પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિઓલ શાંતિ પુરસ્કાર સ્વીકૃતિ પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

Posted On: 22 FEB 2019 12:41PM by PIB Ahmedabad

સિઓલ શાંતિ પુરસ્કાર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનના ચેરમેન શ્રી નૉન ઈ-હ્યૉક

રાષ્ટ્રીય સભાના સ્પીકર, શ્રી મૂન હી-સેંગ,

સંસ્કૃતિ મંત્રી શ્રી ડુ જોંગ-હ્વાન

સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ, શ્રી બાન કી-મુન,

સિઓલ શાંતિ પુરસ્કાર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનના અન્ય સભ્યો,

માનવંતા મહાનુભવો,

દેવીઓ અને સજ્જનો

મિત્રો,

નમસ્કાર!

આન્યોંગ

હા-સેયો

યોરા-બુન્ન

હું સૌનું અભિવાદન કરૂ છું.

સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત થતા હું ઊંડા સન્માનની લાગણી અનુભવુ છું. હું માનું છું કે આ પુરસ્કાર વ્યક્તિગત રૂપે મને નથી મળ્યો, પરંતુ ભારતના લોકોને મળ્યો છે. ભારતે છેલ્લા 4 વર્ષથી પણ ઓછા સમયમાં જે સફળતા હાંસલ કરી છે તેના કારણે 1.3 અબજ ભારતીયોની તાકાત અને કૌશલ્યને આ પુરસ્કાર મળ્યો છે. આથી તેમના વતી હું આપનો આભાર માનું છું અને પુરસ્કારનો સ્વીકાર કરતાં આભાર વ્યક્ત કરું છું. આ પુરસ્કાર એ વસુધૈવ કુટુમ્બકમનો સંદેશો આપનાર વિચારધારાનું બહુમાન છે. એનો અર્થ એ થાય છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ પુરસ્કાર યુદ્ધ ક્ષેત્રમાં શાંતિનો સંદેશો આપનાર સંસ્કૃતિને પ્રાપ્ત થયો છે. ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં ભગવદ્દ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ પુરસ્કાર એ ભૂમિને છે, જ્યાં અમે આ શીખ્યા છીએઃ

ॐ द्यौ: शान्तिरन्तरिक्षं शान्ति, पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति,सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति, सा मा शान्तिरेधि॥
ॐ शान्ति: शान्ति: शान्ति:

એનો અર્થ થાય છે કે,

સર્વત્ર શાંતિ વ્યાપો, આકાશમાં શાંતિ વ્યાપો,

સમગ્ર પૃથ્વી પર, પ્રકૃતિમાં શાંતિ સ્થપાય,

સર્વત્ર શાશ્વત શાંતિ પ્રસરે.

આ પુરસ્કાર એ એવા લોકોને મળેલો પુરસ્કાર છે કે જે વ્યક્તિની મહેચ્છા કરતાં સમાજના હિતને સર્વોપરી ગણે છે. આ પુરસ્કાર મને એવા સમયે મળ્યો છે કે જ્યારે અમે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. મને આ પુરસ્કાર પેટે મળેલા 2 લાખ ડોલર કે જેનું મૂલ્ય રૂ. 1 કરોડ 30 લાખ થાય છે. તે હું નમામિ ગંગે ભંડોળને સમર્પિત કરૂં છું. ભારતના તમામ લોકો જેને પવિત્ર ગણે છે તે દેશના કરોડો નાગરિકો અને મહિલાઓની આર્થિક જીવાદોરી સમાન આ નદીને સ્વચ્છ કરવાનો અમારો પ્રયાસ છે.

