પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની થીમ પર આધારિત વેબિનાર શ્રેણીનું સરદાર વલ્લભભાઇ પટેલ – અખંડ ભારતના શિલ્પી સત્ર સાથે સમાપન થયું

Posted On: 17 AUG 2020 4:37PM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલય દ્વારા 15 ઑગસ્ટ, 2020ના રોજ આયોજિત સ્વતંત્રતા દિવસની થીમ પર આધારિત વેબિનારની શ્રેણીનું સરદાર વલ્લભભાઇ પટેલ – અખંડ ભારતના શિલ્પીને સમર્પિત વેબિનાર સાથે ભવ્ય સમાપન થયું હતું.

પ્રવર્તમાન મહામારીની સ્થિતિને અનુલક્ષીને પર્યટન મંત્રાલય દ્વારા આ વર્ષે 74મા સ્વતંત્રતા દિવસ 2020ના રોજ વેબ સ્ક્રીન પર રાષ્ટ્રને સલામી આપવા માટે કાર્યક્રમ યોજવાનું પસંદ કરવામાં આવ્યું હતું. પર્યટન મંત્રાલય દ્વારા રાષ્ટ્રના આ સૌથી મહત્વપૂર્ણ દિવસની ઉજવણી માટે પાંચ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સ્વતંત્રતાની ચળવળ, આ ચળવળ સાથે સંકળાયેલા મહત્વના સ્થળો અને જેમણે ભારતને સ્વતંત્રતા અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેવા સ્વતંત્રતાની ચળવળના પ્રહરીઓની ગાથા સમાવતી થીમ આવરી લેવામાં આવી હતી.

15 ઑગસ્ટ 2020ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સત્રનો શુભારંભ પર્યટન મંત્રાલયના અધિક મહા નિદેશક મધ્યસ્થી સુશ્રી રુપિન્દર બ્રાર દ્વારા કરવામાં આવ્યો હતો જેમણે તમામ સહભાગીઓને ઉભા થઇને રાષ્ટ્રગાન ગાવા માટે અનુરોધ કર્યો હતો. વિદેશી શાસકોના શકંજામાંથી દેશને સ્વતંત્રતા અપાવવા માટે કેટલાક વ્યક્તિગત લોકોએ કેવી રીતે બલિદાન આપ્યું હતું, સ્વતંત્રતાની દિવસની ચળવળ સાથે સંકળાયેલા સ્થળોને તે યાદ કરવા માટે પર્યટન મંત્રાલય દ્વારા કેવી રીતે વેબ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે તેમણે માહિતી આપી હતી.

આ વેબિનારનો પ્રારંભ ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સંકળાયેલા સ્થળો અંગે ગુજરાત સરકારના પર્યટન કમિશનર અને ગુજરાત પર્યટન નિગમ લિમિટેડના પ્રબંધ નિદેશક શ્રી જેનુ દેવન દ્વારા પરિચય સાથે થયો હતો.

આ વેબિનાર ગુજરાત સરકારના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિક કલેક્ટર અને મુખ્ય વ્યવસ્થાપક શ્રી સંજય જોશી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી જોશીએ પોતાના પ્રેઝન્ટેઝન દ્વારા એ તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો કે, કેવી રીતે સરદાર પટેલ એક દીર્ઘદૃષ્ટા રાજનેતા અને અખંડ ભારતના શિલ્પી હતા. આ વેબિનારમાં સરદાર પટેલના જીવનના પ્રારંભિક દિવસો અને શાળાના દિવસોમાં બનેલા કેટલાક પ્રસંગો, કાયદાનો અભ્યાસ કરવા માટે તેમની લંડનની મુલાકાત, વકીલ તરીકેનું જીવન, 1916માં બેરિસ્ટર ક્લબ ખાતે મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત, 1922, 1924 અને 1927માં અમદાવાદના મ્યુનિસિપલના પ્રમુખ તરીકે તેમની ચૂંટણી, અમદાવાદમાં શાળાકીય પ્રણાલીમાં તેમણે લાવેલા સુધારા, કુદરતી આપત્તિઓ દરમિયાન તેમણે કરેલા રાહત કાર્યો અને ભ્રષ્ટાચાર તેમજ ખોટી શાસન વ્યવસ્થા સામે કોઇપણ પ્રકારે સમાધાનકારી નીતિ ના રાખવા તેમના ઉચ્ચ સિદ્ધાંતો સહિત વિવિધ પ્રસંગો યાદ કરવામાં આવ્યા હતા.

આ વેબિનારમાં ગુજરાતમાં સરદાર પટેલ સાથે સંકળાયેલા વિવિધ ગામડાં અને નગરોમાંથી કેટલાક સહભાગીઓને પણ સમાવી લેવામાં આવ્યા હતા અને આ ગામડાં તેમજ નગરોમાં આજે પણ ઉપલબ્ધ તેમના સ્મારકો અને સ્મૃતિઓ દર્શાવવામાં આવ્યા હતા. આ સ્થળોમાં તેમનું જન્મસ્થળ નડિયાદ તેમજ નડિયાદ, પેટલાદ અને બોરસદમાં તેમનું શાળાકીય જીવન, ગોધરામાં તેમનું પહેલું ઘર અને તેઓ જ્યાં રહ્યાં તે કરમસદ સહિતના સ્થળો પણ સમાવી લેવામાં આવ્યા હતા.

