પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવ્યો – નાણાકીય સર્વસમાવેશતા તરફ એક મોટી પહેલ

Posted On: 01 SEP 2018 5:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાં 3000થી વધારે સ્થળો પરથી પોસ્ટ વિભાગનાં કર્મચારીઓ સામેલ થયાં હતાં, જેઓ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે બેંકિંગ સેવાઓ દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં અને ત્યાં રહેતાં લોકો સુધી પહોંચશે તેમજ તેમને બેંકની જુદી-જુદી સેવાઓ સરળતાપૂર્વક પ્રાપ્ત થશે.

 

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકારે નાણાકીય સર્વસમાવેશતા સ્થાપિત કરવા જન-ધન યોજના શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે શરુ થયેલી આઇપીપીબી આ ઉદ્દેશને પાર પાડવા માટેની વધુ એક પહેલ છે. તેમણે કહ્યું હતું કે, આજે આઇપીપીબીની શાખાઓ તમામ 650 જિલ્લાઓમાં ખુલી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગામડાઓમાં લાંબા સમયથી પોસ્ટમેન કે ટપાલી સન્માનજનક સ્થાન ધરાવે છે અને ગામડાઓમાં દરેક ઘર સુધીની પહોંચ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીનો વિકાસ થવા છતાં પોસ્ટમેન પરનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારનો અભિગમ વર્તમાન માળખા અને ઢાંચામાં સુધારો કરવાનો છે, એટલે કે બદલાતાં સમયની સાથે તેનું સુસંગત પરિવર્તન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે અને ત્રણ લાખથી વધારે પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકોછે, જેઓ દેશનાં લોકો સાથે જોડાયેલાં છે. અત્યારે તેમની પાસે સ્માર્ટફોન છે અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા ડિજિટલ ઉપકરણો છે.

 

તેમણે આઇપીપીબીનાં વિવિધ લાભ સમજાવતાં કહ્યું હતું કે, આઇપીપીબી નાણાનું હસ્તાંતરણ કરવા સક્ષમ બનાવશે, સરકારની વિવિધ લાભદાયકા યોજનાનો નાણાકીય લાભ લાભાર્થીઓનાં ખાતામાં સીધો જમા કરશે, બિલની ચુકવણીમાં મદદરૂપ થશે તેમજ રોકાણ અને વીમા જેવી અન્ય સેવાઓ સરળતાપૂર્વક મળી શકશે, પોસ્ટમેન આ સેવાઓ ઘરઆંગણે પૂરી પાડશે, આઇપીપીબી ડિજિટલ નાણાકીય વ્યવહારોની સુવિધા પણ આપશે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી અન્ય યોજનાઓનો લાભ આપવામાં મદદરૂપ થશે, જે ખેડૂતો માટે સહાયક બનશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં બેંકિંગ ક્ષેત્રમાં અનુચિત રીતે લોનની વહેંચણી થવાથી વિવિધ ખામીઓ અને સમસ્યાઓ સર્જાઈ છે, જેનું સમાધાન કરવા માટે વર્ષ 2014થી કેન્દ્ર સરકાર કામ કરી રહી છે, હાલ લોનોની સમીક્ષા થઈ રહી છે અને બેંકિંગ ક્ષેત્રનાં સંબંધમાં વ્યાવસાયિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમણે ફરાર આર્થિક અપરાધી બિલ જેવા અન્ય પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો, જે અપરાધીઓનો દંડ સુનિશ્ચિત કરે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ગરીબો અને મધ્યમ વર્ગને 13 લાખ કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યની મુદ્રા લોન આપવામાં આવી છે, જેથી તેમને સ્વરોજગારીની તકો મળી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનાં રમતવીરો હાલ એશિયન રમતોત્સવમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે અને અર્થતંત્ર વૃદ્ધિનાં પ્રોત્સાહનજનક આંકડા દર્શાવે છે, ત્યારે સંપૂર્ણ દેશનાં લોકોમાં નવો આત્મવિશ્વાસ જણાય છે, આ લોકોનાં સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને સાથે-સાથે ભારત ઝડપથી ગરીબી નાબૂદ કરતો દેશ પણ બની રહ્યો છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 3 લાખ ડાક સેવકોગામડાઓમાં દરેક ઘર, દરેક ખેડૂત અને દરેક નાનાં ઉદ્યોગસાહસને નાણાકીય સેવા પૂરી પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં થોડાં મહિનાઓમાં કેટલાંક પગલાં ડાક સેવકોનાં કલ્યાણ માટે અને તેમની લાંબા ગાળાથી વિલંબિત માગણીઓ પૂરી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનાં આ વિવિધ પગલાંઓથી એમનાં પગારમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આઇપીપીબી આગામી થોડાં મહિનાઓની અંદર દેશભરમાં 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ સુધી પહોંચશે.

 

RP



(Release ID: 1544753) Visitor Counter : 316