રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું સંસદનાં બંને ગૃહોના સંયુકત સત્રમાં સંસદસભ્યોને સંબોધન

Posted On: 20 JUN 2019 12:16PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું સંસદનાં બંને ગૃહોના સંયુકત સત્રમાં સંસદસભ્યોને સંબોધન

માનનીય સભ્યગણ,

  1. મહાત્મા ગાંધીની 150મી જયંતીના વર્ષમાં 17મી લોકસભાની ચૂંટણી થયા પછી સંસદના પ્રથમ સંયુક્ત સત્રને સંબોધન કરતાં મને આનંદ થઈ રહ્યો છે. આ લોકસભા માટે ચૂંટાયેલા તમામ સાંસદોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું.
  2. દેશના 61 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે અને દુનિયામાં ભારતની લોકશાહીની આબરૂમાં વધારો કર્યો છે. ભીષણ ગરમીમાં પણ લોકોએ લાંબી કતારોમાં ઉભા રહીને પોતાના મત આપ્યા છે અને આ વખતે મહિલાઓએ અગાઉની તુલનામાં વધુ મતદાન કર્યું છે અને તેમની ભાગીદારી લગભગ પુરૂષોની બરાબર રહી છે. કરોડો યુવાનોએ પ્રથમ વખત મતદાન કરીને ભારતના ભવિષ્યના નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ચૂંટણીની સફળતા માટે તમામ મતદારો અભિનંદનને પાત્ર છે.
  3. હું લોકસભાના નવા અધ્યક્ષને પણ તેમની આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવું છું.
  4. વિશ્વની સૌથી મોટી ચૂંટણીઓની કામગીરી પૂર્ણ કરવા માટે હું ચૂંટણી પંચની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. ચૂંટણી પ્રક્રિયાની સફળતામાં શાસક તંત્ર ઉપરાંત અનેક વિભાગો અને વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ તથા સંરક્ષક દળોનું યોગદાન ખૂબ જ પ્રશંસાપાત્ર છે.
  5. આ લોકસભામાં લગભગ અડધા સાંસદો પહેલી વખત ચૂંટાઈને આવ્યા છે. લોકસભાની ઈતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં 78 મહિલા સાંસદો ચૂંટાઈ આવી તે નૂતન ભારતની છબી રજૂ કરે છે.
  6. એ આનંદ આપે તેવી બાબત છે કે આ સંયુક્ત સત્રમાં ભારતની વિવિધતાઓનું પ્રતિબિંબ વર્તાઈ રહ્યું છે. દરેક વયના, ગામ અને શહેરના, દરેક વ્યવસાયના લોકો બંને ગૃહોમાં સભ્ય બન્યા છે. અનેક સભ્યો સમાજ સેવામાંથી આવે છે. ઘણાં સભ્યો ખેતીના ક્ષેત્રમાં છે, વેપાર અને આર્થિક જગતમાંથી આવે છે, તો અન્ય ઘણાં સભ્યો શિક્ષણ ક્ષેત્રેથી પણ આવે છે. લોકોનો જીવ બચાવનારા તબીબોના વ્યવસાયમાંથી સભ્યો છે. લોકોને ન્યાય આપનારા કાનૂની વ્યવસાયમાંથી પણ સભ્યો છે. ફિલ્મ, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં પોતાની ઓળખ ઉભી કરનાર સંસદ સભ્યો અહિંયા ઉપસ્થિત છે. મને વિશ્વાસ છે કે આપ સૌના વિશેષ અનુભવને કારણે સંસદમાં યોજાનારો વિચાર વિમર્શ વધુ સમૃધ્ધ બનશે.

માનનીય સભ્યગણ,

  1. દેશની જનતા એ આ ચૂંટણીમાં ખૂબ જ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. સરકારના પ્રથમ કાર્યકાળના મૂલ્યાંકન પછી દેશવાસીઓએ બીજી વખત ખૂબ જ મજબૂત સમર્થન આપ્યું છે. આવું કરીને દેશવાસીઓએ વર્ષ 2014 થી ચાલી રહેલી વિકાસ યાત્રાને બેરોકટોક અને ઝડપી ગતિથી આગળ ધપાવવાનો જનાદેશ આપ્યો છે.
  2. વર્ષ 2014ની પહેલાં દેશમાં જે વાતાવરણ હતું તેનાથી તમામ દેશવાસીઓ સારી રીતે પરિચિત છે. દેશને નિરાશા અને અસ્થિરતાના વાતાવરણમાંથી બહાર કાઢવા માટે દેશવાસીઓએ ત્રણ દાયકા પછી પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર ચૂંટી કાઢી છે. આ જનાદેશને સર્વોચ્ચ માન આપીને મારી સરકારે સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુસરીને કોઈપણ ભેદભાવ વગર કામ કરીને એક નૂતન ભારતની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી છે.
  3. મેં આ વર્ષે 31 જાન્યુઆરીએ આ સેન્ટ્રલ હોલમાં જણાવ્યું હતું કે મારી સરકાર પ્રથમ દિવસથી જ તમામ દેશવાસીઓનું જીવન સુધારવામાં, કુશાસનને કારણે ઉભી થયેલી તેમની મુસીબતો દૂર કરવા માટે અને સમાજની છેલ્લી હરોળમાં ઉભી રહેલી દરેક વ્યક્તિ સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડવા માટેના લક્ષ્યને સમર્પિત છે.
  4. વીતેલા પાંચ વર્ષ દરમિયાન દેશવાસીઓમાં એવો વિશ્વાસ પેદા થયો છે કે સરકાર હંમેશા તેમની સાથે છે અને તેમનું જીવન બહેતર બનાવવા માટે તથા તેમના જીવન જીવવાનું સરળ બનાવવામાટે કામ કરી રહી છે. દેશવાસીઓના વિશ્વાસની આ મૂડીના આધાર પર જ વધુ એક વખત જનાદેશમાંગવામાં આવ્યો.
  5. દેશના લોકોએ જીવનની મૂળભૂત સુવિધાઓ માટે લાંબો સમય રાહ જોઈ છે, પરંતુ હવે હાલત બદલાઈ રહી છે. મારી સરકાર સામાન્ય લોકોને આટલા સજાગ, સમર્થ, સુવિધાયુકત અને બંધનમુક્ત બનાવવા માંગે છે કે જેથી સામાન્ય જીવનમાં તેને સરકારનું દબાણ, પ્રભાવ અથવા અભાવ વર્તાય નહીં. દેશની દરેક વ્યક્તિને સશક્ત કરવાનું મારી સરકારનું મુખ્ય ધ્યેય છે.

માનનીય સભ્યગણ,

  1. મારી સરકાર રાષ્ટ્ર નિર્માણની એવી વિચારધારા માટે સંકલ્પબદ્ધ છે કે જેનો પાયો વર્ષ 2014માં નિર્માણ કરવામાં આવ્યો હતો. દેશવાસીઓની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતાં રહીને હવે સરકારની આકાંક્ષાઓને અનુરૂપ એક સશક્ત સુરક્ષિત, સમૃધ્ધ અને સર્વ સમાવેશી ભારતતરફ આગળ વધી રહી છે. આ મજલ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની મૂળ ભાવના પર આધારિત છે.

નવા ભારતની આ વિભાવનાકેરળની મહાન આધ્યાત્મિકવિભૂતિ, સમાજ સુધારક અને કવિ શ્રી નારાયણ ગુરૂનાઆ સદ્દવિચારો ઉપર આધારિત છે :

जाति-भेदम मत-द्वेषम एदुमइल्लादे सर्वरुम

       सोदरत्वेन वाड़ुन्न मात्रुकास्थान मानित

આનો અર્થએવો થાય છે કે જ્યાં જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઈને તમામ લોકો ભાઈ- ભાઈ બનીને રહે છે તે એક આદર્શસ્થાન છે.

  1. ત્રણ સપ્તાહ પહેલાં, 30મી મેના રોજ શપથ લેવાની સાથે જ સરકાર એક નવા ભારતના નિર્માણની તરફ વધુ તેજી સાથેજોડાઈ ગઈ છે, એક એવા નવા ભારતમાટે કે:

-જ્યાં દરેક વ્યક્તિને આગળ ધપવાની સમાન તકો ઉપલબ્ધ છે.

-જ્યાં ભાઈચારો અને સમરસતા તમામ દેશવાસીઓને એકબીજા સાથેજોડતી હોય.

-જ્યાં આદર્શ અને મૂલ્યોનો આપણો પાયો વધુ મજબૂતબન્યો હોય અને

-જ્યાં વિકાસનો લાભદરેક ક્ષેત્ર અને સમાજની છેલ્લી હરોળમાં ઉભેલા વ્યક્તિ સુધી પહોંચતો હોય.

