પ્રધાનમંત્રીનું કાર્યાલય

બેંગકોકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સવાસ્દી પીએમ મોદી’ને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 02 NOV 2019 10:30PM by PIB Ahmedabad

સાથીઓ,

પ્રાચીન સ્વર્ણ ભૂમિ થાઇલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને એવું લાગી રહ્યું છે કે તમે સ્વર્ણ ભૂમિને પણ તમારા રંગે રંગી નાખી છે. આ માહોલ, આ વેશભૂષા, બધી બાજુએથી પોતાનાપણાનો અહેસાસ અપાવે છે, પોતાપણું ઝળકે છે. તમે ભારતીય મૂળના છો માત્ર એટલા માટે નહીં, પરંતુ થાઇલેન્ડના કણ કણમાં, જન જનમાં પણ પોતાનાપણું જોવા મળે છે. અહિયાંની વાતચીતમાં, અહીંની ખાણી-પીણીમાં, અહીંની પરંપરાઓમાં, આસ્થામાં, શિલ્પ સ્થાપત્યમાં, ક્યાંક ને ક્યાંક ભારતીયતાની મહેક આપણે જરૂરથી અનુભવ કરીએ છીએ.

સાથીઓ,

આખી દુનિયાએ હમણાં હમણાં જ દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. અહિયાં થાઇલેન્ડમાં પણ ભારતના પૂર્વાંચલથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આજે પૂર્વી ભારતમાં, હવે તો લગભગ લગભગ સમગ્ર હિન્દુસ્તાનમાં સૂર્યદેવ અને છઠ્ઠ મૈયાની ઉપાસનાનું મહાપર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. હું ભારતવાસીઓની સાથે જ થાઇલેન્ડમાં રહેનારા મારા તમામ સાથીઓને પણ છઠ પૂજાની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

સાથીઓ,

થાઇલેન્ડની આ મારી સૌપ્રથમ અધિકારીક યાત્રા છે. ત્રણ વર્ષ પહેલા થાઇલેન્ડ નરેશના સ્વર્ગવાસ પર મેં શોકગ્રસ્ત ભારત તરફથી અહિયાં રૂબરૂ આવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અને આજે, થાઇલેન્ડના નવા નરેશના રાજ્યકાળમાં, મારા મિત્ર પ્રધાનમંત્રી ‘પ્રયૂત ચાન-ઓ-ચા’નાં નિમંત્રણ પર હું ભારત-આસિયાન સમિટમાં ભાગ લેવા આજે અહીં આવ્યો છું. હું સંપૂર્ણ રાજપરિવાર, થાઇલેન્ડ સામ્રાજ્યની સરકાર અને થાઈ મિત્રોને ભારતના 1.3 બિલિયન લોકો તરફથી મારી શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

થાઇલેન્ડના રાજપરિવારનો ભારત માટે લગાવ આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું પ્રતિક છે. રાજકુમારી મહાચકરી પોતે સંસ્કૃત ભાષાની ઘણી મોટી વિદ્વાન છે અને સંસ્કૃતમાં તેમની ઊંડી રૂચી પણ છે. ભારત સાથે તેમનો આત્મીય સંબંધ ખૂબ ઊંડો છે, પરિચય ખૂબ વ્યાપક છે અને અમારી માટે એ ઘણા સૌભાગ્યની વાત છે કે પદ્મભૂષણ અને સંસ્કૃત સન્માન દ્વારા ભારતે તેમના પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો છે.

