ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

ઓર્ગેનિક ફૂડ મહોત્સવ દરમિયાન વ્યાવસાયિક જોડાણ દ્વારા મહિલા ઉત્પાદકોનો આર્થિક સમાવેશ


આ મહોત્સવમાં દેશભરમાંથી 180 મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વ સહાય સમૂહો (SHGS) ભાગ લઇ રહ્યાં છે

હરસિમરત કૌર બાદલે ઓર્ગેનિક ફૂડ મહોત્સવનું ઉદઘાટન કર્યું

Posted On: 21 FEB 2020 3:29PM by PIB Ahmedabad

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલે જણાવ્યું કે, ઓર્ગેનિક ફૂડ મહોત્સવથી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની ક્ષમતાનું નિર્માણ કરવામાં અને તેમના આર્થિક સશક્તીકરણમાં મદદ મળશે.  નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રીએ મહિલાઓના આર્થિક સમાવેશ અને સશક્તીકરણ માટે નિયમિત ધોરણે આવા મંચ પૂરા પાડવા માટેની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશના વિવિધ ભાગોમાં જે-તે પ્રદેશના અનોખા ઓર્ગેનિક ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને વારંવાર આવા ઓર્ગોનિક ફૂડ મહોત્સવનું આયોજન કરવા માંગે છે.

 

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલ અને કેન્દ્રીય મહિલા તેમજ બાળ કલ્યાણ અને કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ સંયુક્ત રીતે ઓર્ગેનિક ફૂડ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલીમહિલા અને બાળક કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી દેવશ્રી ચૌધરી પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ઓર્ગેનિક ફૂડ મહોત્સવનું આયોજન ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય (MoFPI) તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય (M/o WCD) વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)ના પરિણામરૂપે થાય છે.

શ્રીમતી હરસિમરત કૌર બાદલે જણાવ્યું હતું કે, “ઓર્ગેનિક ઉત્પાદનો અને તેના બજાર માટે ભારતમાં ઘણી સંભાવનાઓ રહેલી છે.” તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં મોટાભાગે પર્વતીય વિસ્તારો અને આદિજાતી વિસ્તારોમાં પ્રાકૃતિક રીતે ઓર્ગેનિક છે.” FPI મંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાના અન્ય ભાગો આર્ગોનિક ઉત્પાદન માટે વિશેષ પ્રયાસો કરી રહ્યા છે જ્યારે, ભારતમાં આ પ્રાકૃતિક લાભ પહેલાંથી જ ઉપલબ્ધ હોવાથી આપણે અચૂક તેનો લાભ ઉઠાવવો જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓર્ગેનિક ફૂડ મહોત્સવ નજીકના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો થઇ શકે છે.

 

શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ જણાવ્યું હતું કે, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો ઓર્ગેનિક ફૂડ મહોત્સવ દ્વારા તકનીકી સમૂહો સાથે જોડાઇ શકે છે જેનાથી મહિલા ઉદ્યોગ સાહસિકોને અદ્યતન તકનીક ઉપલબ્ધ થઇ શકે છે.

FPIના સચિવ શ્રીમતી પુષ્પા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “FPI મંત્રાલય આ મહોત્સવ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓ બતાવશે.” તેમણે જણાવ્યું હતું કે, “ભારતમાં ખાદ્ય અને પીણાં ઉદ્યોગ ઉત્પાદન ક્ષેત્રમાં પાંચમા ક્રમનું સૌથી મોટું ક્ષેત્ર છે અને ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં ઓર્ગેનિક ઉત્પાદકો ધરાવે છે.”