મિત્રો,

સિઓલ શાંતિ પુરસ્કારની શરૂઆત સિઓલમાં 1988માં યોજાયેલા 24માં સમર ઓલિમ્પિકની સફળતા અને ભાવનાને બિરદાવવા માટે કરવામાં આવી હતી. ભારત આ રમતોને ખૂબ સારી રીતે યાદ કરે છે, કારણ કે રમતોનું સમાપન મહાત્મા ગાંધીના જન્મ દિવસે થયું હતું. આ રમતોમાં ઉત્તમ કોરિયન સંસ્કૃતિ, કોરિયાની આગતા-સ્વાગતા અને હુંફ અને કોરિયન અર્થતંત્રની સફળતા દર્શાવાઈ હતી અને એ બાબત પણ ભૂલવી ન જોઈએ કે તેના દ્વારા વૈશ્વિક ફલક પર એક નવા સ્પોર્ટીંગ પાવર હાઉસનું આગમન થયું હતું. વર્ષ 1988નો ઓલિમ્પિક એવા સમયે યોજાયો હતો, કે જ્યારે દુનિયામાં ઘણા પરિવર્તનો આવ્યા હતા. ઈરાન અને ઈરાક વચ્ચનું યુદ્ધ થોડા સમય પહેલાં જ પૂરૂ થયું હતું. અફઘાનિસ્તાનની એ સમયની સ્થિતિ સંબંધિત જીનિવા કરાર પર તે વર્ષના પ્રારંભમાં જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શીત યુદ્ધનો અંત આવ્યો હતો અને એવી મોટી આશા ઉભી થઈ હતી કે તે સમયે સુવર્ણ પ્રભાતનો પ્રારંભ થશે અને થોડા સમય માટે એવું થયું પણ હતું. 1988ની તુલનામાં વિશ્વ અત્યારે ઘણા પાસાઓમાં વધુ સારું છે, વૈશ્વિક ગરીબી સતત ઓછી થઈ રહી છે. આરોગ્ય અને શિક્ષણનાં પરિણામો સુધરી રહ્યા છે, છતા નિરાશા પેદા કરે તેવા ઘણાં પડકારો ચાલુ રહ્યા છે. એમાંના કેટલાક જૂના છે અને કેટલાક નવા પણ છે. સિઓલ ઓલિમ્પિક્સ યોજાયો તેના થોડા મહિના પહેલા જ જલવાયુ પરિવર્તન અંગે પ્રથમ જાહેર ચેતવણી પ્રાપ્ત થઈ હતી. આજે તેને માનવજાત માટેનું મોટું જોખમ ગણવામાં આવે છે. સિઓલ ઓલિમ્પિક્સ યોજાયો તેના થોડા સપ્તાહ પહેલાં જ અલ-કાયદા નામની એક સંસ્થા સ્થપાઈ હતી. હાલમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિશ્વ વ્યાપી બન્યો છે અને તે વિશ્વની શાંતિ અને સલામતી માટે મોટું જોખમ બની રહ્યો છે અને દુનિયાભરના કરોડો લોકો હાલમાં ભોજન, ઘર, આરોગ્ય, સ્વચ્છતા, ઊર્જાની ગુણવત્તાયુક્ત પ્રાપ્તિ અને આ બધાં ઉપરાંત જીવન ગૌરવના અભાવ અમે જોઈ રહ્યા છે. સ્પષ્ટ છે કે આ બાબતે ઘણું બધું કરવાનું છે. આપણે જે હાડમારીઓનો સામનો કરી રહ્યા છીએ તેનો ઉપાય સખત પરિશ્રમ છે અને ભારતે તેના પક્ષે જે ભૂમિકા બજાવવાની છે તે બજાવી રહ્યું છે. અમે ભારતના લોકો કે જે વિશ્વની માનવજાતનો એક ષષ્ટમાંશ હિસ્સો ધરાવીએ છીએ, તેમના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. હાલમાં ભારત સૌથી ઝડપી ગતિએ વિકસતુ દુનિયાનું મોટું અર્થતંત્ર છે અને મજબૂત આર્થિક પાયો ધરાવે છે. અમે જે ફેરફારો કર્યા છે તેના કારણે આ શક્ય બન્યું છે. 'મેક ઈન ઇન્ડિયા', 'સ્કીલ ઈન્ડિયા', 'ડિજિટલ ઇન્ડિયા', 'ક્લિન ઇન્ડિયા' જેવા પ્રયાસોના કારણે જે આર્થિક સામાજિક વિકાસ થયો છે તે જોઈ શકાય છે. અમે નાણાંકિય સમાવેશીતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ધિરાણની પ્રાપ્તિ, ડિજિટલ આર્થિક વ્યવહારો, છેવાડા સુધિની કનેક્ટિવિટી તથા નાના અને મધ્યમ કદનાં એકમોને સહયોગનો સમાવેશ થાય છે તેમજ આ બધા કાર્યો દ્વારા દેશભરમાં વિકાસ પ્રસરી રહ્યો છે અને ભારતના તમામ નાગરિકોની સ્થિતિ હવે વધુ સારી બની છે. સ્વચ્છ ભારત અભિયાન ભારતને વધુ સ્વચ્છ બનાવી રહ્યું છે. વર્ષ 2014માં સ્વચ્છતાનો વ્યાપ 38 ટકા હતો, આ ક્રમ આજે 98 ટકા સુધી પહોંચ્યો છે! ઉજ્જવલા યોજના થકી 500 મિલિયન ગરીબ અને દયનિય સ્થિતિમાં જીવતી ગ્રામીણ મહિલાઓના જીવનમાં સુધારો આવ્યો છે અને આ પહેલના કારણે ઘણા બધા સુધારા થયા છે અને અમે સમગ્રલક્ષી વિકાસમાં યોગદાન આપ્યું છે અને ભારત સંયુક્ત રાષ્ટ્રનું સતત વિકાસનું લક્ષ્ય સિદ્ધ કરવા તરફ આગળ વધી રહ્યું છે. અમારા તમામ પ્રયાસોમાં અમને મહાત્મા ગાંધીજીના સંદેશ થકી માર્ગદર્શન મળ્યું છે. આપણે જોયેલા ગરીબમાં ગરીબ અને નબળામાં નબળા માણસનો ચહેરો યાદ રાખવો જોઈએ અને આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે જે કદમ ભરવાનું આયોજન કરી રહ્યા છીએ તેનાથી તે વ્યક્તિને કોઈ લાભ થવાનો છે કે નહીં.

