પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહામારીની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને તેને નિયંત્રણમાં લાવવા આગામી યોજનાઓ અંગે મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ

Posted On: 11 AUG 2020 3:10PM by PIB Ahmedabad

નમસ્કાર!

તમારા બધાની સાથે વાત કરીને પાયાની પરિસ્થિતિ અંગેની જાણકારી વધુ વ્યાપક બને છે અને એ પણ જાણવા મળે છે કે, આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ! આ નિયમિતપણે મળવું, ચર્ચા કરવી એ જરૂરી પણ છે, કારણ કે જેમ-જેમ કોરોના મહામારીનો સમય પસાર થઈ રહ્યો છે, નવી-નવી પરિસ્થિતિઓ પણ ઉત્પન્ન થઈ રહી છે.

હોસ્પિટલો ઉપર દબાણ, આપણાં સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપર દબાણ, રોજબરોજના કામમાં સાતત્ય ના આવી શકવું, આ દરરોજ એક નવો પડકાર લઈને આવે છે. મને સંતોષ છે કે, પ્રત્યેક રાજ્ય પોતપોતાનાં સ્તર પર મહામારી વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે. અને પછી ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આપણે અનુભવ કરી રહ્યા છીએ કે, આપણે સતત એક ટીમ બનીને કામ કરી શકી છીએ અને આ જ ટીમ સ્પિરિટ છે, જેનાથી એક પરિણામ લાવવામાં આપણે સફળ થયા છીએ. આટલા મોટા સંકટનો આપણે જે રીતે તેનો સામનો કર્યો છે તેમાં સૌનો સાથ, સાથે મળીને કામ કરવું, એ બહુ મોટી વાત છે.

તમામ આદરણીય મુખ્યમંત્રીજી, આજે 80 ટકા સક્રિય કેસો, આપણે જે આજે મળ્યા છીએ એ આ 10 રાજ્યોમાં છે. અને એટલા માટે કોરોના વિરુદ્ધ લડાઈમાં આ બધા જ રાજ્યોની ભૂમિકા બહુ મોટી થઈ જાય છે. આજે દેશમાં સક્રિય કેસો 6 લાખ કરતાં વધુ થઈ ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના કેસો આપણાં આ દસ રાજ્યોમાં જ છે! એટલા માટે એ જરૂરિયાત લાગે છે કે, આ દસ રાજ્યોમાં એકસાથે બેસીને આપણે સમીક્ષા કરીએ, ચર્ચા કરીએ! અને તેમની જે શ્રેષ્ઠ પદ્ધતિઓ છે, તેમણે કઈ-કઈ રીતે નવી પહેલો લીધી છે. તે બધાના ધ્યાનમાં આવે કારણ કે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પ્રયાસ કરી જ રહ્યા છે અને આજની આ ચર્ચા થકી આપણે એકબીજાના અનુભવોમાંથી ઘણું બધુ શીખવા અને સમજવા તો મળ્યું જ છે! ક્યાંક ને ક્યાંક આ એક ભાવ આજે નીકળીને આવ્યો છે કે, જો આપણે સાથે મળીને આપણાં આ દસ રાજ્યોમાં કોરોનાને હરાવી દઈએ છીએ તો દેશ પણ જીતી જશે!

સાથીઓ, પરીક્ષણોની સંખ્યા વધીને પ્રતિ દિન 7 લાખ સુધી પહોંચી ગઈ છે, અને સતત વધી પણ રહી છે. તેનાથી ચેપને ઓળખવામાં અને રોકવામાં જે મદદ મળી રહી છે, આજે આપણે તેના પરિણામો જોઈ રહ્યા છીએ. આપણે ત્યાં સરેરાશ મૃત્યુદર પહેલા પણ દુનિયાની સરખામણીએ ઘણો ઓછો હતો, સંતોષની વાત એ છે કે, તે સતત ઘટી રહ્યો છે. સક્રિય કેસોની ટકાવરી ઓછી થઈ છે, સાજા થવાનો દર સતત વધતો જઈ રહ્યો છે, સુધરી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે, આપણાં પ્રયાસો કારગર સાબિત થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેનાથી લોકોની વચ્ચે પણ એક વિશ્વાસ વધ્યો છે, આત્મવિશ્વાસ વધ્યો છે અને ડરનો માહોલ પણ થોડો ઓછો થયો છે.

