ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે અનલોક 3 માર્ગદર્શિકા જાહેર કરી, કન્ટેનમેન્ટ ઝોનની બહાર વધુ પ્રવૃત્તિઓ ખોલી


31 ઓગસ્ટ, 2020 સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન

Posted On: 29 JUL 2020 7:23PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા  

ગૃહ મંત્રાલયે (MHA) આજે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ ખોલવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. અનલોક 3માં, કે જે 1લી ઓગસ્ટ, 2020થી લાગુ થશે, તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરી ખોલવાની પ્રક્રિયા આગળ જતાં વધુ વિસ્તારવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત થયેલ પ્રતિભાવો અને સંલગ્ન મંત્રાલયો અને વિભાગો સાથે યોજવામાં આવેલ વિસ્તૃત ચર્ચા વિચારણા પર આધારિત છે.

નવી માર્ગદર્શિકાઓના કેટલાક અંશો

 • રાત્રિ દરમિયાન (રાત્રિ કર્ફ્યૂ) વ્યક્તિઓની હેરફેર ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધો હવે દૂર કરવામાં આવ્યા છે.
 • ઓગસ્ટ 5, 2020થી યોગ સંસ્થાઓ અને જિમ્નાશિયમ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ સંદર્ભમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા સામાજિક અંતર જાળવવા અને કોવિડ-19 ના ફેલાવાને અટકાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરવામાં આવશે.
 • સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમો નિર્ધારિત સામાજિક અંતર જાળવીને અને અન્ય આરોગ્યને લગતા નિયમો જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને આયોજિત કરી શકાશે. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા 21.07.2020ના રોજ બહાર પાડવામાં આવેલ સૂચનોનું પાલન કરવામાં આવશે.
 • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઓગસ્ટ, 2020 સુધી બંધ રાખવામાં આવશે.
 • વંદે ભારત મિશન અંતર્ગત મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા મર્યાદિત પ્રમાણમાં મંજૂર કરવામાં આવશે. આગળ જતાં ખોલવાની પ્રક્રિયા પ્રમાણબદ્ધ રીતે કરવામાં આવશે.
 • નીચે જણાવ્યા સિવાયની તમામ પ્રવૃત્તિઓને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પરવાનગી આપવામાં આવશે.
 1. મેટ્રો રેલ
 2. સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભા ખંડો અને તેના જેવા અન્ય સ્થળો.
 3. સામાજિક/ રાજકીય/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો અને અન્ય વિશાળ સંગઠન કાર્યક્રમો.

પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ બધી વસ્તુઓ ખોલવા માટેની તારીખ અલગથી નક્કી કરવામાં આવશે.

 • 31 ઓગસ્ટ, 2020 સુધી કન્ટેનમેન્ટ ઝોનની અંદર લોકડાઉનનું કડકપણે પાલન કરવાનું ચાલુ રહેશે. પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખ્યા બાદ કોવિડ-19ના પ્રસારને અટકાવવાના ઉદ્દેશ્યથી રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કન્ટેનમેન્ટ ઝોનને યોગ્ય રીતે નોંધાયેલા હોવા જોઈએ. કન્ટેનમેન્ટ ઝોનની અંદર ચુસ્તપણે નિયંત્રણ જળવાવું જોઈએ અને માત્ર જરૂરિયાતની પ્રવૃત્તિઓને જ પરવાનગી મળવી જોઈએ.
 • આ કન્ટેનમેન્ટ ઝોન સંલગ્ન જિલ્લા કલેક્ટરો અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે આ માહિતી શેર કરવામાં આવશે.
 • કન્ટેનમેન્ટ ઝોનની અંદર પ્રવૃત્તિઓને ચુસ્તપણે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તામંડળ દ્વારા ચકાસવામાં આવશે અને આ વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોનને લગતી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.  

કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ રાજ્ય પોતે નક્કી કરશે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પરિસ્થિતિના તેમના મૂલ્યાંકનના આધાર પર કન્ટેનમેન્ટ ઝોનની બહાર અમુક ચોક્કસ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે અથવા જરૂરી હોય તેવા પ્રતિબંધાત્મક પગલાઓ લઈ શકે છે. આમ છતાં, લોકો અને માલસામાનની આંતર રાજ્ય કે રાજ્યની અંદર હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. આ પ્રકારની હેરફેર માટે કોઈપણ પ્રકારની અલગથી પરવાનગી પત્ર/ મંજૂરી/ ઇ-પરવાનગીની જરૂર નહિ પડે.

કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ

કોવિડ-19 વ્યવસ્થાપન માટે સામાજિક અંતર જાળવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓનું આખા દેશમાં પાલન કરવાનું યથાવત ચાલુ રાખવામાં આવશે. દુકાનોએ પોતાના ગ્રાહકો સાથે અમુક ચોક્કસ પ્રકારનું શારીરિક અંતર જાળવવું ફરજિયાત રહેશે. ગૃહ મંત્રાલય રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓના અસરકારક પાલન ઉપર દેખરેખ રાખશે.

સંવેદનશીલ લોકો માટે સુરક્ષા

સંવેદનશીલ લોકો, જેવા કે 65 વર્ષથી વધુની વયના લોકો, કો-મૉર્બીડિટી ધરાવતા લોકો, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નીચેની વયના બાળકોને અત્યંત આવશ્યક જરૂરિયાત અને સ્વાસ્થ્ય કારણ સિવાય ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપતું રહેવામાં આવશે.

ગૃહ મંત્રાલયના આદેશ અને માર્ગદર્શિકાઓ જોવા માટે અહિયાં ક્લિક કરો         

Click here to see MHA Order & Guidelines

 

SD/GP/BT(Release ID: 1642165) Visitor Counter : 356