એક નવુ ભારત, ગુરૂ દેવ રવીન્દ્ર નાથ ટાગોરના આદર્શ ભારતના એવા સ્વરૂપ તરફ આગળ વધશે કે જ્યાં લોકોનું મન ભયમુક્ત હોય અને આત્મ સન્માનથી તેમનું મસ્તક ઉંચુ રહે. ગુરૂ દેવના શબ્દોમાં જ કહીએ તો:

             “चित्तो जेथा भय-शून्नो, उच्चो जेथा शिर

માનનીય સભ્યગણ,

  1. દરેક ભારતવાસી માટે એ ગૌરવનો વિષય છે કે જ્યારે વર્ષ 2022માં આપણો દેશ આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરશે ત્યારે આપણે નવા ભારતના નિર્માણનાં અનેક રાષ્ટ્રીય ધ્યેયહાંસલ કરી ચૂક્યા હોઈશું. નવા ભારતના સુવર્ણમય ભવિષ્યના પંથને પ્રશસ્ત કરવાનો મારી સરકારનો સંકલ્પ છે :
  • નૂતન ભારતના આ પથ ઉપર ગ્રામ્ય ભારત મજબૂત થશે અને શહેરી ભારત પણ સશક્ત બનશે,
  • નવા ભારતના આ પથ ઉપર ઉદ્યમી ભારતને નવી ઉંચાઈઓ હાંસલ થશે અને યુવા ભારતનાં સપનાં પણ પૂરાં થશે.
  • નવા ભારતના આ પથ ઉપર તમામ વ્યવસ્થાઓ પારદર્શક હશેઅને ઈમાનદાર દેશવાસીઓની પ્રતિષ્ઠામાં વધુ વધારો થશે
  • નવા ભારતના આ પથ ઉપર 21મી સદી માટે માળખાગત સુવિધાઓ તૈયાર થશે અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે તમામ સાધનો પૂરાં પાડવામાં આવશે.

આ સંકલ્પોના સંદર્ભમાં 21 દિવસના ટૂંકા ગાળામાં જ મારી સરકારે ઝડપભેર ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ તથા સમાજના અન્ય વર્ગોના કલ્યાણના હેતુથીઘણા બધા નિર્ણયો લીધા છે અને તેનો અમલ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. સાથે સાથે ઘણા નવા કાયદા બનાવવાની દિશામાં પણ પહેલ કરવામાં આવી છે.

 

  1. ખેડૂત કે જે આપણો અન્નદાતા છે, તેના સન્માન માટેની રકમની મર્યાદા વધારીનેહવેપ્રધાનમંત્રી કિસાનસન્માન નિધિને દેશનાદરેક ખેડૂત માટે ઉપલબ્ધકરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાના ખેતરમાં દિવસ અને રાત કામ કરનારા મારા ખેડૂતભાઈઓ અને બહેનો 60 વર્ષની ઉંમર પછી પણ સન્માનજનક જીવન વિતાવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂતો સાથે જોડાયેલી પેન્શન યોજનાનો પણ સ્વીકારકરવામાં આવ્યો છે.
  2. પશુ ધન ખેડૂતો માટે ખૂબ જ મૂલ્યવાન હોય છે. જાનવરો સાથે જોડાયેલી બિમારીઓના ઈલાજમાં તેમના ઘણા પૈસા ખર્ચાઈ જાય છે. આ ખર્ચને ઓછો કરવા માટે મારી સરકારે રૂ.13 હજાર કરોડની રકમવડે એક નવી યોજના શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
  3. પહેલી વખત જ કોઈ સરકારે નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા તરફ ધ્યાન આપ્યું છે. કેબિનેટની પ્રથમ બેઠકમાં જ નાના દુકાનદારો અને છૂટક વેપારીઓ માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભદેશનાલગભગ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.
  4. પોતાની દરેક ખુશી, દરેક સુખ, દરેક તહેવારને ત્યાગીને દેશવાસીઓની સુરક્ષા માટે પોતાને સમર્પિત કરી દેનારા જવાનો માટેની પણ આપણી ફરજ બની રહે છે.આ જવાનો કે જે સરહદ ઉપર ઝઝૂમતા રહે છે અને જેમના કારણે તમામ દેશવાસીઓ નિશ્ચિત રહી શકે છે, તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની પણ આપણી જવાબદારી છે. આવી ભાવનાથી પ્રેરાઈને નેશનલ ડિફેન્સ ફંડ વડે વીર જવાનોના બાળકોને મળનારી શિષ્યવૃત્તિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં પ્રથમ વખત રાજ્યની પોલીસજવાનોના દિકરા-દિકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

માનનીય સભ્યગણ,

  1. 21મી સદીના સૌથી મોટા પડકારોમાંથી એક છે- વધતું જતું જળસંકટ. આપણાં દેશમાં જળ સુરક્ષાની પરંપરાગત અને અસરકારક વ્યવસ્થાઓ સમયની સાથે સાથે લુપ્ત થતી જાય છે. તળાવો અને ઝરણાંઓ ઉપર ઘર બની ગયા છે અને જળસ્રોતો લુપ્ત થવાના કારણે ગરીબો ઉપર પાણીનું સંકટ વધતું જાય છે. જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરના કારણે આગામી સમયમાં જળ સંકટ વધુ ગંભીર બનવાની આશંકા છે. આજના સમયની માંગ એ છે કે જે રીતે દેશમાં સ્વચ્છ ભારત અભિયાનમાટે ગંભીરતા દર્શાવવામાં આવી હતી, તેવી ગંભીરતા તેવી જ ગંભીરતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ના વિષયે પણ દેખાડવા પડશે.

 

  1. આપણે આપણાં બાળકો અને આવનારી તમામ પેઢીઓ માટે પાણી બચાવવું જ પડશે. નવા જળશક્તિ મંત્રાલયની રચના એ આ દિશાનું એક નિર્ણાયક કદમ છે અનેતેનાથી દૂરગામી લાભ થશે. આ નવા મંત્રાલયના માધ્યમથી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન સાથે જોડાયેલી વ્યવસ્થાઓને પણ વધુને વધુ અસરકારક બનાવવામાં આવશે.
  2. મારી સરકાર દુષ્કાળની ઝપટમાં આવેલા વિસ્તારોની સમસ્યાઓ માટે સંપૂર્ણપણે સજાગ છે અને અસર પામતા દરેક દેશવાસીની સાથે ઉભી રહી છે. રાજ્ય સરકારો અને ગામના સ્તરે સરપંચોના સહયોગથી એવી બાબત નિશ્ચિત કરવામાં આવી રહી છે કે પીવાના પાણીની ઓછામાં ઓછી તકલીફ પડે અને ખેડૂતોને મદદ મળી શકે.
  3. સહકારી ફેડરાલિઝમની વ્યવસ્થા અને ભાવનાઓને નિરંતર મજબૂત બનાવવા માટે મારી સરકાર રાષ્ટ્રીય ઉદ્દેશો હાંસલ કરવા માટે રાજ્યોને સાથે લઈને ચાલી રહી છે. ગયા સપ્તાહે મુખ્ય મંત્રીઓની સાથે વિકાસના મહત્વના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તથા કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુધારા માટે મુખ્યમંત્રીઓની સાથે મળીનેએક સમિતિરચવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