સાથીઓ,

શું તમે વિચાર કર્યો છે કે આપણા સંબંધોમાં આટલી આત્મીયતા આવી ક્યાંથી? આપણી વચ્ચેના સંબંધ અને સંપર્કના આ ઊંડાણનું કારણ શું છે? આ પારસ્પરિક વિશ્વાસ, આ હળીમળીને રહેવાનું, આ સદભાવ, આ બધું આવ્યું ક્યાંથી... આ સવાલોનો એક સીધો સરળ જવાબ છે... વાસ્તવમાં, આપણા સંબંધો માત્ર સરકારોની વચ્ચેના નથી અને ના તો કોઈ એક સરકારને આ સંબંધોની માટે આપણે કહી શકીએ કે આ સમયે થયું હતું, તે સમયે થયું એવું પણ નથી કહી શકતા. હકીકત તો એ છે કે ઇતિહાસની દરેક ક્ષણે, ઇતિહાસની દરેક તારીખે, ઇતિહાસની દરેક ઘટનાએ આપણા આ સંબંધોને વિકસિતકર્યા છે, વિસ્તૃત કર્યા છે, ઊંડાણ આપ્યું છે અને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. આ સંબંધો દિલના છે, આત્માના છે, આસ્થાના છે, આધ્યાત્મના છે. ભારતનું નામ પૌરાણિક કાળના જંબુદ્વિપ સાથે જોડાયેલું છે. ત્યાં જ થાઇલેન્ડ સુવર્ણભૂમિનો હિસ્સો હતો. જંબુદ્વિપ અને સુવર્ણભૂમિ, ભારત અને થાઇલેન્ડનું આ જોડાણ હજારો વર્ષો જૂનું છે. ભારતના દક્ષિણ, પૂર્વી અને પશ્ચિમી તટ હજારો વર્ષો પહેલા દક્ષિણ પૂર્વી એશિયાની સાથે સમુદ્રના માર્ગે જોડાયેલા હતા. આપણા નાવિકોએ તે સમયે સમુદ્રની લહેરો પર હજારો મિલનું અંતર કાપીને સમૃદ્ધિ અને સંસ્કૃતિનો જે સેતુ બનાવ્યો હતો તે આજે પણ વિદ્યમાન છે. આ જ રસ્તાઓના માધ્યમથી સમુદ્રી વેપાર થયો, આ જ રસ્તાઓ પરથી લોકો આવ્યા અને ગયા અને આના જ માધ્યમથી આપણા પૂર્વજોએ ધર્મ અને દર્શન, જ્ઞાન અને વિજ્ઞાન, ભાષા અને સાહિત્ય, કળા અને સંગીત અને પોતાની જીવનશૈલી પણ વહેંચી.

ભાઈઓ અને બહેનો, હું અવારનવાર કહેતો હોઉં છું કે ભગવાન રામની મર્યાદા અને ભગવાન બુદ્ધની કરૂણા, એ બંને આપણી પારસ્પરિક વિરાસત છે. કરોડો ભારતીયોનું જીવન જ્યાં રામાયણ વડે પ્રેરિત થાય છે, તે જ દિવ્યતા થાઇલેન્ડમાં રામાકિયનની છે. ભારતની અયોધ્યા નગરી, થાઇલેન્ડમાં આ-યુથ્યા બની જાય છે. જે નારાયણે અયોધ્યામાં અવતાર લીધો, તેમના પાવન-પવિત્ર વાહન – ‘ગરૂડ’ પ્રત્યે થાઇલેન્ડમાં અપ્રતિમ શ્રદ્ધા છે.

સાથીઓ,

આપણે ભાષાના જ નહીં, ભાવનાના સ્તર પર પણ એકબીજાની ખૂબ નજીક છીએ. એટલા નજીક કે ક્યારેક ક્યારેક આપણને તેનો આભાસ પણ નથી થતો. જેમ તમે મને કહ્યું સવાસ્દી મોદી.. આ સવાસ્દીનો સંબંધ સંસ્કૃતના શબ્દ સ્વસ્તિ સાથે છે. તેનો અર્થ છે - સુ વત્તા અસ્તિ, એટલે કે કલ્યાણ. અર્થાત, તમારું કલ્યાણ થાઓ. અભિવાદન થાઓ, શુભેચ્છાઓ હોય, આસ્થા હોય, આપણને દરેક બાજુએ આપણા ઘનિષ્ઠ સંબંધોના ઊંડા નિશાન મળે છે.

