પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઇકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
06 MAR 2020 11:00PM by PIB Ahmedabad
ગ્લોબલ બિઝનેસ સમિટના આ મંચ પર, સમગ્ર વિશ્વમાંથી આવેલા નિષ્ણાતોની વચ્ચે, ધ ઇકોનોમિક ટાઈમ્સે મને મારી વાત રજૂ કરવાનો અવસર આપ્યો છે. આજ સવારથી, જ્યારથી તમે અહિયાં બેઠા છો, અહિયાં અનેક વિષયો પર ચર્ચાઓ થઇ છે, વ્યાપાર જગતના ખ્યાતનામ લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. અને વિચારોના આ પ્રવાહમાં જે સામાન્ય તંતુ છે, તે છે – સર્જન માટે સંગઠન. સંતુલિત વિકાસ માટે સર્જન માટે સંગઠનનો આ દ્રષ્ટિકોણ આજની જરૂરિયાત પણ છે અને ભવિષ્યનો આધાર પણ. અને આપણે સૌ જાણીએ છીએ કે આ દ્રષ્ટિકોણ અચાનક કેટલાક વર્ષોના વિચારો સાથે નીકળીને બહાર આવ્યો હોય એવું પણ નથી. વિભાજનથી શું શું નુકસાન થાય છે, તેનો વિશ્વને અનુભવ છે. જ્યારે સાથે ચાલ્યા તો સંભાળી લીધું, જ્યારે સામસામે આવ્યા તો વિખેરાઈ ગયા.
સર્જન માટે સંગઠનનો આ વિચાર જેટલો જૂનો છે, તેટલો જ પ્રાસંગિક પણ છે. દરેક યુગમાં નવા નવા પડકારો સામે આવતા રહે છે - આપણા સર્જન માટે સંગઠનના ઉત્સાહની કસોટી કરવા માટે અને તેને વધુ મજબૂત કરવા માટે.
જે રીતે આજે “કોરોના વાયરસ”ના રૂપમાં એક બહુ મોટો પડકાર વિશ્વની સમક્ષ છે. નાણાકીય સંસ્થાનોએ તેને આર્થિક જગત માટે પણ બહુ મોટો પડકાર સ્વિકાર કર્યો છે. આજે આપણે સૌએ સાથે મળીને આ પડકારનો સામનો કરવાનો છે. સર્જન માટે સંગઠનની સંકલ્પ શક્તિ દ્વારા આપણે વિજયી બનવાનું છે.
મિત્રો,
ખંડિત વિશ્વના તત્વજ્ઞાન ઉપર પણ તમે અહિયાં મંથન કરવાના છો. વાસ્તવિક તિરાડો, વધુ પડતી કલ્પનાશીલ તિરાડો અને તેની માટે જવાબદાર ઘટકોની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.
સાથીઓ, એક સમય એવો હતો જ્યારે એક વિશેષ વર્ગની ધારણા અનુસાર જ વસ્તુઓ ચાલ્યા કરતી હતી. તેમણે જે અભિપ્રાય આપી દીધો, તેને જ અંતિમ માની લેવામાં આવતો હતો. પરંતુ ટેકનોલોજીના વિકાસ વડે અને સંવાદના લોકશાહીકરણ વડે હવે આજે સમાજના દરેક વર્ગના લોકોનો મત મહત્વ ધરાવે છે. આજે સામાન્ય જનતા પોતાના અભિપ્રાયને ખૂબ મજબૂતી સાથે, પહલેથી જ ઢાળી દીધેલા તથા કથિત સમજણના બીબાંથી વિપરીત, મોટી તાકાત સાથે નોંધાવી રહી છે. પહેલા આ જ સામાન્ય જનતાની આશાઓ અપેક્ષાઓ પર, આ વિશેષ વર્ગના તર્ક અને સિદ્ધાંતો પ્રભાવિત થઇ જતા હતા. આ એક બહુ મોટું કારણ હતું કે જ્યારે અમે.. તમે લોકોએ અમને સેવા કરવાનો અવસર આપ્યો.. 2014માં પહેલીવાર આ કાર્યને સંભાળ્યું તો દેશની વસતિનો બહુ મોટો ભાગ, શૌચાલયો, વીજળીના જોડાણો, ગેસના જોડાણો, પોતાનું ઘર, આવી બધી મૂળભૂત જરૂરિયાતો માટે રાહ જોઈ રહ્યો હતો.
