પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો શુભારંભ કરાવ્યો

Posted On: 22 FEB 2020 9:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે ઓડિશામાં પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો વીડિયો લિંકથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક ટુર્નામેન્ટનો પ્રારંભ નથી થઇ રહ્યો પરંતુ ભારતમાં રમતગમતની ચળવળના આગામી તબક્કાની શરૂઆત થઇ રહી છે. અહીં તમે માત્ર એકબીજા સાથે સ્પર્ધા નથી કરી રહ્યા પરંતુ તમે તમારી જાત સાથે પણ સ્પર્ધામાં ઉતર્યા છો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હું ટેકનોલોજીના માધ્યમથી તમારી સાથે જોડાયેલો છુ, પરંતુ હું ત્યાંનો માહોલ, ત્યાંના લોકોનો ઉત્સાહ અને ધગશ તેમજ ઊર્જાનો અનુભવ કરી શકુ છુ. ભારતના ઇતિહાસમાં પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી ઓડિશામાં શુભારંભ થઇ રહ્યો છે. આ ભારતના રમતજગતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘડી છે. ભારતના રમતગમતના ભવિષ્ય માટે પણ આ ઘણું મોટું પગલું છે.”

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેલો ઇન્ડિયા અભિયાને રમતગમતમાં લોકોની રુચિ વધારવામાં અને દેશના દરેક ખૂણામાંથી કૌશલ્ય ધરાવતા યુવાનોને પારખવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 2018માં જ્યારે ખેલો ઇન્ડિયા રમતોત્સવનો પ્રારંભ થયો ત્યારે 3500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષમાં જ ખેલાડીઓની સંખ્યા વધીને લગભગ બમણી થઇને 6000નો આંકડો વટાવી ગઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે, ખેલો ઇન્ડિયા શાળા રમતોત્સવમાં 80 વિક્રમો તુટ્યા હતા. તેમાંથી 56 વિક્રમો આપણી દીકરીઓના નામે છે, આપણી દીકરીઓએ જીતી બતાવ્યું છે, આપણી દીકરીઓએ આશ્ચર્યજનક કામ કરી બતાવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ અભિયાન હેઠળ જે કૌશલ્યવાન ખેલાડીઓ મળે છે તેઓ મોટા શહેરોમાંથી નહીં પરંતુ નાના નગરોમાંથી આવે છે.”

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા 5-6 વર્ષથી ભારતમાં રમતગમતમાં ભાગ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યા છે. કૌશલ્યવાન ખેલાડીઓને પારખવામાં, તાલીમ અને પસંદગીની પ્રક્રિયામાં પારદર્શકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ એવા ખેલાડીઓ છે જેઓ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેનારા ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ, યુથ ઓલિમ્પિક્સ જેવા વિવિધ રમતગમત કાર્યક્રમોમાં દેશને 200થી વધુ ચંદ્રકો અપાવ્યા છે. આગામી વર્ષોમાં, 200થી વધુ ચંદ્રકો જીતવાનું લક્ષ્ય છે અને સૌથી મહત્વની વાત કે, તમારું પોતાનું પરફોર્મન્સ સુધારવાનું અને તમારી પોતાની શક્તિઓને નવી ઊંચાઇ આપવાનું છે.”

RP



(Release ID: 1604067) Visitor Counter : 145