સાથીઓ,

છેલ્લા પાંચ વર્ષોમાં મને દુનિયાના અનેક દેશોમાં જવાનો અવસર મળ્યો છે. અને દરેક જગ્યાએ ભારતીય સમુદાયને મળવાનું, તેમના દર્શન કરવા, તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા, એવો પ્રયાસ હું કરતો રહેતો હોઉં છું. અને આજે પણ તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા હું તમારો ખૂબ આભારી છું. પરંતુજ્યારે પણ આવીમુલાકાતો થઇ છે, દરેકમાં મેં જોયું છે કે ભારતીય સમુદાયમાં ભારત અને તેમના યજમાન દેશની સભ્યતાઓનો એક અદભૂત સંગમ આપણને જોવા મળે છે. મને ખૂબ જ ગર્વ થાય છે કે તમે જ્યાં પણ રહો તમારી અંદર ભારત રહે છે, તમારી અંદર ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો જીવંત રહે છે. મને એટલી જ ખુશી ત્યારે પણ થાય છે જ્યારે તે દેશોનું નેતૃત્વ ત્યાના નેતા, ત્યાંના ઉદ્યોગપતિઓ ભારતીય સમુદાયની પ્રતિભા, પરિશ્રમ અને શિસ્તની પ્રશંસા કરે છે મને ખૂબ ગર્વ થાય છે. તે તમારી હળીમળીને અને શાંતિથી રહેવાની પ્રવૃત્તિના પ્રશંસક જણાય છે. સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાયની આ છબી દરેક હિન્દુસ્તાનીની માટે, સંપૂર્ણ ભારત માટે ઘણા ગર્વની વાત છે. અને તેની માટે વિશ્વભરમાં ફેલાયેલા આપ સૌ બંધુગણ અભિનંદનને પાત્ર છો.

સાથીઓ,

મને ખુશી એ વાતની પણ થાય છે કે વિશ્વમાં જ્યાં પણ ભારતીય છે, તેઓ ભારત સાથે સંપર્કમાં રહે છે. ભારતમાં શું થઇ રહ્યું છે, તેની માહિતી રાખે છે. અને કેટલાક લોકો તો ખબર લઇ પણ લે છે અને ભારતની પ્રગતિથી ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓથી વિશ્વભરમાં રહેનારા મારા દેશવાસીઓનું માથું ઊંચું થાય છે, છાતી ફૂલી જાય છે. તેમનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે અને આ જ તો દેશની તાકાત હોય છે.

સાથીઓ,

તેઓ પોતાના વિદેશી મિત્રોને કહી શકે છે, જુઓ – હું ભારતીય મૂળનો છું અને મારું ભારત કેટલી ઝડપથી, કેવું આગળ વધી રહ્યું છે. અને જ્યારે કોઈ પણ ભારતીય દુનિયામાં આવું કહે છે તો આજે દુનિયા તેને ખૂબ ધ્યાનથી સાંભળે છે, તમે થાઇલેન્ડમાં પણ અનુભવ કર્યો હશે. કારણ કે 130 કરોડ ભારતીયો આજે ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં લાગેલા છે. તમારામાંથી અનેક સાથી જેઓ પાંચ સાત વર્ષ પહેલા ભારતમાં ગયા હશો તેમને અત્યારે ત્યાં જતા જ સાર્થક પરિવર્તન સ્પષ્ટ અનુભવાતું હશે. આજે જે પરિવર્તન ભારતમાં આવી રહ્યું છે તેનું જ પરિણામ છે કે દેશના લોકોએ ફરી એકવાર... દેશવાસીઓએ ફરી એકવાર મને, પોતાના આ સેવકને પાછલી લોકસભા ચૂંટણીમાં પહેલા કરતા પણ વધુ આશીર્વાદ આપ્યા છે.

