પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઈસરો નિયંત્રણ કેન્દ્રથી પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
07 SEP 2019 1:16PM by PIB Ahmedabad
ભારત માતાની જય, ભારત માતાની જય,
તમે એ લોકો છો જેઓ માંભારતીની માટે, તેમની જય માટે જીવો છો, તમે એ લોકો છો જેઓ મા ભારતીની જય માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જેઓ મા ભારતી માટે જુસ્સો રાખો છો અને એટલા માટે મા ભારતીનું શીશ ઊંચું થાય તેના માટે સંપૂર્ણ જીવન ખપાવી દો છો, પોતાના સપનાઓને સમાહિત કરી નાખો છો.
સાથીઓ, હું ગઈકાલે રાત્રે તમારી મનઃસ્થિતિને સમજી રહ્યો હતો, તમારી આંખો ઘણું બધું કહી રહી હતી, તમારા ચહેરાની ઉદાસી હું વાંચી શકતો હતો અને તેના માટે થઇને હું વધુ સમય તમારી વચ્ચે ન રોકાઈ શક્યો. કેટલીય રાતોથી તમે સૂતા નથી તેમ છતાં પણ મારું મન થતું હતું કે એક વાર સવારે ફરીથી તમને બોલાવું, તમારી સાથે વાતો કરું. આ મિશનની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એક જુદી જ અવસ્થામાં હતો. ઘણા બધા સવાલો હતા અને બહુ સફળતાની સાથે આગળ વધતા હોઈએ અને અચાનક જ બધું દેખાવાનું બંધ થઇ જાય. મેં પણ એ ક્ષણને તમારી સાથે જીવી છે. જ્યારે કમ્યુનિકેશન ઑફ આવ્યું તો તમે બધા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. હું જોઈ રહ્યો હતો, તે મનમાં સ્વાભાવિક પ્રશ્ન હતો કેમ આમ થયું, કઈ રીતે થયું અને વૈજ્ઞાનિકનું મન પણ તો એવું જ હોય છે, તે દરેક વાતને કેમ અને શા માટેથી જ શરુ કરે છે. ઘણી બધી અપેક્ષાઓ હતી. હું જોઈ રહ્યો હતો કે તેમ છતાં પણ તમને લાગતું હતું અરે યાર કંઇક તો હશે કારણ કે તેની પાછળ તમારો પરિશ્રમ હતો, ક્ષણે ક્ષણ તમે ખૂબ ઝીણવટથી તમે વધારી હતી.
સાથીઓ, આજે ભલે કેટલીક અડચણો આવી હોય, અવરોધો આવ્યા હોય પરંતુ તેનાથી આપણો જુસ્સો નબળો નથી પડ્યો પરંતુ વધારે મજબૂત થયો છે. આજે આપણા માર્ગમાં ભલે એક છેલ્લા પગલે અડચણ આવી હોય પરંતુ તેના લીધે આપણે આપણી મંજિલના રસ્તા પરથી જરા પણ ખસ્યા નથી. આજે ભલે આપણે ચંદ્રમાંની સપાટી પર આપણી યોજના અનુસાર ન જઈ શક્યા અને જો કોઈ કવિને આજની ઘટના વિષે લખવું હોય, સાહિત્યકારને લખવું હોય. વિજ્ઞાનની વિચારધારા, વિજ્ઞાનની ભાષા અલગ છે.
પરંતુ કળા અને સાહિત્યને કોઈએ જો લખવું હોય તો જરૂરથી લખશે કે અમે ચંદ્રનું એટલું વર્ણન કર્યું છે એટલું રોમેન્ટિક વર્ણન કર્યું છે જીવનમાં તો ચંદ્રયાનના પણ સ્વભાવમાં તે આવી ગયું હતું અને એટલા માટે છેલ્લા પગલા પર ચંદ્રયાન... ચંદ્રમાને ગળે લગાડવા માટે દોડ્યું હતું. કવિ એવું જ કહેશે... આજે ચંદ્રમાને સ્પર્શવાની અમારી ઈચ્છાશક્તિ, ચંદ્રમાને આગોશમાં લેવાની અમારી ઈચ્છાશક્તિ અને સંકલ્પ વધુ પ્રબળ થયો છે, વધુ મજબૂત થયો છે, દ્રઢ થયો છે.
