પ્રધાનમંત્રીનું કાર્યાલય

29 જુલાઈ, 2019ના રોજ નવી દિલ્હીમાં ‘વાઘ વસતિ ગણતરી અહેવાલ 2018’ પ્રસ્તુત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 JUL 2019 1:30PM by PIB Ahmedabad

મંત્રી પરિષદના મારા સાથી શ્રી પ્રકાશ જાવડેકરજી; શ્રીમાન બાબુલ સુપ્રિયોજી, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો. સૌથી પહેલા આપ સૌને વિશ્વ વાઘ દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.

આ વર્ષનો વિશ્વ વાઘ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ માટે હું આપ સૌને વિશ્વભરના વન્ય જીવ પ્રેમીઓને, આ મિશન સાથે જોડાયેલા દરેક અધિકારી, દરેક કર્મચારી અને ખાસ કરીને વન પ્રદેશોમાં રહેનારા આપણા આદિવાસી ભાઈ – બહેનોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મિત્રો,

આજે, વિશ્વ વાઘ દિવસ, અમે વાઘની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. હમણા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ વાઘની વસતિ ગણતરી દરેક ભારતીયને, દરેક પ્રકૃતિપ્રેમીને પ્રસન્નતા આપશે. નવ વર્ષ પહેલા, સેન્ટ પીટર્સબર્ગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વાઘની વસતિને બમણી કરવાનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધીનો રહેશે. આ લક્ષ્યાંક આપણે ભારતમાં ચાર વર્ષ પહેલા જ પૂરો કરી લીધો. જુદા-જુદા હિતધારકોએ જે ગતિ અને જે સમર્પણ સાથે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કાર્ય કર્યું છે તે નોંધપાત્ર છે. આ સંકલ્પથી સિદ્ધિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એકવાર ભારતના લોકો જો કંઈ કરવાનું નક્કી કરી લે છે તો એવી કોઈ શક્તિ નથી રહેતી કે જે તેમને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરતા રોકી શકે.

સાથીઓ, મને યાદ છે કે 14-15 વર્ષ પહેલા જ્યારે આ આંકડા સામે આવ્યા હતા કે દેશમાં માત્ર 14૦૦ વાઘ બચ્યા છે, તો તે બહુ મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો, ચિંતાનું કારણ બની ગયો હતો. ટાઈગર પ્રોજેક્ટ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની માટે આ એક બહુ મોટો પડકાર હતો. વાઘ માટે ઉપર્યુક્ત વાતાવરણથી લઈને માનવીય વસતિની સાથે સંતુલન સાધવાનું એક બહુ અઘરું કામ સામે હતું, પરંતુ જે રીતે સંવેદનશીલતાની સાથે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ આંદોલનને આગળ વધારવામાં આવ્યું, તે પોતાનામાં જ ખૂબ પ્રશંસનીય છે.

આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારત આશરે 3 હજાર વાઘ સાથે વિશ્વના સૌથી મોટા અને સૌથી સુરક્ષિત આવાસોમાંથી એક છે. વિશ્વભરમાં વાઘની લગભગ ત્રણ ચતુર્થાંશ વસતિ આપણા ભારતમાં વસે છે.

અહિં ઉપસ્થિત તમારામાંથી ઘણા લોકો એ બાબત પણ સારી રીતે જાણે છે કે વન્ય જીવન ઇકોસીસ્ટમને સમૃદ્ધ કરવાનું આ અભિયાન માત્ર વાઘ સુધી જ સિમિત નથી. ગુજરાતના ગીરના જંગલોમાં મળી આવતા એશિયાટીક સિંહ અને સ્નો લેપર્ડના સંરક્ષણની યોજના પર પણ ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે. જો કે ગીરમાં તો જે કામ પહેલાથી જ ચાલી રહ્યું છે, તેના સુખદ પરિણામ આજે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યાંના સિંહોની સંખ્યા 27 ટકા સુધી વધી ગઈ છે. મને ખુશી છે કે ભારતની શ્રેષ્ઠ પદ્ધતિનો લાભ ટાઈગર રેંજના અન્ય મિત્ર દેશોને પણ મળી રહ્યો છે.