સાથીઓ,

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે આપણી માટે ગર્વની વાત છે કે આપણે સંપૂર્ણ સંસારની સૌથી મોટી લોકશાહી છીએ અને વિશ્વ એ જાણે પણ છે પરંતુ લોકશાહીનો મહાકુંભ એટલે કે ચૂંટણી... સૌથી મોટી ચૂંટણી કઈ રીતે થાય છે, તે સાચા અર્થમાં તે જ સમજી શકે છે, જેણે તેને પોતાની આંખે જોયું હોય. તમે કદાચ જાણતા હશો કે આ વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં, ઇતિહાસમાં સૌથી વધુ 60 કરોડ મતદાતાઓએ મત આપ્યા, વોટ નાખ્યા છે. આ વિશ્વની લોકશાહીના ઇતિહાસની સૌથી મોટી ઘટના છે. અને દરેક ભારતીયને તે વાતનો ગર્વ હોવો જોઈએ. પરંતુ શું તમે એ પણ જાણો છો કે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર મહિલા મતદાતાઓની સંખ્યા, એટલે કે મતદાન કરનારી મહિલાઓ હવે પુરુષો કરતા પાછળ નથી જેટલા પુરુષો મત આપે છે તેટલી જ મહિલાઓ પણ મત આપી રહી છે. એટલું જ નહીં, આ વખતે પહેલા કરતા અનેકગણી વધુ મહિલા એમપી, લોકસભામાં ચૂંટાઈને આવી છે. આઝાદી પછી સૌથી મોટો આંકડો છે આ વખતે. શું તમે તે પણ જાણો છો કે લોકશાહી પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા એટલી ઊંડી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં ગીર સોમનાથ, ગીરના જંગલોમાં એક મતદાતા રહે છે ત્યાં જંગલમાં પહાડોમાં, તે એક મતદાતાની માટે એક અલગ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે. એટલે કે અમારી માટે લોકશાહી કેટલી વધુ પ્રાથમિક છે, કેટલી મહત્વપૂર્ણ છે, તેનું આ ઉદાહરણ છે.

ભાઈઓ અને બહેનો, ભારતમાં અને આ પણ તમારી માટે એક નવા સમાચાર હશે... ભારતમાં છ દાયકા બાદ એટલે કે 60 વર્ષ પછી કોઈ સરકારને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ પહેલા કરતા પણ વધુ જનમત મળ્યો છે. 60 વર્ષ પહેલા એક વખત આવું થયું હતું, 60 વર્ષ બાદ આવું સૌપ્રથમ વાર થયું છે અને તેનું કારણ છે, ગયા પાંચ વર્ષમાં ભારતની સિદ્ધિઓ... પરંતુ તેનો એક અર્થ એ પણ છે કે ભારતના લોકોની અપેક્ષાઓ અને આશાઓ વધી ગઈ છે. જે કામ કરે છે લોકો તેની પાસેથી જ તો કામ માંગતા હોય છે. જે કામ જ નથી કરતું લોકો તેના દિવસો ગણતા રહે છે, જે કામ કરે છે તેને લોકો કામ આપતા રહે છે. અને એટલા માટે સાથીઓ હવે અમે તે લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ જે એક સમયે અશક્ય લાગતા હતા. વિચારી પણ નહોતા શકતા, માનીને બેઠા હતા કે આ તો થઇ જ ના શકે. તમે બધા એ વાતથી સુપેરે પરિચિત છો કે આતંક અને અલગાવના બીજ વાવનારા એક ઘણા મોટા કારણથી દેશને મુક્ત કરવાનો નિર્ણય ભારતે કરી લીધો છે. ખબર છે... ખબર છે શું કર્યું.. શું કર્યું... થાઇલેન્ડમાં રહેનારા દરેક હિન્દુસ્તાનીને ખબર છે શું કર્યું... જ્યારે નિર્ણય સાચો હોય છે, ઈરાદો સાચો હોય છે તો તેની ગૂંજ આખી દુનિયામાં સંભળાય છે અને આજે થાઇલેન્ડમાં પણ સંભળાઈ રહી છે.

આભાર, ખૂબ ખૂબ આભાર આ તમારું સ્ટેન્ડિંગ ઓવેશન.. આ તમારું સ્ટેન્ડિંગ ઓવેશન ભારતની સંસદ માટે છે, ભારતની પાર્લામેન્ટ માટે છે, ભારતના સંસદસભ્યો માટે છે. તમારો આ પ્રેમ, તમારો આ ઉત્સાહ, તમારું આ સમર્થન હિન્દુસ્તાનના દરેક સંસદસભ્યની માટે ખૂબ મોટી તાકાત બનશે, હું તમારો આભારી છું... તમે આસન ગ્રહણ કરો... આભાર.