મિત્રો,

ભારતની વિકાસની ગાથા એ માત્ર ભારતના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે સારી કહી શકાય તેવી છે. આપણે એક-બીજા સાથે વધુને વધુ જોડાયેલા વિશ્વમાં વસી રહ્યા છીએ. ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર તરીકે આપણો વિકાસ અને સમૃદ્ધિથી અનિવાર્યપણે વિશ્વના વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન થશે. આપણે શાંતિપૂર્ણ, સ્થિર અને એક-બીજા સાથે આર્થિક રીતે જોડાયેલા વિશ્વ માટે કટિબદ્ધ છીએ. આંતરરાષ્ટ્રીય સમુદાયના એક જવાબદાર સભ્ય તરીકે આપણે જલવાયુ પરિવર્તન સામે સામુહિક લડત આપવા માટે આગળ આવ્યા છીએ. ઐતિહાસિક રીતે કાર્બનનો ઓછો વ્યાપ ધરાવતું ભારત દુનિયાની જલવાયુ પરિવર્તન માટેની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. સ્થાનિક સ્તરે આ કામગીરી અંગારવાયુ છૂટતો અટકાવવાની રાષ્ટ્રીય કાર્ય યોજના તરીકે, વન વિસ્તારનું આવરણ વધારવા અને પરંપરાગત કાર્બન ધરાવતા બળતણને બદલે પુનઃપ્રાપ્ય ઊર્જાના પૂરવઠા દ્વારા હલ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે અમે સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે સહયોગ સાધીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ જમીનમાંથી પ્રાપ્ત થતા બળતણના બદલે સ્વચ્છ અને અમર્યાદિત સૌર ઊર્જા પ્રાપ્ત કરવાનો છે. અમે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સૌથી મોટા દળ તરીકે યોગદાન આપી રહ્યા છીએ અને અમે કોરિયન દ્વિપકલ્પની શાંતિ માટે યોગદાન આપવાનું ગૌરવ અનુભવીએ છીએ. અમે જરૂરિયાત મંદ દેશોને સહાય કરી છે અને કુદરતી આપત્તિઓની ઘટનાઓમાં રાહત કાર્યો દ્વારા સક્રિયપણે માનવતાવાદી કામગીરી બજાવી છે. અમે સંઘર્ષ ક્ષેત્રોમાં કામગીરી હાથ ધરીને માત્ર ભારતીયો જ નહીં, પણ અન્ય ઘણાં દેશોના લોકોને આપત્તિમાંથી બહાર લાવ્યા છીએ. અમે અન્ય વિકસતા દેશોને વિકાસના સક્રિય ભાગીદાર માનીએ છીએ. અમારો માર્ગદર્શક સિદ્ધાંત તેમની ભૌતિક અને માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવાનો છે. અમારા આ પ્રયાસો મારફતે અમે એ બાબતની ખાતરી રાખીએ છીએ કે વૈશ્વિક બનતી જતી અને એક-બીજા સાથે જોડાયેલી દુનિયામાં આપણે તમામ લોકો એક સરખો અનુભવ કરી રહ્યા છીએ. વિતેલા થોડાક વર્ષોમાં મારી સરકારે વિવિધ ખંડો સાથે પરામર્શ હાથ ધરીને નવી ભાગીદારીઓ કરી છે. પૂર્વ એશિયાના સંદર્ભમા અમે ત્યાંના દેશો સાથેના સંબંધોને નવુ સ્વરૂપ આપ્યું છે, જેમાં એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ કોરિયાનો પણ સમાવેશ થાય છે. મને એ સાંભળીને આનંદ થયો છે કે અમારા પ્રયાસોનો પડઘો પ્રમુખ મૂનની નવી સધર્ન પોલિસીના અમલમાં દેખાયો છે.