સાથીઓ, અમારી સામે રસ્તો હતો કે પહેલાથી જે ચાલતું આવી રહ્યું છે, તે જ રસ્તા ઉપર ચાલતા રહીએ કે પછી પોતાનો નવો રસ્તો બનાવીએ, નવા એપ્રોચ સાથે આગળ વધીએ. અમે ઘણું સમજી વિચારીને નક્કી કર્યું... અમે નવો માર્ગ બનાવ્યો, નવા એપ્રોચની સાથે આગળ વધ્યા અને તેમાં સૌથી મોટી પ્રાથમિકતા આપી – લોકોની મહત્વાકાંક્ષાઓને.
આ દરમિયાન દેશમાં ચૂંટણીઓ પણ થઇ, અમારા કાર્યો પર મહોર પણ લાગી ગઈ પરંતુ એક બીજી રસપ્રદ વાત સામે આવી. આજે ગ્લોબલ બિઝનેસ સમિટમાં, હું તમારી સમક્ષ તેને પણ વહેંચવા માંગું છું. અહિયાં આ હોલમાં બેઠેલા સાથીઓ, જરૂરથી મારી આ વાત પર ધ્યાન આપશે!!!
મિત્રો,
જે વર્ગની વાત હું તમને કહી રહ્યો હતો તેની એક બહુ મોટી ઓળખ છે- ‘સાચી વસ્તુઓ બોલવાની’. એટલે કે કાયમ સાચું જ બોલવાનું. સાચી વાત કહેવામાં કઈ ખોટું નથી પરંતુ આ વર્ગને એવા લોકોને નફરત કરે છે, તેમનાથી ચિડાય છે કે જેઓ ‘સાચી વસ્તુઓ કરવા’ના સિદ્ધાંત પર ચાલે છે. એટલા માટે જ્યારે યથાવત સ્થિતિમાં પરિવર્તન આવે છે તો આવા લોકોને કંઇક ખાસ પ્રકારની અડચણો દેખાવા લાગે છે. તમે ધ્યાન આપો, જે લોકો પોતાને જાતિગત ન્યાયના દૂત માને છે તેઓ ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાના અમારા નિર્ણયનો વિરોધ કરે છે. જે લોકો આખા વિશ્વને શરણાર્થી અધિકારો અંગેનું જ્ઞાન આપે છે તેઓ જ શરણાર્થીઓની માટે જ્યારે સીએએનો કાયદો બની રહ્યો છે તો તેનો વિરોધ કરે છે. જે લોકો દિવસ અને રાત બંધારણની રોકકળ કરે છે, તેઓ કલમ 370 જેવી અસ્થાયી વ્યવસ્થાઓ દૂર કરીને જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ રીતે બંધારણને લાગુ કરવાનો વિરોધ કરે છે. જે લોકો ન્યાયની વાત કરે છે, તેઓ સર્વોચ્ચ અદાલતનો એક નિર્ણય તેમની વિરુદ્ધ જવા બદલ દેશની સર્વોચ્ચ અદાલતની નિયત પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરી દે છે.
સાથીઓ, તમારામાંથી કેટલાક લોકોએ રામચરિતમાનસની આ ચોપાઈ જરૂરથી સાંભળી હશે-
પર ઉપદેશ કુશળ બહુતેરે, જે આચરહીં તે નર ન ધનેરે.