સાથીઓ,

હમણાં તાજેતરમાં જ ગાંધીજીની 150મી જયંતી પર, ભારતે પોતાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યું છે. એટલું જ નહીં, આજે ભારતના ગરીબમાં ગરીબનું રસોડું ધુમાડાથી મુક્ત.. સ્મોક ફ્રિ થઇ રહ્યું છે. 8 કરોડ ઘરોને અમે 3 વર્ષથી પણ ઓછા સમયમાં મફત એલપીજી ગેસના જોડાણો આપ્યા છે. 8 કરોડ- આ સંખ્યા થાઇલેન્ડની વસતિ કરતા પણ વધુ છે. દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના આયુષ્માન ભારત આજે લગભગ 50 કરોડ ભારતીયોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનું આરોગ્ય કવચ આપી રહી છે. હમણાં આ યોજનાને.. હજુ હમણાં જ એક વર્ષ પૂરું થયું છે. પરંતુ આશરે 60 લાખ લોકોને તે અંતર્ગત મફત ઈલાજ મળી ચૂક્યો છે. તેનો અર્થ એ થયો કે આગામી બે ત્રણ મહિનાઓમાં આ સંખ્યા બેંગકોકની કુલ વસતી કરતા પણ વધુ થઇ જશે.

સાથીઓ,

વીતેલા 5 વર્ષોમાં અમે દરેક ભારતીયને બેંક ખાતા સાથે જોડ્યા છે, વીજળી જોડાણો સાથે જોડ્યા છે અને હવે એક મિશન લઈને અમે નીકળી પડ્યા છીએ, દરેક ઘર સુધી પુરતું પાણી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. 2022 જ્યારે હિન્દુસ્તાન આઝાદીના 75 વર્ષ ઉજવશે, 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે. 2022 સુધીમાં દરેક ગરીબને પોતાનું પાકું મકાન આપવા માટે પણ સંપૂર્ણ શક્તિ સાથે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ભારતની આ સિદ્ધિઓના વિષયમાં જ્યારે તમે સાંભળતા હશો તો ગર્વની અનુભૂતિ વધારે વધી જતી હશે.

સાથીઓ,

મંચ પર જ્યારે હું આવ્યો તો તેની થોડી જ વાર પહેલા ભારતના બે મહાન સપૂત, બે મહાન સંતો સાથે જોડાયેલ સ્મારક ચિહ્ન રિલીઝ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. મને યાદ છે કે 3-4 વર્ષ પહેલા સંત થીરુવલ્લુવરની મહાન કૃતિ થીરુક્કુરાલના ગુજરાતી અનુવાદને જાહેર કરવાનો અવસર મને મળ્યો હતો. અને હવેથીરુક્કુરાલનાના થાઈ ભાષામાં અનુવાદથી મને વિશ્વાસ છે કે આ ભૂ-ભાગના લોકોને પણ ઘણો લાભ મળશે. કારણ કે આ માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવા માટે એક માર્ગદર્શન આપતો પ્રકાશ છે. લગભગ અઢી હજાર વર્ષ પહેલા આ ગ્રંથમાં જે મૂલ્યોનો સમાવેશ છે તે આજે પણ આપણી અનમોલ ધરોહર છે. ઉદાહરણ તરીકે સંત થીરૂવલ્લુવર કહે છે-

તાડાત્રી દંડ પોરૂડેલ્લ

ડક્કરક્ક વેલ્ડામી સઈદર પુરૂટ્ટ.

એટલે કે યોગ્ય વ્યક્તિ પરિશ્રમ વડે જે ધન કમાય છે તેને બીજાઓની ભલાઈમાં લગાવે છે. ભારત અને ભારતીયોનું જીવન આજે પણ આ આદર્શમાંથી પ્રેરણા લે છે.