માનનીય સભ્યગણ,

  1. મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થાના આધાર થકી જ સશક્ત રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનું નિર્માણ શક્ય બની શકે છે. આપણાં ખેડૂતો, ગ્રામ અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ છે. રાજ્યોને ખેતીના વિકાસમાં પૂરી મદદ મળે, તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
  2. ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા માટે મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો કરવા માટે આવનારા વર્ષોમાં રૂ.25 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
  3. વર્ષ 2022 સુધીમાં દેશમાં ખેડૂતોની આવક બે ગણી થઈ જશે. તેના માટે વિતેલા 5 વર્ષ  દરમિયાન અનેક પગલાં લેવામાં આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય હોય કે ફૂડ પ્રોસેસીંગમાં 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મંજૂરી આપવાની વાત હોય કે પછી દાયકાઓથી અધૂરી પડેલી યોજનાઓને પૂરી કરવાનું કામ હોય કે પછી ફસલ વીમા યોજનાનું વિસ્તરણ, સોઈલ હેલ્થ કાર્ડ હોય કે પછી યુરિયાનું 100 ટકા નીમ કોટીંગ હોય, મારી સરકારે ખેડૂતો માટે આવી નાની નાની જરૂરિયાતોને સમજીને અનેક નિર્ણયો કર્યા છે. સરકારે ખેતીની નીતિને ઉત્પાદનલક્ષી રાખવાની સાથે સાથે આવક કેન્દ્રિત પણ બનાવી છે.
  4. આવા પ્રયાસોની એક મહત્વપૂર્ણકડી છે- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. તેના મારફતે માત્ર ત્રણ મહિનામાં જ રૂ. 22 કરોડથી વધુ રકમ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી છે. તમામ ખેડૂતોને આ યોજનાના વ્યાપ હેઠળ લાવ્યા પછી હવે આ યોજનામાં દર વર્ષે લગભગ રૂ. 90 હજાર કરોડનો ખર્ચ થવાની ધારણા છે.
  5. કૃષિ પેદાશોના સંગ્રહની વ્યવસ્થા પ્રાપ્ત થવાથી ખેડૂતોની આર્થિક સુરક્ષાને બળ પ્રાપ્ત થાય છે. હવે ગ્રામીણ ભંડારણ (સંગ્રહ) યોજનાના માધ્યમથી ખેડૂતોને પોતાના ગામની નજીક જ સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
  6. કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો લાભ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મળી રહ્યો છે. ખેતીના અન્ય ક્ષેત્રોમાં પણ ખેડૂતોને લાભ મળી રહે તે માટે 10 હજાર નવા કિસાન ઉત્પાદક સંઘ બનાવવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.
  7. આજે ભારત મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આપણાં દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કરવાની ક્ષમતા છે. દરિયાઈ માછલી ઉદ્યોગ તથા આંતરિક મત્સ્ય ઉછેર દ્વારા ખેડૂતોની આવકમાં વૃદ્ધિકરવાની ભારે સંભાવના છે. એટલામાટે સરકાર બ્લૂ રિવોલ્યુશન એટલે કે વાદળીક્રાંતિ માટે કટિબધ્ધ છે. મત્સ્ય ઉછેરના સમગ્ર વિકાસ માટે એક અલગ વિભાગની રચના કરવામાં આવી છે. આ રીત મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ વિકસીત કરવા માટે એક ખાસ ફંડની રચના કરવામાં આવી છે.

માનનીય સભ્યગણ,

  1. દેશના ગરીબ પરિવારોને ગરીબીમાંથી મુક્તિ અપાવીને જ આપણે આપણાં બંધારણિય ધ્યેય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. વિતેલા5 વર્ષ  દરમિયાન દેશમાં ખેડૂતો, મજૂરો, દિવ્યાંગજનો, આદિવાસીઓ અનેમહિલાઓના હિતમાં લાગુ કરવામાં આવેલી યોજનાઓને વ્યાપક સ્તરે સફળતા મળી છે. ગરીબોને સશક્ત બનાવી જ આપણે તેમને ગરીબીના દુષ્ચક્રમાંથી બહાર લાવી શકીએ તેમ છીએ. આટલા માટે સરકારે ગરીબ, વંચિત અને નબળા વર્ગોને આવાસ, આરોગ્ય જેવી જીવનની આવશ્યક સુવિધાઓ, આર્થિક સમાવેશ, શિક્ષણ, કૌશલ્ય તથા સ્વરોજગારના માધ્યમથી તેમને સશક્ત બનાવવાનો માર્ગ અપનાવ્યો છે. આ જ દિન દયાળ ઉપાધ્યાયના અંત્યોદયનું કાર્ય સ્વરૂપ છે.

31. દેશના 112 ‘મહત્વાકાંક્ષી જિલ્લા’ના વિકાસ માટે વ્યાપક સ્તરે કાર્ય થઇ રહ્યું છે. આ જિલ્લાઓમાં દેશના સૌથી પછાત એવા 1 લાખ 15 હજાર ગામડા સામેલ છે. આ ગામડાઓમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ તેમજ માળખાકિય વિકાસથી કરોડો ગરીબ પરિવારોના જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે.

32. ‘જન ધન યોજના’ ના રૂપમાં સૌના આર્થિક સમાવેશનના વિશ્વના સૌથી મોટા અભિયાનની સફળતા પછી, મારી સરકાર બેંકિંગ સેવાઓને દેશવાસીઓના દ્વાર સુધી પહોંચાડવા માટે કામ કરી રહી છે. દેશના ગામે ગામમાં અને પૂર્વોત્તરના દુર્ગમ વિસ્તારોમાં પણ બેંકિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે, ઝડપથી કામ ચાલી રહ્યું છે. ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક’ના માધ્યમથી દેશની લગભગ 1.5 લાખ પોસ્ટ ઓફિસોને બેંકિંગ સેવાઓ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આપણા પોસ્ટમેન સાથીઓ જ હરતી ફરતી બેંક બનીને બેંકિંગ સેવાઓ દરેકના ઘર સુધી પહોંચાડે તેવું અમારું લક્ષ્ય છે.

આદરણીય સભ્યગણ,

33. તબીબી સારવારના ખર્ચથી ગરીબ પરિવારો આર્થિક સંકટમાં ફસાઇ જાય છે. તેમને આ સંકટમાંથી બચાવવા માટે, 50 કરોડ ગરીબોને ‘સ્વાસ્થ્ય સુરક્ષા કવચ’ આપનારી વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજના ‘આયુષ્યમાન ભારત યોજના’નો અમલ કરી દેવામાં આવ્યો છે. તે અંતર્ગત, અત્યાર સુધીમાં લગભગ 26 લાખ ગરીબ દર્દીઓનો હોસ્પિટલમાં ઇલાજ કરવામાં આવ્યો છે. સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 5,300 ‘જન ઔષધી કેન્દ્રો’ પણ ખોલવામાં આવ્યા છે. દૂર અને અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકોને જન ઔષધી કેન્દ્રો દ્વારા સસ્તા દરે દવાઓ મળી શકે તેવો અમારો પ્રયાસ છે.

34. વર્ષ 2022 સુધીમાં તમામ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’ સ્થાપિત કરવાનું અમારું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં અંદાજે, આવા 18,000 કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે.

35. જનજાતીય સમુદાયો પાસેથી આપણા અન્ય દેશવાસીઓ ઘણી બાબતો શીખી શકે છે. પર્યાવરણ અને પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલીમાં રહેતા આદિવાસી ભાઇ-બહેનો વિકાસ અને પરંપરાનું ખૂબ જ સુંદર સંતુલન જાળવી રાખે છે. નવા ભારતમાં, જનજાતીય સમુદાયોના હિતમાં, સમાવેશી અને સંવેદનશીલ વ્યવસ્થાના નિર્માણ માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. જનજાતીય ક્ષેત્રોનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વન્ય વિસ્તારોમાં રહેતા યુવાનોને શિક્ષણથી માંડીને કમાણી સુધી’ની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય પ્રગતિ પર છે. આદિવાસી વસ્તી હોય તેવા વિસ્તારોમાં, બાળકો માટે ‘એકલવ્ય આદર્શ નીવાસી શાળા’નું નિર્માણ થઇ રહ્યું છે. વન ધન કેન્દ્રોના માધ્યમથી વન પેદાશોમાં મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આદરણીય સભ્યગણ,

36. મહિલા સશક્તીકરણ, મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. મહિલાઓ સશક્ત હોય અને સમાજ તેમજ અર્થતંત્રમાં તેમની અસરકારક ભાગીદારી હોય તે એક વિકસિત સમાજનો માપદંડ છે. સરકારની વિચારધારા હંમેશા એવી જ રહી છે કે, માત્ર મહિલાઓનો જ વિકાસ થાય એવું નહીં, બલ્કે મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ થવો જોઇએ. મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, રાજ્યોના સહયોગથી સંખ્યાબંધ અસરકારક પગલા ભરવામાં આવ્યા છે. મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં વધુ આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે અને નવી સજાની જોગવાઇઓનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનથી ભ્રૂણ હત્યામાં ઘટાડો નોંધાયો છે અને દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં લિંગ ગુણત્તોરમાં સુધારો જોવા મળ્યો છે.

37. ઉજ્જવલા યોજના’ દ્વારા ધુમાડાથી મુક્તિ, ‘મિશન ઇન્દ્રધનુષ’ દ્વારા રસીકરણ, ‘સૌભાગ્ય’ યોજના અંતર્ગત વીજળીનું જોડાણ, આ તમામ યોજનાઓનો સર્વાધિક લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત બનેલા ઘરોની નોંધણીમાં પણ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષ દરમિયાન ગામડાઓમાં લગભગ 2 કરોડ નવા ઘરોનું નિર્માણ કરવામાં આવશે.

