પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધો


તેમણે કહ્યું, પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને વધુ મજબૂત બનાવવાથી દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય સિદ્ધ થશે

Posted On: 16 FEB 2020 6:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વારાણસીમાં બપોર પછી એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને સુવિધાઓ આપવાથી તેમજ તેમને વધુ મજબૂત બનાવવાથી આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં બડા લાલપુર ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વ્યાપાર સુવિધા કેન્દ્ર ખાતે યોજાયેલા ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કાશી અને ઉત્તરપ્રદેશના અન્ય જિલ્લાઓમાંથી આવેલા વણકરો અને હસ્તકળાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે એક જિલ્લો, એક ઉત્પાદન અંતર્ગત હેન્ડલૂમ, ગુલાબી મીનાકારી, લાકડાનાં રમકડાં, ચંદૌલી કાળા ચોખા, કનૌજના પરફ્યૂમ, મોરાદાબાદની ધાતુની કલાકૃતિઓ, આગ્રાના ચામડાનાં જૂતા, લખનૌની ચિકનકરી અને આઝામગઢના કાળી માટીના વાસણોના સ્ટોરનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કારીગરો અને શિલ્પકારો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે વિવિધ હસ્તકળાના કારીગરો અને શિલ્પકારોને કીટ અને આર્થિક સહાયનું પણ વિતરણ કર્યું હતું.

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો માટે વધુ તકો ઉભી કરવા માટે તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત વણકરો અને હસ્તકળાના કારીગરોને મશીનો, ધિરાણ, લોન જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે કેટલીક પહેલ હાથ ધરવા બદલ તેમણે ઉત્તરપ્રદેશ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એક જિલ્લો, એક ઉત્પાદન કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોના કારણે છેલ્લા 2 વર્ષમાં ઉત્તરપ્રદેશમાંથી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ઉત્પાદનો વિદેશમાં જવાથી અને સમગ્ર દુનિયામાં ઑનલાઇન બજારમાં તેનું વેચાણ થવાથી દેશને ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દરેકે દરેક જિલ્લો તેની અનોખી કળા, ઉત્પાદનો જેમકે અલગ અલગ પ્રકારના સિલ્ક, મસાલા વગેરેના કારણે પોતાની વિશેષ ઓળખ ધરાવે છે. તેમણે કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા અને એક જિલ્લો, એક ઉત્પાદન જેવા વિચારોની પાછળ આ જ સૌથી મોટી પ્રેરણા છે.

તેમણે નોંધ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં ઉત્તરપ્રદેશ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (UPID) દ્વારા 30 જિલ્લામાંથી 3500થી વધુ શિલ્પકારો, વણકરોનો સહકાર આપવામાં આવ્યો છે. 1000થી વધુ કારીગરોને ટૂલકીટ પણ આપવામાં આવી હતી. તેમણે વણકરો, શિલ્પકારો અને હસ્તકળાના કારીગરો વગેરેને સહકાર આપવા બદલ UPIDના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ભારતમાં બનેલા ઉત્પાદનોમાં 21મી સદીની માગ અનુસાર સુધારો કરવાની, તેની ગુણવત્તા સુધારવાની જરૂર હોવા પર તેમણે ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ઉદ્યોગોને સંસ્થાકીય સહકાર, આર્થિક સહાય, નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સુવિધા આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં, અમે આ દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ. અમે નવા અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ જેમાં દેશની દરેક વ્યક્તિના સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઉદ્યોગો અને સંપત્તિ સર્જકોને સુવિધા પૂરી પાડવા માટે લેવામાં આવેલા કેટલાક પગલાં પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં ઉત્પાદન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સૌથી વધુ વેગ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રૂપિયા 1500 કરોડની ફાળવણી સાથે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં સંરક્ષણ કોરિડોર માટે રૂપિયા 3700 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાના ઉદ્યોગોને આ કોરિડોરથી ફાયદો થશે અને તેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, GEM (સરકારી ઇ-માર્કેટપ્લેસ)ના કારણે નાના ઉદ્યોગોને તેમની ચીજવસ્તુઓ સરકારને વેચવાનું સરળ થઇ ગયું છે. તેમણે કહ્યું કે, સંગઠિત પ્રાપ્તિ સિસ્ટમની રચનાથી એક જ મંચ પર નાના ઉદ્યોગો પાસેથી ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટે સરકાર વધુ સમર્થ બનશે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી ઘડવામાં આવી રહી છે જેનાથી ઇ-લોજિસ્ટિક્સ માટે સિંગલ વિન્ડોની સુવિધા થશે. આના કારણે, નાના ઉદ્યોગોમાં સ્પર્ધા વધશે અને રોજગારી સર્જનમાં પણ મદદ મળશે.

પ્રધાનમંત્રીએ દેશને ઉત્પાદનનું પાવરહાઉસ બનાવવા માટે નક્કર પ્રયાસો કરવાની દરેક વ્યક્તિને અપીલ સાથે પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું.

RP


(Release ID: 1603373)