પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ચંદ્રયાન-2ના અંતિમ ઉતરણના સાક્ષી બનશે

Posted On: 06 SEP 2019 12:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના અંતિમ ઉતરણના સાક્ષી બનવા બેંગલુરુ ખાતે ઇસરોના મુખ્યમથકની મુલાકાત લેશે.

તેઓ આ ઐતિહાસિક અવસર દરમિયાન સમગ્ર ભારતમાં ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી અંતરિક્ષ વિજ્ઞાન પરની પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓ સાથે વાર્તાલાપ પણ કરશે.

પ્રધાનમંત્રી તરીકે વિજ્ઞાન અને તેની સિદ્ધિઓ પ્રત્યે ઊંડો રસ ધરાવતા શ્રી નરેન્દ્ર મોદીની ઇસરો મુલાકાત ભારતીય અવકાશ વિજ્ઞાનીકોના જૂસ્સામાં અનેકગણો વધારો કરશે અને નવીન વિચારો તથા સંશોધન ભાવના વિકસાવવા યુવાનોને પ્રેરણા પુરી પાડશે.

ચંદ્રયાન-2 અભિયાન પ્રત્યે પોતાનો અંગત રસ દર્શાવતા શ્રી મોદીએ તેના વિશે જણાવ્યું હતું કે, “આ અભિયાન હૃદયથી ભારતીય છે અને આત્માથી પણ ભારતીય છે. આ સંપૂર્ણ સ્વદેશી અભિયાન છે, આ હકીકત જ દરેક ભારતીયોને ગૌરવ અપાવશે.”

ઇસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “લેન્ડર વિક્રમનો ચંદ્ર પર ઉતરણ કરવાનો સમય 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ મધરાત્રે ભારતીય સમય અનુસાર 01:00 થી 02:00 દરમિયાન નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યાર બાદ લેન્ડર 01:30 થી 02:30 કલાકની વચ્ચે ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે.”

 

DK/J. Khunt/RP


(Release ID: 1584331) Visitor Counter : 161