પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કન્યાકુમારીમાં વિકાસ યોજનાઓનો શુભારંભ કર્યો

Posted On: 01 MAR 2019 5:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈમાં મદુરાઈ અને ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. કન્યાકુમારી ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે રામેશ્વરમ અને ધનુષકોટી વચ્ચે રેલવે કનેક્ટિવિટી ફરીથી શરૂ કરવા માટેના પ્રોજેકટનું ભૂમિપૂજન પણ કર્યું હતું અને પમબાન બ્રિજને ફરીથી શરૂ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કેટલાક રોડ પ્રોજેકટસનો પ્રારંભ પણ કર્યો હતો.

અહીં એકત્ર થયેલી મેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે વીંગ કમાન્ડર અભિનંદન તામિલનાડુના વતની છે તેનું દરેક ભારતીયને ગૌરવ છે.

તેમણે વિવેકાનંદ કેન્દ્રને થોડા દિવસ પહેલાં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો તે બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે તેજસ એક્સપ્રેસનો સમાવેશ અતિ આધુનિક ટ્રેઇનમાં થાય છે અને તે મેક ઈન ઇન્ડિયા નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે જણાવ્યું હતું કે રામેશ્વરમ-ધનુષ્કોટી રેલવે લાઈનને 1964ની દુર્ઘટના પછી નુકશાન થયું હતું અને તે 50થી વધુ વર્ષ સુધી નુકશાનની સ્થિતિમાં પડી રહી હતી. આ લાઈન તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કદી પણ થાય નહીં તે કરતાં મોડી-મોડી પણ શરૂઆત થાય તે બહેતર ગણીને અમે તેની કામગીરી હાથ ધરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ભાગ તરીકે 1.1 કરોડ ખેડૂતોને તેમના બેંકના ખાતાઓમાં પ્રથમ હપ્તો મળી ચૂક્યો છે. આ યોજના 24 દિવસમાં શરૂ થઈ જાય તે માટે અમે અવિરત રાત દિવસ કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે 10 વર્ષમાં અંદાજે રૂ. 7.5 લાખ કરોડની રકમ મહેનતુ ખેડૂતોને મળી જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોકોને સરકાર પાસેથી પ્રમાણિકતા, વિકાસ, પ્રગતિ, તકો અને સલામતીની અપેક્ષાઓ છે.

સુરક્ષા અને સંરક્ષણ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વર્ષોથી આતંકવાદના દૂષણનો સામનો કરી રહ્યું છે, હાલમાં મોટો તફાવત એ છે કે ભારત આતંકને કારણે બેસહાય નથી. આ નવું ભારત છે અને તે થયેલા નુકશાનનો આતંકવાદીઓને વ્યાજ સાથે બદલો આપશે. સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે ઇન્ડિયન ફર્સ્ટ અને ઇન્ડિયન ઓન્લીના સૂત્રમાં માનીએ છીએ.

કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી જે પગલાં લેવામાં આવી રહ્યા છે, તે અંગે પ્રધાનમંત્રીએ વિગતે વાત કરી હતી.

 

RP



(Release ID: 1567126) Visitor Counter : 200