અને જેમ-જેમ આપણે પરીક્ષણો વધારતા જઈશું, આપણી એ સફળતા આગળ હજુ વધવાની છે. અને એક સંતોષની લાગણીનો આપણને અનુભવ થશે, આપણે મૃત્યુદરને 1 ટકા કરતાં પણ વધુ નીચે લાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે, તેને પણ આપણે જો થોડો વધુ પ્રયાસ કરી, ખૂબ ધ્યાનપૂર્વક આપણે પ્રયાસ કરીએ તો તે લક્ષ્ય પણ આપણે પ્રાપ્ત કરી શકી છીએ. હવે આગળ આપણે શું કરવાનું છે, કઈ રીતે વધવાનું છે, તેને લઈને પણ ઘણી સ્પષ્ટતા આપણી વચ્ચે બહાર આવી છે અને એક રીતે છેવાડા બધા લોકોના મનમાં પહોંચી ગઈ છે, ભાઈ શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે, વાત હિન્દુસ્તાનના દરેક નાગરિક સુધી આપણે પહોંચાડી શક્યા છીએ.

હવે જુઓ, જે રાજ્યોમાં પરીક્ષણ દર ઓછો છે, અને જ્યાં પોઝિટિવટી રેટ વધુ છે, ત્યાં પરીક્ષણો વધારવાની જરૂરિયાત સામે આવી છે. ખાસ કરીને બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા, અહિયાં પરીક્ષણો વધારવા ઉપર ખાસ ભાર મૂક્યા પછી આપણાં લોકોની વાતચીતમાં પણ ઉપસીને આવી રહી છે.

સાથીઓ, અત્યાર સુધીનો આપણો અનુભવ રહ્યો છે કે, કોરોના વિરુદ્ધ કન્ટેઇનમેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ, એ સૌથી અસરકારક હથિયાર છે. હવે જનતા પણ એ વાતને સમજી રહી છે, લોકો પૂરે-પૂરો સહયોગ પણ કરી રહ્યા છે. આ જાગૃતિના આપણાં પ્રયાસોના એક સારા પરિણામ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હોમ કવોરંટાઇનની વ્યવસ્થા આ જ કારણે આજે આટલી સારી રીતે લાગુ કરી શક્યા છીએ.  

નિષ્ણાતો હવે એવું કહી રહ્યા છે કે, જો આપણે શરૂઆતના 72 કલાકમાં જ કેસોને ઓળખી લઈએ તો આ ચેપ ઘણા અંશે ધીમો થઈ જાય છે. અને એટલા માટે મારો બધાને આગ્રહ છે કે, જે રીતે હાથ ધોવાની વાત હોય, બે ગજની દૂરીની વાત હોય, માસ્કની વાત હોય, ક્યાંય પણ ન થૂંકવાનો આગ્રહ હોય, આ બધાની સાથે હવે સરકારોમાં અને સરકારી વ્યવસ્થાઓમાં પણ અને કોરોના યોદ્ધાઓની વચ્ચે પણ અને જનતામાં પણ એક નવો મંત્ર આપણે બરાબર પહોંચાડવો પડશે, અને તે છે, 72 કલાકમાં જેને પણ થયો છે, તેની આસપાસના બધા લોકોના પરીક્ષણો થઈ જવા જોઈએ, તેમનું ટ્રેસિંગ થઈ જવું જોઈએ, તેમની માટે જે જરૂરી છે, તે વ્યવસ્થા થવી જોઈએ. જો આ 72 કલાકવાળી ફોર્મ્યુલા પર આપણે ભાર મૂકીએ છીએ તો તમે માનો કે બાકી જે-જે ચીજવસ્તુઓ છે, તેની સાથે હવે આને જોડી દેવાની છે કે, 72 કલાકની અંદર-અંદર આ બધા કામોને કરી લેવાના છે.

આજે ટેસ્ટિંગ નેટવર્ક સિવાય આરોગ્ય સેતુ એપ પણ આપણી પાસે છે. આરોગ્ય સેતુની મદદથી જો આપણી એક ટીમ નિયમિતપણે તેની સમીક્ષા કરે તો ખૂબ સરળતાથી કયા વિસ્તારમાંથી ફરિયાદ આવી રહી છે, ત્યાં આપણે પહોંચી શકી છીએ. આપણે જોયું કે, હરિયાણાના કેટલાક જિલ્લા, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લા અને દિલ્હી, એક એવો કાળખંડ આવ્યો કે, બહુ મોટી ચિંતાનો વિષય બની ગયો. સરકારે પણ દિલ્હીમાં એવી જાહેરાત કરી દીધી કે, એવું લાગી રહ્યું હતું કે, મોટું સંકટ ઉત્પન્ન થઈ જશે. તો પછી મેં એક સમીક્ષા બેઠક કરી અને આપણા ગૃહ મંત્રી શ્રીમાન અમિત શાહજીના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને નવી જ રીતે બધો એપ્રોચ કર્યો. તે પાંચ જિલ્લાઓમાં પણ અને શહેરમાં પણ, દિલ્હીમાં બહુ મોટી માત્રામાં આપણે જે પરિણામો ઈચ્છીએ છીએ તે પરિણામો લાવી શક્યા.

