પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતનાં પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદન
Posted On:
29 OCT 2019 9:30PM by PIB Ahmedabad
બે પવિત્ર મસ્જિદનાં સંરક્ષક કિંગ સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સઉદનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29 ઓક્ટોબર, 2019નાં રોજ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી.
બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી, જે દરમિયાન તેમણે બંને મિત્ર દેશો અને એનાં નાગરિકોને એકતાંતણે બાંધતા ઐતિહાસિક અને ગાઢ સંબંધોની સમીક્ષા કરી હતી. તેમણે પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે બંને દેશનાં લોકો વચ્ચે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને સભ્યતામાં મૈત્રીપૂર્ણ સંબંધો અને ભાગીદારી પર ભાર મૂક્યો હતો તથા બંને મિત્ર દેશો વચ્ચે સંબંધોને વિકસાવવા માટે વેગ પ્રદાન કરતી સર્વસામાન્ય મોટી તકોનું મહત્વ સૂચવ્યું હતું.
બંને પક્ષોએ માર્ચ, 2010માં ‘રિયાદનાં જાહેરનામા’માં દર્શાવેલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તેમની ઊંડી કટિબદ્ધતા પ્રતિપાદિત કરી હતી, જેમાં ફેબ્રુઆરી, 2014માં બંને પવિત્ર મસ્જિદોનાં સંરક્ષક રાજા સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સાઉદની મુલાકાત દરમિયાન, ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એપ્રિલ, 2016માં સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અને ફેબ્રુઆરી, 2019માં સાઉદી અરેબિયાનાં હિઝ રૉયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીની મુલાકાત દરમિયાન થયેલી સમજૂતીઓ પર ભાર મૂક્યો હતો.
બંને પક્ષોએ બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (એસપીસી – વ્યૂહાત્મક ભાગીદારી માટેની પરિષદ)ની સ્થાપના પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા સાઉદી અરેબિયાનાં પક્ષે હિઝ રૉયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી તેમજ ભારતીય પક્ષે આદરણીય પ્રધાનમંત્રીએ આધારભૂત દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતાં. વળી આ મુલાકાત દરમિયાન બંને દેશોમાં સરકારી અને ખાનગી કંપનીઓ વચ્ચે સમજૂતીઓ અને સમજૂતીકરાર (એમઓયુ)નાં આદાનપ્રદાન પર તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં રાજકીય, આર્થિક, સુરક્ષા, સંરક્ષણ, મેનપાવર અને લોકો વચ્ચે આદાનપ્રદાનમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી, જેનાથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કર્યા છે. તેમણે બંને દેશો વચ્ચે માળખાગત કાર્યમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારસ્પરિક હિતનાં મુદ્દા પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટ અને સંકલન પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની જવાબદારી સામેલ છે.
હિઝ રૉયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સાઉદ, ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી પ્રજાસત્તાક ભારતનાં આદરણીય પ્રધાનમંત્રીને મળ્યાં હતાં. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, જે દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ અને સહકારનાં સંબંધોમાં વૃદ્ધિની પ્રશંસા કરી હતી. ભારતનાં આદરણીય પ્રધાનમંત્રીએ એપ્રિલ, 2016માં રિયાદની મુલાકાત અને હિઝ રૉયલ હાઈનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સાઉથ, ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીની ફેબ્રુઆરી, 2019માં મુલાકાત લીધી હતી, ત્યારથી અત્યાર સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સાથ-સહકારમાં થયેલી પ્રગતિની બંને નેતાઓએ પ્રશંસા કરી હતી. આ મુલાકાતોથી વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો હતો અને આ ભાગીદારી વધારે ગાઢ બની હતી, જે બંને દેશોનાં લોકોનાં હિતમાં છે.
બંને પક્ષોએ પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી તથા દેશોની આંતરિક બાબતોમાં કોઈ પણ પ્રકારનાં હસ્તક્ષેપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો તેમજ દેશોની સાર્વભૌમિકતા પર કોઈ પણ પ્રકારનાં હુમલાઓ અટકાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે સીરિયા સાથે સંબંધિત સ્થિતિનાં સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રનાં ઠરાવ (2254) પર ભાર મૂક્યો હતો તથા યમેનની એકતાને જાળવવાનાં મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ જીસીસી પહેલને આધારે યમેનની કટોકટીનું રાજકીય સમાધાન લાવવાનાં મહત્વને સમજવા અપીલ કરી હતી, જે યમેની રાષ્ટ્રીય સંવાદ અને સુરક્ષા પરિષદનાં ઠરાવ (2216)નાં પરિણામો છે. બંને પક્ષોએ અરબ શાંતિ પહેલ અને સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તુત ઠરાવો પર આધારિત પેલેસ્ટાઇનમાં વાજબી, વિસ્તૃત અને કાયમી શાંતિ હાંસલ કરવા માટેની આશા વ્યક્ત કરી હતી, જે પેલેસ્ટાઇનનાં લોકોનાં કાયદેસર અધિકારોની ખાતરી આપે છે અને એની રાજધાની સ્વરૂપે જેરુસેલમ સાથે 1967ની સરહદો પર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપનાની ખાતરી આપે છે.
