સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇમાં સશસ્ત્ર દળો નાગરિક સત્તામંડળો સાથે મળીને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે


1,073 લોકોને અસરગ્રસ્ત દેશોમાંથી બચાવીને લવાયા, તેઓ હાલમાં સશસ્ત્ર દળોની ક્વૉરેન્ટાઇન સુવિધામાં છે

Posted On: 27 MAR 2020 7:11PM by PIB Ahmedabad

દેશની કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સશસ્ત્ર દળો નાગરિક સત્તામંડળોને તબીબી અને લોજિસ્ટિક સહાય પૂરી પાડવા માટે અવિરત કામ કરી રહ્યા છે. સશસ્ત્રદળ તબીબી સેવા (AFMS) દ્વારા જાહેર સત્તામંડળોને સહાય કરવા માટે તેના નિકાલ પર તમામ સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે અને અસામાન્ય કટોકટીના સમયમાં ખભાથી ખભો મિલાવીને જવાબદારી નિભાવી રહ્યા છે.

માનેસર, જૈસલમેર, જોધપૂર, ચેન્નઇ, હિંદાન અને મુંબઇ ખાતે સશસ્ત્ર દળોની છ ક્વૉરેન્ટાઇન સુવિધાઓ હાલમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં વિદેશીઓ સહિત કુલ 1,463 લોકોને કોવિડ-19થી અસરગ્રસ્ત દેશોમાંથી બચાવીને લાવવામાં આવ્યા છે અને આ કેન્દ્રોમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આમાંથી, 1,073 લોકો ક્વૉરેન્ટાઇન હેઠળ છે અને તેમની યોગ્ય સંભાળ લેવામાં આવે છે. આમાં IAF અને મેડિકલ ક્રૂ ઉપરાંત ઇરાન, ઇટાલી, જાપાન, મલેશિયાથી બચાવવામાં આવેલા લોકો પણ સામેલ છે. ત્રણસો નેવું લોકોને ચીન, જાપાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને IAF સ્થળાંતર ફ્લાઇટ ક્રૂને તેમનો ફરજિયાત ક્વૉરેન્ટાઇન સમયગાળો પૂરો થઇ ગયો હોવાથી રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં કોવિડ-19ના ત્રણ પોઝિટીવ કેસો નોંધાયા છે – જેમાંથી બે હિંદાનમાં અને એક માનેસરમાં છે. તેઓને વધુ સારવાર માટે નવી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સક્રીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ઉપરાંત, વધુ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે અને જરૂર પડશે તો 48થી 72 કલાકમાં તે કાર્યરત થશે. આ સુવિધાઓ કોલકાતા, વિશાખાપટ્ટનમ, કોચી, હૈદરાબાદ નજીક દુંડીગલ, બેંગલુરુ, કાનપૂર, જૈસલમેર, જોરહાટ અને ગોરખપૂર ખાતે છે.

સશસ્ત્ર દળ તબીબી સેવા (AFMS)ના મહા નિદેશક લેફ્ટેનન્ટ જનરલ અનુપ બેનરજીએ આજે મીડિયા સાથે વાર્તાલાપ કરતી વખતે કહ્યું હતું કે, સંપૂર્ણપણે કોરોના વાયરસના કેસોનું વ્યવસ્થાપન કરવા માટે 28 સર્વિસ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે નિર્ધારિત કરવામાં આવી છે. આમાં સશસ્ત્ર દળો તેમજ જો દર્દીઓની સંખ્યા વધુ પડતી હોય તો રાજ્ય સત્તામંડળો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા સામાન્ય દર્દીઓ પણ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલની સ્થિતિમાં સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાની પાંચ હોસ્પિટલમાં કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવે છે. આમાં દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલ રીસર્ચ અને રેફરલ; બેંગલુરુ ખાતેની કમાન્ડ હોસ્પિટલ એરફોર્સ અને પૂણે ખાતેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ; લખનૌ ખાતેની કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ); ઉધમપૂર ખાતેની કમાન્ડ હોસ્પિટલ (નોર્ધન કમાન્ડ) છે. વધુ છ હોસ્પિટલો આ પરીક્ષણ માટે જરૂરી સંસાધનો સાથે ટૂંક સમયમાં સજ્જ કરવામાં આવશે.