આજે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ, ચીન, રશિયા સહિત 5 દેશો સમજૂતી કરાર કરી ચૂક્યા છે અને ખૂબ ટૂંક સમયમાં અન્ય દેશોની સાથે પણ સમજૂતી કરારો નિર્ધારિત છે. ગ્વાટેમાલ પણ પોતાને ત્યાં જેગુઆરના સંરક્ષણ માટે આપણી પાસેથી ટેકનીકલ મદદ લઇ રહ્યો છે. આમ તો તે પણ રસપ્રદ છે કે વાઘ, માત્ર ભારત જ નહિં, અન્ય અનેક દેશોમાં આસ્થાનું પ્રતિક છે. ભારત સિવાય મલેશિયા અને બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ જ છે. ચીની સંસ્કૃતિમાં તો વાઘ વર્ષ ઉજવવામાં આવે છે. એટલે કે એક રીતે જોઈએ તો વાઘ સાથે જોડાયેલ કોઇપણ પહેલ, અનેક દેશોને, ત્યાના લોકોને અનેક રીતે પ્રભાવિત કરે છે.

મિત્રો,

સારા પર્યાવરણ વિના માનવ સશક્તીકરણ અધૂરું છે. અને તેથી, આગળનો માર્ગ સિલેક્ટિવનેસને બદલે કલેક્ટિવનેસનો’ છે. આપણે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે એક વ્યાપક આધાર અને સંપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે.

એવી ઘણી વનસ્પતિઓ અને પશુઓ છે કે જેમને આપણી જરૂરિયાત છે. ટેકનોલોજી કે માનવ પ્રયાસોના માધ્યમથી આપણે એવું શું કરી શકીએ કે જે તેમને જીવનની એક તાજી સંવેદના આપે જેથી કરીને તેઓ આપણા ગ્રહની સુંદરતા અને વૈવિધ્યમાં વધારો કરી શકે. આ વિષય પર એક જૂની ચર્ચા પણ છે – વિકાસ કે પર્યાવરણ. અને બંને પક્ષોના પોતાના દૃષ્ટિબિંદુઓ છે જાણે કે તે પ્રત્યેક પરસ્પર અનોખા હોય.

પરંતુ આપણે સહ-અસ્તિત્વને પણ સ્વીકારવું પડશે અને સહયાત્રાના મહત્વને પણ સમજવું પડશે. મને લાગે છે કે વિકાસ અને પર્યાવરણની વચ્ચે એક તંદુરસ્ત સંતુલન જાળવી શકાય તેમ છે અને આપણો દેશ તો એવો છે કે જ્યાં આપણને હજારો વર્ષથી સહઅસ્તિત્વનું શિક્ષણ આપવામાં આવે છે. આપણા પૂર્વજોએ જે ભગવાનની કલ્પના કરી હતી અને સહસ્તીત્વનું ઉદાહરણ તેમાં અનુભવાય છે; આ શ્રાવણ મહિનો છે; સોમવાર છે, શિવજીના ગળામાં સાપ છે અને તે જ પરિવારના ગણેશજીનું આસન ઉંદર છે. સાપ ઉંદરને ખાવાની આદત ધરાવતું પ્રાણી છે, પરંતુ શિવજી પોતાના પરિવારમાં સહ-અસ્તિત્વનો સંદેશ આપે છે. તે પોતાનામાં જ આપણે ત્યાં કોઈ પરમાત્માની કલ્પના પશુ, પક્ષી, વનસ્પતિ વિના કરવામાં નથી આવી, તેમને સાથે જોડવામાં આવ્યા છે.

આપણી નીતિઓમાં, આપણા અર્થતંત્રમાં, આપણે પ્રાકૃતિક સંરક્ષણના સંદર્ભમાં આપણી સંવાદાત્મક ભૂમિકાને બદલવી પડશે. આપણે હોંશિયાર અને સંવેદનશીલ બંને બનવું પડશે અને પર્યાવરણને લગતી સંતુલિતતા અને આર્થિક વિકાસની વચ્ચે એક તંદુરસ્ત સંતુલનનું નિર્માણ કરવું પડશે.

