પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય હિંદી સમિતિની 31મી બેઠક સંપન્ન થઈ

Posted On: 06 SEP 2018 4:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય હિંદી સમિતિની 31મી બેઠક યોજાઈ હતી.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં સમિતિનાં તમામ સભ્યોને રચનાત્મક અને વ્યવહારિક સૂચનો આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંદી ભાષાનો પ્રસાર સામાન્ય બોલચાલની ભાષામાં જ થવો જોઈએ તથા સરકારી કામકાજમાં પણ ક્લિષ્ટ તકનીકી શબ્દોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. સરકારી અને સામાજિક હિંદી વચ્ચે અંતર ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાનનું નેતૃત્વ કરી શકે છે.

વિશ્વભરમાં પોતાનાં અનુભવોની ચર્ચા કરીને પ્રધાનમંત્રીએ તમામ સભ્યોને આશ્વાસન આપ્યું હતું કે, આપણે હિંદી સહિત તમામ ભારતીય ભાષાઓનાં માધ્યમથી સંપૂર્ણ દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ.

આ પ્રકારે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે તમિલ જેવી વિશ્વની પ્રાચીન ભારતીય ભાષાઓ પર ગર્વ કરીએ છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશની તમામ ભાષાઓ હિંદીને પણ સમૃદ્ધ કરી શકે છે. આ સંબંધમાં પ્રધાનમંત્રીએ સરકારની એક ભારત, શ્રેષ્ઠ ભારતપહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ અગાઉ ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહના સ્વાગત સંબોધન બાદ સચિવ (રાજભાષા)એ કાર્યસૂચીને અનુરૂપ વિવિધ વિષયો પર અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા પ્રસ્તુત કરી  હતી. વિવિધ સભ્યોએ આ મુદ્દાઓ પર અને હિંદી ભાષાનાં પ્રચાર-પ્રસાર સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય હિંદી નિર્દેશાલય દ્વારા પ્રકાશિત ગુજરાતી-હિંદી કોષનું વિમોચન પણ કર્યું હતું.

લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ મંત્રીઓ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતનાં મુખ્યમંત્રી તથા સમિતિનાં અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.



(Release ID: 1545181) Visitor Counter : 123