અને તે પણ પાંચ-છ વર્ષ પહેલાં બનાવ્યું છે. આ ખેડૂત સમૂહે લોકડાઉન દરમિયાન આસપાસના ગામોમાંથી સેંકડો મેટ્રિક ટન શાકભાજી, ફળો અને કેળાંની ખરીદી કરી અને ચેન્નઈ શહેરને શાકભાજી કોમ્બો કીટ આપી. તમે વિચારો, કેટલા નવયુવાનોને તેમણે રોજગાર આપ્યો, અને મજાની વાત તો એ છે કે વચેટિયા ન હોવાને કારણે ખેડૂતોને પણ લાભ થયો, અને ગ્રાહકોને પણ લાભ થયો. આવું જ એક લખનૌનું ખેડૂતોનું સમૂહ છે. તેમણે નામ રાખ્યું છે, ઈરાદા ફાર્મર પ્રોડ્યુસર, તેમણે પણ લોકડાઉન દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી સીધા ફળ અને શાકભાજી લીધી અને સીધા જઈને લખનૌના બજારોમાં વેચી – વચેટિયાઓથી મુક્તિ થઈ ગઈ અને ગમે તે ભાવ તેમણે પ્રાપ્ત કર્યા. સાથીઓ ગુજરાતમાં બનાસકાંઠાના રામપુરા ગામમાં ઈસ્માઈલભાઈ કરીને એક ખેડૂત છે. તેમની વાત પણ ઘણી રસપ્રદ છે. ઈસ્માઈલભાઈ ખેતી કરવા માંગે છે, પરંતુ હવે જેમ વધુમાં વધુ વિચાર એવો બની ગયો છે, તેમના પરિવારને પણ લાગતું હતું કે ઈસ્માઈલભાઈ આ કેવી વાત કરી રહ્યા છે. ઈસ્માઈલભાઈના પિતા ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને હંમેશા નુકસાન જ થતું હતું. તો પિતાજીએ ના પણ પાડી, પરંતુ પરિવારના લોકોના ના પાડવા છતાં ઈસ્માઈલભાઈએ નક્કી કર્યું કે તેઓ ખેતી જ કરશે. ઈસ્માઈલભાઈએ વિચારી લીધું હતું કે ખેતી નુકસાનનો સોદો છે, તેઓ આ વિચાર અને સ્થિતી બંનેને બદલીને દેખાડશે. તેમણે ખેતી શરૂ કરી પરંતુ નવી રીત થી, ઈનોવેટિવ રીતે. તેમણે ડ્રીપથી સિંચાઈ કરીને, બટાકાની ખેતી શરૂ કરી અને આજે તેમના બટાકા એક ઓળખાણ બની ગયા છે. તેઓ એવી રીતે બટાકા ઉગાડી રહ્યા છે, જેની ક્વોલિટી ઘણી જ સારી હોય છે. ઈસ્માઈલભાઈ આ બટાકા સીધા જ મોટી-મોટી કંપનીઓને વેચે છે, વચેટિયાઓનું નામો-નિશાન નહીં, અને પરિણામ – બહુ સારો નફો કમાઈ રહ્યા છે. હવે તો તેમણે તેમના પિતાનું બધુ દેવું પણ ચૂકવી દીધું છે અને સૌથી મોટી વાત જાણો છો, ઈસ્માઈલભાઈ આજે પોતાના વિસ્તારના સેંકડો અન્ય ખેડૂતોની પણ મદદ કરી રહ્યા છે. તેમની પણ જિંદગી બદલી રહ્યા છે.
સાથીઓ, આજની તારીખમાં ખેતીને આપણે જેટલા આધનિક વિકલ્પ આપશું, તેટલી જ તે આગળ વધશે. તેમાં નવી નવી રીત-રસમો આવશે, નવા ઈનોવેશન્સ જોડાશે. મણિપુરમાં રહેતી બિજયશાન્તિ એક નવા ઈનોવેશન ને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે ક્મલની નાળમાંથી દોરા બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તેમના ઈનોવેશનને કારણે કમળની ખેતી અને ટેક્સ્ટાઈલમાં એક નવો જ માર્ગ બની ગયો છે.