શ્રી જોશીએ બારડોલી સત્યાગ્રહની ચળવળ વિશે વર્ણન કર્યું હતું અને કેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલે આ ચળવળમાં નેતૃત્વ સંભાળ્યું તેની પણ વાતો કરી હતી.

આ વેબિનારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી - દુનિયા પર સૌથી ઊંચું સ્ટેચ્યૂ પણ દર્શાવવામાં આવ્યું હતું જે સરદાર પટેલની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂ 182 મીટર ઊંચુ છે અને દુનિયામાં સૌથી ઊંચુ સ્મારક છે. શ્રી જોશીએ આ પરિયોજના, પરિયોજનાની વિશેષતાઓ, તથ્યો, તેની સાથે જોડાયેલા સીમાચિહ્નો, કેવડિયાની આસપાસમાં ઉપલબ્ધ થીમ આધારિત આકર્ષણો વગેરેની માહિતી પણ આપી હતી.

પર્યટન મંત્રાલયે સ્વતંત્રતા પહેલાંના યુગની અગ્રણી હસ્તીઓને પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ આઇપીએસ અને રાષ્ટ્રીય પોલીસ અકાદમીના નિદેશક શ્રી પદમ રોશા કે જેઓ જમ્મુ અને કાશ્મીર પોલીસ દળના મહા નિદેશક તરીકે નિવૃત્ત થયા હતા તેઓ સામેલ છે. તેઓ 1948માં સ્વતંત્ર ભારતના પ્રથમ પોલીસ દળમાં જોડાયા હતા અને સીમા સુરક્ષા દળ દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીમનો તેઓ હિસ્સો હતા. દેશને વિશિષ્ટ સેવા આપવા બદલ તેમને રાષ્ટ્રપતિ મેડલ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. શ્રી રોશા એવા ઘણા લોકોમાં એક છે જેમણે 1947માં ભાગલાના સમયે નાછુટકે હિજરત કરવાની ફરજ પડી હતી. તે સમયે, તેઓ લાહોરમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા અને તેમના પીએચડીના કાગળો ત્યાં જ છોડીને આવી ગયા હતા. તેઓ અમૃતસર અને જલંધરની નવી સરહદેથી આવ્યા હતા. હાલમાં તેઓ 97 વર્ષના છે અને ઘણી વખત ભાગલા સમયના તેમના મુશ્કેલ દિવસોના અનુભવો યાદ કરે છે.

આ વેબિનારમાં 94 વર્ષીય રામા ખાંડવાલા કે જેઓ ઇન્ડિયા નેશનલ આર્મીમાં 1943માં ઝાંસીની રાણી રેજિમેન્ટના ભૂતપૂર્વ સેકન્ડ લેફ્ટેનન્ટ હતા તેમણે પણ ભાગ લીધો હતો. તેમણે મુંબઇમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાથે તેમની મુલાકાત અંગે વેબિનારમાં સહભાગીઓને માહિતી આપી હતી. તેમણે પોતાના જીવનના એ બે વર્ષ પણ યાદ કર્યા હતા જેણે તેમનું જીવન બદલી નાંખ્યું અને તે સમયમાં તેણીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નર્સ તરીકે સેવા આપી હતી. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે પોતાના વાર્તાલાપના સંસ્મરણો પણ તાજા કર્યાં હતાં. ઐતિહાસિક યુદ્ધનાદના નાયકોના અનુભવોથી અવગત થયા પછી રામા ખાંડવાલાએ રાષ્ટ્રવાદનો ઉદ્દેશ શોધવાનો સંકલ્પ સિદ્ધ કર્યો, પ્રવાસી ગાઇડ તરીકે ભારતમાં અજાણ્યા સ્થળો ઉજાગર કરતા તેઓ આગળ વધ્યા અને આ ક્ષેત્રમાં અનેક પ્રશંસાઓ પ્રાપ્ત કરી. વર્તમાન સમયમાં, તેઓ પ્રવાસીઓ સમક્ષ ભારતનો ઇતિહાસ પ્રદર્શિત કરવા માટે આત્મપ્રેરિત છે અને તેઓ માને છે કે ભારતની એકતા એ તેની સૌથી મોટી ધરોહર છે, જે તેમના જેવી મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે અને અંધકારની રાતમાં તેમને આશાનું કિરણ દેખાયું છે.

સ્વતંત્રતાના આપણા હિંમતવાન નેતાઓની જેમ આપણે પણ હાલમાં અને હંમેશ માટે એકતાની શક્તિમાં જ સૌથી મોટી શક્તિ શોધી શકીએ છીએ તેવા સંદેશ સાથે આ વેબિનારનું સમાપન થયું હતું.

દેખો અપના દેશ વેબિનાર શ્રેણી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ સાથે ટેકનિકલ ભાગીદારીમાં રજૂ કરવામાં આવી રહી છે. આ વેબિનારના સત્રો હવે https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર ઉપલબ્ધ છે અને ભારત સરકારના પર્યટન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ મૂકવામાં આવ્યા છે.

આગામી વેબિનાર 22 ઑગસ્ટ, 2020ના રોજ સવારે 11.00 વાગ્યે હૈદરાબાદ શીર્ષક સાથે યોજવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1646510) Visitor Counter : 240