એટલે કે બીજાઓને ઉપદેશ આપવો તો ખૂબ સહેલો છે પરંતુ પોતે તે ઉપદેશો ઉપર અમલ કરવો ઘણો અઘરો છે. જ્યાં સુધી યથાવત સ્થિતિ જળવાયેલી રહે છે, તેમને કોઈ તકલીફ નથી પડતી. આવા લોકોનું માનવું છે કે ‘નિષ્ક્રિયતા એ સૌથી વધુ અનુકુળ કાર્ય છે.’ પરંતુ અમારા માટે રાષ્ટ્ર નિર્માણ, દેશનો વિકાસ, સુશાસન એ અનુકૂળતાનો વિષય નથી પરંતુ અમારી દ્રઢ માન્યતા છે. સાચી વસ્તુઓ કરવાની દ્રઢ માન્યતા, યથાવત સ્થિતિને તોડવાની દ્રઢ માન્યતા.
સાથીઓ, કેટલાક લોકો હોય છે જેઓ સ્વભાવથી જ પોતાના વિચારોના કેદી બની જતા હોય છે. પોતાની વિચાર પ્રક્રિયાના તેઓ આજીવન કેદી બની રહે છે. આ લોકો એ જ બાબતમાં ખુશ રહે છે, આનંદિત રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે લોકો યથાવત સ્થિતિમાં રહેવાને જ પોતાના જીવનનું મૂલ્ય બનાવી લે છે. તેમના દબાણોથી વિપરીત અમારી સરકાર દેશની તમામ વ્યવસ્થાઓને જૂના વિચારોની કેદમાંથી મુક્તિ અપાવવાનું કામ કરી રહી છે. એક એક કરીને અમે પ્રત્યેક ક્ષેત્રને નિષ્ક્રિયતાની અનુકૂળતામાંથી બહાર કાઢી રહ્યા છીએ. ડીબીટી.. સીધા લાભ હસ્તાંતરણના માધ્યમથી અમે યથાવત સ્થિતિમાં બહુ મોટો ફેરફાર લાવ્યા અને હજારો કરડો રૂપિયાને ખોટા હાથોમાં જતા બચાવ્યા.
રેરા કાયદો બનાવીને અમે રીયલ એસ્ટેટ ક્ષેત્રને કાળા નાણાના બંધનમાંથી મુક્ત કરવાનું બહુ મોટું પગલું ભર્યું છે અને મધ્યમ વર્ગની પહોંચ તેમના સપનાના ઘર સુધી બનાવી છે.
મુક્તિનું આ અભિયાન કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ચાલ્યું. આઈબીસી બનાવીને અમે યથાવત સ્થિતિમાં પરિવર્તન આણ્યું અને હજારો કરોડો રૂપિયા પાછા લાવવાની ખાતરી કરવાની સાથે સાથે જ તકલીફમાં રહેલ કંપનીઓને એક માર્ગ પણ ચીંધ્યો. નહિતર આપણે ત્યાં એક જ માર્ગ હતો... આવી તો શકતા હતા પરંતુ નીકળી નહોતા શકતા. અમે નીકળવા માટેના પણ અવસરો ઉભા કર્યા છે.
મુદ્રા યોજના બનાવીને પણ અમે બેન્કિંગ વ્યવસ્થાને જૂની વિચારધારામાંથી બહાર કાઢી અને 11 લાખ કરોડ રૂપિયાથી વધુ બેંકની બાહેંધરી વિના લોકોને, યુવાનોને, મહિલાઓને, પ્રથમવારના ઉદ્યોગ સાહસિકોને અમે સ્વરોજગાર માટે આપ્યા. એજ રીતે અમે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ- સીડીએસ બનાવીને યથાવત સ્થિતિને બદલી અને આપણી સેનાઓમાં વધુ સારી સુસંવાદીતતા અને સહયોગની ખાતરી આપી. સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપીને પણ અમે વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કર્યું અને ગરીબની બહુ મોટી ચિંતા દૂર કરી.
