પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે સાંસ્કૃતિક વીડિયો પ્રસિદ્ધ કર્યા


પ્રધાનમંત્રીએ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ ફિલ્મજગતને રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો

Posted On: 19 OCT 2019 8:25PM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતી નિમિત્તે ચાર સાંસ્કૃતિક વીડિયો પ્રસિદ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ભારતના ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગના સંખ્યાબંધ સભ્યોએ ભાગ લીધો હતો જેમાં આમીર ખાન, શાહરુખ ખાન, રાજકુમાર હિરાણી, કંગના રનૌત, આનંદ એલ. રાય, એસ.પી. બાલાસુબ્રમણ્યમ, સોનમ કપૂર, જેકી શ્રોફ, સોનુ નિગમ, એકતા કપૂર અને તારક મહેતા ગ્રૂપ તેમજ ઈટીવી ગ્રૂપના સભ્યો સામેલ હતા.

વાર્તાલાપ સત્ર દરમિયાન, પ્રધાનમંત્રીએ તેમની વ્યક્તિગત વિનંતી પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્થે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને આ વીડિયો તૈયાર કરવામાં યોગદાન આપનારા રચનાત્મક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને અનુરોધ કર્યો હતો કે તેઓ સામાન્ય લોકોને પ્રેરણા આપી શકે તેવા મનોરંજનપૂર્ણ અને પ્રેરણાદાયી અને રચનાત્મક વીડિયો બનાવવામાં તેમની ઊર્જાનો સદુપયોગ કરે. તેમણે તમામ ઉપસ્થિત લોકોને તેમનામાં રહેલી અપાર શક્તિ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમનામાં રહેલા સામર્થ્યની યાદ અપાવી હતી.

ગાંધી, એક એવો વિચાર જે દુનિયાને જોડે છે

વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીના પ્રભાવ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો કોઇ એક વિચાર, એક વ્યક્તિ હોય કે જે આખી દુનિયાના લોકોને એક તાતણે જોડી શકે, તો એ ગાંધીજી છે.

તેમના દ્વારા સૂચિત આઇન્સ્ટાઇન પડકારને યાદ કરીને પ્રધાનમંત્રીએ ફિલ્મજગતના લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ ગાંધીવાદી વિચારોને લોકો સમક્ષ લાવવા માટે ટેકનોલોજીના ચમત્કારનો યોગ્ય ઉપયોગ કરે.

ભારતીય મનોરંજન ઉદ્યોગનો પ્રભાવ અને સંભાવના

પ્રધાનમંત્રીએ મામલ્લપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે થયેલી વાતચીત યાદ કરી હતી જેમાં ચીનના રાષ્ટ્રપતિએ ચીનમાં દંગલ જેવી ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયામાં રામાયણની લોકપ્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે વધુમાં ફિલ્મજગતના બંધુઓને આગ્રહ કર્યો હતો કે, તેઓ ભારતમા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તેમના સોફ્ટ પાવરનો ઉપયોગ કરે.

આગામી આયોજન

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત 2022માં તેના 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. આ સંબંધે, તેમણે એકત્રિત લોકોને વિનંતી કરી હતી કે તેઓ 1857 થી 1947 સુધીના ભારતના સ્વતંત્રતાના સંગ્રામની પ્રેરણાદાયી વાતો અને 1947 થી 2022 સુધીની ભારતની વિકાસગાથાઓ દર્શાવે. તેમણે ભારતમાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય મનોરંજન સમિટનું આયોજન કરવાની યોજનાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.

સીને કલાકારોએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ સત્ર દરમિયાન, અભિનેતા આમીર ખાને મહાત્મા ગાંધીના સંદેશને વિશ્વમાં ફેલાવવા માટે યોગદાન આપવાનો વિચાર રજૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ખ્યાતનામ ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ નોંધ્યું હતું કે, આજે બહાર પાડવામાં આવેલા વીડિયો ‘આત્મ પરિવર્તન’ વિષય આધારિત આવનારા સંખ્યાબંધ વીડિયો પૈકીનો છે. સતત પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર આપવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્ય હતો.

ફિલ્મજગતના લોકોને એકસાથે ભેગા થવા માટે અને એક હેતુથી સાથે કામ કરવા માટે એક મંચ તૈયાર કરવા બદલ શાહરુખ ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આવી પહેલથી આખી દુનિયામાં ગાંધી 2.0 રજૂ કરીને મહાત્મા ગાંધીના બોધપાઠનો લોકોને ફરી પરિચય કરાવી શકાશે.

જાણીતા ફિલ્મ સર્જક, આનંદ એલ. રાયે મનોરંજન ઉદ્યોગને રાષ્ટ્રના નિર્માણ માટે તેમનામાં રહેલી સંભાવનાઓનો ખ્યાલ અપાવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ફિલ્મજગતના બંધુઓને ખાતરી આપી હતી કે મનોરંજન ઉદ્યોગના એકંદરે વિકાસ માટે તેમની સરકાર તમામ પ્રકારે સહકાર આપશે.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ વીડિયોની પરિકલ્પના અને સર્જન રાજકુમાર હિરાણી, ઇટીવી ગ્રૂપ, તારક મહેતા ગ્રૂપ, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

 

RP

 



(Release ID: 1588531) Visitor Counter : 283