લેફ્ટેનન્ટ જનરલ બેનરજીએ એવી પણ માહિતી આપી હતી કે, સેવા આપી રહેલા માત્ર એક જ જવાનને અત્યાર સુધીમાં કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. તે રજા પર હતો અને લેહમાં તેના ઘરે હતો. તે તાજેતરમાં જ ઇરાનથી પરત ફરેલા તેના પિતાની સંભાળ લઇ રહ્યો જેઓ કોવિડ-19થી પીડાઇ રહ્યા હતા. આ જવાન હવે સાજો થઇ ગયો છે. AFMSના DGએ વધુમાં ઉમેર્યું હતું કે, સીમાક્ષેત્રની હોસ્પિટલોમાં લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીકમાં આર્મી ફોર્મેશન ખાતે આઇસોલેશન વૉર્ડ્સ સક્રીય કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “લોકોની સેવા માટે માહિતી, શિક્ષણ અને સંચાર અંગે તીવ્ર ઝુંબેશો ચાલી રહી છે. જેઓ રજા પર છે તેમની રજાઓમાં લંબાણ તેમજ લઘુતમ સુધી રજાની કપાત લાગુ કરવામાં આવી છે. જે જવાનો વિવિધ રાજ્યોમાંથી રજા પરથી પાછા આવ્યા છે તેમને પણ અલગ રાખવામાં આવે છે.”

આર્મી મેડિકલ કોર્પ્સના તબીબી અધિકારીઓ અને પેરામેડિકલ સ્ટાફની 14 સભ્યોની ટીમને માલદીવ્સમાં ક્ષમતા નિર્માણના પગલાં માટે અને તેમની પોતાની પરીક્ષણ, સારવાર અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ ઉભી કરવા માટે સહાય કરવા મોકલવામાં આવી હતી. આ ટીમ 10 દિવસ સુધી માલદીવ્સમાં રોકાઇ હતી અને 23 માર્ચ 2020ના રોજ પરત ફરી હતી. લેફ્ટેનન્ટ જનરલ બેનરજીએ જણાવ્યું હતું કે, માલદીવ્સ ઉપરાંત, AFMS નેપાળમાં પણ ત્યાંની કોવિડ-19ની સ્થિતિમાં મદદ કરવા માટે ઝડપી પ્રતિભાવ ટીમ મોકલવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોને પણ જ્યારે અને જે રીતે જરૂર પડે તેમ અન્ય મદદ પૂરી પાડવામાં આવશે.

વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE)ની ઉપલબ્ધતા અંગે AFMS ના DGએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એક  પડકાર છે, સૈન્ય સેવાઓને PPEના વ્યવહારુ ઉપયોગ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, “AFMS દ્વારા હાલમાં અમારી હોસ્પિટલોમાં ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં PPEની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાની પ્રાપ્તિ માટેનું પણ આયોજન છે જેથી આવનારા અઠવાડિયા અને મહિનાઓમાં કોઇપણ કટોકટીની સ્થિતિને પહોંચી શકાય. નાગરિક સ્વાસ્થ્ય સુવિધાઓ માટે પણ તબીબી સંસાધનોમાં વૃદ્ધિ કરવાનો સશસ્ત્ર દળોને નિર્દેશ આપ્યો હોવાથી આ આયોજન ચાલી રહ્યું છે.”

કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટ્રેનના કોચમાં પણ તબીબી સુવિધાઓ ઉભી કરવાનું સૂચન AFMS દ્વારા આપવામાં આવ્યું હતું. સામાજિક અંતર, કોર્સ અને તાલીમ રદ કરવી, માસ્કનો ઉપયોગ, કાર્યસ્થળે ધ્યાન રાખવા જેવા સુરક્ષાત્મક પગલાં માટે સલાહ અને કોવિડ પર દેખરેખ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે માર્ગદર્શિકાઓ AFMS દ્વારા બહાર પાડવામાં આવી છે.

RP

 



(Release ID: 1608704) Visitor Counter : 132