સાથીઓ,
2014 પછીથી દેશ ઉત્સાહમાં સહયોગ, પ્રવૃત્તિમાં સંગઠન અને વિચારોમાં મિશ્રણને લઈને આગળ ચાલ્યો છે. આજે ભારત સંતુલિત વિકાસનું એક એવું મોડલ નિર્માણ કરી રહ્યું છે જે સમગ્ર વિશ્વ માટે લાભદાયી હશે. વિશ્વનો સૌથી મોટો નાણાકીય સમાવેશી કાર્યક્રમ, વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા કાર્યક્રમ, વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના, આવી અનેક યોજનાઓ છે જેનો અનુભવ દુનિયાના વિકાસમાં મદદ કરી રહ્યો છે. 21મી સદીનું ભારત ઘણું બધું શીખી રહ્યું છે અને દેશના લોકો સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટે એટલું જ તત્પર પણ છે.
મિત્રો,
જુદા જુદા સેક્ટર ઉપર, જુદા જુદા ક્ષેત્રોમાં તેના પરિણામો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. 6 વર્ષ પહેલા દેશમાં ધોરીમાર્ગ નિર્માણની ગતિ, આશરે 12 કિલોમીટર પ્રતિદિન હતી. આજે તે ૩૦ કિલોમીટરની આસપાસ છે. 6 વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે એક વર્ષમાં 600 કિલોમીટર રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થઈ રહ્યું હતું. ગયા વર્ષે અમે 5300 કિલોમીટર રેલવે રૂટનું વિદ્યુતીકરણ કર્યું છે. 6 વર્ષ પહેલા, આપના એરપોર્ટસ લગભગ 17 કરોડ મુસાફરોને સેવા આપી રહ્યા હતા. હવે 34 કરોડથી વધુને સેવા આપી રહ્યા છે.
6 વર્ષ પહેલા, આપણા મુખ્ય બંદરો પર કાર્ગોની વહન ક્ષમતા લગભગ 550 મિલિયન ટનની આસપાસ હતી. હવે તે વધીને 700 મિલિયન ટનની પાસે પહોંચી ગઈ છે. અને એક અન્ય મહત્વપૂર્ણ બાબત થઇ છે, જેની બાજુ પણ તમારું ધ્યાન આપવું જરૂરી છે. તે છે મુખ્ય બંદરો પર હેરફેરનો સમય. 6 વર્ષ પહેલા બંદરો પર હેરફેરનો સમય લગભગ લગભગ 100 કલાકની આસપાસનો રહેતો હતો. હવે તે ઘટીને 60 કલાક પર આવી ગયો છે. તેને હજુ વધારે ઓછો કરવા માટે સતત કામ થઇ રહ્યું છે.
સાથીઓ, આ 5-6 ઉદાહરણ સંપર્ક સાથે જોડાયેલા છે. અહિયાં આ હોલમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિને ખબર છે કે સંપર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શાસન... તેનો આર્થિક પ્રવૃત્તિઓ ઉપર કેટલો પ્રભાવ પડતો હોય છે. શું આટલું મોટું પરિવર્તન એમ જ થઇ ગયું? ના. અમે સરકારના વિભાગોમાં સીલોને ખતમ કરવા માટેનો પ્રયાસ કર્યો, પદ્ધતિસરના પ્રયત્નો કર્યા અને સહયોગ પર ભાર મૂક્યો. એકદમ જમીનના સ્તર પર જઈને વ્યવસ્થાઓને સરખી કરી. આજે જે એરપોર્ટસ પર કામ થઇ રહ્યું છે, રેલવે સ્ટેશનો પર કામ થઇ રહ્યું છે, તે તમે લોકો પણ જોઈ રહ્યા છો. આપણા દેશના લોકો કઈ વસ્તુઓના હકદાર છે અને તેમને શું મળતું હતું, તેનો તફાવત સમજવો પણ ખૂબ જરૂરી છે.
