પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘કૃષિકર્મણ એવોર્ડ’ વખતે પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ
Posted On:
02 JAN 2020 5:44PM by PIB Ahmedabad
બધા ને નમસ્કાર. સૌ પ્રથમ, તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉપરાંત, લણણી ઉત્સવ સંક્રાંતિ પર તમને અભિનંદન.
કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યેદીયુરપ્પા અને કેન્દ્રીય કેબિનેટના મારા સાથી અને રાયતુબંધુ અને દેશમાં કૃષિ આંદોલન ચલાવનારા મારા સાથી શ્રી નરેન્દ્રસિંહ તોમર, શ્રી સદાનંદ ગૌડા, શ્રી પ્રહલાદ જોષી, મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંઘ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત જી, કર્ણાટક સરકારના કેન્દ્રીય અને અન્ય પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહી ઉપસ્થિત થયેલા મારા ખેડૂત ભાઈઓ.
નવા વર્ષમાં, નવા દાયકાની શરૂઆમાં, અન્નાદાતા- આપણાં ખેડૂત ભાઈઓ-બહેનોના દર્શન થવાએ મારા માટે ખૂબ મોટો લહાવો છે. 130 કરોડ દેશવાસીઓ વતી, હું દેશના દરેક ખેડૂતને નવા વર્ષની શુભકામના પાઠવું છું, અને દેશ માટે અન્ન ઉત્પન્ન કરનારા ખેડૂતોનો આભાર માનું છું. આ આપણાં ખેડૂતોની મહેનત છે, જેના કારણે ભારતમાં આજે ખાદ્યપદાર્થો નું ઉત્પાદન રેકોર્ડ સ્તરે છે.
આજે મને દેશના કૃષિ ક્ષેત્રને આગળ વધારી રહેલા આવા ખેડૂત સાથીઓ અને તેમના રાજ્યોને સન્માન કરવાની તક મળી છે. ‘કૃષિકર્મણ એવોર્ડ મેળવનારા તમામ ખેડૂતોને હું અભિનંદન પાઠવું છું, અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરું છું.
આજે અહીં તમિલનાડુ અને કર્ણાટકના માછલી પાલકો, માછીમારોને ડીપ સી ફિશિંગબોટ અને ટ્રાન્સપોન્ડરો આપવામાં આવ્યા છે. આ માટે, હું મારા તમામ માછીમારો સાથીદારોને પણ અભિનંદન આપું છું.
મિત્રો, કૃષિકર્મણ એવોર્ડની સાથે કર્ણાટકની આ ભૂમિ બીજી ઐતિહાસિક સિદ્ધિની સાક્ષી બની છે. આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત આઠ કરોડ કિસાન સાથીઓના ખાતામાં પૈસા જમા થયા છે. આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરવી એ મોટી બાબત છે એટલું જ નહીં, આજે એક જ સમયે દેશના 6 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 12 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
મિત્રો, દેશમાં એક સમય એવો પણ હતો જ્યારે ગરીબોને એક રૂપિયો મોકલવામાં આવ્યો હતો, ત્યારે માત્ર 15 પૈસા જ પહોંચતા હતા. બાકીના 85 વચેટિયા ખાઈ જતાં હતા.
આજે, જેટલા મોકલાયા છે, તે બધા સીધા ગરીબોના ખાતામાં પહોંચી રહ્યા છે. હું કર્ણાટક સહિત દેશભરની રાજ્ય સરકારોને અભિનંદન આપું છું, જે લાભાર્થી ખેડૂતોની ઓળખ ઝડપી ગતિએ કરી રહ્યા છે.
નવા વર્ષમાં, હું આશા રાખું છું કે તે રાજ્યો, જેઓ પીએમ કિસાન સન્માન યોજના સાથે જોડાયેલા નથી આ વર્ષે ચોક્કસપણે આ યોજનામાં જોડાશે. આ યોજના આ પાર્ટીની છે અમારી નહીં, અથવા જો અમે આ યોજના લાગુ કરીએ તો તેનો ફાયદો પેલાને થશે, આ વિચારસરણી અને પધ્ધતિએ દેશના લોકોને ઘણું નુકસાન થયું છે.
