રેલવે મંત્રાલય

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી


કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન

રેલવેના 6500થી વધુ હોસ્પિટલ બેડ સૂચવવામાં આવેલા તબીબી વિવરણો અનુસાર ઉપલબ્ધ કરાવાશે

કોવિડ-19નો સામનો કરવાના સરકારના પ્રયાસોમાં રેલવે પૂરક ભૂમિકા નિભાવશે

Posted On: 30 MAR 2020 6:25PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે, ભારતીય રેલવે દ્વારા ભારત સરકારને સ્વાસ્થ્ય સંભાળના તમામ પ્રયાસોમાં પૂરક પ્રયાસો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા સંખ્યાબંધ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે જેમાં મુસાફર કોચનું આઇસોલેશન કોચમાં રૂપાંતરણ, કોવિડ-19 માટેની સંભવિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે રેલવે હોસ્પિટલોના વર્તમાન ઉપકરણો ઉપલબ્ધ કરાવવા, કોઇપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલના બેડ અલગ રાખવા, વધારાના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી વગેરે પગલાં પણ સામેલ છે.

જરૂરિયાત અનુસાર ભારત સરકારના આદેશ પ્રમાણે આ તમામ સુવિધાઓ રેલવે તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઝોનમાં ભારતીય રેલવેના GM અને મેડિકલ પ્રોફેશનલ્સની દેખરેખ હેઠળ તમામ પૂર્વતૈયારીઓ ચાલી રહી છે.

ભારતીય રેલવે કોઇપણ સંભવિત આકસ્મિક સ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે, સરકારને જ્યારે પણ જરૂર પડે ત્યારે કોરોનાના દર્દીઓને આઇસોલેશનમાં રાખવા માટે પ્રારંભિક તબક્કે 5000 મુસાફર કોચનું રૂપાંતરણ કરવાના આયોજનમાં છે. આ કોચમાં તબીબી માર્ગદર્શિકા અનુસાર આઇસોલેશન માટે જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જો જરૂર પડશે તો, વધુ કોચનું રૂપાંતરણ કરવાની પણ વ્યવસ્થા કરી રાખવામાં આવશે. આ કોચમાં મચ્છરદાની, મોબાઇલ અને લેપટોપના ચાર્જિંગના પોઇન્ટ્સ, પેરામેડિકલ સ્ટાફ માટે અલાયદી જગ્યા જેવી વિવિધ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ તમામ કોચ ઝોન અનુસાર તૈયાર કરવામાં આવશે.

ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવશે. આ હોસ્પિટલોમાં અલગ કોવિડ વૉર્ડ અથવા માળ ફાળવવા માટેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. દર્દીઓની સંભવિત જરૂરિયાતને અનુલક્ષીને અંદાજે 6500 હોસ્પિટલ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ભારતીય રેલવે દ્વારા પહેલાંથી જ તમામ ઝોનલ હેડને બજારમાંથી ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની નિયુક્તિ કરવા માટેની સંભાવનાઓ ચકાસવા કહેવામાં આવ્યું છે તેમજ રેલવેના નિવૃત્તિ ડૉક્ટરોની હંગામી ધોરણે ફરી નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે જેથી દરેક પ્રાંતમાં કોવિડ-19ને નિયંત્રણમાં રાખવાના વ્યવસ્થાપનમાં જરૂરી તબીબી દેખરેખ રાખી શકાય અને સંબંધિત સત્તાધિકારીઓને તેઓ મદદરૂપ થઇ શકે.

અહીં નોંધનીય છે કે, ભારતીય રેલવેના આ પ્રયાસો માત્ર ભારત સરકારના પ્રયાસોને પહોંચી વળવા માટે પૂરક પ્રયાસો તરીકે નથી પરંતુ કોરોના વાયરસ સામેની લડાઇના રાષ્ટ્રીય પ્રયાસોમાં રેલવે તંત્રના યોગદાનરૂપે પણ છે.

GP/RP


(Release ID: 1609375)