મંત્રીમંડળ

મંત્રીમંડળે ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (જીડીએસ)ના પગાર માળખા અને ભથ્થામાં પુનઃવિચાર કરવા મંજૂરી આપી

Posted On: 06 JUN 2018 3:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (જીડીએસ)ના પગાર માળખા અને ભથ્થામાં સુધારો કરવા માટે મંજૂરી આપી દીધી છે.

પગાર માળખામાં કરવામાં આવનાર સુધારાથી વર્ષ 2018-19 દરમિયાન 1257.75 કરોડ રૂપિયાનો (નોન-રિકરીંગ ખર્ચ – 860.95 કરોડ રૂપિયા અને રિકરીંગ ખર્ચ – 396.80 કરોડ રૂપિયાનો) અંદાજીત ખર્ચ થશે.

પગારના આ સુધારાથી 3.07 લાખ ગ્રામીણ ડાક સેવકોને લાભ મળશે.

વિગતો:

  1. સમય સંબંધિત નિયમિતતા ભથ્થાનાં (ટીઆરસીએ) માળખાને અને સ્લેબને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. કુલ જીડીએસને મુખ્યત્વે બે શ્રેણી અર્થાત બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (બીપીએમ) અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટર સિવાય અન્ય એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (એબીપીએમએસ) તેના અંતર્ગત લાવવામાં આવ્યા છે.
  2. વર્તમાન 11 ટીઆરસીએ સ્લેબને માત્ર ત્રણ ટીઆરસીએ સ્લેબમાં ભેળવી દેવામાં આવશે જેમાં પ્રત્યેકના બે સ્તર હશે, બીપીએમએસ અને બીપીએમએસ સિવાયના અન્ય માટે.
  3. નવા સમય સંબંધિત નિયમિતતા ભથ્થા (ટીઆરસીએ)ની રૂપરેખા નીચે મુજબ છે:

 

કામગીરીના કલાકો/સ્તર અનુસાર પ્રસ્તાવિત બે પ્રકારોના લઘુત્તમ ટીઆરસીએ

ક્રમ

શ્રેણી

4 કલાક/સ્તર 1 માટે લઘુત્તમ ટીઆરસીએ

5 કલાક/સ્તર 2 માટે લઘુત્તમ ટીઆરસીએ

1

બીપીએમ

12,000/- રૂપિયા

14,500/- રૂપિયા

2

એબીપીએમ/ડાક સેવકો

10,000/- રૂપિયા

12,000/- રૂપિયા

  1. મોંઘવારી ભથ્થાને અલગથી ચુકવવાનું યથાવત રાખવામાં આવશે અને જ્યારે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેમા સુધારો થશે ત્યારે સમયે-સમયે તેમાં પણ સુધારો કરવામાં આવશે.
  2. જ્યાં સુધી નવી યોજના ઘડી કાઢવામાં ન આવે ત્યાં સુધી 7,000 રૂપિયાની સીમા સુધી બેઝીક ટીઆરસીએ + ડીએ તરીકે અમલમાં મુકીને એક્સ ગ્રેશિયા બોનસની ગણતરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  3. 1.1.2016થી લઈને અમલીકરણની તારીખ સુધીના એરીયર્સને આ સમયગાળા દરમિયાન ખેંચવામાં આવેલા બેઝીક ટીઆરસીએને 2.57ના ફેકટર સાથે વધારીને ચુકવવામાં આવશે. આ એરીયર્સને એક જ હફ્તામાં ચુકવવામાં આવશે.
  4. જીડીએસની લેખિત વિનંતીના આધારે 3 ટકાના દરે થનાર વાર્ષિક વધારો અને તેને દર વર્ષે ૧લી જાન્યુઆરી અથવા ૧લી જુલાઈના રોજ આપવામાં આવશે.
  5. નવા જોખમ અને મુશ્કેલી ભથ્થાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અન્ય ભથ્થાઓ જેવા કે ઓફીસ મેઈન્ટેનન્સ ભથ્થું, સંયુક્ત ફરજ ભથ્થું, રોકડ લાવવા-લઇ જવાનું ભથ્થું, સાયકલ સંભાળ ભથ્થું, નૌકા ભથ્થું અને નિર્ધારિત સ્ટેશનરીની રકમને ફરી સુધારવામાં આવી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્ય:

આ સુધારાથી ગ્રામીણ ડાક સેવકને સુધારેલા પગાર, ભથ્થાઓ અને અન્ય લાભ પ્રાપ્ત થશે જેના પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં ચોક્સાઈવાળી અને સસ્તી પ્રાથમિક ટપાલ સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ પ્રસ્તાવિત વધેલા વેતનથી તેને તેમના સામાજિક આર્થિક દરજ્જાને સુધારવામાં પણ સક્ષમ બનાવશે.

અસરો:

બ્રાન્ચ પોસ્ટ ઓફિસો એ ગામડાઓમાં સંચાર અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટેનો આધાર છે અને તે દુર-સુદૂરના વિસ્તારોમાં આવેલી છે. ગ્રાહકોને ચૂકવણી કરતી વખતે પોસ્ટ માસ્ટરને ઘણી મોટી રકમ સાથે કામ કરવું પડે છે; આથી તેના કામમાં જવાબદારી પહેલેથી જ રહેલી છે. વધેલા પગાર અને પ્રોત્સાહનો દ્વારા જવાબદારીની ભાવનામાં વૃદ્ધિ થશે. વધુમાં, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)ના આવતાની સાથે જ ગ્રામીણ વસ્તીની નાણાકીય સમાવેશીતાની પ્રક્રિયામાં સીડીએસ એ મહત્વની ભૂમિકા નિભાવશે તેવી આશા છે.

પાર્શ્વભૂમિકા:

ટપાલ વિભાગમાં વધારાની વિભાગીય વ્યવસ્થાને 150 વર્ષથી વધુ સમય પહેલા સ્થાપવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પાયાની, આર્થિક અને અસરકારક ટપાલ સેવાઓ પૂરો પાડવાનો હતો કે જ્યાં પૂર્ણ સમયના નિયમિત કર્મચારીઓની કોઈ જોગવાઈ કરવામાં નહોતી આવી. એક લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો છેતાલીસ (1,29,346) વધારાની વિભાગીય બ્રાન્ચ પોસ્ટ ઓફીસને પ્રાથમિક તબક્કે ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર સિવાયના ગ્રામીણ ડાક સેવકો બ્રાન્ચ, સબ અને હેડ પોસ્ટ ઓફિસોમાં પણ કામ કરી રહ્યા છે. ગ્રામીણ ડાક સેવકોની કામગીરીના મુખ્ય અંગો એ છે કે તેઓ પ્રતિદિન 3 થી 5 કલાકના પાર્ટ ટાઈમ તરીકે કામ કરે છે અને તેમની રોજગારી અન્ય સ્રોતોમાંથી પૂરી કરે છે જેથી કરીને તેમના માટે અને તેમના પરિવારોની જીવન જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. તેઓ 65 વર્ષની ઉંમર સુધી સેવામાં કાર્યરત રહે છે.

NP/J.Khunt/RP



(Release ID: 1534763) Visitor Counter : 448