મારા પ્રિય દેશવાસીઓ, હું આપને ભૂતકાળના એક ભાગમાં લઈ જવા માંગુ છું. એકસો વર્ષ જૂની વાત છે. 1919નું વર્ષ હતું. અંગ્રેજી સરકારે જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકોની કતલ કરી હતી. આ નરસંહાર પછી એક બાર વર્ષનો છોકરો એક ઘટના સ્થળ પર ગયો. તે ખુશમિજાજ અને ચંચળ બાળક પરંતુ તેણે જલિયાંવાલા બાગમાં જે જોયું, તે તેના વિચારથી પણ ઉપર હતું. તે સ્તબ્ધ હતો, એ વિચારીને કે કોઈ પણ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે છે. તે નિર્દોષ ગુસ્સાની આગમાં સળગવા લાગ્યો હતો. તે જ જલિયાંવાલા બાગમાં તેણે અંગ્રેજી શાસન સામે લડવાના સોગંધ લીધા. શું આપને ખબર પડી હું કોની વાત કરી રહ્યો છું. હા... હું શહીદ વીર ભગતસિંહની વાત કરી રહ્યો છું. કાલે 28 સપ્ટેમ્બરે આપણે શહીદ વીર ભગતસિંહની જયંતિ મનાવીશું. હું બધા જ દેશવાસીઓ સાથે સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહીદ વીર ભગતસિંહને નમન કરું છું. શું તમે કલ્પના કરી શકો છો, એક સરકાર, જેનું દુનિયાના આટલા મોટા ભાગ પર શાસન હતું, તેના વિશે કહેવામાં આવતું હતું કે તેમના શાસનમાં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. આટલી તાકતવાળી સરકાર, એક 23 વર્ષના યુવકથી ભયભીત થઈ ગઈ હતી. શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન પણ હતા, ચિંતક પણ હતા. પોતાના જીવનની ચિંતા કર્યા વગર ભગતસિંહ અને તેમના ક્રાંતિવીર સાથીઓએ આવા સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડ્યા, જેનું દેશની આઝાદીમાં બહુ મોટું યોગદાન રહ્યું. શહીદ વીર ભગતસિંહના જીવનનો એક સુંદર પાસુ એ છે કે તેઓ ટીમ વર્કના મહત્વને ઘણું જ સારી રીતે સમજતા હતા. લાલા લાજપતરાય પ્રત્યે તેમનું સમર્પણ હોય કે પછી ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ સહિત ક્રાંતિકારીઓ સાથે તેમનું જોડાણ, તેમને માટે ક્યારેય વ્યક્તિગત ગૌરવ, મહત્વપૂર્ણ નથી રહ્યું.
