પ્રધાનમંત્રીનું કાર્યાલય

બ્રિક્સ બિઝનેસ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 14 NOV 2019 7:45AM by PIB Ahmedabad

મહાનુભાવો,

બ્રિક્સ બિઝનેસ ફોરમના આદરણીય સહભાગીઓ,

નમસ્કાર,

ગુડ ઇવનિંગ,

મને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થઇને ખૂબ આનંદ થઇ રહ્યો છે. 11માં બ્રિક્સ સમિટની શરૂઆત આ ફોરમથી થઇ રહી છે. બિઝનેસને પ્રાથમિકતા આપવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિને આ ફોરમનું આયોજન કરવા માટે અને દરેક સહભાગીઓને હું અભિનંદન પાઠવું છું.

મિત્રો,

વિશ્વની આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સ દેશોનો 50 ટકા ભાગ છે. વિશ્વમાં મંદી હોવા છતા, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને ટેકનોલોજી તથા ઇનોવેશનમાં નવી સફળતા પ્રાપ્ત કરી. હવે બ્રિક્સની સ્થાપનાનનાં દસ વર્ષ પછી ભવિષ્યમાં આપણા પ્રયાસોની દિશા પર વિચાર કરવા માટે આ ફોરમ એક સારો મંચ છે.

મિત્રો,

ઇન્ટ્રા-બ્રિક્સ બિઝનેસને સરળ બનાવવાથી પરસ્પર વ્યાપાર અને રોકાણ વધશે. આપણા પાંચ દેશો વચ્ચે કર અને કસ્ટમ પ્રક્રિયાઓ સરળ થઇ રહી છે. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર અને બેન્કો વચ્ચે સહયોગથી વ્યાપારનું વાતાવરણ સરળ થઇ રહ્યું છે. બ્રિક્સ બિઝનેસ ફોરમને મારી વિનંતી છે કે તેઓ આ પ્રકારે ઉત્પન્ન થતી તકોનો પુરો લાભ લેવા માટે જરૂરી પહેલોનું અધ્યયન કરે.

ઇન્ટ્રા-બ્રિક્સ વ્યાપાર અને રોકાણનું લક્ષ્ય વધુ મહત્વાકાંક્ષી હોવા જોઇએ. આપણી વચ્ચે વ્યાપાર કરવા માટે લગતા ખર્ચાઓ ઓછા કરવા માટે તમારા સૂચનો ઉપયોગી થશે.

હું એ પણ અનુરોધ કરવા માગુ છું કે આગળના દસ વર્ષો માટે આપણા વચ્ચે બિઝનેસમાં પ્રાથમિકતાના ક્ષેત્રો ઓળખવા અને તેના આધારે ઇન્ટ્રા-બ્રિક્સ સહયોગની બ્લૂ પ્રિન્ટ બનાવવામાં આવે.

મિત્રો,

આપણી માર્કેટ સાઇઝ, વિવિધતા અને આપણી પૂરકતાઓ એકબીજા માટે ખૂબ ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, એક બ્રિક્સ દેશ પાસે ટેકનોલોજી છે, તો બીજામાં તેને સંબંધિત રો-મટીરિયલ અથવા તેનું માર્કેટ. ઇલેક્ટ્રીક વિહિકલ, ડિજિટલ ટેકનોલોજી, ફર્ટિલાઇઝર, ખેતીના ઉત્પાદનો, ખાદ્ય પ્રસંસ્કરણ વગેરેમાં આવી સંભાવનાઓ વિશેષ છે. હું આગ્રહ કરીશ કે ફોરમ પાંચેય દેશોમાં આ પ્રકારની પૂરકતાને જાણે. હું એ સૂચન પણ આપવા માગીશ કે હવે પછીના બ્રિક્સ સમિટ સુધીમાં ઓછામાં ઓછા પાંચ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવે, જેમાં પૂરકતાઓના આધાર પર આપણી વચ્ચે સંયુક્ત સાહસો તૈયાર થઇ શકે છે.

મિત્રો,

બ્રિક્સ દેશો પોતાના દેશના લોકોનો, પરિશ્રમ, પ્રતિભા અને રચનાત્મકતા માટે સુપ્રસિદ્ધ છે. કાલે સમિટ દરમિયાન ઇનોવેશન બ્રિક્સ નેટવર્ક અને બ્રિક્સ ઇન્સ્ટિટ્યુશન ફોર ફ્યુચર નેટવર્ક જેવા મહત્વપૂર્ણ પહેલો પર વિચાર કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રોને મારો અનુરોધ છે કે તેઓ માનવ સંસાધન પર કેન્દ્રીત આ પ્રયાસો સાથે જોડાય. યુવા ઉદ્યોગસાહસિકોને આ પહેલો સાથે જોડવાથી પણ બિઝનેસ અને ઇનોવેશનને વધુ શક્તિ પ્રદાન કરશે.

મિત્રો,

આપણા દેશો વચ્ચે, પ્રવાસન, વ્યાપાર અને રોજગાર માટે લોકોની અવર-જવર વધુ સરળ બનાવવાની સંભાવનાઓ છે. ભારતીઓને વિઝા મુક્ત પ્રવેશના નિર્ણય માટે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આભાર માનુ છું. આપણા પાંચ દેશોને પરસ્પર સામાજિક સુરક્ષા સંધિ પર પણ વિચાર કરવો જોઈએ.

મિત્રો,

ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ, લોજિસ્ટિક પર્ફોર્મન્સ અને ગ્લોબલ ઇનોવેશન જેવા ઇન્ડેક્સમાં ભારતની સતત પ્રગતિથી તમે પરિચિત હશો. સમયસીમાને કારણે હું ફક્ત એટલું કહેવા માગુ છું કે ભારતમાં રાજકીય સ્થિરતા, ભવિષ્ય સૂચક નીતિ અને વ્યાપારને અનુરૂપ સુધારાઓને કારણે દુનિયાની સૌથી ખુલ્લી અને રોકાણને અનુરૂપ અર્થતંત્ર છે. 2024 સુધીમાં અમે ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માગીએ છીએ. ફક્ત ઇન્ફ્રાટ્રક્ટચરમાં જ 1.5 ટ્રિલિયન ડૉલર રોકાણની જરૂરીયાત છે.

ભારતમાં ખૂબ જ સંભાવનાઓ છે. અગણિત અવસરો છે. તેનો લાભ ઉઠાવવા માટે હું બ્રિક્સ દેશોના વ્યવસાયોને આમંત્રિત કરુ છું કે તેઓ ભારતમાં પોતાની હાજરી વધારે.

ખૂબ-ખૂબ આભાર.

 

NP/DS/GP/RP


(Release ID: 1591625) Visitor Counter : 198