પ્રધાનમંત્રીનું કાર્યાલય

વારાણસીમાં પ્રધાનમંત્રીઃ દેશને મલ્ટિમોડલ ટર્મિનલ અર્પણ કર્યું; મુખ્ય રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

Posted On: 12 NOV 2018 9:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી, તેમણે રૂ. 2400 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અથવા શિલાન્યાસ કર્યો હતો.

તેમણે ગંગા નદી પર મલ્ટિમોડલ ટર્મિનલ દેશને અર્પણ કર્યું હતું અને પ્રથમ કન્ટેઇનર કાર્ગોનું સ્વાગત કર્યું હતું. તેમણે વારાણસી રિંગ રોડનાં પ્રથમ ફેઝનું ઉદઘાટન કર્યું હતું તથા રાષ્ટ્રીય રાજમાર્ગ – 56નાં બાબતપુર વારાણસી સેક્શનનાં ફોર લેનિંગ માટે વિકાસ અને નિર્માણનું ઉદઘાટન કર્યું હતું. તેમણે વારાણસીમાં વિવિધ અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ભૂમિપૂજન પણ કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી ઉત્સાહી જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દિવસ કાશી માટે, પૂર્વાંચલ માટે, પૂર્વ ભારત અને સંપૂર્ણ ભારત માટે ઐતિહાસિક છે. તેમણે જણાવ્યું હતું કે, આજે થયેલું વિકાસલક્ષી કાર્ય દાયકા અગાઉ પૂર્ણ થવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે, વારાણસીની સાથે સમગ્ર દેશ અત્યારે અત્યાધુનિક માળખું કેવી રીતે પરિવહનનાં માધ્યમોને પરિવર્તિત કરી શકે છે એનું વિઝન દર્શાવે છે.

વારાણસીમાં પ્રથમ ઇન્લેન્ડ કન્ટેઇનર વેસ્સલનાં આગમનને સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વીય ઉત્તરપ્રદેશ હવે જળમાર્ગ બંગાળની ખાડી સાથે જોડાઈ ગયું છે.

તેમણે અન્ય વિવિધ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં રોડ અને નમામિ ગંગે સાથે સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે, જેનું આજે ઉદઘાટન કે ભૂમિપૂજન થયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરિક જળમાર્ગથી સમય અને નાણાં એમ બંનેની બચત થશે, માર્ગો પર ગીચતામાં ઘટાડો થશે, ઇંધણનો ખર્ચ ઘટશે અને વાહનથી પ્રદૂષણમાં ઘટાડો થશે.

તેમણે કહ્યું હતું કે, વારાણસી સાથે બાબતપુર એરપોર્ટને જોડતો માર્ગ પ્રવાસની સુવિધાઓ કરવા ઉપરાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ઝડપથી આધુનિક માળખાનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં એરપોર્ટ, પૂર્વોત્તર ક્ષેત્રોમાં રેલવેનું જોડાણ, ગ્રામીણ માર્ગો અને રાજમાર્ગો કેન્દ્ર સરકારની ઓળખનો ભાગ બની ગયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી નમામી ગંગે હેઠળ રૂ. 23,000 કરોડનાં વિવિધ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ગંગા નદીને કિનારે લગભગ તમામ ગામડાંઓ હવે ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત (ઓડીએફ) બન્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ગંગા નદીને સ્વચ્છ કરવાની કટિબદ્ધતાનો ભાગ છે.

 

RP



(Release ID: 1552539) Visitor Counter : 151