ભારત આર્થિક અને પર્યાવરણ એમ બંને રીતે સમૃદ્ધ બનશે. ભારત વધુ માર્ગોનું નિર્માણ પણ કરશે અને ભારતની અંદર વધુ સ્વચ્છ નદીઓ પણ હશે. ભારતની પાસે વધુ સારી રેલ કનેક્ટિવિટી પણ હશે અને વધુ હરિત આવરણ પણ હશે. ભારત તેના નાગરિકો માટે વધુ ઘર પણ બાંધશે અને સાથે-સાથે પ્રાણીઓ માટે પમ ગુણવત્તાયુક્ત વસાહતોનું નિર્માણ કરશે. ભારતની પાસે ગતિશીલ દરિયાઈ અર્થતંત્ર હશે અને તંદુરસ્ત દરિયાઈ ઇકોલોજી પણ હશે. આ સંતુલન એક મજબૂત અને સમાવેશી ભારતના નિર્માણમાં યોગદાન આપશે.

સાથીઓ, વીતેલા પાંચ વર્ષોમાં જ્યાં દેશમાં આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપથી કાર્ય થયું છે, ત્યાં જ બીજી બાજુ જંગલ આવરણ પણ વિસ્તરી રહ્યું છે. તે સિવાય દેશમાં સુરક્ષિત વિસ્તારોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ છે. 2014માં ભારતમાં સુરક્ષિત વિસ્તારોની સંખ્યા 692 હતી, જે 2019માં વધીને હવે 860થી વધુ થઇ ગઈ છે. સાથે જ કમ્યુનિટી રિઝર્વની સંખ્યા પણ 2014માં 43થી વધીને હવે લગભગ 100ને પાર કરી ગઈ છે.

વાઘની સંખ્યા વધવી, સુરક્ષિત વિસ્તારોની સંખ્યા વધવી એ પણ માત્ર એક આંકડો નથી. તેનો ખૂબ મોટો પ્રભાવ પ્રવાસન અને રોજગારીના સાધનો પર પણ પડે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે રણથંભોરમાં જે પ્રસિદ્ધ ટાઈગ્રેસ ‘માછલી’ હતી, માત્ર તેને જોવા માટે જ લાખો દેશી-વિદેશી પ્રવાસીઓ ધામા નાખતા હતા. એટલા માટે વાઘોના સંરક્ષણની સાથે- સાથે જ આપણે પર્યાવરણીય સંતુલિત ઇકો ટુરીઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર પણ જોર આપી રહ્યા છીએ.

સાથીઓ, પર્યાવરણની રક્ષા માટે ઉઠાવવામાં આવેલા ભારતના તમામ પ્રયાસોએ આપણને કલાઇમેટ એક્શનના ગ્લોબલ ફ્રન્ટ રનર બનાવી દીધા છે. વર્ષ 2020 પહેલા જીડીપીની ઉત્સર્જન તીવ્રતા માટે પણ જે લક્ષ્યો રાખવામાં આવ્યા હતા, તે ભારત પહેલા જ હાંસલ કરી ચૂક્યું છે. ભારત આજે દુનિયાને એવા ટોચના દેશોમાં આવે છે જે પોતાના અર્થતંત્રને સ્વચ્છ ઊર્જા આધારિત અને પુનઃપ્રાપ્ય ઊર્જા આધારિત બનાવવામાં લાગેલું છે. કચરા અને બાયો માસને આપણી ઊર્જા સુરક્ષાનો એક વ્યાપક હિસ્સો અમે બનાવી રહ્યા છીએ.

તે સિવાય હવે જે ઇલેક્ટ્રિક મોબિલીટી પર કામ થઇ રહ્યું છે, બાયોફ્યુઅલ પર કામ થઇ રહ્યું છે, સ્માર્ટ સિટી પર કામ થઇ રહ્યું છે, તેનાથી પણ પર્યાવરણના હિત જોડાયેલા છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના સંદર્ભમાં તો આપણે ખૂબ ઝડપથી આપણા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. 2022 સુધી આપણે જે 175 - ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, તેને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ ચાલી રહ્યું છે.

ત્યાં જ બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ‘આઈએસએ’ના માધ્યમથી આપણે દુનિયાના અનેક દેશોને સૂર્ય ઊર્જા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છીએ. હવે આપણું લક્ષ્ય હોવું જોઈએ; વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડ- (એક દુનિયા, એક સૂર્ય, એક ગ્રીડ).