ભારતના ભાઈઓ અને બહેનો, મારા વૈજ્ઞાનિક મિત્રો, છેલ્લા કેટલાક કલાકોથી સમગ્ર દેશ જાગી રહ્યો છે. અમે અમારા વૈજ્ઞાનિકો સાથે મળીને જાગ્યા હતા કે જેઓએ આપણા સૌથી વધુ મહત્વાકાંક્ષી અવકાશ કાર્યક્રમની યાત્રા પર નીકળ્યા હતા.
આપણે ખૂબ નજીક પહોંચી ગયા હતા પરંતુ આપણે આવનારા સમયમાં હજુ વધારે જમીન તૈયાર કરવાની જરૂર છે. પ્રત્યેક ભારતીયનું હૃદય ગૌરવ અને આત્મવિશ્વાસથી પ્રફુલ્લિત છે. અમને અમારા અવકાશ કાર્યક્રમ અને વૈજ્ઞાનિકો માટે ગર્વ છે. તેમની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયે માત્ર આપણા નાગરિકો માટે નહિં પરંતુ અન્ય દેશો માટે પણ વધુ સારા જીવનની ખાતરી આપી છે.
એ તેમના નવિનીકૃત ઉત્સાહનું જ પરિણામ છે કે આજે અનેક લોકોએ જીવનની સારી ગુણવત્તા મેળવી છે જેમાં વધુ સારા આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. ભારતને વિશ્વાસ છે કે હજુ ગર્વ અને ઉલ્લાસની એવી ઘણી બધી તકો આવવાની બાકી છે. આભાર.
બીજી તરફ આપણને પૂરે-પૂરો આત્મવિશ્વાસ છે કે જ્યારે આપણા અવકાશ કાર્યક્રમની વાત આવે ત્યારે શ્રેષ્ઠતમ હજુ આવવાનું બાકી છે.
હજુ અનેક નવા ક્ષેત્રો ખેડવાના અને શોધવાના બાકી છે. આપણે ઉપર ઉઠીશું અને સફળતાની નવી ઉંચાઈઓને પાર કરીશું.
આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માંગીશ કે ભારત તમારી સાથે છે. તમે અપવાદરૂપ વ્યવસાયિકો છો કે જેમણે રાષ્ટ્રની પ્રગતિમાં એક અકલ્પનીય યોગદાન આપ્યું છે.
તમે હંમેશા તમારું શ્રેષ્ઠતમ યોગદાન આપ્યું છે અને અમને પ્રસન્ન કરવા માટેની હજુ વધુ અનેક તકો આપવાના છો. સાચા અર્થમાં તમારા સ્વભાવ અનુસાર તમે એક એવી જગ્યા ખેડી કે જ્યાં હજુ સુધી કોઈ પહોંચી શક્યું નથી.
તમે લોકો માખણ પર રેખા દોરનારા નહિં પરંતુ પથ્થર પર રેખા ખેંચનારા લોકો છો.
તમે શક્ય હતું તેટલું નજીક આવ્યા. સ્થિર રહેજો અને આગળ જુઓ. હું આપણા અવકાશ વૈજ્ઞાનિકોના પરિવારોને પણ વંદન કરું છું. તેમનો મૌન પરંતુ મજબૂત ટેકો એક ઘણી મોટી સંપદા સાબિત થાય છે.
ભારતના ભાઈઓ અને બહેનો, સ્થિતિસ્થાપકતા અને સજ્જ્ડતા એ ભારતની નીતિઓમાં કેન્દ્રસ્થાને છે. હજારો વર્ષોના આપણા ગૌરવશાળી ઈતિહાસમાં આપણે એવી અનેક ક્ષણોનો સામનો કર્યો છે કે જેમણે શક્ય છે કે આપણને ધીમા પાડ્યા હોય પરંતુ તેમણે આપણા ઉત્સાહને ક્યારેય નાબૂદ નથી કર્યો. આપણે ફરી એકવાર ઉભા થયા છીએ અને અભૂતપૂર્વ વસ્તુઓ કરી બતાવી છે. આ જ કારણ છે કે આપણા નાગરિકો શીશ ઊંચું રાખી શકે છે.
