પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે (23-27 જુલાઈ, 2018)

Posted On: 23 JUL 2018 6:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક રવાન્ડા (23-24 જુલાઈ), પ્રજાસત્તાક યુગાન્ડા (24-25 જુલાઈ) અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકા (25-27 જુલાઈ)ની સત્તાવાર મુલાકાત લેશે. ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રી દ્વારા આ રવાન્ડાની પ્રથમ મુલાકાત હશે અને છેલ્લાં 20 વર્ષમાં આપણાં કોઈ પણ પ્રધાનમંત્રી યુગાન્ડાની પ્રથમ વાર મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બ્રિક્સ શિખર સંમેલનનાં ઉપક્રમે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે.

રવાન્ડા અને યુગાન્ડામાં પ્રધાનમંત્રીનાં સત્તાવાર કાર્યક્રમોમાં બંને દેશોનાં રાષ્ટ્રપતિઓ સાથેની મુલાકાતો, પ્રતિનિધિમંડળ સ્તરના વાટાઘાટો તથા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાય સાથેની બેઠકો સામેલ છે. પ્રધાનમંત્રી રવાન્ડામાં જિનોસાઇડ સ્મારકની મુલાકાત લેશે અને ગિરિન્કા (દરેક કુટુંબદીઠ એક ગાય) નામના કાર્યક્રમમાં સહભાગી થશે, જે રાષ્ટ્રીય સામાજિક સંરક્ષણ યોજના છે અને રવાન્ડાનાં રાષ્ટ્રપતિ પૉલ કાગામેએ શરૂ કરેલી અંગત પહેલ છે. પ્રધાનમંત્રી યુગાન્ડાની સંસદમાં કી નોટ સંબોધન કરશે, જે ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીનું યુગાન્ડાની સંસદનું પ્રથમ સંબોધન હશે.

દક્ષિણ આફ્રિકામાં પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તથા બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપશે અને બ્રિક્સ સંબંધિત અન્ય બેઠકોમાં સામેલ થશે. બ્રિક્સ બેઠકો ઉપરાંત વિવિધ દેશો સાથેનાં વડાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની પણ યોજના છે.

ભારત દસકાઓથી આફ્રિકા સાથે ગાઢ, ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે, જે મજબૂત વિકાસલક્ષી ભાગીદારી તથા ભારતીય સમુદાયની મોટી સંખ્યામાં હાજરીથી ગાઢ બન્યાં છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર, કૃષિ અને ડેરી સહકારનાં ક્ષેત્રોમાં અનેક સમજૂતીઓ અને સમજૂતીકરારો (એમઓયુ) પર હસ્તાક્ષર થશે.

છેલ્લાં થોડાં વર્ષોમાં આફ્રિકાનાં જુદાં-જુદાં દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં આપણા સંબંધો નોંધપાત્ર રીતે ગાઢ બન્યાં છે તથા છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનાં સ્તરે આફ્રિકાની 23 મુલાકાતો યોજાઈ છે. ભારતની વિદેશી નીતિમાં આફ્રિકા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીની રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત આફ્રિકા ખંડ સાથે આપણાં સંબંધોને વધારે ગાઢ બનાવશે.



(Release ID: 1539608) Visitor Counter : 177