પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ધરમશાળામાં રાઇઝિંગ હિમાચલ: ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019નું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતે રોકાણકારો માટે સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા કેટલાંક પગલાં લીધા છે

Posted On: 07 NOV 2019 2:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે, તેમને આ બેઠકમાં સંપત્તિનાં તમામ સર્જકોને આવકારીને ખુશી છે.

તેમણે જણાવ્યું હતું કે, અગાઉની રાજ્ય સરકારો રોકાણને આકર્ષવા વિવિધ પ્રકારની છૂટછાટો આપતી હતી અને રોકાણકારો કયું રાજ્ય વધારે છૂટછાટ કે ડિસ્કાઉન્ટ આપે એની રાહ જોતાં હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં રાજ્ય સરકારોએ જોયું છે કે, ઉદ્યોગપતિઓને ડિસ્કાઉન્ટ આપવાની કે છૂટછાટો આપવાની આ સ્પર્ધાથી કોઈને લાભ થયો નહોતો – ન તો રાજ્યને, ન ઉદ્યોગપતિઓને.

તેમણે જણાવ્યું હતું કે, એ આવશ્યક છે કે, રાજ્યોમાં રોકાણ કરવા રોકાણકારો માટે સક્ષમ ઇકોસિસ્ટમ છે, જે ઇન્સ્પેક્ટર રાજથી મુક્ત છે અને દરેક તબક્કે મંજૂરી મેળવવાની જરૂર નથી. હવે રાજ્યોને રોકાણકારો માટે આ પ્રકારની સક્ષમ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાની ફરજ પડી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ દિશામાં છેલ્લાં થોડાં વર્ષોથી વેપારવાણિજ્યને સરળ કરવાનાં, જૂનાં કાયદાઓ નાબૂદ કરવા જેવા કેટલાંક સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનાથી રાજ્યોને, સ્થાનિક લોકોને તથા આખા દેશને લાભ થશે તથા ભારત ખૂબ ઝડપથી પ્રગતિ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને સરકારોએ પણ સ્વચ્છ અને પારદર્શક વ્યવસ્થા અપનાવવી જોઈએ. અનિચ્છનિય કાયદાઓ અને સરકાર હસ્તક્ષેપો ઉદ્યોગની સ્થગિત થયેલી પ્રગતિમાં સહાયરૂપ થશે. આ પ્રકારનાં પરિવર્તનોને કારણે અત્યારે ભારત વ્યવસાય માટે અનુકુળ સ્થળ તરીકે ઉભરી આવશે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત નવી વિચારસરણી અને નવા અભિગમ ધરાવતા ચાર ચક્રો પર સવાર થઈને વિકાસનાં માર્ગે અગ્રેસર છે. આ ચાર ચક્રો છે – સમાજ, નવા ભારત માટે પ્રેરક સરકાર, ઉદ્યોગસાહસિકતા, વહેંચણીનો ઉદ્દેશ ધરાવતું જ્ઞાન.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014 થી વર્ષ 2019 વચ્ચે ભારતે વેપારવાણિજ્યનાં રેન્કિંગમાં 79 સ્થાનની હરણફાળ ભરી છે. દર વર્ષે આપણે દરેક માપદંડમાં સુધારો કર્યો છે. આ રેન્કિંગમાં સુધારો એટલે અમારી સરકારે ઉદ્યોગ માટે પાયાનાં સ્તરની જરૂરિયાતોને સમજ્યાં પછી લીધેલા નિર્ણયોનું પરિણામ.

તેમણે કહ્યું હતું કે, આ રેન્કિંગમાં સુધારો થવાની સાથે ભારતમાં વેપારવાણિજ્ય કરવાની મોટી ક્રાંતિ થઇ છે. હાલનાં વૈશ્વિક સંજોગોમાં ભારત મજબૂત દેશ તરીકે ઊભો છે, કારણ કે આપણે આપણા પાયાને નબળા પડવા દીધા નથી.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ઉદ્યોગો મજબૂત નાદારી અને દેવાળિયાપણાના કાયદા દ્વારા ઉચિત એક્ઝિટ રુટ સાથે સજ્જ છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગનાં લાભ માટે મોટો નિર્ણય લીધો છે, જેમાં સરકારે દેશભરમાં સ્થગિત થયેલા પ્રોજેક્ટને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી 4.58 લાખ પરિવારોને હવે તેમનું ઘર મળી શકે છે, જેમાં તેમણે રોકાણ કર્યું છે. કેન્દ્ર સરકારે નવી સ્થાનિક કંપનીઓ માટે કુલ કૉર્પોરેટ કરવેરાનો દર ઘટાડીને 15 ટકા કર્યો છે.

તેમણે ઉદ્યોગજગત અને વૈશ્વિક પ્રતિનિધિઓને ભારતને રોકાણ માટેનું સૌથી મનપસંદ સ્થાન બનાવવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માળખાગત વિકાસ માટે રૂ. 100 લાખ કરોડથી વધારેનાં રોકાણથી હિમાચલ પ્રદેશને પણ લાભ થશે.

તેમણે રાજ્યમાં રોકાણકારોને અનુરૂપ વાતાવરણ ઊભું થાય તેના માટે હિમાચલ પ્રદેશ સરકારે લીધેલા કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયોની પ્રશંસા કરી હતી.

આ સંદર્ભમાં તેમણે રાજ્ય સરકારે લીધેલા પગલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, સેક્ટર સ્પેસિફિક નીતિઓ, જમીનની ફાળવણીની પારદર્શક વ્યવસ્થા વગેરે, જે એને રોકાણ માટે આકર્ષક સ્થાન બનાવે છે.

પ્રધાનમંત્રીએ હિમાચલનાં પ્રવાસન ક્ષેત્રમાં પ્રચૂર સંભવિતતા રહી હોવાનું પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની રોકાણ અને તકોની સંભવિતતા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં કોફી ટેબલ બુક પણનું અનાવરણ કર્યું હતું.

 

NP/DS/RP



(Release ID: 1590895) Visitor Counter : 221