6000 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો આ પ્રથમ એવો કાર્યક્રમ છે જેમાં 25થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 180થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્વ સહાય સમૂહો તેમના ખૂબ જ રસપ્રદ ઉત્પાદનો સાથે ભાગ લઇ રહ્યા છે અને અહીં દર્શાવી રહ્યા છે. ભૌગોલિક રીતે આ સ્થાનિક ઉત્પાદનો છે જે અન્યથા ઉપલબ્ધ થવા મુશ્કેલ છે. અરુણાચલના કીવી, કાળા ઘઉં, લદ્દાખનો પેસ્ટો સોસ, ચીઆ બીજની કુકી અને ઉત્તરાખંડનું જરદાળુનું તેલ આ બધુ જ પ્રદર્શકો દ્વારા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને લોકો આ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનોનો આસ્વાદ માણી શકે છે. આ મહોત્સવનો હેતુ મહિલા ઉત્પાદકોને બજાર અને પૂરવઠા સાંકળો સાથે જોડવાનો છે જેના પરિણામે તેમનો આર્થિક સમાવેશ કરી શકાય.

આ મહોત્સવ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેઓ અહીં આવીને વિવિધ રાજ્યોના સંખ્યાબંધ ઓર્ગેનિક અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનોનો આસ્વાદ માણી શકે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં કેવી રીતે ઓર્ગેનિક ઉત્પાદનોના ઉછેર અને ઉત્પાદન કરવામાં આવે છે તેના વિશે પણ લોકોને અહીં જ્ઞાન મળી રહેશે. આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રીય ખાદ્ય તકનીક ઉદ્યમશીલતા અને વ્યવસ્થાપન (NIFTEM) દ્વારા ઔદ્યોગિક ભાગીદાર તરીકે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના સહયોગથી કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડીયમ ખાતે 21 થી 23 ફેબ્રુઆરી 2020 દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મહિલા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ SHG પર પણ આ મહોત્સવમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમજ લણણી પછીનું વ્યવસ્થાપન, ઉત્પાદનમાં નાવીન્યતા, પેકેજિંગ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ વિશેની તાલીમ પણ ત્રણ દિવસ માટે યોજાયેલા આ મહોત્સવમાં કેન્દ્ર સ્થાને છે. ઉત્પાદકો ઓર્ગેનિક મૂલ્ય સાંકળના દરેક પગલાંનું મહત્વ સમજે અને વ્યાપર ગ્રાહકવર્ગને અનુલક્ષીને યોગ્ય ઉત્પાદન તૈયાર કરવામાં તેમને મદદ મળે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ પ્રયાસો કરવામાં આવી રહી રહ્યાં છે.

નાવીન્યતા પર ખાસ ધ્યાન આપીને, નાવીન્યતાપૂર્ણ ઓર્ગેનિક ખાદ્યચીજો, પેકેજિંગના ઉકેલો અને મશીનરી પ્રદર્શિત કરવા માટે અહીં ખાસ 'ઇનોવેશન પેવેલીયન’ અહીં ઉભું કરવામાં આવ્યું છે. દેશમાંથી IIFPT, NIFTEM CFTRI, CIFT, ઇન્સ્ટિટ્યુટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજી, C-DAC જેવી અગ્રણી સંશોધન સંસ્થાઓ આ પેવેલીયનમાં પ્રદર્શન કરી રહી છે જેથી હાલમાં ઉપલબ્ધ ઉકેલો વિશે મુલાકાતીઓ સાથે ચર્ચા થઇ શકે અને ઉદ્યોગ સાહસિકો તેમજ SHGની જરૂરિયાતને અનુલક્ષીને યોગ્ય ઉકેલો પારખી શકાય. આનાથી તેમને ઉત્પાદનોના વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો તૈયાર કરવામાં મદદ મળી શકે છે. આર્થિક સમાવેશ દ્વારા વ્યાવસાયિક જોડાણ કરવા માટે અને મહિલા ઉદ્યોગ સાહસિકોનું સશક્તીકરણ કરવા માટે, CII દ્વારા 200 B2B બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શોના અન્ય રસપ્રદ પાસાંઓ પર ધ્યાન આપીએ તો, કેવી રીતે ઓર્ગેનિક મસાલા (તેજાના)નો ઉપયોગ દૈનિક ભોજનમાં થઇ શકે તે અંગે ખ્યાતનામ શેફ સાથે વાર્તાલાપ સત્રોનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. કંપનીઓ ચલાવતી સફળ મહિલા ઉદ્યોગ સાહસિકો કે જેઓ ઓર્ગેનિક ઉત્પાદનો ઉછેરવા માટે ખેડૂતોને મદદ કરી છે તેમજ તેના પ્રમાણીકરણ અને તેમના ઉત્પાદનોની ખરીદી પણ કરે છે તેવી મહિલાઓના મુખેથી તેમની વાતો સાંભળવાની પણ અહીં તક મળી રહેશે. આ સફળતા અને શ્રેષ્ઠ કામગીરીઓથી અન્ય ઉદ્યોગ સાહસિક મહિલાઓને તેમના સાહસોમાં વિસ્તરણ કરવા માટે કંઇક નવું શીખવા મળશે.