આ પ્રકારનું રાજકારણ દેશના ખેડૂતોને ક્યારેય મજબુત બનવા દીધું નહીં.
અમારી સરકાર તમારી જરૂરિયાતો, તમારી ચિંતાઓ, તમારી જરૂરિયાતો સમજે છે. અમે ખેતી ને ટુકડાઓમાં નહીં પણ સંપૂર્ણ ખેતી સ્વરૂપે જોયું,અને આ ક્ષેત્રને લગતી પડકારો માટે સાથે મળીને કામ કર્યું.
મિત્રો, ઘણા દાયકાઓથી સેંકડો સિંચાઇ પ્રોજેક્ટ્સ લટકતા રહ્યા છે, પાક વીમા, જમીનના આરોગ્ય કાર્ડ અથવા યુરિયાના 100 ટકા લીમડાના કોટિંગને લગતા નિયમોમાં ફેરફાર, અમે હંમેશાં ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપ્યું છે. ઘણા વર્ષોથી, ખેડૂતો એમએસપીના ખર્ચમાં દોઢ ગણો વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આપણી જ સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ભાઈઓ અને બહેનો, તમારી વર્તમાન જરૂરિયાતોને ધ્યાન આપ્યા સિવાય, અમારું ધ્યાન ભવિષ્યની જરૂરિયાતો પર પણ છે. દેશભરમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને અનાજનો સંગ્રહ, ફળો અને ફૂલોનો સંગ્રહ કરવામાં મુશ્કેલી ન થાય. દેશના કોઈપણ ભાગના ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ખેડૂતો પોતાનો પાક વેચી શકે તે માટે ઇ-નામ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
મિત્રો, ખેડૂતોએ તેમના પ્રાણીઓના રોગો અને તેમની સારવાર ઉપર ઓછામાં ઓછો ખર્ચ કરવો પડશે, આ માટે Foot and Mouth Diseases સામે લડવા માટે રાષ્ટ્રીય સ્તરે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ખેડૂતો પોતાના ખેતરમાં સૌરઉર્જા ઉત્પન્ન કરી તેને રાષ્ટ્રીય ગ્રીડમાં વેચવા સક્ષમ બને તે માટે પીએમ કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે.
મિત્રો, ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવામાં દેશના કૃષિ ક્ષેત્રની મોટી ભૂમિકા છે. આ માટે, અમારી સરકાર કેશ ક્રોપ અને નિકાસ કેન્દ્રિત ખેતી પદ્ધતિ બનાવવા પર ભાર આપી રહી છે.
જ્યારે કૃષિ પેદાશોની નિકાસની વાત આવે છે ત્યારે પ્રાચીન કાળથી દક્ષિણ ભારતની, સાઉથ ઈન્ડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આનું કારણ અહીંનું હવામાન, અહીંની માટી અને સમુદ્ર દ્વારા વિશ્વ સાથેની સરળ કનેક્ટિવિટી છે. અમે દક્ષિણ ભારતની આ શક્તિને નવા ભારતના એગ્રો નિકાસની શક્તિ પણ બનાવવા માંગીએ છીએ.
ભાઈઓ અને બહેનો, કર્ણાટક હોય, કેરળ હોય, આંધ્ર હોય , તેલંગણા હોય , તમિલનાડુ હોય , બાગાયતી અને મસાલાથી સંબંધિત ઉત્પાદનોની પ્રક્રિયા અને નિકાસનો વિશાળ અવકાશ છે. આ કારણ છે કે Agricultural and Processed Products Export Development Authority દ્વારા ખાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. કર્ણાટકને પણ આનો ફાયદો થયો છે.
