પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિયાણાની મુલાકાત લીધી, સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું, રેલ કોચ રિફર્બિશિંગ કારખાનાનું ભૂમિપૂજન કર્યું
प्रविष्टि तिथि:
09 OCT 2018 6:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે હરિયાણામાં રોહતક, સાંપલાની મુલાકાત લીધી હતી અને દીનબંધુ સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ એક જનસભામાં રેલ કોચ રીફર્બિશિંગ કારખાના, સોનેપતનું ભૂમિપૂજન દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ કારખાનાનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી આ ઉત્તર ભારતમાં રેલ કોચ માટે મહત્ત્વપૂર્ણ રિફર્બિશિંગ અને મેઇન્ટેનન્સ સુવિધા સ્વરૂપે સામે આવશે. મોડ્યુલર અને પ્રીફેબ્રિકેટેડ નિર્માણ ટેકનિકો, આધુનિક મશીનરી અને પર્યાવરણને અનુકૂળ ખાસિયતોનો ઉપયોગ કરીને આ કારખાનાની સ્થાપના થઈ રહી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચૌધરી છોટૂ રામજી એ સામાજિક સુધારકોમાંથી એક હતાં, જેમણે ભારતમાં આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે સર છોટૂ રામને પીડિતો અને વંચિતોનાં ઉદ્ધાર માટે સતત કાર્ય કરનાર મહાન વ્યક્તિ ગણાવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રેલ કોચ રિફર્બિશિંગ કારખાનું સોનેપત અને સમગ્ર હરિયાણા રાજ્યનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી આ વિસ્તારનાં નાનાં ઉદ્યોગસાહસિકોને લાભ મળવાની સાથે યુવાનો માટે રોજગારીની તકોનું પણ સર્જન થશે.
પ્રધાનમંત્રીએ સર છોટૂ રામનાં વિઝનની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે ભાખડા બંધ વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઉચિત મૂલ્ય આપવા માટે સર છોટૂ રામ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે કેન્દ્ર સરકારે આ દિશામાં ઉઠાવેલા વિવિધ પગલાં વિશે પણ જણાવ્યું હતું.
આયુષ્માન ભારત યોજનાની દિશામાં પ્રગતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્વાસ્થ્ય વીમા યોજનાનું પ્રથમ લાભાર્થી આ રાજ્ય છે. તેમણે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફક્ત બે અઠવાડિયામાં જ 50,000થી વધારે લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે.
પ્રધાનમંત્રીએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલી શાનદાર સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે, હરિયાણાનાં ગામડાઓમાં જન્મ લેનાર કન્યાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં દેશને ગૌરવ પ્રદાન કરી રહી છે અને સાથે-સાથે હરિયાણાનાં યુવાનો ભારતને રમતગમતનાં ક્ષેત્રમાં એક વૈશ્વિક તાકાત બનાવવામાં મદદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, એનાથી આ સંકેત મળે છે કે, આપણે સર છોટૂ રામનાં સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છીએ.
RP
(रिलीज़ आईडी: 1549106)
आगंतुक पटल : 221