સાથીઓ, કેટલાક વર્ષ અગાઉ અવારનવાર રેલવે ક્રોસિંગ પર અકસ્માતોના સમાચાર આવતા રહેતા હતા. શા માટે? કારણ કે 2014ની પહેલા દેશમાં બ્રોડગેજ લાઈન પર લગભગ લગભગ 9 હજાર અનમેન લેવલ ક્રોસિંગ હતા. 2014 પછી અમે અભિયાન ચલાવીને બ્રોડગેજ રેલવે લાઈનને અનમેન લેવલ ક્રોસિંગમાંથી મુક્તિ કરી દીધી છે. આવી જ કંઇક પરિસ્થિતિ બાયો ટોયલેટની પણ હતી. પહેલાની સરકારના સમયમાં, ત્રણ વર્ષમાં 9 હજાર 500 બાયો ટોયલેટ બન્યા હતા. અમારી સરકારે છેલ્લા 6 વર્ષોમાં રેલવે કોચમાં સવા બે લાખથી પણ વધુ બાયો ટોયલેટ લગાવ્યા છે. ક્યાં 9 હજાર અને ક્યાં સવા બે લાખ...
મિત્રો, કોઈ કલ્પના નહોતું કરી શકતું.. કે ભારતમાં ટ્રેન મોડી પડવી.. કદાચ એ સમાચારોની હદમાંથી બહાર નીકળી ગયું હતું... આ તો થયા જ કરે છે.. ટ્રેન તો મોડી પડે જ છે. આ દેશમાં પહેલીવાર એ કલ્ચરને લાવવામાં આવ્યું જ્યાં ટ્રેન મોડી પડે તો મુસાફરોને રિફંડ આપવામાં આવી રહ્યું છે... શરૂઆત કરી છે. તમામ એરલાઈન્સ પણ મોડી પડે તો રિફંડ નથી આપતી પરંતુ આજે ટ્રેન મોડી પડે તો મુસાફરોને રિફંડ આપવામાં આવી રહ્યું છે. તેજસ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને અમે આ સુવિધા આપી છે. અમે જાણીએ છીએ કે અમે આ કેટલું જોખમકારક કામ કર્યું છે. તરત આરટીઆઈવાળાઓ આજે રાત્રે જ આરટીઆઈ નાખી દેશે... પત્રકારો પણ નીકળી પડશે.. પૂછશે કે કેટલું રિફંડ આપ્યું.. પરંતુ અમને સંતોષ છે કે એટલો વિશ્વાસ છે કે દેશને તે દિશામાં લઇ જઈ શકીએ છીએ.. જેમાં જો ટ્રેન મોડી પડશે તો સરકાર જવાબદાર હશે.
સાથીઓ,
આર્થિક હોય કે સામાજિક, આજે દેશ પરિવર્તનના એક બહુ મોટા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે.
વીતેલા કેટલાક વર્ષોમાં ભારત વૈશ્વિક આર્થિક વ્યવસ્થાનું વધારે મજબૂત અંગ બન્યું છે. પરંતુ જુદા જુદા કારણોના લીધે આંતરરાષ્ટ્રીય સ્થિતિ એવી છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી અને મુશ્કેલ પરિસ્થિતિમાં છે. તેમ છતાં તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછામાં ઓછી કઈ રીતે થાય... તેની ઉપર જેટલી પહેલો અમે લઇ શકીએ છીએ.. જેટલા પ્રોએક્ટીવ પગલાઓ લઇ શકીએ છીએ.. અમે લેતા રહ્યા છીએ.. અને તેનો લાભ પણ મળ્યો છે. અમારી નીતિઓ સ્પષ્ટ છે, અમારા મૂળભૂત સિદ્ધાંતો મજબૂત છે. હમણાં તાજેતરમાં જ ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. જ્યારે 2014માં અમે આવ્યા હતા ત્યારે આપણે 11માં ક્રમ પર હતા.. હવે પાંચ ઉપર પહોંચી ગયા છીએ.
મિત્રો, ભારત 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરે, તેની માટે અમારી સરકાર ચાર જુદા જુદા સ્તરો પર કામ કરી રહી છે.