હું સમજુ છું કે, ગમે તેટલું મોટું મુશ્કેલ ચિત્ર દેખાતું હોય પરંતુ પદ્ધતિસર જો આપણે આગળ વધીએ તો જે તે વસ્તુને આપણે અઠવાડિયા 10 દિવસમાં આપણી બાજુ વાળી શકીએ છીએ અને તેનો આપણે અનુભવ કરીને જોયું છે અને આ રણનીતિના પણ જે બિંદુઓ આ જ હતા, કન્ટેઇનમેન્ટ ઝોનને સંપૂર્ણ રીતે અલગ કરી દેવા, જ્યાં જરૂરિયાત હોય ત્યાં માઇક્રો કન્ટેઇનમેન્ટનો પણ આગ્રહ રાખવો, સો ટકા સ્ક્રિનિંગ કરવું, રિક્ષા-ઓટો ચાલક અને ઘરોમાં કામ કરનારા લોકોને પણ અન્ય વધુ જોખમ ધરાવતા લોકોની સ્ક્રિનિંગ પૂરી કરી લેવી જોઈએ. આજે આ પ્રયાસોના પરિણામો આપણી સામે છે. દવાખાનાઓમાં વધુ સારી વ્યવસ્થા, આઇસીયુ બેડની સંખ્યામાં વધારો જેવા પ્રયાસોએ પણ ઘણી મદદ કરી છે.

સાથીઓ, સૌથી વધુ અસરકારક આપ સૌનો અનુભવ છે! તમારા રાજ્યોમાં જમીની વાસ્તવિકતા ઉપર સતત દેખરેખ રાખીને જે પરિણામો મેળવવામાં આવ્યા છે, સફળતાનો રસ્તો તેમાંથી જ બન્યો છે. આજે જેટલું પણ આપણે કરી શક્યા છીએ, તે તમારા બધાના અનુભવો તેમાં ઘણી મદદ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, તમારા આ અનુભવની તાકાત થકી દેશ આ લડાઈ સંપૂર્ણ રીતે જીતી જશે અને એક નવી શરૂઆત થશે! તમારા અન્ય કોઈ સૂચનો હોય, કોઈ સલાહ હોય તો હંમેશની જેમ હું દરેક સમયે તમારી માટે ઉપસ્થિત છું. તમે જરૂરથી બતાવજો અને હું તમને વિશ્વાસ અપાવું છું કે, સરકારના તમામ અધિકારી પણ આજે ઉપસ્થિત હતા.

જે-જે વાતોનો તમે ઉલ્લેખ કર્યો છે, જેની માટે તમે ચિંતા કરવા માટે જણાવ્યું છે, ટીમ સંપૂર્ણ રીતે તરત જ તેને આગળ વધારશે, પરંતુ આપણે જાણીએ છીએ કે, આ જે કાળખંડ હોય છે, શ્રાવણ, ભાદરવો અને દિવાળી સુધીનો તો અમુક બીમારીઓ અને માંદગીનો માહોલ પણ બની જાય છે તેને પણ સંભાળવાનો છે પરંતુ મને વિશ્વાસ છે કે, આપણે જે એક ટકા કરતાં નીચે મૃત્યુદર લાવવાનું લક્ષ્ય, ઝડપથી સાજા થવાનો દર વધારવાનું લક્ષ્ય, 72 કલાકમાં બધા કોન્ટેક્ટ પર્સન સુધી પહોંચીને તેમની વ્યવસ્થા કરવી, આ મંત્રોને લઈને આપણે થોડી ધ્યાનપૂર્વકની પ્રવૃત્તિઓ કરીશું તો આપણાં જે 10 રાજ્યો, જ્યાં પણ 80 ટકા કેસો છે, આપણાં 10 રાજ્યો જ્યાં 82 ટકા મૃત્યુ છે, આપણાં 10 રાજ્યો આ સંપૂર્ણ સ્થિતિને બદલી શકે છે. આપણાં 10 રાજ્યો સાથે મળીને આપણે ભારતને વિજયી બનાવી શકીએ છીએ અને મને વિશ્વાસ છે કે, આપણે આ કામને કરી શકીશું. હું ફરી એકવાર, તમે ઘણો સમય કાઢ્યો, સમયની અછત હોવા છતાં પણ ખૂબ સારી રીતે તમે તમારી બધી જ વાતો રજૂ કરી છે.

હું તમારો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું!

 

SD/GP/BT



(Release ID: 1645203) Visitor Counter : 275