મારા વ્હાલા મિત્રો, અંતિમ પરિણામ જેટલા જ મહત્વના યાત્રા અને પ્રયાસો પણ હોય છે. હું ગર્વ સાથે કહી શકું છું કે તમારા પ્રયાસો મૂલ્યવાન હતા અને આ યાત્રા પણ. આપણી ટીમે સખત મહેનત કરી, ઘણે દૂર સુધીની મુસાફરી કરી અને તેમાંથી શીખવા મળેલા પાઠ હંમેશા આપણી સાથે રહેશે. આપણે આપણી યાત્રા અને પ્રયાસો તરફ પાછા વળીને સંતોષપૂર્વક જોઈશું. આજે શીખેલા પાઠ આપણને વધુ મજબૂત અને વધુ સારા બનાવશે. ખૂબ ટૂંક સમયમાં એક નવું પ્રભાત ઉગશે અને એક ઉજ્જવળ આવતીકાલે આવશે.
સાથીઓ, પરિણામોથી નિરાશ થયા વિના સતત લક્ષ્યની તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ છે. આપણો હજારો વર્ષનો ઈતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો છે. જ્યારે શરૂઆતની અડચણો છતાં આપણે ઐતિહાસિક સ્થિતિઓ પ્રાપ્ત કરી છે.
ઈસરો પોતે પણ ક્યારેય હાર ન માનનારી સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે. જો પોતાની શરૂઆતની અડચણો અને પડકારોથી આપણે હારીને બેસી જાત તો આજે ઈસરો દુનિયાની અગ્રણી અવકાશ સંસ્થાઓમાંથી એકનું સ્થાન ક્યારેય પ્રાપ્ત ન કરી શકત.
સાથીઓ, પરિણામ પોતાની જગ્યા પર છે પરંતુ મને અને સમગ્ર દેશને અમારા વૈજ્ઞાનિકો, એન્જીનીયરો આપ સૌના પ્રયાસો પર ગર્વ છે. મેં તમને રાત્રે પણ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહી રહ્યો છું કે હું તમારી સાથે છું, દેશ પણ તમારી સાથે છે.
સાથીઓ, દરેક મુશ્કેલી... દરેક સંઘર્ષ... દરેક તકલીફ આપણને હંમેશા કંઈક નવું શીખવાડીને જાય છે. કંઈક નવા સંશોધનો, નવી ટેકનોલોજીની માટે પ્રેરિત કરે છે અને તેનાથી જ આપણી આગળની સફળતા નિર્ધારિત થાય છે. આમ પણ હું માનું છું કે જ્ઞાનનો કોઈ સૌથી મોટો શિક્ષક છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી જ નથી માત્ર પ્રયોગ અને પ્રયાસ હોય છે. દરેક પ્રયોગ, દરેક પ્રયાસ જ્ઞાનના નવા બીજ વાવીને જાય છે. નવી સંભાવનાઓનો પાયો રોપીને જાય છે અને આપણને આપણા અસીમ સામર્થ્યનો અહેસાસ અપાવે છે.
સાથીઓ, ચંદ્રયાનની સફરનો છેલ્લો તબક્કો ભલે આશાને અનુકૂળ ન રહ્યો હોય પરંતુ આપણે તે પણ યાદ રાખવું પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે, જાનદાર રહી છે. આ સમગ્ર મિશન દરમિયાન દેશ અનેક વાર આનંદિત થયો છે. ગર્વથી ભરાયો છે, અત્યારના સમયમાં પણ આપણું ઓર્બીટર સંપૂર્ણ શાન સાથે ચંદ્રમાંની પ્રદક્ષિણા કરી રહ્યું છે. હું પોતે પણ આ મિશન દરમિયાન ભલે દેશમાં રહ્યો હોઉં કે વિદેશમાં દરેક વખતે ચંદ્રયાનની સ્થિતિ સાથે જોડાયેલ તમામ માહિતીઓ લેતો રહેતો હતો.
