પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિર્ઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી

Posted On: 15 JUL 2018 12:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિર્ઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ રાજ્યમાં સિંચાઈની સુવિધાને મોટું પ્રોત્સાહન આપશે તથા ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુર અને અલ્હાબાદ જિલ્લાઓનાં ખેડૂતો માટે મોટા પાયે લાભદાયક થશે.

શ્રી નરેન્દ્ર મોદીએ મિર્ઝાપુર મેડિકલ કોલેજનું શિલારોપણ કર્યું હતું. તેમણે રાજ્યમાં 100 જન ઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન પણ કર્યું હતું. તેમણે ચુનારમાં બાલુઘાટ ખાતે ગંગા નદી પર એક પુલનું લોકાર્પણ પણ કર્યું હતું, જે મિર્ઝાપુર અને વારાણસી વચ્ચે જોડાણની સુવિધા આપશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મિર્ઝાપુરનો વિસ્તાર ઘણી સંભવિતતા ધરાવે છે. તેમણે મિર્ઝાપુરમાં સૌર પ્લાન્ટનું ઉદઘાટન કરવા ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે લીધેલી અગાઉની મુલાકાતને યાદ કરી હતી.

અહીં પ્રધાનમંત્રીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે છેલ્લાં બે દિવસમાં ઉદઘાટન કરેલા કે શિલાન્યાસ કરેલા વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, બાણસાગર પ્રોજેક્ટની યોજના ચાર દાયકા અગાઉ બની હતી અને તેનો શિલાન્યાસ વર્ષ 1978માં થયો હતો, પણ પ્રોજેક્ટમાં બિનજરૂરી વિલંબ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં.

કેન્દ્ર સરકારની ખેડૂતો માટેનાં વિવિધ કલ્યાણકારી પગલાંઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ વિવિધ ખરીફ પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં તાજેતરમાં થયેલા વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમણે ગરીબો માટે સ્વાસ્થ્ય સેવાઓને વાજબી બનાવવા માટેનાં પગલાં વિશે વાત કરી હતી, જેમાં જન ઔષધિ કેન્દ્રો માટેની વાત સામેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન રોગનું નિયંત્રણ કરવામાં અસરકારકતા પણ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વાત કરી હતી.

 

RP



(Release ID: 1538692) Visitor Counter : 131