મંત્રીમંડળ

એનડીએ સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં કરોડો ખેડૂતોને પેન્શનનું કવચ આપવાનો સીમાચિહ્નરૂપ નિર્ણય લેવાયો


પેન્શન યોજના ત્રણ વર્ષમાં 5 કરોડ ખેડૂતોના જીવનને સુરક્ષિત કરશે

આ યોજના પીએમ-કિસાન ઉપરાંત નાણાકીય ટેકો આપશે, જે આર્થિક ભારણ ઓછું કરશે અને વધારે કાર્યદક્ષતા તરફ દોરી જશે

Posted On: 31 MAY 2019 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્ર સરકારની એક નવી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય છે, જે દેશભરનાં ખેડૂતોને સક્ષમ બનાવશે. આ અભૂતપૂર્વ યોજના છે, જે આપણાં મહેનતુ ખેડૂતોને પેન્શન કવચ પ્રદાન કરશે, જેઓ આપણાં દેશને અનાજ પૂરું પાડવા રાતદિવસ મહેનત કરે છે. આઝાદી પછી પહેલી વાર આ પ્રકારની પેન્શન યોજના કે પેન્શન કવચની કલ્પના કરવામાં આવી છે, જે કરોડોને ખેડૂતોનાં જીવનને સુરક્ષિત બનાવશે.

એક અંદાજ મુજબ, 5 કરોડ નાનાં અને સીમાંત ખેડૂતોને પ્રથમ ત્રણ વર્ષ લાભ મળશે. કેન્દ્ર સરકાર યોજના અંતર્ગત સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે ખેડૂતોનાં પ્રદાન જેટલું પ્રદાન કરવા 3 વર્ષનાં સમયગાળા માટે રૂ. 10774.50 કરોડનો ખર્ચ કરશે.

આ યોજનાની વિશેષતાઓ નીચે મુજબ છેઃ

આ દેશનાં તમામ નાના અને સીમાંત ખેડૂતો (એસએમએફ) માટે સ્વૈચ્છિક અને સરકારનું યોગદાન ધરાવતી યોજના છે.

એમાં પ્રવેશની વયમર્યાદા 18 વર્ષથી 40 વર્ષ છે, જેમાં 60 વર્ષની વય પછી લઘુતમ રૂ. 3,000/-નું ફિક્સ્ડ પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે.

ઉદાહરણ તરીકે, લાભાર્થી ખેડૂતને પ્રવેશની સરેરાશ 29 વર્ષની વયે દર મહિને રૂ. 100નું યોગદાન કરવુ જરૂરી છે. કેન્દ્ર સરકાર લાયકાત ધરાવતા ખેડૂતો દ્વારા યોગદાન જેટલી રકમ પેન્શન ભંડોળમાં આપશે.

વીમાધારકનું મૃત્યુ થયા પછી જ્યારે પેન્શન મળશે, ત્યારે નાના અને સીમાંત ખેડૂત (એસએમએફ) લાભાર્થીનાં જીવનસાથી ફેમિલી પેન્શન તરીકે લાભાર્થી દ્વારા પ્રાપ્ત થતા પેન્શનનો 50 ટકા સુધીનો હિસ્સો મળશે, જેમાં શરત એ છે કે, તેઓ યોજનાનાં એસએમએફ લાભાર્થી ન હોવા જોઈએ. જો સબસ્ક્રાઇબરનું મૃત્યુ યોગદાન આપવાના સમય દરમિયાન થઈ જાય, તો જીવનસાથીને નિયમિત યોગદાનની ચુકવણી કરીને યોજના ચાલુ રાખવાનો વિકલ્પ પણ મળશે.

યોજના દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ સાથે સમન્વયઃ

યોજનાની એક રસપ્રદ ખાસિયત એ છે કે, ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનામાંથી પ્રાપ્ત થયેલા લાભની ચુકવણી સીધી યોજનાનાં માસિક પ્રદાનમાં કરવાની સુવિધા મળી શકે છે. એના વિકલ્પ સ્વરૂપે કોઈ પણ ખેડૂત એમઇઆઇટીવાય અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) દ્વારા નોંધણી કરાવીને એમના માસિક પ્રદાનની ચુકવણી કરી શકે છે.

મુખ્ય વચનો પૂર્ણ કર્યા, કૃષિ ક્ષેત્રને સક્ષમ બનાવ્યું:

આઝાદી પછી 70 વર્ષ સુધી ખેડૂતો માટે આ પ્રકારનાં સુરક્ષા કવચનો વિચાર અગાઉ ક્યારેય કરવામાં આવ્યો નહોતો. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌપ્રથમ આ પ્રકારનો વિચાર આવ્યો હતો, જેણે ભારતનાં તમામ વિસ્તારોમાં સારો પડઘો પાડ્યો હતો. આ પ્રકારની યોજનાનો ઉલ્લેખ ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યો હતો અને નવી સરકાર બન્યાં પછી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં આ વચન પૂર્ણ કરવામાં આવ્યું છે.

 

RP



(Release ID: 1573055) Visitor Counter : 284