પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના 50માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી

Posted On: 10 MAR 2019 1:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા ઈન્દ્રપુરમ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના જવાનોની પરેડનું અવલોકન કર્યું હતું. તેમણે વિશિષ્ટ અને પ્રતિભાશાળી સેવાઓ બદલ સેવા પદક એનાયત કર્યા હતા. તેમણે શહીદ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને મુલાકાત પોથીમાં હસ્તાક્ષર કર્યા હતા.

સીઆઈએસએફના જવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ તેમને સુવર્ણજંયતી નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. દેશમાં મહત્વપૂર્ણ સંસ્થાઓને સલામતી પૂરી પાડવામાં અને તેને સુરક્ષિત રાખવામાં તેમની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, નવા ભારત માટે નિર્માણ કરવામાં આવેલા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતીની જવાબદારી સીઆઈએસએફના સલામત હાથમાં છે.

પ્રધાનમંત્રીએ આ સુરક્ષા જવાનોને પૂરતો સહકાર આપવા માટે નાગરિકોને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વીઆઈપી કલ્ચર સુરક્ષાના માળખામાં અવરોધો લાવે છે. આથી, નાગરિકો સુરક્ષા જવાનોને સહકાર આપે તે ખૂબ મહત્વનું છે. સીઆઈએસએફની ભૂમિકા અને કામગીરી અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, પ્રધાનમંત્રીએ હવાઈ મથકો અને મેટ્રોમાં સીઆઈએસએફની કામગીરી દર્શાવતા ડિજિટલ સંગ્રહાલય શરૂ કરવાનો વિચાર સૂચવ્યો હતો.

દેશમાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષામાં સીઆઈએસએફની ભૂમિકાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દળ આપત્તિના સમયે પણ કામ કરે છે, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને બીજી સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ કરે છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ કેરળમાં આવેલા પૂર તેમજ નેપાળ અને હૈતીમાં આવેલા ભૂકંપ વખતે સીઆઈએસએફ દ્વારા કરાયેલી આપત્તિ રાહત કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર સુરક્ષાદળોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભે તેમણે દળોને અદ્યતન બનાવવા માટે અને તેમના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાનો ઉલ્લેખ કર્યો હતો.

સશસ્ત્ર દળો માટે ફરજ નિભાવવી એ તહેવારની ઉજવણી સમાન હોવાનું કહેતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદના કારણે ઉભા થયેલા પડકારોના કારણે સીઆઈએસએફની ભૂમિકા વધી ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર આતંકવાદનો ખાતમો બોલાવવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક પોલીસ અને અર્ધલશ્કરી દળોની બહાદૂરી અને બલિદાનને અર્પણ છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને રાષ્ટ્રીય પોલીસ સ્મારક જેવા સ્મારકો સુરક્ષાદળોના યોગદાન અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવશે. તેમણે સીઆઈએસએફમાં ઘણી મહિલા સૈનિકોને સમાવવા બદલ આ દળના પ્રયાસો બિરદાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જેમ-જેમ ભારતનો વિકાસ થાય છે તેમ, સીઆઈએસએફની જવાબદારી પણ તે પ્રમાણે વધતી જશે.

 

RP



(Release ID: 1568474) Visitor Counter : 289