પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દ્વારકાનાં ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા સમારંભમાં ભાગ લીધો

Posted On: 08 OCT 2019 6:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં દ્વારકાનાં ડીડીએ મેદાનમાં આયોજિત દશેરા સમારંભમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વિજયાદશમીનાં પ્રસંગે દેશનાં નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તહેવારોની ભૂમિ છે. આપણી જીવંત સંસ્કૃતિનાં કારણે ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં હંમેશા કોઈ પ્રસંગ કે પર્વ ઉજવાતું રહે છે. તહેવારો દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય પાસાંઓની ઉજવણી કરીએ છીએ. આપણને વિવિધ પ્રકારની કળાઓ, સંગીત, ગીત અને નૃત્યની જાણકારી મળે છે.

તેમણે કહ્યું હતું કે, ભારત શક્તિ અને સાધનાની ભૂમિ છે. છેલ્લાં નવ દિવસોમાં આપણે માતાની પૂજા-અર્ચના કરી. આ જ ભાવનાઓને આગળ લઈ જઈને આપણે મહિલાઓનું સન્માન કરવા અને તેમનાં સશક્તીકરણ તરફ આગળ લઈ જવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત દરમિયાન ઘરની લક્ષ્મી પર તેમની ચર્ચાનું સ્મરણ કરીને આ દિવાળીમાં આપણી નારીશક્તિની ઉપલબ્ધિઓની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે વિજયાદશમી પણ છે અને વાયુસેના દિવસ પણ. ભારતને પોતાની વાયુસેના પર અપાર ગર્વ છે.

આ સમયે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે પ્રધાનમંત્રીએ આ વિજયાદશમી પર એક આગ્રહ કર્યો હતો. તેમણે લોકોને આ વર્ષે એક મિશનની શરૂઆત કરવા અને એને પૂર્ણ કરવા પર કામ કરવાનું જણાવ્યું હતું. આ મિશન ભોજનનો બગાડ ન કરવો, ઊર્જાનું સંરક્ષણ કરવું, જળ બચાવવાનું હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે સામૂહિક ભાવનાની શક્તિને સમજવા ઇચ્છતાં હોય, તો આપણે ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામમાંથી પ્રેરણા ગ્રહણ કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ દ્વારકા શ્રી રામલીલા સોસાયટી દ્વારા આયોજિત રામલીલા નિહાળી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન બુરાઈ પર ભલાઈનાં વિજયનાં પ્રતીક સ્વરૂપે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિશાળકાય પૂતળાનું દહન પણ નિહાળ્યું હતું.

 

RP



(Release ID: 1587472) Visitor Counter : 152