નાણા મંત્રાલય
રૂ.15,000 સુધીની માસિક આવક ધરાવતા અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન બૃહદ પેન્શન યોજના શરૂ કરવાની દરખાસ્ત
આ દરખાસ્તથી 10 કરોડ શ્રમિકો અને કામદારોને લાભ થશે
Posted On:
01 FEB 2019 1:36PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2019
સરકારે રૂ.15,000 સુધીની માસિક આવક ધરાવતા અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન બૃહદ પેન્શન યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંસદમાં આજે વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરતાં કેન્દ્રના નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના એકંદર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) નો અડધો હિસ્સો અસંગઠીત ક્ષેત્રમાંથી આવે છે અને તે 42 કરોડ કામદારોના પરસેવા અને કઠોર પરિશ્રમનું પરિણામ છે. જે લારી ગલ્લાવાળા, રિક્ષાચાલક, બાંધકામ મજૂરો, કચરો વીણનાર, ખેત જૂર, બીડી બનાવનારા, હાથશાળ પર કામ કરનારા, ચામડાના કારીગર અને આ પ્રકારના અનેક કામોમાં લાગેલા છે. સરકારે તેમની વૃધ્ધાવસ્થા દરમિયાન તેમને વ્યાપક સામાજીક સુરક્ષા પૂરી પાડવી જોઈએ. આ માટે આયુષમાન ભારત યોજના હેઠળ અને સ્વાસ્થ્ય સેવા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ આપવામાં આવેલા જીવન અને દિવ્યાંગતા સંબંધી વીમા કવરેજ સિવાય પણ સરકારે અસંગઠીત ક્ષેત્રના આ કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ-યોગી માનધન બૃહદ પેન્શન યોજના શરૂ કરવાની દરખાસ્ત કરી છે. જેમની માસિક આવક રૂ.15,000 કે તથી ઓછી હશે તેવા કામદારોને આ યોજનાનો લાભ મળશે.
શ્રી ગોયલે જણાવ્યું કે આ પેન્શન યોજનાથી તે પોતાની કામ કરવાની વય દરમિયાન નાનકડી રકમનો માસિક હિસ્સો આપવાથી 60 વર્ષની ઉંમરથી તેમને રૂ.3,000નું માસિક પેન્શન મળી શકશે. 29 વર્ષની ઉંમરમાં આ પેન્શનમાં જોડાનાર અસંગઠીત ક્ષેત્રના કામદારે માત્ર માસિક રૂ.100ના યોગદાનથી શરૂઆત કરીને 60 વર્ષની ઉંમર સુધી ફાળો આપવાનો રહેશે. 18 વર્ષની ઉંમરે આ પેન્શન યોજનામાં સામેલ થનાર કામદારે દર મહિને માત્ર રૂ.55નો ફાળો આપવાનો રહેશે. સરકાર દર મહિને કામદારના પેન્શન ખાતામાં એટલી જ રકમ જમા કરશે. આશા રાખીએ કે હવે પછીના પાંચ વર્ષના ગાળામાં અસંગઠીત ક્ષેત્રના ઓછામાં ઓછા 10 કરોડ શ્રમિકો અને કામદારોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મળશે. જેના કારણે આ યોજના દુનિયાની સૌથી મોટી પેન્શન યોજનાઓમાંની એક બનશે. આ યોજના માટે રૂ.500 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જરૂર પડશે તેમ વધારાના નાણાંની પણ ફાળવણી કરવામાં આવશે. આ યોજના ચાલુ વર્ષથી જ લાગુ કરી દેવામાં આવશે.
NP/J.KHUNT/GP
(Release ID: 1562218)