38. અસંગઠિત ક્ષેત્રની મહિલા શ્રમિકો માટે પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દીન દયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા મિશન’ દ્વારા ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ‘રાષ્ટ્રીય આજીવિકા મિશન’ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મહિલાઓને અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમની લોન આપવામાં આવી છે.

39. દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં મહિલાઓને સમાનરૂપે ભાગીદાર બનાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. ઉદ્યોગ અને કૉર્પોરેટ ક્ષેત્રના સહયોગથી મહિલાઓને રોજગારીની બહેતર તકો અપાવવાના પ્રયાસો કરવામાં આવશે. સાથે-સાથે, સરકારી ખરીદીમાં એવા ઉદ્યમોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં કામ કરનારા કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી નિર્ધારિત સ્તર કરતા વધારે હોય.

40. દેશમાં દરેક બહેન-દીકરીને સમાન અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે ત્રણ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવી કુપ્રથાઓને નાબૂદ કરવી આવશ્યક છે. હું તમામ સભાસદોને અનુરોધ કરું છું કે, આપણી બહેનો અને દીકરીઓનાં જીવનને વધુ સન્માનજનક અને બહેતર બનાવવાના આ પ્રયાસોમાં તમારો પૂરો સહયોગ આપો.

આદરણીય સભ્યગણ,

41. નવા ભારતનાં નિર્માણમાં આપણી યુવા પેઢીની અસરકારક ભાગીદારી હોવી જોઇએ. છેલ્લા પાંચ વર્ષમાં, યુવાનોનાં કૌશલ્ય વિકાસથી માંડીને તેમને સ્ટાર્ટ અપ અને સ્વરોજગાર માટે આર્થિક મદદ આપવા અને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં સીટો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે-સાથે શિષ્યવૃત્તિની રકમમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

42. સરકાર દ્વારા સામાન્ય વર્ગના ગરીબ યુવાનો માટે 10 ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. આનાથી તેમને નોકરીની ભરતી અને શિક્ષણનાં ક્ષેત્રમાં વધુ તકો પ્રાપ્ત થઇ શકશે.

43. સમાજના દરેક વર્ગના યુવાનો તેમનાં સપનાં સાકાર કરી શકે તે માટે સમયસર આર્થિક સ્રોત ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના’નો પ્રભાવ વ્યાપકપણે જોવા મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત, સ્વરોજગાર માટે લગભગ 19 કરોડ લોન આપવામાં આવી છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે 30 કરોડ લોકો સુધી તેનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉદ્યમીઓ માટે કોઇપણ ગેરેન્ટી વગર 50 લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના પણ લાવવામાં આવશે. તે ઉપરાંત અર્થતંત્રને ગતિ આપનારા ક્ષેત્રોમાં યોગ્ય નીતિઓના માધ્યમથી રોજગારની નવી તકો ઉભી કરવામાં આવશે.

44. આજે ભારત દેશ દુનિયામાં સૌથી વધુ સ્ટાર્ટ અપ વાળા દેશમાં સામેલ થઇ ગયો છે. સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને બહેતર બનાવવા માટે, સરકાર નિયમોને હજુ પણ વધુ સરળ બનાવી રહી છે. આ અભિયાનને હજુ પણ વધુ ઝડપી બનાવવામાં આવશે. અમારું લક્ષ્ય છે કે વર્ષ 2024 સુધીમાં દેશમાં 50,000 સ્ટાર્ટ અપ સ્થાપિત થાય.

45. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયાસને વધુ સશક્ત બનાવવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવિત ફાઉન્ડેશન, કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો, વિજ્ઞાન પ્રયોગશાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને ઔદ્યોગિક સંસ્થાનો વચ્ચે સેતુનું કામ કરશે.

46. વિશ્વના ટોચના 500 શૈક્ષણિક સંસ્થાનોમાં ભારત તેમના સંખ્યાબંધ સંસ્થાનને સ્થાન મળી શકે તે માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને સ્વાસ્યત્તતા અને આર્થિક યોગદાન દ્વારા પ્રેરણા આપવામાં આવી રહી છે.

47. મારી સરકાર, દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં બેઠકોની સંખ્યા વર્ષ 2024 સુધીમાં વધારીને દોઢ ગણી કરવા માટે પ્રયાસરત છે. આ પહેલથી યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં વધારાની 2 કરોડ બેઠકો ઉપલબ્ધ થશે.

આદરણીય સભ્યગણ,

48. બાળકોની પ્રતિભાને વધુ નિખારવાની, યોગ્ય તકો આપવાની અને માહોલ બનાવવાની તેમજ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આપણા સૌની છે. આ માટે પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ’ની શરૂઆત કરવામાં આવશે.

49. શાળા સ્તરેથી જ બાળકોમાં ટૅકનોલોજી પ્રત્યે વધુ આકર્ષણ ઉભું કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. અટલ ઇનોવેશન મિશન’ના માધ્યમથી દેશભરની લગભગ 9 હજાર શાળાઓમાં ‘અટલ ટિંકરિંગ લેબ’ની સ્થાપનાનું કાર્ય ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રકારે, 102 યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓમાં ‘અટલ ઇન્ક્યૂબેશન સેન્ટર’ બનાવવામાં આવી રહ્યા છે.

50. વિશ્વ સ્તરે, રમતગમતની સ્પર્ધાઓમાં પ્રભાવશાળી દેખાવથી દેશનું ગૌરવ વધે છે. સાથે-સાથે બાળકો અને યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ પણ વધે છે. આનાથી જીવનમાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની સંસ્કૃતિને પણ બળ મળે છે. ભારતને વિશ્વ સ્તરે રમતગમતમાં મજબૂત બનાવવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓને પારખવા અને પારદર્શક રીતે પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. રાજ્ય અને જિલ્લા સ્તરે, ખેલાડીઓની ઓળખ માટે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ’ને વ્યાપક રૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત, 2,500 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરીને તેમને તાલિમ આપવામાં આવી રહી છે. હવે આવનારા દર વર્ષમાં આ સુવિધા નવા 2,500 ખેલાડીઓને આપવામાં આવશે.

51. દેશના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની સાથે-સાથે તેનું વિસ્તરણ પણ કરવામાં આવશે. આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ખેલાડીએને મળી રહે તે માટે નવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. અમારો પ્રયાસ છે કે રમતજગતમાં ઉચ્ચ વિજય પ્રાપ્ત કરીને આપણા ખેલાડીઓ દેશના ગૌરવમાં વધારો કરે.

આદરણીય સભ્યગણ,

52. દેશવાસીઓનું જીવન વધારે બહેતર બનાવવામાં આર્થિક વિકાસની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આજે ભારત સમગ્ર દુનિયામાં ઝડપથી વિકસિત થઇ રહેલા અર્થતંત્રોમાંથી એક છે. મોંઘવારી દર ઓછો છે, નાણાં ખાધ નિયંત્રણમાં છે, વિદેશી હુંડિયામણનો ભંડાર વધી રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયાનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે.

53. હવે ભારત, GDPની દૃશ્ટિએ દુનિયાનું 5મું સૌથી મોટુ અર્થતંત્ર બનાવા તરફ આગળ વધી રહ્યું છે. વિકાસ દરને ઉચ્ચ સ્તરે ટકાવી રાખવા માટે રિફોર્મ્સ એટલે સુધારાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે. અમારું લક્ષ્ય વર્ષ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું છે.

54. ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી 4.0ને ધ્યાનમાં રાખીને, ટૂંક સમયમાં જ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ના રેંકિંગમાં વર્ષ 2014માં ભારત 142મા સ્થાને હતું. છેલ્લા 5 વર્ષમાં 65 રેન્ક ઉપર આવીને આપણે 77મા સ્થાને પહોંચી ગયા છીએ. હવે વિશ્વના ટોચના 50 દેશોની યાદીમાં આવવાનું અમારું લક્ષ્ય છે. તેના માટે રાજ્યોની સાથે મળીને, નિયમો વધુ સરળ બનાવવાની પ્રક્રિયા વધુ ઝડપી કરવામાં આવશે. આ કડીમાં કંપની કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

55. આર્થિક વિકાસને વધુ ગતિ આપવામાં કર વ્યવસ્થાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હોય છે. કર વ્યવસ્થામાં સતત સુધારાની સાથે-સાથે તેના સરળીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાનો નિર્ણય આ દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

56. આ જ પ્રકારે, અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને પણ સરળ અને અસરકારક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. GST લાગૂ કરવાથી ‘એક દેશ, એક કર, એક બજાર’નો વિચાર સાકાર થયો છે. GST હજુ પણ વધુ સરળ બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

57. નાના વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને મારી સરકારે તેમના માટે નવી પેન્શન યોજના શરૂ કરી છે. હવે ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ’ની રચના કરવામાં આવશે અને છુટક વેપારમાં વધારો કરવા માટે ‘રાષ્ટ્રીય છુટક વ્યાપાર નીતિ’ પણ તૈયાર કરવામાં આવશે. GST હેઠળ નોંધાયેલા તમામ વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

58. MSME ક્ષેત્ર, દેશના અર્થતંત્રનો મજબૂત આધાર છે. રોજગારી નિર્માણમાં આ ક્ષેત્રની ભૂમિકા ખૂબ જ મોટી હોય છે. નાના ઉદ્યમોના વેપારીઓમાં રોકડ નાણાંનો પ્રવાહ જળવાઇ રહે તે માટે સંખ્યાબંધ પગલા ભરવામાં આવ્યા છે. MSME ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને લોન લેવામાં કોઇ સમસ્યા ના આવે તે માટે ક્રેડિટ ગેરેન્ટી કવરેજની મર્યાદા વધારીને 1 લાખ કરોડ રૂપિયા સુધી લઇ જવા માટે કામ ચાલી રહ્યું છે.

આદરણીય સભ્યગણ,

59. સુશાસન સુનિશ્ચિત કરવાથી ભ્રષ્ટાચાર ઘટે છે, નાગરિકોનું આત્મ સન્માન વધે છે અને તેઓ પોતાની પ્રતિભા તેમજ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે.

60. મારી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ Zero Toleranceની પોતાની નીતિ વધુ વ્યાપક અને પ્રભાવી બનાવશે. જાહેર જીવન અને સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું અભિયાન હજુ પણ વેગવાન કરવામાં આવશે. તેના માટે Minimum Government-Maximum Governance પર વધુ ભાર મૂકવામાં આવશે. સાથે-સાથે માનવ હસ્તક્ષેપમાં ઘટાડો લાવવા માટે ટૅકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે. લોકપાલની નિયુક્તિથી પણ પારદર્શકતા સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહેશે.

61. કાળા નાણા વિરુદ્ધ શરુ કરવામાં આવેલ ઝુંબેશને વધુ ઝડપી ગતિએ આગળ વધારવામાં આવશે. ગયા 2 વર્ષમાં, 4 લાખ 25 હજાર નિદેશકોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે અને 3 લાખ 50 હજાર શંકાસ્પદ કંપનીઓની નોંધણી રદ કરવામાં આવી છે.

62. આર્થિક અપરાધ કરીને ભાગી જનારાઓ પર નિયંત્રણ કરવામાં ‘ભાગેડુ અને આર્થિક ગુનેગાર કાયદો’ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. હવે આપણને 146 દેશોમાંથી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે જેમાં સ્વિત્ઝરલૅન્ડ પણ સામેલ છે. તેમાંથી 80 દેશો એવા છે જેની સાથે આપણે ઑટોમેટીક આદાન-પ્રદાન કરવાના કરાર પણ થયેલા છે. જે લોકોએ વિદેશમાં કાળું નાણું એકત્રિત કર્યું છે, હવે આપણને તે બધાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

63. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળા નાણાની લેવડ-દેવડને રોકવા અને ગ્રાહકોના હિતની રક્ષામાં ‘રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ’ એટલે કે રેરાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેનાથી મધ્યમ વર્ગના પરિવારોને ઘણી રાહત મળી રહી છે.

64. ‘નાદારી અને દેવાળિયા સંહિતા’, દેશના સૌથી મોટા અને સૌથી અસરકારક આર્થિક સુધારાઓમાંથી એક છે. આ કોડના અમલમાં આવ્યા બાદ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે બેંકો અને અન્ય નાણકીય સંસ્થાનોની સાડા 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું સમાધાન થયું છે. આ સંહિતાએ બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાનો પાસેથી લીધેલા ધિરાણ ન ચૂકવવાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવ્યો છે.

65. ‘પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ’ અંતર્ગત આજે 400થી વધુ યોજનાઓના પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં જઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન, 7 લાખ ૩૦ હજાર કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી હસ્તાંતરિત કરવામાં આવ્યા છે. ડીબીટીના કારણે અત્યાર સુધી 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચ્યા છે. એટલું જ નહી, લગભગ ૮ કરોડ ખોટા લાભાર્થીઓના નામ દૂર કરવામાં આવ્યા છે. આવનારાસમયમાં ડીબીટીનો વધુ વિસ્તાર કરવામાં આવશે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ કે તેઓ પણ વધુમાં વધુ યોજનાઓમાં ડીબીટીનો ઉપયોગ કરે.

આદરણીય સભ્યગણ,

66. સમૃદ્ધ ભારતના નિર્માણમાં માળખાગત બાંધકામની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. મારી સરકારનો સતત પ્રયાસ છે કે માળખાગત બાંધકામની નિર્માણ ઇકો ફ્રેન્ડલી હોય. ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેની પરિયોજનાઓમાં કોન્ક્રિટની સાથે, હરિયાળીનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે. વીજળીની પૂર્તિ માટે, સૌર ઊર્જાના વધુમાં વધુ ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ઘરો અને ઉદ્યોગોમાંથી નીકળેલા કચરાનો ઉપયોગ માર્ગ નિર્માણમાં થઇ રહ્યો છે.

67. 21મી સદીની અર્થવ્યવસ્થામાં શહેરીકરણની ગતિ અને વ્યાપકતા સતત વધશે. શહેરો અને ઉપનગરોમાં શહેરી માળખાગત બાંધકામનો વિકાસ થવાથી આર્થિક પ્રગતિ અને રોજગારના અવસર વધશે. મારી સરકાર આધુનિક ભારતની માટે દેશના ગામડાઓથી લઈને શહેરો સુધી વિશ્વ સ્તરીય માળખાગત બાંધકામ અને નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યશીલ છે. ખાસ કરીને ઉત્તર પૂર્વ, પહાડી અને આદિવાસી ક્ષેત્રોમાં, સંપર્ક સુધારવા ઉપર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે. ઉત્તર પૂર્વમાં રહેનારા આપણા દેશવાસીઓના જીવન સરળ બનાવવાની સાથે જ વધુ સારા સંપર્કનો લાભ પર્યટન, કૃષિ અને અન્ય ક્ષેત્રોને પણ મળશે. ઉત્તર પૂર્વમાં જૈવિક ખેતીનો પ્રસાર વધે, તેના માટે અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

68. ‘ભારતમાળા પરિયોજના’ અંતર્ગત વર્ષ 2022 સુધી લગભગ 35 હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ અથવા અપગ્રેડેશન કરવામાં આવનાર છે. સાથે જ ‘સાગરમાળા પરિયોજના’ દ્વારા દેશના કિનારાના ક્ષેત્રોમાં બંદરની આસપાસ વધુ સારા માર્ગોની ઝાળ પાથરવામાં આવી રહી છે.

69. સરકાર ધોરીમાર્ગોની સાથે સાથે રેલવે, હવાઈ માર્ગ અને આંતરિક જળમાર્ગના ક્ષેત્રોમાં પણ મોટા પાયે કામ કરી રહી છે. ‘ઉડાન યોજના’ અંતર્ગત દેશના નાના શહેરોને, હવાઈ વાહનવ્યવહાર સાથે જોડાવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

70. શહેરી ટ્રાન્સપોર્ટ માળખાગત બાંધકામ આજની જરૂરિયાતોની સાથે-સાથે ભવિષ્યને માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. માળખાગત બાંધકામની સાથે જ શહેરોમાં પ્રદુષણની સમસ્યાના સમાધાન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. મારી સરકાર એક એવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનું નિર્માણ કરી રહી છે જેમાં ગતિ અને સુરક્ષાની સાથે-સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે. તે માટે જાહેર વાહનવ્યવહારને મજબૂત બનાવવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે. અનેક શહેરોમાં મેટ્રો નેટવર્કના વિસ્તરણમાં ઝડપ લાવવામાં આવી રહી છે. સીમલેસ મોબિલિટીના સપનાને સાચું કરવા માટે ‘એક રાષ્ટ્ર એક કાર્ડ’ની વ્યવસ્થા શરુ કરી દેવામાં આવી છે. એ જ રીતે પ્રદુષણ રહિત વાહનવ્યવહાર માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શહેરોમાં ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું કામ ઝડપી ગતિએ થઇ રહ્યું છે.

