પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્રીય અંદાજપત્ર 2020-21 વિશે પ્રધાનમંત્રીના સબોધનનો મૂળ પાઠ

Posted On: 01 FEB 2020 5:42PM by PIB Ahmedabad

હું આ દાયકાના પ્રથમ અંદાજપત્ર માટે, જેમાં દૂરંદેશી છે, એક્શન પણ છે, નાણાં મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

અંદાજપત્રમાં જે નવા સુધારાની જાહેરાત કરવામાં આવી છે, તે અર્થતંત્રને વેગ આપશે, દેશના દરેક નાગરિકને આર્થિકરૂપે સશક્ત બનાવશે અને આ દાયકામાં અર્થતંત્રનો પાયો મજબૂત બનાવવાનું કામ કરશે.

રોજગારીના મુખ્ય ક્ષેત્રોમાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાપડ ઉદ્યોગ અને ટેકનોલોજી આવે છે. રોજગારી નિર્માણ વધારવા માટે આ ચારેય પર આ અંદાજપત્રમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

ખેડૂતની આવક બમણી કરવાના પ્રયાસોની સાથે સાથે, 16 એક્શન પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવાનું કામ કરશે. અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે એકીકૃત અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેનાથી પરંપરાગત રીતભાતો સાથે જ બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગમાં મૂલ્ય વર્ધન થશે અને તેનાથી રોજગારીમાં વધારો થશે. બ્લ્યુ ઇકોનોમી અંતર્ગત યુવાનોને ફીશ પ્રોસેસિંગ અને માર્કેટિંગ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

ટેકનિકલ ટેક્સટાઇલ માટે નવા મિશનની જાહેરાત કરવામાં આવી છે. માનવનિર્મિત ફાઇબરનું ભારતમાં ઉત્પાદન કરવા માટે કાચા માલ પર કરના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સુધારાની માંગ થઇ રહી હતી.

આયુષ્યમાન ભારત યોજનાથી દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવું વિસ્તરણ થયું છે. આ ક્ષેત્રમાં હ્યુમન રિસોર્સ – તબીબ, નર્સ, એટેન્ડેન્ટની સાથે સાથે તબીબી ઉપકરણોના ઉત્પાદનનો નવો અવકાશ બન્યો છે. તેને વધારવા માટે સરકાર દ્વારા નવા નિર્ણય લેવામાં આવ્યા છે.

ટેકનોલોજીના ક્ષેત્રમાં રોજગારી નિર્માણને પ્રોત્સાહન આપવા માટે આ અંદાજપત્રમાં અમે ઘણા વિશેષ પ્રયાસ કર્યા છે. નવા સ્માર્ટ સિટી, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, ડેટા સેન્ટર પાર્ક, બાયો ટેકનોલોજી અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવા ક્ષેત્રો માટે અનેક નીતિની પહેલ કરવામાં આવી છે. તેના દ્વારા ભારત ગ્લોબલ વેલ્યૂ ચેઇનનું એક અભિન્ન અંગ બનવાની દિશામાં મજબૂતીથી આગળ વધશે.

અંદાજપત્રમાં યુવાનોના કૌશલ્ય વિકાસ બાબતે પણ નવી અને નવીનતમ પહેલની જાહેરાત કરવામાં આવી છે. જેમકે, ડિગ્રી અભ્યાસક્રમોમાં એપ્રેન્ટિસશિપ, સ્થાનિક સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ અને ઑનલાઇન ડિગ્રી અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતના જે યુવાનો નોકરી માટે વિદેશ જવા માંગે છે તેમના માટે સેતૂરૂપ અભ્યાસક્રમોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નિકાસ અને MSME ક્ષેત્ર રોજગારી નિર્માણમાં ચાલકની ભૂમિકા ભજવે છે. અંદાજપત્રમાં નિકાસ વધારવા માટે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. નાના ઉદ્યોગોના ફાઇનાન્સિંગ માટે નવી નવી પહેલ કરવામાં આવી છે.

આધુનિક ભારત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મહત્વનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પણ રોજગારી નિર્માણનું મોટું ક્ષેત્ર છે. 100 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 6500 પરિયોજનાઓનું નિર્માણ, મોટાપાયે રોજગારીની તકો વધારશે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિથી પણ વેપાર, વ્યવસાય અને રોજગારી ત્રણેય ક્ષેત્રને લાભ થશે. દેશમાં નવા 100 હવાઇમથકો તૈયાર કરવાનું લક્ષ્ય સામાન્ય માણસની હવાઇયાત્રાને નવી ઊંચાઇ આપશે તેમજ ભારતના પર્યટન ક્ષેત્રને નવી ગતિ આપશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અમે સ્ટાર્ટ-અપ દ્વારા અને પરિયોજના વિકાસ દ્વારા યુવાધનની ઉર્જાને નવી શક્તિ આપીશું.

