ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ચક્રવાત ‘વાયુ’ પર ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કરી

Posted On: 11 JUN 2019 4:15PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11-06-2019

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ચક્રવાત વાયુને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/વિભાગોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જાણકારી આપી હતી કે, ચક્રવાત વાયુ ગુજરાતનાં દરિયાકિનારા પર પોરબંદર અને મહુવા વચ્ચે લગભગ વેરાવળ અને દીવ વિસ્તારમાં 13મી જૂન, 2019નાં રોજ વહેલી સવારે 110- 120 કિલોમીટર પ્રતિકલાક થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે ભયાનક વાવાઝોડા સાથે વરસાદ આવે એવી અપેક્ષા છે. એનાથી ગુજરાતનાં દરિયાકિનારાનાં જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ રહેલી છે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં દરિયાકિનારનાં નીચાણવાળા વિસ્તારોમાં ચક્રવાત આવવાનાં સમયે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ 9 એપ્રિલથી સંબંધિત તમામ રાજ્યોમાં નિયમિતપણે બુલેટિન જાહેર કરે છે.

સમીક્ષા પછી કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓને લોકોને સલામત સ્થળે ખસેડવા અને વીજળી, ટેલિકોમ્યુનિકેશન્સ, તબીબી સારવાર અને પીવાનાં પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ જાળવવાની સુનિશ્ચિતતા કરવા શક્ય તમામ પગલાં લેવાની તથા આ આવશ્યક સેવાઓને નુકસાન થવાનાં કિસ્સામાં તાત્કાલિક ધોરણે તેમને પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી હતી. તેમણે કન્ટ્રોલ રૂમની 24x7 કામગીરી માટે પણ સૂચના પણ આપી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી રાજીવ ગૌબા, ભૂવિજ્ઞાન મંત્રાલયનાં સચિવ ડૉ. એમ. રાજીવન તથા આઇએમડી અને ગૃહ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેબિનેટ સચિવ શ્રી પી. કે. સિંહાએ આજે મોડે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠકનું આયોજન પણ કર્યું છે, જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી શકાય. આ બેઠકમાં ગુજરાતનાં મુખ્ય સચિવ અને દીવ વહીવટીતંત્રનાં સલાહકાર પણ ઉપસ્થિત રહેશે.

ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારની સંબંધિત સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે. એનડીઆરએફએ હોડીઓ, ટ્રી-કટર્સ, ટેલિકોમ ઉપકરણો વગેરે સાથે 26 ટીમોને પહેલેથી જ તૈયાર રાખી છે અને ગુજરાત સરકારની વિનંતી મુજબ વધુ 10 ટીમો તૈયાર થઈ રહી છે.

ભારતીય તટરક્ષક દળ, નૌકાદળ, સૈન્ય અને વાયુદળનાં એકમોને પણ તૈનાત રાખવામાં આવ્યાં છે તથા દેખરેખ માટે વિમાન અને હેલિકોપ્ટરો હવાઈ સર્વેક્ષણ કરી રહ્યાં છે.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1573914) Visitor Counter : 366