તેઓ જ્યાં સુધી જીવ્યા, માત્ર એક મિશન માટે જ જીવ્યા અને તેને જ માટે તેમણે પોતાનું બલિદાન આપી દીધું – તે મિશન હતું ભારતને અન્યાય અને અંગ્રેજી શાસનથી મુક્તિ અપાવવાનું. મેં નમો એપ પર હૈદરાબાદના અજય એસ.જીની એક કમેન્ટ વાંચી. અજયજી લખે છે – આજના યુવા કેવી રીતે ભગતસિંહ જેવા બની શકે છે? જુઓ, આપણે ભગતસિંહ બની શકીએ કે ન બની શકીએ, પરંતુ ભગતસિંહ જેવો દેશપ્રેમ, દેશ માટે કંઈક કરી છૂટવાની લાગણી, જરૂર આપણા બધાનાં હ્રદયમાં હોય. શહીદ ભગતસિંહને આ જ આપણી સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. ચાર વર્ષ પહેલા, લગભગ આ જ સમય હતો, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન દુનિયાએ આપણા સૈનિકોનું સાહસ, શૌર્ય અને નિર્ભિકતાને જોઈ. આપણા બહાદુર સૈનિકોનો એક જ હેતુ, એક જ લક્ષ્ય હતું, કોઈપણ કિંમતે ભારત માંના ગૌરવ અને સન્માનની રક્ષા કરવી. તેમણે પોતાની જિંદગીની જરા પણ પરવા ન કરી. તેઓ પોતાના કર્તવ્યપથ પર આગળ વધતા ગયા અને આપણે બધાએ જોયું કે કેવી રીતે તેઓ વિજયી થઈને સામે આવ્યા. ભારત માતાનું ગૌરવ વધાર્યું.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા દિવસોમાં આપણે દેશવાસીઓ, કેટલાય મહાન લોકોને યાદ કરીશું, જેનું ભારતના નિર્માણમા અમિટ યોગદાન છે. 02 ઓક્ટોબર આપણા બધા માટે પવિત્ર અને પ્રેરક દિવસ હોય છે. આ દિવસ માં ભારતીના બે સપૂતો, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવાનો દિવસ છે.
પૂજ્ય બાપૂના વિચાર અને આદર્શ આજે પહેલાંથી ઘણાં વધારે પ્રાસંગિક છે, મહાત્મા ગાંધીનું જે આર્થિક ચિંતન હતું, જો તે જ સ્પિરિટને પકડવામાં આવ્યો હોત, સમજવામાં આવ્યો હોત, એ માર્ગ પર ચાલવામાં આવ્યું હોત, તો આજે આત્મનિર્ભર ભારત અભિયાનની જરૂરિયાત ન પડી હોત. ગાંધીજીના આર્થિક ચિંતનમાં ભારતની નસે-નસની સમજ હતી, ભારતની મહેક હતી. પૂજ્ય બાપુનું જીવન આપણને યાદ અપાવે છે કે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણું આ કાર્ય એવું હોય, જેનાથી ગરીબથી ગરીબ વ્યક્તિનું ભલું થાય. તો શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે. 11 ઓક્ટોબરનો દિવસ પણ આપણા માટે ઘણો જ વિશેષ હોય છે. આ દિવસે આપણે ભારત રત્ન લોકનાયક જયપ્રકાશજીને તેમની જયંતિ પર સ્મરણ કરીએ છીએ. જે.પી. એ આપણા લોકતાંત્રિક મૂલ્યોની રક્ષામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. આપણે ભારત રત્ન નાનાજી દેશમુખને પણ યાદ કરીએ છીએ, જેની જયંતિ પણ 11 તારીખે જ છે. નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ જીના બહુ જ નજીકના સાથી હતા. જ્યારે જે.પી. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા હતા, તો પટનામાં તેમના પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે નાનાજી દેશમુખે તે હુમલો પોતાના પર લઈ લીધો હતો. આ હુમલામાં નાનાજી ને ઘણી ઈજા પહોંચી હતી, પરંતુ જે.