મિત્રો,

ભારત વર્ષોથી શાંતિની ભૂમિ રહી છે. ભારતના લોકો હજારો વર્ષોથી શાંતિ તથા સંવાદી સહઅસ્તિત્વનો અભ્યાસ કર્યો છે. હજારો ભાષાઓ અને બોલીઓ અનેક રાજ્યો અને મુખ્ય ધર્મો સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ ભિન્નતા ધરાવતો દેશ છે. અમને એ બાબતનું ગૌરવ છે કે અમારા દેશમાં તમામ ધર્મો, માન્યતાઓ અને સમુદાયના લોકો સમૃદ્ધ બન્યા છે. અમને એ બાબતનું ગૌરવ છે કે અમારો સમાજ માત્ર સહિષ્ણુતા આધારિત છે તેવું નથી, પણ એક બીજા સાથેની ભિન્નતા અને ભિન્ન સંસ્કૃતિની ઉજવણી કરી રહ્યો છે.

મિત્રો,

કોરિયાની જેમ ભારતે પણ સરહદપારથી વેદના અનુભવી છે. શાંતિપૂર્ણ વિકાસના અમારા પ્રયાસોને સરહદપારથી આચરવામાં આવતા આતંકવાદને કારણે હાનિ પહોંચી છે. ભારત સરહદપારથી આચરવામાં આવતા આતંકવાદનો 40 વર્ષ કરતા વધુ સમયથી સામનો કરી રહ્યું છે. તમામ રાષ્ટ્રો અત્યારે એક ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે અને તે સમસ્યા કોઈ સરહદને ગણકારતી નથી. એવો સમય આવી પહોંચ્યો છે કે માનવતામાં માનતા તમામ લોકોએ આતંકવાદીઓના નેટવર્કને અને તેમને થતી નાણાંકિય સહાય, પુરવઠાની કડીઓનો આતંકવાદ વિરોધી વિચારધારા તેમજ પ્રચાર મારફતે સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ. આવું કરીને જ આપણે ધિક્કારને સંવાદિતામાં, વિનાશને વિકાસમાં તથા હિંસા અને બદલાની ભૂમિને શાંતિના પોસ્ટ-કાર્ડમાં રૂપાંતર કરી શકીશું.

મિત્રો,

કોરિયન દ્વીપ સમૂહે છેલ્લા થોડા વર્ષોમાં શાંતિ માટે જે પ્રયાસ કર્યા છે તે આવકારદાયક છે. પ્રમુખ મૂન તેમણે પરસ્પરના અવિશ્વાસનો વારસો દૂર કરવામાં અને ડી.પી.આર.કે તથા આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચેની આશંકા નિવારીને તેમને ચર્ચાના ટેબલ પર લાવવાની જે ભૂમિકા બજાવી છે, તે પ્રશંસાપાત્ર છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. હું ફરી એક વખત મારી સરકારનો બંને કોરિયા તથા અમેરિકા અને ડી.પી.આર.કે વચ્ચે ચાલી રહેલી સંવાદની પ્રક્રિયાને મજબૂત ટેકો આપું છું.

લોકપ્રિય કોરિયન કહેવતમાં જણાવ્યા મુજબઃ

શીચાગી ભાનીડા,

એટલે કે સારી શરૂઆત અડધુ યુદ્ધ જીતી લેવા બરાબર છે.

કોરિયન લોકોના શાંતિ માટેના સતત પ્રયાસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે અને કોરિયન દ્વિપ સમૂહમાં ટૂંક સમયમાં શાંતિ પ્રવર્તશે તેમ હું માનું છું. હું 1988ના ઓલિમ્પિક થીમ સોન્ગનો એક ભાગ ટાંકીને મારા પ્રવચનને પૂરૂ કરીશ, કારણ કે તેમાં આપણા સૌના માટે વધુ સારી આવતીકાલની ભાવના દર્શાવાઈ છે. હાથમાં હાથ મિલાવીને આપણે આ ભૂમિ પર ઉભા છીએ અને આપણે આ દુનિયાને જીવવા માટેનું વધુ સારુ સ્થાન બનાવીશું.

ગમાસા હમનીડા!

આભાર.

ખૂબ-ખૂબ આભાર.

 

J.Khunt/RP

 



(Release ID: 1566218) Visitor Counter : 421