ગૃહ મંત્રાલય

ભારતમાં કોવિડ-19ના ફેલાવા અંગે લોકોમાં ગભરાટ ફેલાતો રોકવા ગૃહ મંત્રાલયે ખોટા સમાચારો સામે લડવા રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને યોગ્ય પગલાં લેવા કહ્યું

Posted On: 02 APR 2020 10:09AM by PIB Ahmedabad

નામદાર સર્વોચ્ચ અદાલતે, એક રીટ પીટિશનની સુનાવણી દરમિયાન, ગંભીર નોંધ લીધી હતી કે ખોટા સમાચારોના કારણે લોકોમાં ઉભી થયેલી ગભરાટની લાગણીના પરિણામે મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમીકો સ્થળાંતર કરી રહ્યાં છે. અદાલતના ધ્યાનમાં આવ્યું હતું કે, આવા સમાચારોના કારણે આ લોકો અસંખ્ય પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે.

અદાલતના આ અવલોકનોનાં પગલે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જાણ કરી હતી કે, ખોટા સમાચારોના પ્રસાર સામે લડવા માટે તેઓ અસરકારક પગલાં લે. તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, લોકો તથ્યોની ચકાસણી અને તથ્ય વગરના સમાચારો વિશે તાત્કાલિક માહિતી મેળવી શકે તે માટે ભારત સરકાર એક વેબપોર્ટલ તૈયાર કરી રહી છે. રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે તેમના સ્તરે આવી જ તંત્ર વ્યવસ્થા ઉભી કરવાની વિનંતી કરવામાં આવી છે.

વિસ્થાપિત શ્રમિકો માટે તૈયાર કરાયેલી રાહત શિબિરોમાં NDMA/MHAના દિશાનિર્દેશો અનુસાર ભોજન, દવાઓ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓની જોગવાઇ સુનિશ્ચિત કરવાનું તેમજ અન્ય સુખાકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે પણ સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું અને આ અંગે નિર્દેશ આપ્યા હતા. રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી હતી કે, તેઓ દેશમાં કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો/ સલાહસૂચનો/ આદેશોનું શબ્દશઃ અનુપાલન કરે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેના સંદેશા વ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/RP

*****



(Release ID: 1610165) Visitor Counter : 246