71. ગેસ ગ્રીડ અને આઈ વે (I-Way) જેવી અનેક સુવિધાઓના વિકાસના કાર્યોમાં ઝડપ લાવવામાં આવી રહી છે. પીએનજી આધારિત ઘરેલું બળતણ અને સીએનજી આધારિત વાહનવ્યવહાર વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આધુનિક ભારતમાં બાયો ફ્યુઅલના નિર્માણ પર અમારું ખાસ જોર છે. 2014ની પહેલા દેશમાં 67 કરોડ લીટર ઇથેનોલનું બ્લેન્ડિંગ થતું હતું. આ વર્ષે લગભગ 270 કરોડ લીટર ઇથેનોલની બ્લેન્ડિંગ નિર્ધારિત કરવામાં આવી છે. ઇથેનોલની બ્લેન્ડિંગ વધવાથી આપણા ખેડૂતોને લાભ મળશે, પર્યાવરણની રક્ષા થશે અને પેટ્રોલિયમ પદાર્થોની આયાત ઘટવાથી વિદેશી હુંડીયામણની બચત પણ થશે.

આદરણીય સભ્યગણ,

72. મારી સરકાર, ગંગાની ધારાને અવિરલ અને નિર્મળ બનાવવા માટે સમર્પિત ભાવ સાથે લાગેલી છે. હમણા તાજેતરમાં જ જુદી જુદી જગ્યાએથી ગંગામાં જળ જીવન પાછું ફરવાનાજે પ્રમાણ મળ્યા છે, તે ઘણા ઉત્સાહવર્ધક છે. આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ધાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. મારી સરકારે અર્ધકુંભના સફળ આયોજનમાં યોગદાન આપનારા પ્રત્યેક વ્યક્તિને સન્માનિત કરીને તેમનું આત્મગૌરવ વધાર્યું છે.

73. મારી સરકાર‘નમામી ગંગે’ યોજના અંતર્ગત ગંગા નદીમાં પડનારા ગંદા નાળાઓને બંધ કરવાના અભિયાનમાં વધુ ઝડપ લાવશે. સરકારનો પ્રયાસ રહેશે કે ગંગાની જેમ જ કાવેરી, પેરિયાર, નર્મદા, યમુના, મહાનદી અને ગોદાવરી જેવી અન્ય નદીઓને પણ પ્રદુષણ મુક્ત કરવામાં આવે.

74. વન, અન્ય જીવો અને પર્યાવરણના સંરક્ષણની માટે મારી સરકાર પૂરી ગંભીરતા સાથે કામ કરી રહી છે. તાજેતરના વર્ષોમાં વન અને વૃક્ષ આવરણ વિસ્તારમાં 1 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. છેલ્લા પાંચ વર્ષોમાં દેશના સંરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. વર્ષ 2014માં દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી જે હવે વધીને 868 થઇ ગઈ છે. વાયુ પ્રદુષણ સાથે જોડાયેલ પડકારોને જોતા, દેશના 102 શહેરોમાં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ’ શરુ કરવામાં આવ્યો છે.

75. જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોને ઓછા કરવામાં સૌર ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતના સક્રિય પ્રયાસો વડે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનું નિર્માણ થયું છે. આ સંગઠનના માધ્યમથી દુનિયાના વિકાસશીલ દેશોમાં સૌર ઊર્જાના વિકાસમાં ભારત મહત્વનું યોગદાન આપી રહ્યું છે.

આદરણીય સભ્યગણ,

76. સામાન્ય માનવીના જીવનને વધુ સારું બનાવવા માટે, આપત્તિઓની પૂર્વ સુચના આપવા માટે, કુદરતી આપત્તિઓને ઓળખવા માટે, સંચાર માધ્યમોને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા વધારવામાં અંતરીક્ષ ટેકનોલોજીની કેન્દ્રીય ભૂમિકા છે. મારી સરકારનો પ્રયાસ છે કે અંતરીક્ષ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવામાં આવે. રસ્તાઓ હોય, ગરીબોના ઘર હોય, ખેતી હોય, માછીમારોની માટે ઉપયોગી સાધનો હોય, એવી અનેક સુવિધાઓને અંતરીક્ષ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે.

77. અંતરીક્ષ ટેકનોલોજીની સહાયતાથી જળ, જમીન અને આકાશમાં આપણી સુરક્ષા વધુ મજબૂત થઇ છે. હવામાનનું સચોટ અનુમાન કરવાની આપણી તજજ્ઞતા વધી છે. તેનું પ્રમાણ હમણા તાજેતરમાં દેશના પૂર્વીય તટ પર આવેલા ‘ફેની ચક્રવાત’ દરમિયાન જોવા મળ્યું. સમય પર સાચી જાણકારી અને તૈયારીના કારણે મોટા પાયા પર જાનમાલની રક્ષા કરવામાં દેશને સફળતા મળી છે.

78. અંતરીક્ષમાં છુપાયેલા રહસ્યોને જાણવા અને સમજવામાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે પણ ભારત આગળ વધી રહ્યું છે. આપણા વૈજ્ઞાનિકો ‘ચંદ્રયાન – 2’ના પ્રક્ષેપણની તૈયારીમાં લાગેલા છે. ચંદ્ર પર પહોંચનારુ આ ભારતનું પહેલું અંતરીક્ષ યાન હશે. વર્ષ 2022 સુધી ભારતના પોતાના ‘ગગન યાન’માં પહેલા ભારતીયને અવકાશમાં મોકલવાના લક્ષ્યની તરફ પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

79. લોકસભા ચૂંટણી દરમિયાન દેશે અન્ય એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જો કે તેણી એટલી ચર્ચા નથી થઇ શકી, જેટલી થવી જોઈતી હતી. મિશન શક્તિના સફળ પરીક્ષણથી ભારતની અંતરીક્ષ ટેકનોલોજીની ક્ષમતા અને દેશની સુરક્ષા તૈયારીઓમાં નવું પાસું ઉમેરાયું છે. તેની માટે આજે હું, આપણા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરોને ફરીથી અભિનંદન આપું છું.

80. સુરક્ષા ક્ષેત્રમાં ટેકનોલોજીની ભૂમિકા સતત વધી રહી છે. તેના ઉપર ધ્યાન આપતા અવકાશ, સાયબર અને સ્પેશ્યિલ ફોર્સીસને માટે ત્રણ સંયુક્ત સેવા સંસ્થાઓના ગઠન પર કામ ચાલી રહ્યું છે. આ પારસ્પરિક પ્રયાસો વડે દેશની સુરક્ષા મજબૂત થશે.

આદરણીય સભ્યગણ,

81. નવું ભારત, વિશ્વ સમુદાયમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની એક નવી ઓળખ બની છે અને અન્ય દેશોની સાથે આપણા સંબંધો વધુ મજબૂત થયા છે. એ પ્રસન્નતાની વાત છે કે વર્ષ 2022માં ભારત જી-20 શિખર સંમેલનની યજમાની કરશે.

82. 21 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ જાહેર કરવાના ભારતના પ્રસ્તાવને વિશ્વ સમુદાયે વ્યાપક અને ઉત્સાહપૂર્ણ સમર્થન આપ્યું છે. હાલના સમયમાં વિશ્વના અનેક દેશોમાં મોટા ઉત્સાહની સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે જોડાયેલ કાર્યક્રમ ચાલી રહ્યા છે જેના સૌથી મહત્વપૂર્ણ આયોજન, આવતીકાલે 21 જૂનના રોજ કરવામાં આવશે.

83. જળવાયુ પરિવર્તન હોય, આર્થિક અને સાયબર અપરાધ હોય, ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર કાર્યવાહી હોય કે પછી ઊર્જા સુરક્ષા; દરેક મુદ્દા પર ભારતના વિચારોને વિશ્વ સમુદાય સમર્થન આપે છે. આજે આતંકવાદના મુદ્દા પર સંપૂર્ણ વિશ્વ ભારતની સાથે ઉભું છે. દેશમાં મોટા આતંકવાદી હુમલાઓની માટે જવાબદાર મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવો એ તેનું બહુ મોટું પ્રમાણ છે.

84. મારી સરકારની “પહેલો સગો પાડોશી”ની નીતિ દક્ષિણ એશિયા અને નજીકના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાની આપણી વિચારધારાનું પરિણામ છે. આ સમગ્ર ક્ષેત્રની પ્રગતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આ જ કારણ છે કે આ ક્ષેત્રમાં વેપાર, સંપર્ક અને લોકોના લોકો સાથેના જોડાણને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ‘બીમ્સટેક’ દેશો, ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ના અધ્યક્ષ, કિર્ગિસ્તાન અને મોરેશિયસના રાષ્ટ્રઅધ્યક્ષો તેમજ શાસન અધ્યક્ષોનું સામેલ થવું આ જ વિચારધારાને દર્શાવે છે.