પહેલું – ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ
બીજું – તંદુરસ્ત સ્પર્ધા
ત્રીજું – સંપત્તિ નિર્માણ
અને ચોથું – બિનજરૂરી જૂના કાયદાઓને ખતમ કરવા
સાથીઓ, અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો રોડમેપ તૈયાર કર્યો છે. પીપીપીથી પીપીપીને બળ આપવાનો માર્ગ પસંદ કર્યો છે. જાહેર ખાનગી ભાગીદારી વડે દેશના વિકાસને પાવરફુલ પ્રોગ્રેસીવ પુશ !!!
એ પણ એક એવો અનુભવ રહ્યો છે કે જે ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને સ્પર્ધા કરવાની છૂટ આપવામાં આવે છે તે ઝડપથી આગળ વધે છે. એટલા માટે અમારી સરકાર અર્થવ્યવસ્થાના વધુમાં વધુ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખોલી રહી છે.
સાથીઓ,
ઈમાનદારી સાથે જે આગળ વધી રહ્યા છે, સ્પર્ધા કરી રહ્યા છે, સંપત્તિ નિર્માણ કરી રહ્યા છે, સરકાર તેની સાથે મજબૂતી સાથે ઉભી છે. તેની માટે કાયદાને સતત સરળ કરવામાં આવી રહ્યા છે. જૂના કાયદાઓને ખતમ કરવામાં આવી રહ્યા છે. તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે, અમે ભ્રષ્ટાચાર અને સગાવાદ, બંનેની સામે કડકાઈથી વર્તી રહ્યા છીએ. બેન્કિગ હોય, એફડીઆઈ નીતિઓ હોય કે પછી કુદરતી સંસાધનોની ફાળવણી, સગાવાદને દરેક જગ્યાએથી દૂર કરવામાં આવી રહ્યો છે. અમે ધ્યાન આપ્યું છે- સરળતા ઉપર, બૌદ્ધિકવાદ ઉપર, પારદર્શકતા ઉપર. ટેક્સના વિવાદોને ઉકેલવા માટે હવે અમે આ બજેટમાં “વિવાદથી વિશ્વાસ” નામની એક નવી યોજના લઇને આવ્યા છીએ. કામદાર સુધારાઓની દિશામાં પણ અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હમણાં પરમ દિવસે જ સરકારે કંપની કાયદામાં મોટું પરિવર્તન કરીને અનેક જોગવાઈને ડી-ક્રીમીનલાઈઝ કરી દીધી છે.
સાથીઓ, આજે ભારત વિશ્વના તે મુખ્ય દેશોમાનું એક છે જ્યાં કોર્પોરેટ ટેક્સ સૌથી ઓછો છે. વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં માત્ર 5 વર્ષમાં રેકોર્ડ 77 ક્રમનો સુધારો કરનારો દેશ પણ ભારત જ છે. સરકારના આ પ્રયાસોની વચ્ચે વિદેશી રોકાણકારોનો પણ ભારતીય અર્થવ્યવસ્થામાં ભરોસો સતત વધી રહ્યો છે. થોડા સમય પહેલા જ અહિયાં આગળ તમે બ્લેકસ્ટોનના સીઈઓને સાંભળ્યા. તેઓ કહી રહ્યા હતા કે ભારત વિશ્વમાં સૌથી વધુ રીટર્ન આપે છે અને તેઓ પોતાનું રોકાણ બમણું કરવા અંગેનું આયોજન કરી રહ્યા છે.
સાથીઓ, 2019માં દેશમાં લગભગ 48 બિલીયન ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. આ વિકાસ દર રહ્યો 16 ટકાથી પણ વધુ. ભારતમાં ગયા વર્ષે 19 બિલીયન ડોલર્સનું ખાનગી ઇક્વિટી અને વેન્ચર કેપિટલ રોકાણ આવ્યું છે. તેમાં પણ વિકાસ દર રહ્યો 53 ટકાથી વધુ. દેશ ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો પણ હવે રોકાણ વધારી રહ્યા છે. ગયા વર્ષે આ રોકાણ લગભગ 19 બિલીયન ડોલરનું હતું. સ્પષ્ટ છે કે નવા વિકલ્પો શોધી રહેલા રોકાણકારો પણ હવે ભારતની તરફ આગળ વધી રહ્યા છે.
