પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લીધો; સભાને સંબોધન કર્યુ

Posted On: 14 SEP 2018 2:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે ઇન્દોરમાં ઇમામ હુસૈન(એસએ)ના શહાદતના સ્મરણોત્સવ અશરા મુબારકામાં ઉપસ્થિત દાઉદી વોહરા સમુદાયને સંબોધન કર્યું હતું.

ઇમામ હુસૈને આપેલા બલિદાનને બિરદાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઇમામ હંમેશાં અન્યાય સામે ઉભા રહેતા હતા અને તેમણે શાંતિ અને ન્યાય માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધુ હતું. તેમણે જણાવ્યું કે ઇમામ હુસૈનના વિચારો આજે પણ પ્રસ્તુત છે. ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને કરેલાં કાર્યોને બિરદાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને સમર્પણ એ તેમણે આપેલા બોધપાઠનો મુખ્ય હિસ્સો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌને સાથે રાખીને ચાલવાની સંસ્કૃતિ ભારતને અન્ય દેશો કરતાં જુદો પાડે છે."આપણને આપણા ભૂતકાળનુ ગૌરવ છે. આપણે આપણા વર્તમાનમાં માનીએ છીએ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી છીએ."

દાઉદી વોહરા સમાજે કરેલા પ્રદાન અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમુદાયે હંમેશાં દેશના વિકાસ અને સફળતાની ગાથામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ સમાજ ભારતીય સંસ્કૃતિની તાકાતને સમગ્ર દુનિયામાં પ્રસરાવવાનું મહત્વનું કાર્ય ચાલુ રાખશે.

વોહરા સમુદાયની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે મને હંમેશા વોહરા સમુદાયનો પ્રેમ મળ્યો છે તે મારા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ સમાજે આપેલા સહયોગને યાદ કરતાં મોદીએ  જણાવ્યું હતુ કે, આ સમાજનો પ્રેમ જ મને ઇન્દોર સુધી ખેંચી લાવ્યો છે.

દાઉદી વોહરા સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રકારની સામાજિક પહેલોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે નાગરિકોના જીવન ધોરણને અને ખાસ કરીને ગરીબ તથા જરૂરિયાત મંદ લોકોના જીવનધોરણને સુધારવા માટે વિવિધ પગલાં લીધાં છે. આ સંદર્ભમાં તેમણે આયુષ્યમાન ભરત, સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારની કેટલીક વિકાસલક્ષી પહેલની યાદ અપાવી હતી. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રકારની વિવિધ પહેલોને કારણે સામાન્ય માનવીનુ જીવન ધોરણ સુધરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા બદલ ઇન્દોરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આવતી કાલે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ શરૂ થશે. તેમણે નાગરિકોને આ ભવ્ય સ્વચ્છતા મિશનમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો હતો.

વોહરા સમુદાયે વેપારમાં જે પ્રમાણિકતા દાખવી છે તેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર જીએસટી, નાદારી અને દેવાળીયાપણું કાયદા મારફતે પ્રમાણિક ઉદ્યમીઓને અને કર્મચારીઓને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું કે અર્થતંત્ર વિકસી રહ્યું છે અને નવું ભારત ક્ષિતીજે ઉભું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ અગાઉ ડૉ. સૈયદના મુફાદ્દલે તેમની ઉદાહરણરૂપ કામગીરી બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી અને તેમને દેશ માટે કરવામાં આવેલા કાર્યો માટે શુભેચ્છા પાઠવી હતી.

 

J.Khunt/RP



(Release ID: 1546169) Visitor Counter : 78