કર માળખામાં મૂળભૂત ફેરફારોના કારણે ભારતમાં અનેક ક્ષેત્રમાં મૂલ્ય વર્ધનની સંભાવના પણ વધશે.

રોજગારી માટે રોકાણ એક સૌથી મોટું ચાલક છે. આ દિશામાં અમે કેટલાક ઐતિહાસિક પગલાં લીધા છે. બોન્ડ માર્કેટને મજબૂત બનાવવા માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં લાંબાગાળાના ફાઇનાન્સિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

લાભાંશ વિતરણ વેરો (ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ) નાબૂદ કરવાથી, કંપનીઓના હાથમાં 25 હજાર કરોડ રૂપિયા આવશે જે ભવિષ્યમાં રોકાણમાં મદદ કરશે. વિદેશી રોકાણને ભારતમાં લાવવા માટે વિવિધ કર રાહતો આપવામાં આવી છે. સ્ટાર્ટ-અપ અને રીઅલ એસ્ટેટ માટે પણ કરલાભો આપવામાં આવ્યા છે. આ તમામ નિર્ણયો અર્થતંત્રને ઝડપી ગતિએ આગળ વધારશે અને તેના દ્વારા યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડશે.

હવે અમે આવકવેરાની વ્યવસ્થામાં, વિવાદથી વિશ્વાસના સફર પર નીકળ્યા છીએ.

અમારા કંપની કાયદામાં જે પણ કેટલીક માનવીય પ્રકારની ભૂલો થાય છે તેને ડી-ક્રિમિનલાઇઝ કરવાનો મોટો નિર્ણય લીધો છે. કરદાતાના ચાર્ટર દ્વારા કરદાતાઓના અધિકારોને સ્પષ્ટ કરવામાં આવશે.

MSME સાથે સંકળાયેલા નાના ઉદ્યોગ સાહસિકો પર અમારી સરકારે હંમેશા વિશ્વાસ મૂક્યો છે. હવે 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરના ઓડિટની જરૂર નહીં રહે. વધુ એક મોટો નિર્ણય થાપણ વીમા બાબતે છે. બેંકોમાં હવે તેમના નાણાં સુરક્ષિત છે તે વિશ્વાસ અપાવવા માટે હવે થાપણ વીમાની મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે.

મિનિમમ ગર્વન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સની પ્રતિબદ્ધતાને આ અંદાજપત્રમાં વધુ મજબૂત કરવામાં આવી છે.

ફેસલેસ અપીલની જોગવાઇ, પ્રત્યક્ષ કરનું નવું અને સરળ માળખું, ડિસઇન્વેસ્ટમેન્ટ પર ભાર, ઓટોમેટિક નોંધણી દ્વારા યુનિવર્સલ પેન્શનની જોગવાઇ, યુનિફાઇડ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ તરફ આગળ વધવું આ બધા જ એવા પગલાં છે જે લોકોનાં જીવનમાંથી સરકારનો હસ્તક્ષેપ ઓછો કરશે, તેમની ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે.

મેક્સિમમ ગર્વનન્સની દિશામાં એક લાખ ગ્રામ પંચાયતોમાં આંગણવાડી, શાળા, સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો તેમજ પોલીસ સ્ટેશનને બ્રોડબેન્ડથી જોડવાની એક ઐતિહાસિક શરૂઆત થશે.

આજે સરકારી નોકરી માટે યુવાનોને ઘણી અલગ અલગ પરીક્ષા આપવી પડે છે. આ વ્યવસ્થાને બદલીને હવે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવતી ઑનલાઇન કોમન પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે.

ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર મળે અને પરિવહન મળે તે માટે – કિસાન રેલ અને કૃષિ ઉડાન દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે આ અંદાજપત્ર આવક અને રોકાણમાં વૃદ્ધિ કરશે, માંગ અને વપરાશમાં વૃદ્ધિ કરશે.

આર્થિક વ્યવસ્થા અને ધિરાણની આવકમાં નવી સ્ફૂર્તિ લાવશે.

આ અંદાજપત્ર દેશની વર્તમાન જરૂરિયાતોની સાથે જ આ દાયકામાં ભવિષ્યની અપેક્ષાઓ પૂર્ણ કરશે.

હું ફરી એક વખત દેશને, નિર્મલાજીને અને નાણાં મંત્રાલયની ટીમને આ અંદાજપત્ર બદલ ખૂબ અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર!!!



(Release ID: 1601675) Visitor Counter : 237