સાથીઓ,
અમારી સરકાર તમામ હિતધારકોની સાથે સતત સંપર્કમાં છે, સતત પ્રતિભાવો લઈને, દરેક સ્તર પર મોટા નિર્ણયો લઇ રહી છે. યથાવત સ્થિતિમાંથી દેશને મુક્તિ અપાવીને અમે રાષ્ટ્રીય સ્તર પર જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ સહયોગ દ્વારા સર્જનની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તમને યાદ હશે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો તો ભારતને લગભગ લગભગ સમગ્ર દુનિયાનું સમર્થન મળ્યું હતું. અને કદાચ યુએનના ઈતિહાસમાં કોઈ એક પ્રસ્તાવને દુનિયાના આટલા દેશોનું સમર્થન મળ્યું હોય એવું પહેલીવાર થયું હતું. અને યોગનો પ્રભાવ એ છે કે કદાચ પહેલીવાર તમારી સમિટમાં કોઈએ મેડિટેશન કરાવ્યું હશે.
,મિત્રો,
આજે ભારત શાંતિ જાળવનારા દળોમાં સૌથી વધુ ભાગીદારી કરનારા દેશોમાંથી એક બની ગયું છે... બીજા દેશોના નાગરિકોની રક્ષા માટે પણ સૌથી પહેલા આગળ આવી રહ્યું છે. એટલું જ નહી, આજે ભારત, આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના નિર્માણમાં પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ હોય કે પછી કોએલીશન ફોર ડિઝાસ્ટર રીસાયલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભવિષ્યને દિશા આપનારા આવા સંસ્થાન ભારતની પહેલ દ્વારા જ શરુ થયા છે અને આજે આખી દુનિયા તેની સાથે જોડાવા લાગી છે. પરંતુ મિત્રો યથાવત સ્થિતિનું સમર્થન કરનારી, પરિવર્તનોનો વિરોધ કરનારી કેટલીક તાકાતો આપણા દેશમાં છે, એવી જ શક્તિઓ હવે વૈશ્વિક સ્તર ઉપર પણ મજબૂતી સાથે એકત્રિત થઇ રહી છે.
સાથીઓ, ઈતિહાસમાં એક સમયગાળો એવો હતો, જેમાં દરેક વ્યક્તિ સંઘર્ષના રસ્તા પર ચાલી નીકળ્યો હતો. ત્યારે કહેવામાં આવતું હતું કે- માઈટ ઈઝ રાઈટ. પછી એક એવો યુગ આવ્યો જેમાં એવી વિચારધારા પ્રભાવક રહી કે અમે આ જૂથ સાથે રહીશું, ત્યારે જ ટકી શકીશું. તે સમય પણ જતો રહ્યો. પછી એક એવો સમય પણ આવ્યો – લોકોએ જૂથ નિરપેક્ષતાનો પણ પ્રયાસ કર્યો. પછી એક એવો પણ યુગ આવ્યો જેમાં ઉપયોગીતાના આધાર પર સંબંધોને વિકસિત કરવાની વિચારધારા પ્રભાવી થઇ ગઈ.
હવે આજનો યુગ જુઓ. ટેકનોલોજીના આ યુગમાં આજે દુનિયા પરસ્પર રીતે જોડાયેલી છે, પરસ્પર સંબંધિત છે અને પરસ્પર નિર્ભર પણ છે. આ બધા આ એક સદીના જ ફેરફારો છે. વૈશ્વિક સ્તરની સાથે આવેલા પરિવર્તનો છે.