બંને પક્ષો હિંદ મહાસાગર અને ખાડીનાં વિસ્તારોમાં જળમાર્ગોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની રીતોને પ્રોત્સાહન આપવા દ્વિપક્ષીય જોડાણનાં મહત્વ પર સંમત થયા હતા. આ જોખમો બંને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સહિત હિતોને અસર કરી શકે છે.
બંને પક્ષોએ ભારપૂર્વક એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, કટ્ટરવાદ અને આતંકવાદ તમામ દેશો અને સમાજો માટે જોખમકારક છે. તેમણે કોઈ પણ ખાસ જાતિ, ધર્મ કે સંસ્કૃતિને આ સાર્વત્રિક જોખમ સાથે જોડવાનાં કોઈ પણ પ્રયાસને નકારી કાઢ્યો હતો. બંને પક્ષોએ તમામ પ્રકારનાં આતંકવાદી કૃત્યોને વખોડી કાઢ્યાં હતાં તથા શસ્ત્રોની સુલભતા અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં અન્ય દેશો સામે આતંકવાદી કૃત્યો પાર પાડવા મિસાઇલો અને ડ્રોન હુમલા સામેલ છે.
ભારતીય પક્ષે સાઉદી અરબમાં નાગરિક વસાહતો સામે આતંકવાદી કૃત્યોને વખોડી કાઢ્યાં હતાં. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ-વિરોધી કેન્દ્રમાં સાથસહકારને ગાઢ બનાવવા માટે અપીલ કરી હતી તથા આતંકવાદી કામગીરીઓ સામે લડવામાં સાથસહકારને મજબૂત કરવા, માહિતીનાં આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ તથા આંતરરાષ્ટ્રીય અપરાધોને અટકાવવામાં સાથસહકારને મજબૂત કરવા પણ સંમત થયાં હતાં, જે દ્વિપક્ષીય સુરક્ષાનાં સાથસહકારનાં માળખાગત કાર્યની અંદર હશે.
બંને પક્ષોએ બંને દેશોમાં થઈ રહેલાં સકારાત્મક આર્થિક પરિવર્તનની નોંધ લીધી હતી તથા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા વેપાર અને રોકાણનાં સંબંધોનાં વિસ્તરણનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તાજેતરનાં વર્ષો દરમિયાન દ્વિપક્ષીય વેપારમાં સકારાત્મક પ્રવાહ સાથે ખુશી વ્યક્ત કરી હતી તથા સાઉદી અરેબિયાનાં વિઝન 2030 અંતર્ગત બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણમાં સાથસહકારને વધારે ગાઢ બનાવવા માટેની પ્રતિપાદિતા વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ બંને દેશોમાં વ્યવસાયિક સમુદાયોને બંને દેશોમાં રહેલી રોકાણની તકોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી, ખાસ કરીને માળખાગત, ખાણ, નવીનીકરણ સહિત ઊર્જા, કૃષિ, ટેકનોલોજી હસ્તાંતરણ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલીકમ્યુનિકેશનમાં કુશળ માનવીય સંસાધનોનાં ક્ષેત્રોમાં.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, નાગરિક ઉડ્ડયન, સુરક્ષામાં સહકાર, સંરક્ષણ, રુપે કાર્ડનાં લોચ અને મેડિકલ ઉત્પાદનોનાં નિયમન સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતાં, જેનો ઉદ્દેશ તમામ ક્ષેત્રોમાં સાથસહકારનાં સંબંધોને ગાઢ બનાવવાનો છે.
આ મુલાકાતનાં અંતે ભારતનાં પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાની સરકાર અને એનાં લોકોનો તેમનો અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનો ઉષ્માસભર આતિથ્યસત્કાર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વર્ષ 2020માં જી20નાં શિખર સંમેલનની આગામી અધ્યક્ષતામાં સાઉદી અરેબિયા માટે સંપૂર્ણ સાથસહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે રિયાદમાં આગામી જી20 શિખર સંમેલનમાં નેતાઓની બેઠકમાં સહભાગી થવાની આતુરતા વ્યક્ત કરી હતી. તેમણે જી20નાં માળખાની અંદર સાઉદી અરબનાં પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
બંને પવિત્ર મસ્જીદોનાં સંરક્ષકે ભારતનાં આદરણીય પ્રધાનમંત્રીનાં સ્વાસ્થ્ય અને ખુશી માટે શુભેચ્છા પાઠવી હતી તથા ભારતનાં મૈત્રીપૂર્ણ લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામના આપી હતી.
બંને પવિત્ર મસ્જિદોનાં સંરક્ષકે તેમને પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત લેવા માટે આપેલા આમંત્રણનો સ્વીકાર્ય હતો હતો, જેથી બંને મિત્ર દેશો અને એમનાં નાગરિકોનાં હિતોને પૂર્ણ કરવા પારસ્પરિક હિતનાં દ્વિપક્ષીય સહકાર તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાની બાબતો પર ચર્ચાવિચારણા પૂર્ણ થાય.
DS/DS/RP
(Release ID: 1589705)
Visitor Counter : 199