સાથીઓ,

આજે ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવના ઉપલક્ષ્યમાં સ્મારક સિક્કા પણ જાહેર કરવામાં આવ્યા છે અને મને જણાવવામાં આવ્યું છે કે અહિયાં બેંગકોકમાં આજથી પચાસ વર્ષ પૂર્વે, ગુરુ નાનકદેવજીનો ‘પાંચસોમો’ પ્રકાશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે તેમનો ‘પાંચસો પચાસમો’ પ્રકાશોત્સવ તેના કરતા પણ વધુ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. અહિયાં શીખ સમુદાયે ફીત્સાનુલોક- અથવા વિષ્ણુલોકમાં- જે ગુરુ નાનકદેવજી બાગ બનાવ્યો છે, તે એક સરાહનીય પ્રયાસ છે.

ભાઈઓ અને બહેનો, આપવિત્ર પર્વના અવસર પર ભારત સરકાર વીતેલા એક વર્ષથી બેંગકોક સહિત સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો આયોજિત કરી રહી છે. ગુરૂ નાનક દેવજી માત્ર ભારતના, શીખ પંથના જ નહોતા પરંતુ તેમના વિચારો સંપૂર્ણ વિશ્વ, સંપૂર્ણ માનવતાની ધરોહર છે. અને આપણા ભારતીયોની એ વિશેષ જવાબદારી છે કેઆપણી વિરાસતનો લાભ આખી દુનિયાને આપીએ. અમારો પ્રયાસ છે કે વિશ્વભરમાં શીખ પંથ સાથે જોડાયેલ સાથીઓને પોતાની આસ્થાના કેન્દ્રો સાથે જોડાવામાં સરળતા રહે.

સાથીઓ,

તમને એ વાતની પણ જાણકારી હશે કે કેટલાક દિવસો બાદ કરતારપુર સાહેબથી પણ હવે સીધો સંપર્ક સુનિશ્ચિત થવા જઈ રહ્યો છે. 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરીડોર ખુલ્યા બાદ હવે ભારતથી શ્રદ્ધાળુઓ સીધા કરતારપુર સાહેબ જઈ શકશે. હું તમને પણ આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં સપરિવાર ભારત આવો અને ગુરૂ નાનકદેવજીની ધરોહરનો જાતે અનુભવ કરો.

સાથીઓ,

ભારતમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ તીર્થ સ્થળોનું આકર્ષણ હજુ વધારે વધારવા માટે પણ સરકાર સતત કાર્ય કરી રહી છે. લદ્દાખથી લઇને બોધગયા, સોમનાથથી સાંચી સુધી, જ્યાં જ્યાં ભગવાન બુદ્ધના સ્થાન છે, તેમના જોડાણો માટે અભૂતપૂર્વ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા સ્થાનોને બુદ્ધ શક્તિના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યાં આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે જ્યારે તમે બધા, થાઇલેન્ડના તમારા મિત્રોની સાથે ત્યાં જશો તો એક અભૂતપૂર્વ અનુભવ તમને મળશે.

સાથીઓ,

આપણા પ્રાચીન વેપારી સંબંધોમાં ટેકસટાઇલની મહત્વની ભૂમિકા રહી છે. હવે પ્રવાસન આ કડીને વધુ મજબૂત કરી રહ્યું છે. થાઇલેન્ડ સહિત આ સમગ્ર આસિયાન પ્રદેશના સાથીઓ માટે પણ ભારત હવે આકર્ષક ગંતવ્ય સ્થાન બનીને ઉભરી રહ્યું છે. વીતેલા 4 વર્ષોમાં ભારતે ટ્રાવેલ અને ટુરીઝમના ગ્લોબલ ઇન્ડેક્સમાં 18 ક્રમાંકની છલાંગ લગાવી છે. આવનારા સમયમાં પ્રવાસનના આ સંબંધો વધુ મજબૂત થવાના છે. અમે અમારા વિરાસત, આધ્યાત્મિક અને મેડીકલ પ્રવાસન સાથે જોડાયેલ સુવિધાઓને વધુ મજબૂત કરી છે. એટલું જ નહીં પ્રવાસન માટે જોડાણના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે.