ઉજ્જવલા અને ઉજાલા જેવી યોજનાઓ દેશના સામાન્ય જીવનને તો સરળ બનાવી જ રહી છે, તેનાથી પર્યાવરણની પણ સેવા થઇ રહી છે. દેશના દરેક પરિવારને એલપીજીના જોડાણો આપવાથી જ આપણે મોટી માત્રામાં વૃક્ષોને કાપવા, તેમને નુકસાન પહોંચાડવાથી બચાવવામાં સફળ થઇ રહ્યા છે. દેશના દરેક ઘર, દરેક મકાન, દરેક રસ્તા, દરેક ગલીને એલઈડી બલ્બથી સજ્જ કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેનાથી વીજળી તો બચી જ રહી છે, કાર્બન ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો થઇ રહ્યો છે અને સાથે-સાથે મધ્યમ વર્ગના પરિવારોમાં વીજળીનું બીલ પણ ઓછું થયું છે, તેમને આર્થિક રીતે પણ ફાયદો જ થયો છે.

સાથીઓ, આજે ભારતની ઓળખ દુનિયાના તે દેશોમાં થાય છે જે પોતાના અને વિશ્વના હિતમાં જે પણ સંકલ્પ લે છે, તેને સમયસર પૂર્ણ કરે છે. ગરીબી નિવારણ અને સંતુલિત વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં પણ ભારત વિશ્વમાં અગ્રણી રહેશે, તેનો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, આવા જ પ્રયાસોના કારણે આજે ભારતની ઓળખ દુનિયાના તે દેશોમાં થાય છે જે પોતાના અને દુનિયાના હિતમાં જે પણ સંકલ્પ લે છે તેમને સમયસર પૂરા કરે છે.

આજે જ્યારે આપણે આંકડાઓની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે એ બાબત તરફ પણ ધ્યાન આપવું પડશે કે આ મહાકાય પ્રાણીઓ હંમેશા ઘટી રહેલી અને અશાંત રહેતી તેમની વસાહતો તેમજ ગેરકાયદેસર વેપાર અને શોષણના કારણે અત્યંત પડકારો સહન કરી રહ્યા છે. ભારત પશુ સુરક્ષા અને સંરક્ષણ વધારવા માટે જે કંઈ પણ થઇ શકે તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

હું ટાઈગર રેંજ દેશોના સરકારી વડાઓને અનુરોધ કરવા માંગીશ અને તે સૌને એશિયામાં વાઘની માગને દૂર કરવા અને કડકપણે ગેરકાયદેસર વેપાર અને શિકારને અટકાવવા માટે વૈશ્વિક નેતાઓના સંગઠનમાં એકઠા થવાનું આહ્વાન આપું છું. હું આ વિશ્વ વાઘ દિવસ નિમિત્તે આપ સૌને ફરીએકવાર અભિનંદન આપું છું.

ચાલો આપણે સૌ હરિયાળા અને પર્યાવરણ સંતુલિત દેશનું નિર્માણ કરવાનીપ્રતિજ્ઞા લઈએ. વાઘ તે સંતુલિતતાનું પ્રતિક બને.

આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને એ જ કહેવા માંગીશ કે જે વાર્તા ‘એક થા ટાઈગર’ થી શરુ થઇને ‘ટાઈગર જિંદા હૈ’ સુધી પહોંચી છે તે ત્યાં જ ન રોકાય. માત્ર ટાઈગર જિંદા હૈ થી કામ નહિં ચાલે અને ક્યારેક પહેલા સિનેમાના લોકો ગાતા હતા બાગોમે બહાર હૈ, હવે સુપ્રિયોજી ગાશે - બાઘો મેં બહાર હૈ.

વાઘ સંરક્ષણ સાથે જોડાયેલા જે પ્રયાસ છે તેમનો વધુ વિસ્તાર થવો જોઈએ, તેમની ગતિ વધુ ઝડપી થવી જોઈએ.

આ જ આશા, એ જ વિશ્વાસની સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

આભાર.

 

DK/NP/J.Khunt/GP/RP


(Release ID: 1580760) Visitor Counter : 965