પરંતુ તેમ છતાં પણ, એક વૈશ્વિક ઉદ્દેશ્ય માટે, કોઈ વૈશ્વિક લક્ષ્યની માટે, એક બહુ મોટો સંકલ્પ – વિશ્વની ગરીબીને કઈ રીતે દૂર કરવામાં આવે, આતંકવાદને કઈ રીતે ખતમ કરવામાં આવે, જળવાયુ પરિવર્તનના મુદ્દા સામે કઈ રીતે લડવામાં આવે... આજે પણ દુનિયા એક મંચ પર નથી આવી શકી. આજે સમગ્ર વિશ્વને તેની રાહ છે, પરંતુ એવું થઇ નથી રહ્યું.
સાથીઓ,
21મી સદી પોતાનામાં જ ઘણી બધી સંભાવનાઓથી ભરેલી છે. આ શક્યતાઓની વચ્ચે આજે એક સામાન્ય વૈશ્વિક અવાજનો અભાવ અનુભવાઈ રહ્યો છે. એક એવો અવાજ જેમાં સ્વર ભલે જુદા જુદા હોય પરંતુ તે સાથે મળીને એક સૂરનું નિર્માણ કરે, એક સૂરમાં પોતાનો અવાજ ઉઠાવે. આજે સમગ્ર વિશ્વની સામે એ સવાલ છે કે બદલાતી પરિસ્થિતિઓમાં કઈ રીતે મેળ સાધીને ગુજારો કરવામાં આવે કે પછી નવી રીતે નવા માર્ગોનો વિકાસ કરવામાં આવે.
સાથીઓ,
બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓની વચ્ચે, ભારતે પણ ઘણા વ્યાપક ફેરફારો કર્યા છે. એક સમય એવો હતો જ્યારે ભારત તટસ્થ હતું, આપણે તટસ્થ હતા, પરંતુ દેશો સામે એકસમાન અંતર જળવાયેલું રહ્યું. પરિવર્તન કઈ રીતે આવ્યું છે – આજે પણ ભારત તટસ્થ છે, અમે તટસ્થ છીએ પરંતુ અંતરના આધાર પર નહી, મિત્રતાના આધાર પર. આપણે સાઉદી અરેબિયા સાથે પણ મૈત્રી કરીએ છીએ.. ઈરાનની સાથે પણ મૈત્રી કરીએ છીએ. આપણે અમેરિકાની સાથે પણ મિત્રતા રાખીએ છીએ.. રશિયાની સાથે પણ મિત્રતા રાખીએ છીએ. તેમ છતાં પણ આપણે તટસ્થ છીએ. એક સમય એવો હતો જ્યારે લોકો એકસમાન અંતર બનાવીને તટસ્થ હતા, અમે એકસમાન મિત્રતા કરીને તટસ્થ છીએ. તે કાળખંડમાં અંતર રાખીને, બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજે અમે મિત્રતા રાખીને સાથે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે ભારતની આજની વિદેશ નીતિ, ભારતની આજની આર્થીક નીતિનો બહુ મોટો સાર છે.
સાથીઓ, હું મહાત્મા ગાંધીજીની એક વાત સાથે મારી વાત સમાપ્ત કરી રહ્યો છું. ગાંધીજી કહેતા હતા કે “હું ભારતનું ઉત્થાન એટલા માટે ઇચ્છુ છું કે જેથી સમગ્ર વિશ્વ તેનો લાભ ઉઠાવી શકે.” આ એક પંક્તિમાં વૈશ્વીકરણની ભારતીય વિચારધારા પણ છે અને આગળની માટે સંગઠનનો મંત્ર પણ છે.
હું ફરી એકવાર આટલા મહત્વપૂર્ણ વિષય પર તમે મંથન માટેની યોજના બનાવી છે તેની માટે હું આપ સૌને ખૂબ શુભકામનાઓ આપું છું. અને મને તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો તેની માટે હું તમારો આભાર પ્રગટ કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર !!!
SD/GP/DS
(Release ID: 1605751)
Visitor Counter : 290