સાથીઓ,

મેં એ વાતનો ઉલ્લેખ કર્યો કે આસિયાન ભારત અને તેની સાથે જોડાયેલ મૂલાકાતો માટે અહિયાં આવ્યો છું. વાસ્તવમાં આસિયાન દેશો સાથેના પોતાના સંબંધોને પ્રોત્સાહન આપવું એ અમારી સરકારની વિદેશ નીતિની પ્રાથમિકતાઓમાંથી એક મહત્વપૂર્ણ છે અને તેની માટે અમે એક્ટ ઇસ્ટ પોલીસીને વિશેષ મહત્વ આપ્યું છે. ગયા વર્ષે, ભારત-આસિયાન સંવાદ ભાગીદારીની રજત જયંતી હતી. આ અવસર પર પહેલીવાર એવું થયું કે બધા દસ આસિયાન દેશોના ટોચના નેતાઓ, એક સાથે ભારતમાં યાદગાર સમિટ માટે આવ્યા અને તેમણે 26 જાન્યુઆરીના રોજ અમારા પ્રજાસત્તાક દિવસમાં ભાગ લઈને અમારું સન્માન વધાર્યું.

ભાઈઓ અને બહેનો, આ માત્ર રાજદ્વારી કાર્યક્રમ નહોતો. આસિયાનની સાથે ભારતની પારસ્પરિક સંસ્કૃતિની ઝલક માત્ર પ્રજાસત્તાક પરેડમાં રાજપથ પર જ નહીં પરંતુ ભારતના ખૂણેખૂણામાં પહોંચી છે.

સાથીઓ,

ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજે ભારતની વિશ્વ કક્ષાની સુવિધાઓનો વિસ્તાર અમે થાઇલેન્ડ અને બીજા આસિયાન દેશોને જોડવા માટે પણ કરી રહ્યા છીએ. હવાઈ હોય, સમુદ્રી હોય કે પછી માર્ગ સંપર્ક, ભારત અને થાઇલેન્ડ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે દર અઠવાડિયે લગભગ ૩૦૦ ફ્લાઈટસ બંને દેશોની વચ્ચે ચાલી રહી છે. ભારતના 18 ડેસ્ટીનેશનની વચ્ચે સરેરાશ ફ્લાઈટ ટાઈમ 2 કલાકથી 4 કલાકનો સમય છે. આ તો એવું છે કે જાણે તમે ભારતમાં જ બે જગ્યાઓની વચ્ચે હવાઈમુસાફરી કરી રહ્યા છો. મારું સંસદીય ક્ષેત્ર દુનિયાની સૌથી પ્રાચીન નગરી કાશીથી જે સીધી ફ્લાઈટ બેંગકોક માટે આ વર્ષથી શરુ થઇ છે તે પણ ખૂબ વિખ્યાત થઇ ચૂકી છે. તેનાથી આપણી પ્રાચીન સંસ્કૃતિઓનું જોડાણ વધુ મજબૂત બનશે. અને ઘણી મોટી માત્રામાં બુદ્ધિસ્ટ પ્રવાસીઓ સારનાથ જવા માંગે છે તેઓ કાશી આવે છે. અમારું લક્ષ્ય ભારતના ઉત્તર પૂર્વને થાઇલેન્ડ સાથે જોડવા ઉપર છે. ઉત્તરપૂર્વ ભારતને અમે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવેશદ્વાર તરીકે વિકસિત કરી રહ્યા છીએ. ભારતનો આ હિસ્સો અમારી એક્ટ ઇસ્ટ પોલીસી અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ પોલીસી, બંનેને તાકાત આપશે. આ ફેબ્રુઆરીમાં બેંગકોકમાં ભારતથી બહાર પહેલો ઉત્તરપૂર્વીય ભારત ઉત્સવ ઉજવવા પાછળ પણ આ જ કલ્પના હતી. મને જણાવવામાં આવ્યું છે કે તેનાથી ઉત્તર પૂર્વ ભારત પ્રત્યે થાઇલેન્ડમાં ઘણી જીજ્ઞાસા પણ વધી છે અને સમજણ પણ સુધરી છે અને હા, એકવાર ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ હાઈવે એટલે કે ટ્રીલેટરલ ધોરીમાર્ગ શરુ થઇ જશે તો ઉત્તર પૂર્વ ભારત અને થાઇલેન્ડની વચ્ચે અમર્યાદિત સંપર્ક નિશ્ચિત છે. તેનાથી આ સંપૂર્ણ ક્ષેત્રમાં વેપાર પણ વધશે, પ્રવાસન પણ વધશે અને પરંપરાને પણ એક નવી તાકાત મળશે.