એકંદરે આ પ્રયાસોનું લક્ષ્ય, ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે સીધુ જોડાણ વધારીને, ઓર્ગેનિક ઉત્પાદનના પ્રસંસ્કરણ સંભાવનાઓ વધારીને તેમજ નિકાસમાં સ્પર્ધાત્મકતા વધારવાની અને મહિલા ખેડૂતોની આવક તેમજ સશક્તીકરણ પર સીધી અસર પાડવાની ભારતની દૂરંદેશીમાં યોગદાન આપીને ભારત માટે 'ઓર્ગેનિક’ બ્રાન્ડિંગ વધુ મજબૂત કરવાનું છે.

સમગ્ર દુનિયામાં ભારત સૌથી વધુ ઓર્ગેનિક ખેતીની જમીન અને ઉત્પાદકોની સંખ્યામાં નવમા ક્રમે આવે છે અને ઓર્ગેનિક ખાદ્ય વિભાગમાં ઝડપથી વિકસી રહ્યું છે

(http://apeda.gov.in/apedawebsite/organic/Organic_Products.htm).

APEDAના અહેવાલ અનુસાર, ભારતે અંદાજે 1.70 મિલિયન મેટ્રિક ટન (2017-18) પ્રામણિત ઓર્ગેનિક ઉત્પાદનોનું ઉત્પાદન કર્યું હતું જેમાં તેલીબિયાં, શેરડી, ધાન્ય અને બાજરી, કપાસ, દાળ (કઠોળ), ઔષધી વનસ્પતિઓ, ચા, ફળ, તેજાના, સૂકો મેવો, શાકભાજી અને કોફી વગેરે વિવિધ ખાદ્ય ઉત્પાદનો સામેલ છે. માંગની વાત કરીએ તો, નિકાલજોગની વધતી આવક, લોકોમાં સ્વાસ્થ્ય અને સુખાકારી બાબતે વધતી જાગૃતિ અને આવા ઉત્પાદનોની વધતી સ્વીકૃતિના કારણે ઓર્ગેનિક ફૂડ વિભાગમાં વૃદ્ધિ થઇ રહી છે જે WFIના અહેવાલ અનુસાર વર્ષ 2016-21ના સમયગાળામાં વધીને CAGRના 10% થવાનું અનુમાન છે. ભારતીય ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની માંગ દુનિયાભરમાં સતત વધી રહી છે અને ભારતે વર્ષ 2017-18માં $ 515 મિલિયનની કિંમતના ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ કરી હતી (APEDAના અહેવાલના આધારે). ઓર્ગેનિક ઉત્પાદનોમાં મુખ્યત્વે તેલીબિયાં, ધાન્ય અને બાજરી, ખાંડ, ફળોના રસના અર્ક, ચા, તેજાના, દાળ (કઠોળ), સૂકો મેવો, ઔષધી વનસ્પતિઓના ઉત્પાદનો વગેરે છે. આની નિકાસ યુએસએ, યુરોપીયન સંઘ, કેનેડા, સ્વીટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, વિએતનામ, ન્યૂઝીલેન્ડ અને જાપાનમાં કરવામાં આવે છે.

WCDના સચિવ શ્રી રવિન્દ્ર પંવાર, FPIના સંયુક્ત સચિવ શ્રીમતી રીમા પ્રકાશ, NIFTEMના કુલપતી ડૉ. ચિદીં વાસુદેવપ્પા, CII ના DG શ્રી ચંદ્રજીત બેનરજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

DK/RP/DS



(Release ID: 1603963) Visitor Counter : 253