સરકાર દ્વારા બેલ્ગામ અને મૈસુરના દાડમ, ચિકકાબલ્લપુરા અને બેંગાલુરુની ગુલાબી ડુંગળી, ચિકમંગલુરુ, કોડાગુ અને હસનની કોફી, લાલ મરચાના ઉત્પાદનને મહત્વ આપવા માટે ખાસ ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી છે. અમારો પ્રયાસ એ છે કે દરેક બ્લોક, દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનને ઓળખવા, તેના મૂલ્યમાં વૃદ્ધિ અને નિકાસ સુવિધાઓ વિકસિત કરવી.
મિત્રો, અમારી સરકારના પ્રયત્નોને લીધે, ભારત દ્વારા મસાલાના ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં મસાલાના ઉત્પાદનમાં 25 લાખ ટનથી વધુનો વધારો થયો છે, તેથી નિકાસ પણ લગભગ 15 હજાર કરોડ થી વધી ને 19 હજાર કરોડ સુધી પહોંચી છે.
મસાલાઓમાં પણ, જો આપણે હળદરની વાત કરીએ, તો સરકારના પ્રયત્નોથી છેલ્લા પાંચ વર્ષમાં હળદરની નિકાસમાં ઘણો વધારો થયો છે. સરકાર નવા અને સુધારેલા હળદરના બીજ અંગે સંશોધનને પ્રોત્સાહન આપી રહી છે. તેલંગણા હળદરના હબ તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ અમે કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ હળદરના ઉત્પાદનમાં વધારો કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો, દક્ષિણ ભારતમાં નાળિયેર, કાજુ, કોફી અને રબરની ખેતી પણ વર્ષોથી પ્રચલિત રહી છે. દેશ અને દુનિયામાં નાળિયેરની માંગને ધ્યાનમાં રાખીને, સરકાર નાળિયેર સાથે સંકળાયેલા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે અન્ય બાબતોની વચ્ચે પણ તેની પણ કાળજી લઈ રહી છે. આ માટે નાળિયેર સાથે સંકળાયેલા ખેડૂતોના સંગઠનો બનાવવામાં આવ્યા છે, મંડળીઓ રચાઇ રહી છે. મને કહેવામાં આવ્યું છે કે કર્ણાટકમાં જ, નાળિયેરના ખેડૂતોને લગતી આવી લગભગ સાડા પાંચ સો જેટલી સંસ્થાઓ રચાઇ છે.
મિત્રો, આપણી પાસે કાજુના વાવેતરનું વિસ્તરણ કરવાની ઘણી સંભાવના છે. સરકારનો પ્રયાસ છે કે કાજુના ઉતમ ગુણવત્તા વાળા પ્લાન્ટ ખેડૂત-બાગવાન-બહેન-ભાઇઓને ઉપલબ્ધ કરાવવામાં આવે.
એ જ રીતે, રબરના ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારું પહેલું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે દેશની જરૂરિયાત મુજબ અહીં રબરનું ઉત્પાદન કરી શકીએ, આપણે આયાત પર નિર્ભર રહેવાની જરૂર નથી. મને કહેવામાં આવ્યું છે કે રબર બોર્ડ અહીં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ઘણા યુવાનોને તાલીમ આપી રહ્યું છે. તેનો ચોક્કસ ફાયદો રબરના ખેડૂતો અને ઉદ્યોગોને થશે.
મિત્રો, કોફી બગીચા એ કર્ણાટક સહિત દક્ષિણ ભારતનું ગૌરવ છે. સરકારનો પ્રયાસ કોફીની વેલ્યૂચેનને મજબૂત કરવામાં આવે, આ માટે, Integrated Coffee Development Programme શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 2-3 વર્ષમાં કોફીના ઉત્પાદનથી લઈને પેકેજિંગ સંબંધિત સમગ્ર પ્રણાલીને વિશેષ સમર્થન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નાના ઉત્પાદકો, સ્વ-સહાય જૂથો, સહકારી મંડળીઓને માર્કેટિંગમાં સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
મિત્રો, બાગાયત ઉપરાંત, દક્ષિણ ભારતનો પણ કઠોળ, તેલ અને બરછટ અનાજના ઉત્પાદનમાં મોટો હિસ્સો છે. ભારતમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બીજ હબ બનાવવામાં આવ્યા છે, જેમાં 30 થી વધુ કેન્દ્રો કર્ણાટક, આંધ્ર, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં સ્થિત છે. એ જ રીતે, દેશમાં બરછટ અનાજ માટે પણ નવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 10 દક્ષિણ ભારતમાં છે.
