વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

શ્રી પીયૂષ ગોયલે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Posted On: 02 APR 2020 7:34PM by PIB Ahmedabad

રેલવે તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં અગ્રણી સ્ટાર્ટ અપ એન્જલ ઇન્વેસ્ટર્સ અને અન્ય પણ સામેલ થયા હતા. દેશમાં કોવિડ-19ના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનની સ્ટાર્ટ અપ પર અસરોનું મૂલ્યાંકન કરવા માટે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ, કૉર્પોરેટ બાબતોનું મંત્રાલય, SEBI, CBDT, CBIC, નીતિ આયોગ અને SIDBIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટાર્ટ અપ દેશમાં આશાના અગ્રદૂતો તરીકે અને દેશના ભવિષ્ય તરીકે જે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે તેના પર મંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશ અત્યારે અભૂતપૂર્વ કટોકટીના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને આના માટે તાકીદના ઉપચારક પગલાં જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગો અને તેમાં ખાસ કરીને સ્ટાર્ટ અપ્સ અત્યારે જે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે તેમાંથી બહાર આવવા માટે દરેકનો સહકાર આવશ્યક છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકોના સકારાત્મક અભિગમના કારણે જ તેઓ કોઇપણ સ્થિતિમાંથી બહાર આવી શકે છે અને કોવિડ-19 સાથે સંકળાયેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો તેઓ પ્રયાસ કરી શકે છે. તેમણે એક્શન કોવિડ-19 ટીમ (ACT) ની શરૂઆતને આવકારી હતી જે રૂ. 100 કરોડનો કાર્યક્રમ શરૂ કરી રહી છે અને તેનો આશય અનુદાનની મદદથી 50 પહેલ શરૂ કરવાનો છે જેથી ભારતમાં કોવિડ-19ના કારણે આવેલા આર્થિક પતનમાંથી દેશ બેઠો થઇ શકે.  અન્ય એક સ્ટાર્ટ અપ સાહસને પણ મંત્રીએ આવકાર્યું હતું જે ટીઅર-II અને ટીઅર-III સ્તરના શહેરોમાં આવેલા કરિયાણા (નાના છૂટક વિક્રેતા) સ્ટોરને મદદ કરવા માટે છે જેથી તેઓ પૂરવઠા સાંકળ અને સંસાધનોની અછતની સમસ્યામાંથી બહાર આવી શકે. સ્ટાર્ટ અપ હિતધારકોની વિવિધ સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા પછી શ્રી ગોયલે સૌને સહિયારા પ્રયાસોમાં મદદરૂપ થવા માટે વિનંતી કરી હતી.

આ બેઠકમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ઘણા સ્ટાર્ટ અપ કોવિડ-19 સમસ્યાના વિવિધ ઉકેલો શોધવા પર કામ કરી રહ્યા છે જેમાં ખાસ આ મહામારીમાં નિવારક, સહાયક અને સંભાળના પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણા સાહસો લોન્ચિંગના અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે અને અન્ય સાહસોને હજુ અંતિમ રૂપ આપવામાં થોડો સમય લાગશે. આ સાહસોને ઍક્સેસ, ભંડોળ, માન્યતા, વિસ્તરણ અને સહકારની જરૂર પડશે. વિવિધ સરકારી વિભાગો અને ઔદ્યોગિક સંગઠનોની સંયુક્ત સમિતિ આ પહેલોનું મૂલ્યાંકન કરી રહી છે. સહભાગીઓએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ તેમના ચોક્કસ મુદ્દા ઉઠાવ્યા હતા. બેઠકમાં ઘણાના ઉકેલો પણ નોંધવામાં આવ્યા હતા અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સ્ટાર્ટ અપ સમુદાય દ્વારા આપવામાં આવેલા કેટલાક સૂચનો પર વિગતવાર વિચાર કરવાની જરૂર છે. સ્ટાર્ટ અપ પ્રતિનિધિઓએ તેમની સમસ્યાઓ પણ રજૂ કરી હતી જેમાં તેમના ટકી રહેવા અને લિક્વિડિટી (તરલતા)ની ખેંચ, રોકડનો પ્રવાહ અને આવકની સમસ્યા, શ્રમિક સંબંધિત બાબતો અને લૉકડાઉનની સ્થિતિમાં તે ચલાવવામાં પડતી મુશ્કેલીઓ જેવા વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા.

RP

*****



(Release ID: 1610504) Visitor Counter : 160