પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડવા તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ સતત સતર્કતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો
રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે રોગચાળા સામે લડવા સંયુક્તપણે કામ કરવું જોઈએઃ પ્રધાનમંત્રી
આપણે વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવાના મહત્ત્વપૂર્ણ તબક્કામાં છીએ, ગભરાઈ જવાની કોઈ જરૂર નથીઃ પ્રધાનમંત્રી
કોવિડ-19 સામે લડવા પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનના અસરની મુખ્યમંત્રીઓએ પ્રશંસા કરી
Posted On:
20 MAR 2020 7:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે કોવિડ-19 સામે લડવા માટેના પગલા વિશે ચર્ચાવિચારણા કરી હતી.
પડકારને સંયુક્તપણે સામનો કરવો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રોગચાળો તમામ રાજ્યો માટે સામાન્ય છે એટલે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ ખભેખભો મિલાવીને કામ કરવાની અને એનું મહત્ત્વ સમજવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નાગરિકો આ પડકારને ઝીલવા જરૂરી સહકાર આપી રહ્યાં છે, ત્યારે પ્રજાની વચ્ચે ગભરાટ ન ફેલાય એ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ દેશોના પ્રસારનાં વૈશ્વિક સંદર્ભમાં સતત સતર્કતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું હતું કે, આગામી 3 થી 4 અઠવાડિયા વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ છે અને આ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ એટલે સામાજિક અંતર જાળવવાનું છે. તેમણે મુખ્યમંત્રીઓને આ માટે અસરકારક અમલ સુનિશ્ચિત કરવાની વિનંતી કરી હતી.
અત્યાર સુધી લેવાયેલા પગલાં
ભારત સરકારનાં આરોગ્ય વિભાગનાં સચિવ શ્રીમતી પ્રીતિ સુદાને વાયરસનાં પ્રસારને નિયંત્રણ લેવા અત્યાર સુધી લેવાયેલા પગલાં વિશે જાણકારી આપી હતી તથા અત્યાર સુધી પ્રધાનમંત્રીએ સ્થિતિ પર અંગત નજર રાખવા અને સ્થિતિનું નિરીક્ષણ કરવા હાથ ધરવા વ્યક્તિગત ધોરણે કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યોના હાલના સાથસહકારની સમીક્ષા કરી હતી, આંતરરાષ્ટ્રીય મુસાફરો પર નજર રાખવાની જાણકારી આપી હતી, પ્રસાર પર નજર રાખવા કોઈ ચોક્કસ સમુદાય પર નજર રાખવાનો ઉપયોગ, પરીક્ષણની સુવિધાના લોજિસ્ટિક, પ્રવાસના નિયંત્રણો તથા વિદેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા વિશેની માહિતી આપી હતી.
આઇસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, અત્યારે ભારત બીજા તબક્કાનાં પ્રસારમાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલ ભારત પાસે પ્રસારનાં ત્રીજા તબક્કાના જોખમને લઘુતમ કરવા પગલાં લેવાનો અવકાશ છે. તેમણે આરોગ્યલક્ષી સુવિધાઓના ઉચિત ઉપયોગનાં મહત્ત્વ પર તથા ક્વોરેન્ટાઇન સુવિધાઓ તથા આઇસોલેશન વોર્ડ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીઓની રજૂઆત
મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોવિડ-19 સામે લડવા આપેલા સહકાર બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો તથા તેમના રાષ્ટ્રજોગ સંબોંધનમાં પ્રધાનમંત્રીના સંદેશના અસરની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી અને અન્ય લોકોને અત્યાર સુધીની તૈયારીઓ વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. પોતાની રજૂઆત દરમિયાન તેમણે પરીક્ષણ સુવિધાઓ વધારવા માટે, જોખમકારક વર્ગોને વધારે સાથસહકાર આપવા, 2020-21 માટે નાણાકીય વિતરણ અગાઉથી આપવા તથા ખાનગી પ્રયોગાશાળાઓ અને હોસ્પિટલોને મોટી સંખ્યામાં કાર્યરત કરવા વિનંતી કરી હતી.
તમામ મુખ્યમંત્રીઓએ તેમનો સાથસહકાર આપ્યો હતો અને પુષ્ટિ કરી હતી કે, તમામ રાજ્ય સરકારો ભારત સરકાર સાથે આ રોગચાળા સામે લડવા સંયુક્તપણે કામ કરશે.
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને તમામ પ્રકારના સાથસહકારની ખાતરી આપી
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોએ લીધેલા પગલાની પ્રશંસા કરી હતી તથા તેમના અનુભવે જણાવવા અને સૂચનો કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે આરોગ્ય કર્મીઓની ક્ષમતા વધારવાની તાતી જરૂરિયાત વિશે વાત કરી હતી અને હેલ્થકેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે, મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં વેપારી સંસ્થાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કાળા બજારને અટકાવવા તથા કિંમતમાં બિનજરૂરી વધારો ટાળવા જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્થાપિત કોવિડ-19 ઇકોનોમિક ટાસ્ક ફોર્સ આર્થિક પડકારોને અસરકારક રીતે ઝીલવા અનુકૂળ અભિગમ અપનાવશે. તેમણે મુખ્યમંત્રીઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, દેશમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને તમામ સલાહોનું પાલન થાય. કોવિડ-19 સામે લડવા આપણા સહિયારા પ્રયાસોમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ.
RP
(Release ID: 1607444)
Visitor Counter : 393