ગૃહ મંત્રાલય

શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળોના મહાનિયામકોની સમીક્ષા બેઠક યોજાઇ


CAPFની સલામતી અને સુખાકારી એ મોદી સરકારની પ્રાથમિકતા છે: શ્રી અમિત શાહ

કોવિડ યોદ્ધાઓની આરોગ્ય તપાસ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે; મૃત્યુની ઘટનામાં બાકી નીકળતા નાણાંની ખાતરીપૂર્વક સમયસર ચુકવણી કરવામાં આવશે: ગૃહમંત્રી

CAPFના કર્મચારીઓ માટે સમર્પિત હોસ્પિટલ/ સુવિધા સ્થાપિત કરવામાં આવશે: શ્રી અમિત શાહ

Posted On: 08 MAY 2020 9:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળોના મહાનિયામકોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-19ના વ્યવસ્થાપનની આ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણા CAPFના જવાનોએ કરેલી પ્રશંસનીય કામગીરીને તેમણે બિરદાવી હતી.

 

 

શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારને માત્ર કોવિડ-19નો ફેલાવો થવાની જ ચિંતા નથી, બલ્કે દરેક CAPFના કર્મચારીઓની સુરક્ષા, સલામતી અને સુખાકારી માટે તમામ પ્રયાસો પણ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ દરેક CAPFમાં કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત સુરક્ષા જવાનોની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી તેમજ લક્ષણો ન દેખાતા હોય તેવા કેસો અંગે પણ માહિતી મેળવી હતી.

 

આ બેઠક દરમિયાન, બીમારીને ફેલાતી રોકવા માટે દરેક CAPF દ્વારા લેવામાં આવેલા નવીનતમ પગલાંઓ અંગે પણ ચર્ચા થઇ હતી. તેમના તરફથી મળેલા સૂચનોમાં સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવી અને બધાને તાલીમ આપવી; મેસ અને બેરેકમાં રહેવાની સુવિધામાં આવશ્યક ફેરફારો કરવા; આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારકતા વધારવી; અને સુરક્ષા કર્મચારીની ઉંમર તેમજ તેમના આરોગ્યના ઇતિહાસને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે વ્યક્તિગત વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું વગેરે સૂચનો પણ સામેલ છે.

 

કોવિડ-19 સામેની લડાઇમાં CAPFના કર્મચારીઓએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી શાહે વરિષ્ઠ અધિકારીઓને મૃત્યુના કિસ્સામાં વળતર અને વીમા વગેરે સહિત જવાનોને સેવા સમાપ્તિ વખતે નીકળતી બાકી રકમની સમયસર ચુકવણી; અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેવું; તેમના આરોગ્યની તપાસ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા વગેરે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમજ CAPFના કોવિડ-19 અસરગ્રસ્ત કર્મચારીઓ માટે સમર્પિત હોસ્પિટલ/ સુવિધા શરૂ કરવા તેમજ અસરકારક ટ્રેસિંગ અને પરીક્ષણ સુવિધામાં વધારો કરવાના નિર્દેશો પણ આપ્યા હતા.

 

 

મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું કે, CAPFના દળોએ તેમના શ્રેષ્ઠ આચરણની રીતભાતો એકબીજાને જણાવવી જોઇએ અને આરોગ્ય સંબંધિત તેમજ સેનિટાઇઝેશન જેવા મુદ્દાઓના વ્યવસ્થાપન માટે એક પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા નિર્ધારિત કરવી જોઇએ અને કર્મચારીઓ દ્વારા સુરક્ષાત્મક સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે પણ સુનિશ્ચિત કરવું જોઇએ. આ બેઠકમાં રાજ્યમંત્રી (ગૃહ મંત્રાલય) શ્રી નિત્યાનંદ રાય, તમામ CAPFના DG અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 1622382) Visitor Counter : 233