85. મારી સરકાર, વિદેશોમાં વસેલા તેમજ ત્યાં કાર્યરત ભારતીયોના હિતની રક્ષા પ્રત્યે પણ સજાગ છે. આજે વિદેશમાં જો કોઈ ભારતીય સંકટમાં ફસાય છે તો તેને તાત્કાલિક મદદ અને રાહતનો ભરોસો હોય છે. પાસપોર્ટથી લઈને વિઝા સુધીની અનેક સેવાઓને સરળ અને સુલભ બનાવવામાં આવી છે.

86. ભારતના દર્શન, સંસ્કૃતિ અને સિદ્ધિઓને મારી સરકારના પ્રયાસો વડે વિશ્વમાં એક વિશેષ ઓળખ મળી છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં આયોજિત થઇ રહેલા, મહાત્મા ગાંધીની 150મી જયંતીના કાર્યક્રમો વડે ભારતના ‘વૈચારિક નૈતૃત્વ’ને પ્રોત્સાહન મળશે. એ જ રીતે ગુરુ નાનકદેવજીની 550મી જયંતીના કાર્યક્રમો વડે પણ ભારતના આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાશે.

આદરણીય સભ્યગણ,

87. નવું ભારત સંવેદનશીલ પણ હશે અને આર્થિક રીતે સમૃદ્ધ પણ. પરંતુ તેની માટે દેશનું સુરક્ષિત હોવું ખૂબ જરૂરી છે. મારી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. એ જ કરણ છે કે આતંકવાદ અને નકસલવાદ સામે લડવા માટે અસરકારક પગલા ભરવામાં આવી રહ્યા છે.

88. સીમા પાર આતંકવાદીઓના ઠેકાણા પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અને પછી પુલવામાં હુમલા બાદ એર સ્ટ્રાઈક કરીને ભારતે પોતાના ઈરાદાઓ અને ક્ષમતાઓને પ્રદર્શિત કર્યા છે. ભવિષ્યમાં પણ પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પગલાઓ ઉઠાવવામાં આવશે.

89. ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયેલા વિદેશી આંતરિક સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે. તેનાથી દેશના અનેક ક્ષેત્રોમાં સામાજિક અસંતુલનની સમસ્યા પણ ઉત્પન્ન થઇ રહી છે. તેણી સાથે જ આજીવિકાના અવસરો પર પણ ભારે દબાણ અનુભવાઈ રહ્યું છે. મારી સરકારે એ નક્કી કર્યું છે કે ઘુસણખોરીની સમસ્યા સામે લડી રહેલા ક્ષેત્રોમાં ‘નેશનલ રજીસ્ટર ઑફ સિટીઝન’ની પ્રક્રિયાને પ્રાથમિકતાના આધાર પર અમલમાં લાવવામાં આવશે. ઘુસણખોરીને રોકવા માટે સીમાપર સુરક્ષાને વધુ સશક્ત બનાવવામાં આવશે.

90. સરકાર જ્યાં ઘુસણખોરોની ઓળખ કરી રહી છે ત્યાં જ આસ્થાના આધાર પર શોષણનો શિકાર બનેલા પરિવારોની સુરક્ષા માટે પણ કટિબદ્ધ છે. તેની માટે ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઓળખને યોગ્ય સંરક્ષણ આપતા નાગરિકતા કાયદામાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

91. મારી સરકાર જમ્મુ કશ્મિરના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ આપવા માટે, સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રયાસ કરી રહી છે. ત્યાં આગળ સ્થાનિક એકમોના શાંતિપૂર્ણ ચૂંટણી અને હમણા તાજેતરમાં જ સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીથી આપણા આ પ્રયાસોને બળ મળ્યું છે મારી સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ માટે જરૂરી દરેક પગલા લેવા માટે કટિબદ્ધ છે.

92. મારી સરકાર દેશને નકસલવાદથી મુક્તિ અપાવવા માટે પણ સંકલ્પબદ્ધ થઇને કામ કરી રહી છે. આ દિશામાં છેલ્લા 5 વર્ષમાં ઘણી સફળતા મળી છે. નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની સીમા સતત ઘટી રહી છે. આવનારા વર્ષમાં આ ક્ષેત્રોમાં વિકાસના કાર્યક્રમોમાં વધુ ઝડપ લાવવામાં આવશે જેનાથી ત્યાં રહેનારા આદિવાસી ભાઈ બહેનો લાભાન્વિત થશે.

આદરણીય સભ્યગણ,

93. મારી સરકાર સેના અને સશસ્ત્ર દળોના આધુનીકરણના કામને ઝડપથી આગળ વધારી રહી છે. નજીકના ભવિષ્યમાં જ ભારતને પહેલું ‘રફેલ’ લડાયક વિમાન અને ‘અપાચે’ હેલીકોપ્ટર પણ મળવા જઈ રહ્યું છે.

94. સરકાર દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અંતર્ગત આધુનિક અસ્ત્ર શસ્ત્ર બનાવવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે. આધુનિક રાઈફલથી લઈને તોપ, ટેંક અને લડાયક જહાજ સુધી ભારતમાં બનાવવાની નીતિને સફળતા સાથે આગળ વધારવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બની રહેલા ‘ડિફેન્સ કોરીડોર’ આ મિશનને વધુ મજબૂતી પ્રદાન કરશે. પોતાની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરતા સુરક્ષા સાધનોના નિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

95. સૈનિકો અને શહીદોનું સન્માન કરવાથી સૈનિકોમાં આત્મ ગૌરવ અને ઉત્સાહ વધે છે તેમજ આપણી સૈન્ય ક્ષમતા મજબૂત થાય છે. એટલા માટે સૈનિકો અને તેમના પરિવારજનોને ધ્યાનમાં રાખીને દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘વન રેન્ક વન પેન્શન’ના માધ્યમથી પૂર્વ સૈનિકોના પેન્શનમાં વધારો કરીને તેમજ તેમની સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર કરીને તેમના જીવનને વધુ સારું બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

96. આઝાદીના સાત દાયકાઓ પછી મારી સરકાર દ્વારા દિલ્હીમાં ઇન્ડિયા ગેટની નજીક બનાવવામાં આવેલ ‘નેશનલ વોર મેમોરીયલ– રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ શહીદો પ્રત્યે કૃતજ્ઞરાષ્ટ્રની વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. એ જ રીતે દેશની સુરક્ષામાં શહીદ થનારા આપણા પોલીસ દળના જવાનોની સ્મૃતિમાં મારી સરકારે ‘નેશનલ પોલીસ મેમોરીયલ’નું નિર્માણ પણ કર્યું છે.

આદરણીય સભ્યગણ,

97. રાષ્ટ્ર નિર્માણના પથ પર, ઈતિહાસ પાસેથી મળેલી પ્રેરણા, ભવિષ્યના આપણા માર્ગને વધુ પ્રશસ્ત કરે છે. તેણી માટે રાષ્ટ્ર નિર્માતાઓની સ્મૃતિને કૃતજ્ઞતા પૂર્વક સંભાળીને રાખવી એ પણ આપણી જવાબદારી છે. છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાં અનેક એવા કાર્યો થયા છે. પૂજ્ય બાપુ અને ઐતિહાસિક દાંડી માર્ચના સન્માનમાં ‘દાંડી મ્યૂઝિયમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. લોહ પુરુષ સરદાર પટેલની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની સ્થાપના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજના અન્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતા, દિલ્હીના લાલ કિલ્લામાં ‘ક્રાંતિ મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ સ્થળ, દિલ્હીના 26 અલીપુર રોડને નેશનલ મેમોરીયલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશના તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓના યોગદાનને સન્માન આપતા દિલ્હીમાં એક મ્યૂઝિયમનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.

98. મારી સરકાર સરદાર પટેલની પ્રેરણાથી, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. તેણી માટે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ અને પ્રાદેશિક અપેક્ષાઓને મહત્વ આપવું જરૂરી છે. તેના માટે સંવાદ અને સહયોગની દરેક સંભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ની ભાવના પર ચાલી રહેલી મારી સરકારનો પ્રયાસ છે કે ભારતની પ્રગતિ યાત્રામાં કોઇપણ દેશવાસી છૂટી ન જાય.

આદરણીય સભ્યગણ,

99. ભારતને લાંબા સમય સુધી ગુલામીના સમયગાળામાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ તે સંપૂર્ણ કાર્યકાળમાં દેશમાં ક્યાંક ને ક્યાંક ભારતવાસી આઝાદી માટે સંઘર્ષ કરતા રહેતા હતા. આઝાદીની ચાહત અને તેની માટે બલિદાન આપવાની લલક ક્યારેય ઝાંખી નહોતી પડી. સ્વાધીનતાની આ જ મહેચ્છાએ વર્ષ 1942માં ‘ભારત છોડો આંદોલન’નું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે સમગ્ર દેશે એ નક્કી કરી લીધું હતું કે આઝાદી પ્રાપ્ત કરવી જ છે અને તે પ્રયાસમાં પોતાના પ્રાણ સુદ્ધા ન્યોછાવર કરી દેવા છે. તે સમયે દરેક દેશવાસી જે કઈ પણ કરી રહ્યો હતો તે સ્વાધીનતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપવાની ભાવના સાથે કરી રહ્યો હતો. એ જ જનભાવનાની શક્તિ વડે આપણે 1947માં આઝાદી પ્રાપ્ત કરી હતી.

100. આજે આપણે સૌ, એક વાર ફરી, ઈતિહાસ રચવાના વળાંક પર ઉભા છીએ. આપણે નવા યુગની શરૂઆત માટે એક નવું આંદોલન છેડવા માટે તત્પર છીએ. આપણા આજના સંકલ્પ એ નિર્ધારિત કરશે કે વર્ષ 2047માં જ્યારે આપણે આપણી સ્વાધીનતાની શતાબ્દી ઉજવીશું ત્યારે આપણા દેશનું સ્વરૂપ કેવું હશે.

101. આજે આપણા દેશની પાસે સ્વતંત્રતા પછીની લગભગ 72 વર્ષની યાત્રાના અનુભવો છે. તે અનુભવોમાંથી શિક્ષા લઈને જ દેશ આગળ વધી રહ્યો છે. આપણે સૌએ આ સંકલ્પની સાથે જ આગળ વધવાનું છે કે વર્ષ 2022માં જ્યારે આપણે સ્વાધીનતાની 75મી વર્ષગાંઠ ઉજવીએ ત્યારે નવા ભારતની આપણી પરિકલ્પના સાકાર રૂપ લઇ ચૂકી હશે. એ જ રીતે આઝાદીના 75માં વર્ષના નવા ભારતમાં;

- ખેડૂતની આવક બમણી હશે;

- દરેક ગરીબના માથે પાકી છત હશે.

- દરેક ગરીબની પાસે સ્વચ્છ બળતણની સુવિધા હશે’

- દરેક ગરીબની પાસે વીજળીનું જોડાણ હશે;

- દરેક ગરીબ ખુલ્લામાં શૌચક્રિયાની મજબૂરીથી મુક્ત થઇ ચૂક્યો હશે;

- દરેક ગરીબની પહોંચમાં તબિબિ સુવિધાઓ હશે;

- દેશનું દરેક ગામ, માર્ગ સંપર્ક સાથે જોડાયેલ હશે;

- ગંગાની ધારા અવિરલ અને નિર્મળ હશે;

- રાજ્યોના સહયોગથી આપણે 5 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા બનવાના લક્ષ્યની નજીક હોઈશું.;

- આપણે વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ અગ્રેસર હોઈશું.

- ભારતીય સંસાધનોના જોર પર કોઈ દેશવાસી અંતરીક્ષમાં તિરંગો લહેરાવશે અને;

- આપણે એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસની સાથે વિશ્વના વિકાસને નેતૃત્વ આપવા માટે પગલા ભરીશું.

આદરણીય સભ્યગણ,

102. જનતા અને સરકારની વચ્ચેના અંતરને દૂર કરતા, જન ભાગીદારી પર ભાર મુકવામાં આવે તો સરકારની યોજનાઓને દેશવાસી જન આંદોલનનું રૂપ આપી દે છે. મોટા રાષ્ટ્રીય લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની આ જ પદ્ધતિ છે. આ જ માર્ગ પર ચાલવાથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાથી લઈને ‘સ્વચ્છ ભારત અભિયાને’ જન આંદોલનનું રૂપ પ્રાપ્ત કર્યું. જન ભાગીદારીની આ જ શક્તિ વડે આપણે નવા ભારતના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરીશું.

આદરણીય સભ્યગણ,

103. મારી સરકારનું માનવું છે કે બધા રાજનૈતિક દળ, બધા જ રાજ્યો અને 130 કરોડ દેશવાસી, ભારતના સમગ્ર અને ત્વરિત વિકાસ માટે એકમત છે. આપણા જીવંત લોકતંત્રમાં પુરતી પરિપક્વતા આવી ગઈ છે. પાછલા કેટલાક દાયકાઓ દરમિયાન દેશના કોઈ ને કોઈ ખૂણામાં અવારનવાર કોઈ ને કોઈ ચૂંટણી આયોજિત થતી રહેવાથી વિકાસની ગતિ અને નિરંતરતા અસરગ્રસ્ત થતી રહે છે. આપણા દેશવાસીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ નિર્ણય વ્યક્ત કરીને વિવેક અને સમજદારીનું પ્રદર્શન કર્યું છે. આજે સમયની માંગ છે કે ‘એક રાષ્ટ્ર–એક સાથે ચૂંટણી’ની વ્યવસ્થા લાવવામાં આવે જેથી દેશનો વિકાસ ઝડપથી થઇ શકે અને દેશવાસી લાભાન્વિત થાય. એવી વ્યવસ્થા થવા બદલ તમામ રાજનૈતિક પક્ષો પોતાની વિચારધારા અનુસાર વિકાસ અને જન કલ્યાણના કાર્યોમાં પોતાની ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકશે. આથી હું તમામ સાંસદોનું આહ્વાહન કરું છું કે તેઓ ‘એક રાષ્ટ્ર–એક સાથે ચૂંટણી’ના વિકાસોન્મુખ પ્રસ્તાવ પર ગંભીરતાપૂર્વક વિચાર કરે.

આદરણીય સભ્યગણ,

104. આ જ વર્ષે, આપણા બંધારણને અંગીકૃત કરવાના 70 વર્ષ પણ પૂરા થઇ રહ્યા છે. સંસદના રૂપમાં આપ સૌએ ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે પોતાના કર્તવ્યોના વહન કરવાના શપથ લીધા છે. આપણા સૌની માટે બંધારણ સર્વોપરી છે. આપણા બંધારણના પ્રમુખ શિલ્પી બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે દેશના સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે બંધારણને માન્ય પદ્ધતિઓ જ ઉપયોગમાં લાવવી જોઈએ.

105. આપનું બંધારણ, દેશના સમગ્ર નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય; સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિની ગરિમા તેમજ બંધુતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરે છે.

106. મને વિશ્વાસ છે કે રાજ્યસભા અને લોકસભાના આપ સૌ સભ્યગણ, સાંસદના રૂપમાં પોતાના કર્તવ્યોને સુપેરે નિભાવતા બંધારણના આદર્શોને પ્રાપ્ત કરવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપશે. એ જ રીતે આપ સૌ નવા ભારતના નિર્માણમાં પોતાની પ્રભાવી ભૂમિકા નીભાવશો.

107. જન પ્રતિનિધિ તથા દેશના નાગરિક તરીકે આપણે સૌએ આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપવી જોઇશે. ત્યારે દેશવાસીઓને આપણે નાગરિક કર્તવ્યોના પાલનની પ્રેરણા આપી શકીશું.

108. આપ સૌ સાંસદોને મારી સલાહ છે કે તમે ગાંધીજીના મૂળ મંત્રોને હંમેશા યાદ રાખો. ગાંધીજીએ કહ્યું હતું કે આપનો દરેક નિર્ણય એ વાત પર નિર્ભર હોવો જોઈએ કે તેનો પ્રભાવ સમાજના સૌથી ગરીબ અને નબળા વ્યક્તિ પર કેવો પડશે. તમે પણ તે મતદાતાને યાદ રાખો જે પોતાનું બધું જ કામ છોડીને, બધી જ મુશ્કેલીઓની વચ્ચે, મત આપવા નીકળ્યો, મતદાન મથક સુધી ગયો અને મતદાન કરીને દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. તેની આકાંક્ષાઓને પૂરી કરવી એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

109. હું આપ સૌને આગામી પાંચ વર્ષો દરમિયાન ભારતના નવ નિર્માણની માટે પોતાની જાતને સમર્પિત કરવા તેમજ પોતાના કર્તવ્યોને પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનું આહ્વાન કરતા, આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

જય હિન્દ!

J. Khunt/RP

 


(Release ID: 1575094) Visitor Counter : 2728