પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસદભવનમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં તૈલિચિત્રનું અનાવરણ કરતા તેમને દેદીપ્યમાન શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કહ્યું કે અટલજીમાં સંવાદ સાધવાની સર્વોત્તમ કલા હતી અને તેમણે હંમેશાં લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો

Posted On: 12 FEB 2019 12:45PM by PIB Ahmedabad

આજે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનાં તૈલચિત્રનું  અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, લોકસભાનાં અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ બિહારી વાજપેયીજીને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં અટલજી હવે આ નવા સ્વરૂપે આપણને આશીર્વાદ આપતા રહેશે અને આપણને પ્રેરણા પણ આપતા રહેશે. તેમના પીઢ વ્યક્તિત્વ, માનવતાવાદી મૂલ્યો અને લોકો માટેનો પ્રેમ યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજીની સદગુણો અંગે વાતો કરતા કલાકોના કલાકો નીકળી જાય એમ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અટલજીએ પોતાની સુદીર્ઘ રાજકીય કારકિર્દીમાં મોટાભાગનો સમય વિપક્ષમાં પસાર કર્યો હતો. છતાં, તેમણે પોતાની વિચારધારાથી ક્યારેય વિચલિત થયા વિના જાહેર હિતના મુદ્દાઓ પર ધ્યાન દોરવાનું ચાલુ રાખ્યું હતું. અટલજીની સંવાદ સાધવાની કુશળતા અંગે વાત કરતાં તેમણે તેને બેજોડ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની વિનોદવૃત્તિ પણ ઉત્તમ હતી.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમનું મૌન પણ તેમનાં પ્રવચનો જેટલુ જ વાચાળ હતું. ક્યારે બોલવુ અને ક્યારે મૌન રહેવું એ તેમની અસાધારણ ગુણવત્તા હતી.

અટલ બિહારી વાજપેયીજીના વારસા અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે તેમના જીવનમાંથી એક મહત્વપૂર્ણ સંદેશ લઇ શકીએ છીએ, લોકશાહીમાં કોઈ કોઈનું દુશ્મન નથી હોતુ, માત્ર રાજકીય પ્રતિદ્વંદ્વીઓ હોય છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1563983) Visitor Counter : 102