ભાઈઓ અને બહેનો, મને એ વાતની ખુશી છે કે આપ સૌ થાઇલેન્ડના અર્થતંત્રને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છો. તમે થાઇલેન્ડ અને ભારતના મજબૂત વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોની સૌથી મજબૂત કડી છો. આજે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થનાર અર્થતંત્રમાનું એક છે. આવનારાપાંચ વર્ષોમાં 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે ભારત સંપૂર્ણ શક્તિ સાથે લાગેલું છે. આ લક્ષ્યને લઇને જ્યારે અમે કામ કરી રહ્યા છીએ તો સ્વાભાવિક છે કે તેમાં તમારા બધાની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે અમે ભારતમાં પ્રતિભાને, ઇનોવેટીવ માઈન્ડને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાં ભારત જે કામ કરી રહ્યું છે, તેનો લાભ થાઇલેન્ડને પણ મળે, તેની માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે. અવકાશ ટેકનોલોજી હોય બાયો ટેકનોલોજી હોય, ફાર્મા હોય, ભારત અને થાઇલેન્ડની વચ્ચે સહયોગ ઝડપથી વધી રહ્યો છે. હમણાં તાજેતરમાં જ અમારી સરકારે ભારત અને આસિયાન દેશોની વચ્ચે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. અમે નક્કી કર્યું છે કે આસિયાન દેશોના 1 હજાર યુવાનોની માટે આઈઆઈટીમાં પોસ્ટ ડોક્ટરલ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તમારા થાઈ સાથીઓ, અહિયાંના વિદ્યાર્થીઓને મારો આગ્રહ રહેશે કે તેનો વધુમાં વધુ લાભ તેઓ ઉઠાવે અને તમે જ તે લોકોને જણાવો.

સાથીઓ,

વીતેલા 5 વર્ષોમાં અમે સતત પ્રયાસ કર્યો છે કે દુનિયાભરમાં વસેલા ભારતીયોની માટે સરકાર દરેક સમયે ઉપલબ્ધ રહે અને ભારત સાથે તેના સંપર્કને મજબૂત કરવામાં આવે. અને તેની માટે ઓસીઆઓ કાર્ડ સ્કીમને વધુ અનુકુળ બનાવવામાં આવી છે. અમે તાજેતરમાં જ નિર્ણય લીધો છે કે ઓસીઆઈ કાર્ડ ધારકો, તેઓ પણ ન્યુ પેન્શન સ્કીમમાં નમ નોંધાવી શકે છે. અમારા દૂતાવાસો તમારી સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે હવે વધુ સતર્ક છે અને 24 કલાક ઉપલબ્ધ છે. કોન્સ્યુલર સેવાને વધુ અસરકારક બનાવવા ઉપર પણ અમે સતત કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

આજે જો ભારતની વિશ્વમાં પહોંચ વધી છે તો તેની પાછળ તમારા જેવા સાથીઓની ખૂબ મોટી ભુમિકા છે, આ ભૂમિકાને આપણે હજુ વધુ સશક્ત કરવાની છે. અને મને વિશ્વાસ છે કે તમે જ્યાં પણ રહેશો, તમારી પાસે જે પણ સંસાધન હશે, તમારું જે પણ સામર્થ્ય હશે, જરૂરથી માં ભારતીની સેવાનો અવસર શોધતા જ હશો. આ જ વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહિયાં આવીને અમને આશીર્વાદ આપવા માટે તમે પધાર્યા તેની માટે હૃદયપૂર્વક હું તમારો આભાર વ્યક્ત કરું છું.

ખૂબ-ખૂબ શુભકામનાઓ, આભાર.. ખોબ ખુન ખ્રબ.

 

DK/NP/DS/GP/RP


(Release ID: 1590471)
Read this release in: English , Urdu , Marathi , Punjabi