સાથીઓ, ભારત વિશ્વની મહત્વની અવકાશ સત્તાઓમાંથી એક છે તો તેણી પાછળ આપ સૌનું દાયકાઓથી... જે સાથીઓએ ઈસરોમાં કામ કર્યું છે... તેમનો પરિશ્રમ છે, તેમનું યોગદાન છે. આ તમે લોકો જ છો જેમણે પોતાના પહેલા જ પ્રયાસમાં મંગળ ગ્રહ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. તેની પહેલા દુનિયામાં આવી સિદ્ધિ કોઈના નામે નહોતી. આપણા ચંદ્રયાને જ વિશ્વએ ચંદ્ર પર પાણી હોવા જેવી મહત્વની જાણકારીઓ આપી હતી. એ પણ તમારા જ પ્રયાસો હતા કે આપણે સો કરતા વધુ સેટેલાઈટ એકસાથે લોન્ચ કરીને એક નવો વિક્રમ બનાવ્યો હતો. જ્યારે ઈસરોની પાસે સફળતાનો શબ્દકોશ હોય તો અડચણોના એક બે પળથી તમારી ઉડાન ટ્રેજેકટરીની બહાર ન જઈ શકે.
સાથીઓ, આપણા સંસ્કાર, આપણું ચિંતન, આપણી વિચારધારા એ વાતથી ભરેલી પડી છે કે જે આપણને કહે છે અને જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ વયમ અમૃતસ્ય પુત્રઃ. આપણે અમૃતની સંતાન છીએ જેની સાથે અમૃત જોડાયેલું હોય છે. અમૃતની સંતાનની માટે ન તો કોઈ અડચણ છે અને ના તો કોઈ નિરાશા. આપણે પાછા વળીને નિરાશ નથી થવાનું. આપણે પાઠ શીખવાનો છે, શીખવાનું છે, આગળ જ વધતા જવાનું છે અને લક્ષ્યની પ્રાપ્તિ સુધી રોકાવાનું નથી. આપણે નિશ્ચિતપણે સફળ થઈશું, આપણે મિશનના આગામી પ્રયાસમાં પણ અને તે પછીના દરેક પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે જ હશે.
21મી સદીમાં ભારતના સપનાઓ અને આકાંક્ષાઓને પૂરા કરવાથી આપણને કોઈ પણ ક્ષણિક બાધા રોકી શકે તેમ નથી. આપ સૌને આવનારા દરેક મિશનની માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને મેં પહેલા કહ્યું પણ, વિજ્ઞાન પરિણામોથી ક્યારેય સંતુષ્ટ નથી થતું. વિજ્ઞાનનો આંતરિક ગુણ છે પ્રયાસ, પ્રયાસ અને પ્રયાસ. તે પરિણામમાંથી પણ નવા પ્રયાસના અવસર શોધે છે, તે પરિણામથી રોકાતું નથી. ન તો તે પરિણામની સામે નમે છે અને આ તમારા સંસ્કારોમાં છે. અને એટલા માટે તો દેશ તમારા પ્રત્યે ગર્વ કરે છે. મારો તમારા પર પણ વિશ્વાસ છે, મારા કરતા પણ તમારા સપનાઓ ઘણા ઊંચા છે, મારા કરતા પણ તમારા સંકલ્પ વધુ ઊંડા છે. મારા કરતા પણ તમારા પ્રયાસો સિદ્ધિઓને સ્પર્શવાનું સામર્થ્ય ધરાવે છે અને એટલા માટે હું સંપૂર્ણ વિશ્વાસની સાથે તમારા જુસ્સા પર ભરોસો કરીને... વાસ્તવમાં હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો. મેં સવાર સવારમાં તમારા દર્શન તમારી પાસેથી પ્રેરણા મેળવવા માટે કર્યા છે. તમે તમારી અંદર જ એક પ્રેરણાનો સમુદ્ર છો, પ્રેરણાનું જીવતું જાગતું સ્વરૂપ છો. અને એટલા માટે આ પ્રેરણાની ક્ષણ છે મારા માટે, જ્યાં નિરાશાને વૈજ્ઞાનિક મન આશામાં પરિવર્તિત કરી નાખે છે. જ્યાં સપનાઓને વૈજ્ઞાનિક મન સિદ્ધિમાં અંકુરિત કરી નાખે છે અને એટલા માટે આવી સામર્થ્યવાન, ઊર્જાવાન, સંકલ્પવાન સિદ્ધિ માટે સમર્પિત આ સાથીઓની ટોળીને અનેક-અનેક અભિનંદન આપું છું, અનેક-અનેક શુભકામનાઓ પણ આપું છું.
ખૂબ-ખૂબ આભાર,
ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય,
ખૂબ-ખૂબ આભાર!
RP
(રીલીઝ આઈડી: 1585115)
મુલાકાતી સંખ્યા : 377