પી. નું જીવન બચાવવામાં તેઓ સફળ રહ્યા હતા. આ 12 ઓક્ટોબરે રાજમાતા વિજયારાજે સિંધિયા જીની પણ જયંતિ છે, તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ એક રાજપરિવારમાંથી હતા, તેમની પાસે સંપત્તિ, શક્તિ અને બીજા સંસાધનનોની કોઈ જ અછત નહોતી. પરંતુ તેમ છતાં તેમણે પોતાનું જીવન, એક માં ની જેમ વાત્સલ્ય ભાવથી જન-સેવા માટે ખપાવી દીધું. તેમનું હ્રદય ઘણું જ ઉદાર હતું. આ 12 ઓક્ટોબરના દિવસે તેમની જન્મ શતાબ્દી વર્ષના સમારોહનો સમાપન દિવસ હશે, અને આજે જ્યારે હું રાજમાતા જીની વાત કરી રહ્યો છુ્ં, તો મને પણ એક બહુ જ ભાવુક ઘટના યાદ આવે છે. આમ તો તેમની સાથે ઘણાં વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો, કેટલીયે ઘટનાઓ છે. પરંતુ મારું મન કરે છે, આજે એક ઘટનાનો જરૂર ઉલ્લેખ કરું. કન્યાકુમારી થી કાશ્મીર, અમે એકતા યાત્રા લઈને નીકળ્યા હતા. ડૉ.મુરલી મનોહર જોશી જીના નેતૃત્વમાં યાત્રા ચાલી રહી હતી. ડિસેમ્બર, જાન્યુઆરી કડકડતી ઠંડીના દિવસો હતા. અમે રાત્રે લગભગ બાર – એક વાગ્યે, મધ્યપ્રદેશ, ગ્વાલિયર પાસે શિવપુરી પહોંચ્યા, નિવાસસ્થાન પર જઈને, કારણ કે દિવસભરનો થાક હતો, ન્હાઈ-ધોઈને સૂતા હતા, અને સવારની તૈયારી કરી લેતા હતા. લગભગ 2 વાગ્યા હશે, હું ન્હાઈ-ધોઈને સૂવાની તૈયારી કરી રહ્યો હતો, તો કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો રાજમાતા સાહેબ સામે ઉભા હતા. કડકડતી ઠંડીના દિવસો અને રાજમાતા સાહેબને જોઈને હું હેરાન હતો. મેં માં ને પ્રણામ કર્યા, મેં કિધું, માં અડધી રાત્રે. તેઓ બોલ્યા, નહીં બેટા, આપ, એમ કરો, મોદી જી દૂધ પી લ્યો, આ ગરમ દૂધ પી ને જ સૂઈ જાઓ. હળદરવાળું દૂધ પોતે લઈને આવ્યા. હા,.. પરંતુ જ્યારે બીજા દિવસે મેં જોયું, તે માત્ર મને જ નહીં, અમારી યાત્રાની વ્યવસ્થામાં જે 30-40 લોકો હતા, તેમાં ડ્રાઈવર પણ હતા, અન્ય કાર્યકર્તાઓ પણ હતા, દરેકના ઓરડામાં જઈને પોતે રાત્રે 2 વાગ્યે બધાને દૂધ પીવડાવ્યું. માં નો પ્રેમ શું હોય છે, વાત્સલ્ય શું હોય છે, તે ઘટનાને હું ક્યારેય નહીં ભૂલી શકું. એ અમારું સૌભાગ્ય છે કે આવા મહાન વિભૂતિઓએ આપણી ધરતીને પોતાના ત્યાગ અને તપસ્યાથી સિંચ્યા છે. આવો આપણે સહુ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ, જેના પર આ મહાપુરુષોને ગર્વની અનુભૂતિ થાય. તેમના સપનાને આપણો સંકલ્પ બનાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ કપરા સમયમાં હું ફરી એકવાર આપને યાદ કરાવીશ, માસ્ક અવશ્ય રાખો, ફેસ કવર વગર બહાર ન જાઓ. બે ગજનું અંતરનો નિયમ, આપને પણ બચાવી શકે છે, આપના પરિવારને પણ બચાવી શકે છે. આ કેટલાક નિયમ છે, તે કોરોનાની સામે લડાઈના હથિયાર છે, દરેક નાગરિકના જીવનને બચાવવાનું મજબૂત સાધન છે. અને આપણે ન ભૂલીએ જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. આપ સ્વસ્થ રહો, આપનું પરિવાર સ્વસ્થ રહે, એ જ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ....
નમસ્કાર.
SD/GP/BT
(Release ID: 1659497)
Visitor Counter : 820
Read this release in:
Punjabi
,
Telugu
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam