પ્રધાનમંત્રીનું કાર્યાલય

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક ઉદબોધન


પ્રધાનમંત્રી: નીતિ આયોગ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનો મંત્ર પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

પ્રધાનમંત્રીઃ વર્ષ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક છે, જે પડકારજનક છે, પણ રાજ્ય
સરકારોનાં સહિયારા પ્રયાસોથી હાંસલ કરી શકાય એમ છે

પ્રધાનમંત્રીઃ આવક અને રોજગારી વધારવા નિકાસ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ છે; રાજ્ય સરકારોએ નિકાસનાં સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

પ્રધાનમંત્રીઃ નવરચિત જળ શક્તિ મંત્રાલય પાણી માટે સંપૂર્ણ અભિગમ પ્રદાન કરવામાં મદદ કરશે; રાજ્ય સરકારો જળસંચય અને એનાં વ્યવસ્થાપન તરફ વિવિધ પ્રયાસોનું સંકલન પણ કરી શકે

પ્રધાનમંત્રી: હવે આપણે પર્ફોર્મન્સ (કામગીરી), ટ્રાન્સપરન્સી (પારદર્શકતા) અને ડિલિવરી (કામગીરી પહોંચાડવા)ની લાક્ષણિકતા ધરાવતી વહીવટી વ્યવસ્થા તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ

Posted On: 15 JUN 2019 3:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનનાં સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલનાં પાંચમી બેઠકમાં પ્રારંભિક ઉદબોધન કર્યું હતુ.

જમ્મુ એન્ડ કાશ્મીરનાં રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ, આંદમાન અને નિકોબાર ટાપુઓનાં લેફ્ટનન્ટ ગવર્નર તથા અન્ય પ્રતિનિધિમંડળોને આવકાર આપતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, નીતિ આયોગ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનાં મંત્ર પૂર્ણ કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દુનિયાની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયાની કવાયત તરીકે તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, અત્યારે દરેક માટે ભારતનાં વિકાસ માટે કામ કરવાનો છે. તેમણે ગરીબી, બેરોજગારી, દુષ્કાળ, પૂર, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને હિંસા વગેરે સામે સંયુક્તપણે લડાઈ લડવા વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, આ પ્લેટફોર્મ પર દરેક વર્ષ 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા માટેનાં સામાન્ય લક્ષ્યાંકો ધરાવે છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો લક્ષ્યાંકોને સંયુક્તપણે પૂર્ણ કરી શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, દરેક અને તમામ ભારતીયોને અધિકારો અને સરળ જીવન પ્રદાન કરવું પડશે. તેમણે કહ્યું હતુ કે, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ માટે નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકો 2જી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા પડશે અને દેશની આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરવાનાં વર્ષ 2022 માટે નક્કી કરેલા લક્ષ્યાંકો પર વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવી પડશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સહિયારી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ભારતને વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પડકારજનક છે, પણ ચોક્કસ એને હાંસલ કરી શકાશે. તેમણે કહ્યું હતુ કે,રાજ્યોએ પોતાની મુખ્ય ક્ષમતાને ઓળખવી જોઈએ અને જિલ્લા સ્તરેથી જીડીપીનાં લક્ષ્યાંકો વધારવા કામ કરવું જોઈએ.

વિકાસશીલ દેશોની પ્રગતિમાં નિકાસ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ પાસું છે એવો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો એમ બંનેએ માથાદીઠ આવક વધારવા માટે નિકાસમાં વૃદ્ધિ થાય એ દિશામાં કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતુ કે, ઉત્તર પૂર્વનાં રાજ્યો સહિત દેશનાં કેટલાક રાજ્યોમાં નિકાસની ઘણી સંભવિતતા રહેલી છે અને તેના પર ધ્યાન આપવામાં આવ્યું જ નથી. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્ય સ્તરે નિકાસને વેગ આપવા પર ભાર મૂકવાથી આવક અને રોજગારી એમ બંનેને પ્રોત્સાહન મળશે.

જીવન માટે જળને આવશ્યક તત્ત્વ ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, પાણીનાં સંચયનાં અપર્યાપ્ત પ્રયાસોનાં માઠા પરિણામો ગરીબોને ભોગવવા પડે છે. તેમણે જણાવ્યું હતુ કે, નવેસરથી રચવામાં આવેલું જલ શક્તિ મંત્રાલય પાણી પ્રત્યે સંપૂર્ણ અભિગમ ઊભો કરવામાં મદદરૂપ થશે. તેમણે રાજ્યોને જળસંચય અને તેના વ્યવસ્થાપન માટે તેમનાં પ્રયાસોને સંકલિત કરવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, પાણીનાં ઉપલબ્ધ સંસાધનોનું વ્યવસ્થાપન આવશ્યક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરમાં પાઇપલાઇન મારફતે પાણી પ્રદાન કરવાનો ઉદ્દેશ છે. તેમણે કહ્યું હતુ કે, જળસંચય પર ધ્યાન આપવું પડશે અને પાણીનાં સ્તર વધારવા પડશે. તેમણે કેટલાંક રાજ્યોએ જળસંચય અને વ્યવસ્થાપનની દિશામાં કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જળસંચય અને વ્યવસ્થાપન માટે મોડલ બિલ્ડિંગનાં પેટાકાયદાઓ જેવા નિયમો અને નિયમનો બનાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતુ કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જિલ્લા સિંચાઈ યોજનાઓનો કાળજીપૂર્વક અમલ થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા અસરકારક પગલાં લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, પાણીની બુંદદીઠ વધારે ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતા પરભાર મૂકીને તેમણે કહ્યું હતુ કે, આ માટે મત્સ્યપાલન, પશુપાલન, બાગાયતી કામ, ફળફળાદિ અને શાકભાજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતુ કે, પીએમ-કિસાન – કિસાન સમ્માન નિધિ અને ખેડૂત કેન્દ્રિત અન્ય યોજનાઓનાં લાભો નિયત સમયમર્યાદામાં ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા પડશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુધારાની જરૂર છે. પ્રધાનમંત્રીએ કૉર્પોરેટ રોકાણને પ્રોત્સાહન આપવાની, લોજિસ્ટિક્સને મજબૂત કરવાની અને બજારને શક્ય તેટલો વધારે ટેકો આપવાની જરૂરિયાત પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, અનાજનાં ઉત્પાદનમાં વૃદ્ધિ કરતાં વધારે ઝડપથી ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રનો વિકાસ કરવો પડશે.

પ્રધાનમંત્રીએ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ પર કહ્યું હતુ કે, આપણે સુશાસનપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે જણાવ્યું હતુ કે, કેટલાંક મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં શાસનમાં સુધારાથી નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કેટલાંક ઉદાહરણો ટાંકીને કહ્યું હતુ કે, આ જિલ્લાઓમાંથી કેટલાંક જિલ્લાઓમાં નવા વિચારો અને નવીન સેવાઓનો અમલ થયો છે, જેનાં પરિણામે ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, ઘણાં મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ નક્સલવાદી હિંસાથી પીડિત છે. તેમણે જણાવ્યું હતુ કે, અત્યારે નક્સલવાદી હિંસા સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં છે. તેમણે કહ્યું હતુ કે, જ્યારે વિકાસલક્ષી પ્રક્રિયાઓ ઝડપથી આગળ વધી રહી છે અને સંતુલિત રીતે અગ્રેસર છે, ત્યારે હિંસાનો સામનો મક્કમપણે કરવો પડશે.

પ્રધાનમંત્રી આરોગ્ય ક્ષેત્ર પર જણાવ્યું હતુ કે, વર્ષ 2022 સુધીમાં હાંસલ થાય એવા કેટલાંક લક્ષ્યાંકો ધ્યાનામાં રાખવા જોઈએ. તેમણે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનાં લક્ષ્યાંકનો ઉલ્લેખ પણ કર્યોહતો. પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો અત્યાર સુધી અમલ ન કરતાં રાજ્યોને વહેલામાં વહેલી તકે આ યોજનાનો અમલ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, દરેક નિર્ણયનાં કેન્દ્રમાં આરોગ્ય અને સુખાકારી હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, હવે આપણે પર્ફોર્મન્સ (કામગીરી), ટ્રાન્સપરન્સી (પારદર્શકતા) અને ડિલિવરી (કામગીરી પહોંચાડવા)ની લાક્ષણિકતા ધરાવતી વહીવટી વ્યવસ્થા તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતુ કે, સરકારી યોજનાઓ અને નિર્ણયોનો ઉચિત અમલ મહત્ત્વપૂર્ણ છે. તેમણે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલનાં સભ્યોને અસરકારક રીતે કામ કરે અને લોકો વિશ્વાસ ધરાવતાં હોય એવી સરકારી વ્યવસ્થા સ્થાપિત કરવામાં મદદ કરવા અપીલ કરી હતી.

 

RP(Release ID: 1574716) Visitor Counter : 391