મિત્રો, દક્ષિણ ભારતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નિકાસ વધારવાની ઘણી સંભાવનાઓ છે. મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા સરકાર ત્રણ સ્તરે કામ કરી રહી છે.
પ્રથમ – ગામડાંઓમાં માછીમારીને પ્રોત્સાહન, માછીમાર ભાઈ-બહેનોને આર્થિક સહાય.
બીજું – બ્લૂ રિવોલ્યુશન યોજના હેઠળ બોટોનું આધુનિકરણ.
અને ત્રીજું - માછલીના વેપાર અને વ્યવસાય સાથે સંકળાયેલ આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ
ભાઈઓ-બહેનો, માછીમારો કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાથી જોડાયેલા છે. માછલીપાલકોની સગવડ માટે મોટી નદીઓમાં અને દરિયામાં નવા ફિશિંગ હાર્બર બનાવવામાં આવી રહ્યા છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ .7 હજાર કરોડનો વિશેષ ભંડોળ પણ બનાવવામાં આવ્યું છે.
સરકાર દ્વારા બોટોના આધુનિકીકરણ માટે, બ્લૂ રિવોલ્યુશન યોજના માટે રાજ્યોને 2500 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. ડીપ સી ફિશિંગ માટે માછીમારોની નૌકાઓનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે અને ઇસરોની મદદથી માછીમારોની સુરક્ષા માટે બોટમાં નેવિગેશન ડિવાઇસીસ લગાવવામાં આવી રહ્યા છે. આજે તમે તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ખેડૂતો પણ તેનો લાભ લેતા જોયા છે.
મિત્રો, કર્ણાટક સહિત ભારતભરમાં જળ સંકટની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું વચન આપ્યું છે. થોડા દિવસ પહેલા આ દિશામાં બીજી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનું નામ અટલ ભૂગર્ભ જળ યોજના છે. આ અંતર્ગત કર્ણાટક સહિત દેશના 7 રાજ્યોમાં ભૂગર્ભ જળ એટલે કે ભૂગર્ભજળનું સ્તર વધારવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, આજે, સરકારના પ્રયત્નો વચ્ચે, મને કૃષિકર્મણ એવોર્ડનું પણ વિસ્તરણ કરવાની જરૂરિયાત લાગે છે. મારી વિનંતી છે કે કૃષિકર્મણ એવોર્ડમાં દેશની પોષક સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક અનાજ - Nutri Cereals, Horticulture અને Organic Agriculture માટે નવી કેટેગરી બનાવવામાં આવે. આ લોકો અને રાજ્યોને આ ક્ષેત્રોમાં વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળશે.
ભાઈઓ અને બહેનો, વર્ષ 2022 માં જ્યારે આપણો દેશ સ્વતંત્રતાનું 75મુ વર્ષ ઉજવે, ત્યારે અમારા ઠરાવોની પ્રાપ્તિ આપણા રાષ્ટ્ર નિર્માતાઓને આપણી શ્રદ્ધાંજલિ હશે. આજે આપણે અહીંથી ખેડૂતોની આવક બમણી કરવાની નવી ઉર્જા લઈને, નવી પ્રતિબદ્ધતા લઈને જવું છે.
મને ખાતરી છે કે આપણો દરેક સંકલ્પ ચોક્કસપણે પૂરો થશે. ફરી એકવાર, કૃષિકર્મણ એવોર્ડ જીતનારા દરેક રાજ્ય અને દરેક ખેડૂત મિત્રોને મારા અભિનંદન. દેશના દરેક ખેડૂતને નવા વર્ષ અને સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર!
NP/GP/DS
(Release ID: 1598517)